તરંગઃ - ૪૧ - શ્રીજીમહારાજ ભુજનગ્રથી ગામ માનકુવે પધાર્યા

Submitted by swaminarayanworld on Fri, 12/02/2021 - 11:25pm

પૂર્વછાયો

ગંગારામને ઘેર રહ્યા, સહજાનંદ સુખધામ । ઘણાક દિન વીતી ગયા, શ્રીહરિને તે ઠામ ।।૧।।

એમ કર્તાં સમય આવ્યો, ફુલમંડળીનો ત્યાંય । ગંગારામને શ્રીહરિ કે, વિચારી મનમાંય ।।૨।।

 

 

ચોપાઈ

 

બોલ્યા પ્રસન્ન થઈ ભગવન, ગંગારામને કહે વચન । ફુલમંડળી કેરું જે કાજ, કરો ઉત્સવ ઉમંગે આજ ।।૩।।

શેરમાંથી લાવો સહુ ફુલ, મહોત્સવ કરો અનુકુળ । પછે હીરજી ને દેવરામ, ઘણાં કુસુમ લાવ્યા તે ઠામ ।।૪।।

જ્યાં જયાં પુષ્પ હતાં શેરમાંય, શોધી શોધીને લાવ્યા છે ત્યાંય । સર્વે ભેગા થયા હરિજન, ફુલમંડળી ભરી પાવન ।।૫।।

પછે શ્રીહરિને તેણીવાર, પેરાવ્યા ફુલના શણગાર । ફુલમંડળી ભરીછે જ્યાંય, હરિને પધરાવ્યા તેમાંય ।।૬।।

કરે ઉત્સવ ત્યાં હરિજન, પ્રોવાણાં છે પ્રભુજીમાં મન । તે સમે આવ્યો જગજીવન, દેખીને થવા લાગ્યો દહન ।।૭।।

ઘરે જૈને કર્યો છે વિચાર, માળીને બોલાવ્યા તેણીવાર । લાવો કુસુમ જોયે છે આજ, અમારે પડ્યું છે તેનું કાજ ।।૮।।

ત્યારે માળીલોક બોલ્યા એમ, કરોછો રે તમે કોપ કેમ । સ્વામિનારાયણ આવ્યા આંય, સઘળાં ફુલ લૈ ગયા ત્યાંય ।।૯।।

નથી તે ક્યાંથી લાવીયે ફુલ, સાચી વાત માનો સાનુકુળ । એવું સુણી તેના મનમાંય, જ્વાળા નખશીખ લાગી ત્યાંય ।।૧૦।।

અગ્નિમાં ઘૃત હોમાય જેમ, પોતાના મનમાં થયું તેમ । અતિક્રોધી વિરોધી સ્વભાવ, પ્રભુથી જેને છે વૈર ભાવ ।।૧૧।।

પોતાની દારાછે તે પાવન, મહા સત્સંગી હરિજન । તેને શ્રીજીમાં છે ઘણી પ્રીત, મહિમાથી રટે નામ નિત ।।૧૨।।

તેને ખીજવે છે નિત્ય નિત્ય, સ્વામિનારાયણ કે અમિત । એને હમેશ કરે હેરાન, ભજવા દે નહી ભગવાન ।।૧૩।।

પણ સ્વામિનારાયણ નામે, બાઈ રાજી રહેછે તે ઠામે । પછે તેણે તે મન વિચાર્યું, સ્વામિનારાયણને હું મારું ।।૧૪।।

એવું ધારીને તે અઘવાન, સાથે લૈ આરબ બળવાન । આવ્યો છે ગંગારામને ઘેર, મન અતિ આડંબર ભેર ।।૧૫।।

કર્યો હુમલો મારવા કાજ, ત્યારે જાણી ગયા મહારાજ । ગંગારામે જાણ્યો તે વિરોધ, થયો પોતાના મનમાં ક્રોધ ।।૧૬।।

યુદ્ધ કરવા રચ્યો છે ઠાઠ, બીજા મલ્લ બોલાવ્યા છે સાઠ । સામા થયા ધરીને હિમ્મત, ઉભા રહ્યા છે મલ્લસહિત ।।૧૭।।

કરી ગર્જના ઘોર ગંભીર, બોલ્યા વચન ધારીને ધીર । જેની માયે ખાધી હોય સુંઠ, સામા આવો દેશો નહી પુંઠ ।।૧૮।।

સાઠે જણ થૈશું કુરબાન, ભલે આવે આજે અવસાન । થનારું હોય તેમ તે થાય, પણ માર્યા વિના ન મેલાય ।।૧૯।।

હેઠે પડશે અમારાં શિર, ધડ લડશે થૈ શૂરવીર । પણ સ્વામિનારાયણ સારું, લડશું અમે તો અતિ વારુ ।।૨૦।।

એવું સુણીને જગજીવન, છેટે રહ્યો વિચારે છે મન । સ્વામિનારાયણને જો આજ, મારું તો ઓલાશે મારી દાઝ ।।૨૧।।

જેનો દાડો ખસી ગયો દૂર, તેને અવળું સુઝે જરૂર । કાળના કાળ ઈશના ઈશ, સર્વનિયંતા જે જગદીશ ।।૨૨।।

તેને મારવા ઇચ્છે છે આપ, તેહને ફરી વળ્યું છે પાપ । એવામાં આવી છે તેની નાર્ય, શ્રીહરિ બેઠા છે જેહ ઠાર ।।૨૩।।

પગે લાગી તે પ્રેમસહિત, કર જોડી બોલી મન પ્રીત । હે કૃપાનાથ હે સુખરાશ, તેહને શિક્ષા કરો હુલ્લાશ ।।૨૪।।

તે વિના સુખશાંતિ ન થાય, તેહ પીડેછે મુને સદાય । ત્યારે બોલ્યા શ્રીજીમહારાજ, કેમ કરીયે અમે એ કાજ ।।૨૫।।

એેમાં દુખાય તમારું મન, તમે છો અમારાં હરિજન । ચાંદલો સાડલો ચુડો જેહ, તવ શણગાર જાશે તેહ ।।૨૬।।

ત્યારે તે બાઈ કે સુખદાય, તમારી ઇચ્છા હોય તે થાય । એવાં સુણી તેનાં વચન, મહારાજે ઇચ્છા કરી મન ।।૨૭।।

ધર્યું છે કોટિશીર્ષા સ્વરૂપ, ભયંકર વેષ બન્યા અનૂપ । તેહને મુકીછે માયા ત્યાંય, દેખીને ધુ્રજે છે મનમાંય ।।૨૮।।

ત્રાસ પામ્યો જાણ્યું થશે હાણ, આતો તર્ત છુટી જાશે પ્રાણ । છેટેથી જોયો વ્હાલાનો વેષ, પામ્યો અંતરમાં અતિક્લેશ ।।૨૯।।

કોેટિ શીષ અને કોટિ હાથ, તેણે એવા દેખ્યા યોગીનાથ । કોટિ કર ધર્યાં કોટી શસ્ત્ર, પોતાનાં તો છુટી ગયાં વસ્ત્ર ।।૩૦।।

જાણે મારવા આવે છે ધાઈ, મુજ ઉપર તે શસ્ત્ર સાઈ । ભય પામ્યો થયો તદાકાર, કોટિશીર્ષાના રૂપ મોઝાર ।।૩૧।।

લેશે સ્વામિનારાયણ પ્રાણ, આ સમે આવી ઉગારે કોણ । જુવેછે દશે દિશાયો માંય, દેખે સર્વત્ર સ્વામીને ત્યાંય ।।૩૨।।

નર નારી ને જડ ચૈતન્ય, સ્થાવર જંગમ જે કોઈ અન્ય । જ્યાં જ્યાં નજર કરે છે જોય, ત્યાં ત્યાં દેખેછે સ્વામીને સોય ।।૩૩।।

સર્વે બ્રહ્માંડ એમ દેખાય, જાણે છે મુને મારવા ધાય । જુવે ૧નભ અવનિમાં ઇર્ષા, આવે છે નજરે કોટીશીર્ષા ।।૩૪।।

તેહને લાગી છે ઘણી બીક, જાણે મોત આવ્યું છે નજીક । અતિ મુંઝાણોછે નિજ મન, પછે હારીને મિચ્યાં લોચન ।।૩૫।।

મન બુદ્ધિ ચિત્ત અહંકાર, જોયું અંતરમાં તેણી વાર । ત્રૈણ અવસ્થા ને ત્રૈણ દેહ, જુવે અંતર દ્રષ્ટિથી એહ ।।૩૬।।

કોટિશીર્ષારૂપે જોયું સર્વ, પિંડ બ્રહ્માંડમાંયે અપૂર્વ । ત્યારે નાઠો ઉઘાડી લોચન, ભયભીત થયો ઘણું મન ।।૩૭।।

ઘણું દોડેછે આરબ સાથ, ગયો બજારમાં તે અનાથ । જાુવે આરબ સામું જે ઠાર, દીઠા કોટિશીર્ષાને તે વાર ।।૩૮।।

જાણે કેડે આવે છે આ કાળ, એવી તનમાં લાગીછે ઝાળ । ત્યાર પછે તેહ કોઈ કાળ, દીધી આરબને તેણે ગાળ ।।૩૯।।

ચડી આરબને ઘણી રીસ, અસિવડે કાપી નાખ્યું શીશ । પાણી પાણી કર્તો તે પોકાર, પછે મરણ પામ્યો તેહ વાર ।।૪૦।।

હવે શ્રીહરિ આનંદભેર, રહ્યા ગંગારામને રે ઘેર । તેને બીજે દિવસે સવાર, પ્રભુજી જાવા થયા તૈયાર ।।૪૧।।

ત્યાંથી પધાર્યા દેવ મુરારી, માનકુવે ગયા સુખકારી । પાંચ દિન રહ્યાછે તે સ્થાન, પછે ચાલ્યા ત્યાંથી ભગવાન ।।૪૨।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીજીમહારાજ ભુજનગ્રથી ગામ માનકુવે પધાર્યા એ નામે એકતાલિસમો તરંગઃ ।।૪૧।।