તરંગઃ - ૮૧ - શ્રીહરિ ગઢપુરવિષે રહ્યા થકા અન્નકોટ ઉત્સવ પોતે કરાવ્યો ને દત્તપુત્ર કરીને બે આચાર્યને સ્થાપન કર્યા

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 11:44am

પૂર્વછાયો
દુર્ગપુરે અલબેલડો, સભાકરી બેઠા લાલ । તેવે જીર્ણગઢથી આવ્યા, હેમંતસિંહ ભૂપાલ ।।૧।।
વળી ધોલેરા બંદરના, આવ્યા પુંજાજી રાજન । દાદાના દરબારમાં, જ્યાં બિરાજ્યા ભગવાન ।।૨।।
પ્રેમવડે પ્રણામ કર્યા, મન થઇને મગન । બ્રહ્મમોલના વાસી સુણો, વિનંતિ મારી જીવન ।।૩।।
મંદિર અમારા ગામમાં, કરવાં છે કૃપાનાથ । સંતને આપો આગન્યા, તે આવે અમારી સાથ ।।૪।।
જે જોયે તે સામગ્રી સર્વે, આપીશું અવિનાશ । એવી વાણી સુણી હરિયે, સેવાતણી સુખરાશ ।।૫।।

ચોપાઇ
એવાં સુણી નમ્ર વચન, થયા પ્રગટ પ્રભુ પ્રસન્ન । બ્રહ્મમુનિ પ્રત્યે તેહ સ્થાન, કહે વચન શ્રીભગવાન ।।૬।।
સ્વામી જાઓ તમે જાુનાગઢ, મંદિર કરાવો ત્યાં જઇ દઢ । હેમંતસિંહના સાથે જાઓ, સુશોભિત મંદિર કરાવો ।।૭।।
પછે ધોલેરા બંદર કાજે, શુભ આજ્ઞા કરી મહારાજે । અદ્ભુતાનંદ સ્વામી સનાથ, વળી પુંજાજીને મુક્યા સાથ ।।૮।।
પ્રાણપતિની આજ્ઞા પ્રમાણે, બન્ને મુનિ ગયા છે તે ટાણે । રુડાં મંદિર કરાવ્યાં સારાં, અતિ નૌતમ ઓપિત ન્યારાં ।।૯।।
હવે શ્રીહરિ સહજાનંદ, ગઢપુરે રહ્યા સુખકંદ । પ્રાગજી દવેની પાસે પ્રીતે, કથા સુણે નટવર નિતે ।।૧૦।।
બ્રહ્મવૈવર્ત નામે પુરાણ, તે વંચાવે છે જીવનપ્રાણ । વળી પંચમ સ્કંધ જરુર, તે પણ વંચાવ્યો ધારી ઉર ।।૧૧।।
કથા પૂરણ થઇ છે જ્યારે, તેની સમાપ્તિ કરી છે ત્યારે । પુરાણીનું કર્યું છે પૂજન, શ્રીહરિવરે થઇ પ્રસન્ન ।।૧૨।।
અન્નકૂટ દીપોત્સવીતણો, કર્યો છે ઉત્સવ અતિ ઘણો । પોતાતણાં માતા પિતા જેહ, તેનો જન્મોત્સવ આવ્યો એહ ।।૧૩।।
તેનો કર્યો મનમાં વિચાર, જાવું વૃત્તપુરી વિષે સાર । ઇચ્છારામ ને રામપ્રતાપ, સંત હરિજન સાથે આપ ।।૧૪।।
પછે ત્યાં થકી તો તતકાળ, વાલમ વિચર્યા વડતાલ । શ્રીલક્ષ્મીનારાયણ પાવન, તેમનાં કર્યાં જઇ દર્શન ।।૧૫।।
પછે પોતાનો અક્ષરમેલ, તેમાં રહ્યા છે સુંદરછેલ । ભક્તિધર્મનો જન્મદિવસ, તેનો ઉત્સવ કર્યો અવશ ।।૧૬।।
લાખો બ્રાહ્મણોને ત્યાં જમાડ્યા, દક્ષિણા આપી શાંતિ પમાડ્યા । સાંઝનો પોર થયો છે જ્યારે, મોટી સભા કરી છે તે વારે ।।૧૭।।
લક્ષ્મીનારાયણ આગે એવ, સભામાં બિરાજ્યા વાસુદેવ । ઉંચું સિંહાસન દીપ્યમાન, તે પર શોભે સુંદરવાન ।।૧૮।।
બ્રહ્મમોલની દિવ્ય સભાય, મહામુક્ત સાથે સમુદાય । એવા ઓપેછે જગ નિવાસ, નિજભક્ત સાથે સુખરાશ ।।૧૯।।
મોટાભાઇ અને ઇચ્છારામ, નિજપુત્ર સહિત તે ઠામ । તે પણ બેઠા યોગ્ય આસન, ઘણા મનમાં થઇ મગન ।।૨૦।।
મુક્તાનંદજી ગોપાલાનંદ, મુળજીવર્ણી સુખકંદ । એ આદિ ત્યાગી સંત સમગ્ર, બેઠા આનંદ પામીને અગ્ર ।।૨૧।।
વિપ્ર શિવરામ મયારામ, દીનાનાથ આદિ તેહઠામ । સોમ સુરા ને ઉત્તમરાય, હેમંતસિંહ રાજા કહેવાય ।।૨૨।।
ભગુજી નામે પાર્ષદ જેહ, રણછોડ ગોવિંદાદિ તેહ । જયા રમા લલિતા પાવન, ગંગામા આદિ નિર્મળ મન ।।૨૩।।
બીજા હજારો જે હરિજન, સભામાં બેઠા છે તે પાવન । પછે સુણતાં સર્વે સમાજ, મેર્ય કરી બોલ્યા મહારાજ ।।૨૪।।
મોટાભાઇ ઇચ્છારામ સાથ, બોલ્યા મધુર વચન નાથ । હે મોટાભાઇ હે ઇચ્છારામ, મારૂં વાક્ય સુણો અભિરામ ।।૨૫।।
તમારા પુત્રમાંથી બે તન, હોય નિર્મળ પુણ્યપાવન । એકેકો પુત્ર આપો અમને, તે વિક્તિ કહીએ છીએ તમને ।।૨૬।।
કરવી છે ધર્મધુર સ્થાપન, એવી ઇચ્છા છે અમારે મન । દત્તપુત્ર કરીને સ્થાપીશું, આચાર્ય પદ બેને આપીશું ।।૨૭।।
એવું સુણીને તે બન્ને ભ્રાત, માની લીધી તે વ્હાલાની વાત । મોટાભાઇના નિર્મળ તન, અયોધ્યાપ્રસાદજી પાવન ।।૨૮।।
નાના બંધુના પુત્ર રતન, રઘુવીરજી નામે પાવન । એ બે પુત્રને લીધા ઉત્સંગે, અક્ષરપતિએ રૂડે રંગે ।।૨૯।।
પોતાની ગાદી ઉપર તન, બન્નેને બેસાર્યા ધારી મન । ધર્મધુરંધર સોંપી તેણીવાર, આપ્યો આચાર્યનો અધિકાર ।।૩૦।।
પહેરાવ્યાં વસ્ત્ર આભૂષણ સાર, અતિ ઉત્તમ નાનાપ્રકાર । હતા પોતાના આશ્રિત જેહ, તેમને આજ્ઞા કરી છે તેહ ।।૩૧।।
પૂજા કરાવી સર્વેની પાસે, બન્ને આચાર્યની અવિનાશે । પછે બોલ્યા છે શ્રીભગવાન, હે પુત્ર સુણો દઇને ધ્યાન ।।૩૨।।
છે આ શ્રીકૃષ્ણ આપણા ઇષ્ટ, મનમાં સમજી લેજો સ્પષ્ટ । તેહતણાં મંદિર પાવન, ઘણાં કર્યાં છે મેં જે સ્થાપન ।।૩૩।।
તેમાં મુખ્ય મંદિર છે બેય, તમને સમજાવું છું તેહ । શ્રીનગરમાં નરનારાયણ, તે છે મુજ રૂપે તારાયણ ।।૩૪।।
વળી લક્ષ્મીનારાયણ દેવ, વૃત્તપુરીમાં સ્થાપ્યા છે એવ । એ બે મંદિરના મધ્ય ભાગ, ભરતખંડમાં કર્યો વિભાગ ।।૩૫।।
નરનારાયણનો જે દેશ, ઉત્તરભાગ કર્યો છે એશ । તેનો આપુછું હું અધિકાર, અવધપ્રસાદને આ વાર ।।૩૬।।
હવે દક્ષિણ ભાગમાં તાસ, લક્ષ્મીનારાયણ સુખ રાસ । રઘુવીરજીને સોંપ્યો એહ, નથી એ વિષે કાંઇ સંદેહ ।।૩૭।।
પોત પોતાના જે દેશ એહ, તે સાંચવજ્યો નિઃસંદેહ । નિજ દેશના જે હરિજન, આપે વસ્ત્ર વળી ધન અન્ન ।।૩૮।।
તેને તો સુખેથી લેજ્યો તમે, એહ આજ્ઞા કરીએ છીએ અમે । નિજદેશ વિના હરિજન, આપે ભેટ્ય વસ્ત્ર વળી ધન ।।૩૯।।
તે ગ્રહણ કોઇ ન કરશો, અમારી આજ્ઞા લોપ ન કરશો । કરજ્યો ધર્મની રક્ષા તમે, એ વચન કહીએ છીએ અમે ।।૪૦।।
અવધપ્રસાદ રઘુવીર, બન્ને પુત્ર મહામતિ ધીર । અમારી ઇચ્છાએ આણીવાર, અમે આપ્યો છે આ અધિકાર ।।૪૧।।
અમારા કુળના બીજા હોય, તેનો દાવો નથી આમાં કોય । એમ વાત કરી ઘણી રીતે, લેખ પત્ર લખાવ્યો છે પ્રીતે ।।૪૨।।
જે જેનો તેનો તે સોંપી દીધો, એવો દેશનો વિભાગ કીધો । એવી રીતે કરે છે ચરિત્ર, આશ્રિતને કરવા પવિત્ર ।।૪૩।।
તે દિવસે હતી એકાદશી, હરિ હરિજન મન વશી । કર્યું જાગરણ સર્વેયે ત્યાંય, ઘણો મોદ થયો મનમાંય ।।૪૪।।
પછે દ્વાદશીને દિન સાર, રસોઇ કરાવી નિરધાર । વિપ્રને જમાડ્યા દઇ માન, તૃપ્ત કરીને આપ્યાં છે દાન ।।૪૫।।
પોતાને વિપ્ર વહાલા છે અતિ, નિત્ય જમાડે છે મુક્તપતિ । નિજ અંગ જાણી અલબેલો, ખાન પાન કરાવે છે છેલો ।।૪૬।।
વિપ્ર દ્વારાએ પોતે જમે છે, તે પ્રગટ પ્રભુને ગમે છે । પછે સંત અને હરિજન, તેમને કરાવ્યાં છે ભોજન ।।૪૭।।
મોટાભાઇનો ઉતારો જ્યાંય, પોતે તો જમ્યા ભોજન ત્યાંય । સ્વામિનારાયણ સુખકાર, નિત્ય લીલા કરે છે અપાર ।।૪૮।।
વટપત્તનમાં સિંહજીત, તેને દર્શન આપ્યાં અજીત । સાત દિન રહ્યા ત્યાં દયાળ, પછે વ્હાલો આવ્યા વડતાલ ।।૪૯।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ ગઢપુરવિષે રહ્યા થકા અન્નકોટ ઉત્સવ પોતે કરાવ્યો ને દત્તપુત્ર કરીને બે આચાર્યને સ્થાપન કર્યા એ નામે એકાશીમો તરંગઃ ।।૮૧।।