તરંગઃ - ૨૪ - શ્રીહરિ તીર્થમાં ફરતા ફરતા માંગરોળ આવ્યા ને પુતળીબાઈને નરકમાંથી છોડાવી

Submitted by swaminarayanworld on Fri, 12/02/2021 - 11:07pm

સામેરી

હે રામશરણ સુણો હવે, પાવન પુન્ય કથાય । સોરઠ દેશે લોઢવામાં, આવ્યા છે જગરાય ।।૧।।

ચોરો ચારણ લોકનો, ત્યાં જઈ કર્યો મુકામ । પુન્ય પવિત્ર છે તપસ્વી, રહ્યા ઠરી તે ઠામ ।।૨।।

તેહ ગામે એક ચારણ, છે શુભમતિ ઉદાર । આત્માનંદ સ્વામી તણો, સમાગમ કરનાર ।।૩।।

વાત કરી દેવ જાતિયે, આત્માનંદની જ્યાંય । તે સુણીને શ્રીબાલાયોગી, રહ્યા માસ એક ત્યાંય ।।૪।।

તે જન દેવ જાતિ છે, રુડું કેશરબા નામ । છેટે રહી સેવા કરે છે, જાણ્યા પૂરણકામ ।।૫।।

વિચાર કર્યો બાલાજોગીયે, બંધન થાશે આ ઠાર । માટે મારે રહેવું નહિ, ચાલી નિકળવું નિરધાર ।।૬।।

પછે તો પ્રાતઃકાલમાં, ત્યાંથી ચાલ્યા સુંદરશ્યામ । દ્વારકાનો લક્ષ રાખી, ચાલે મારગમાં સુખધામ ।।૭।।

પવિત્ર વસુધાને કરી, અને કર્યાં અનેકનાં કામ । સાગર કાંઠે ફરતા ફરતા, આવ્યા માંગરોળ ગામ ।।૮।।

વાવ્યના રમણા ઉપરે, જોઈ એકાંત ધર્મકુમાર । મૃગચર્મ બિછાવીને, બેઠા ઉપર વર્ણી ઉદાર ।।૯।।

છબી અલૌકિક જોઈને, મોહ પામે કોટિક માર । જ્ઞાન વૈરાગ્યની મૂરતિ, રૂપ લાવણ્યતાના ભંડાર ।।૧૦।।

ગોવર્ધનભાઈ તે સમે, પોતે શૌચ વિધિને કાજ । સ્નાન કરીને વાવ્યમાં, આવ્યા જિયાં છે વર્ણિરાજ ।।૧૧।।

રૂપ જોઈ યોગિરાજનું, લોભાણું વણિકનું મન । હાથ જોડી આગળે, ઉભા કરે છે સ્તવન ।।૧૨।।

કૃપા કરી મુજ ઉપરે, ઘેર આવો જમવા કાજ । ભાવ જોઈને વણિકનો, પછે બોલ્યા વર્ણિરાજ ।।૧૩।।

કોઈને ઘેર જમતા નથી, અમે રહિયે ગામબહાર । ઈશ્વર ઇચ્છાયે જે મળે, તેનો કરીયે છીએ આહાર ।।૧૪।।

વચન સુણી વર્ણિતણું, પોતે લાવ્યા મિઠાઈનો થાળ । ધર્યો શ્રીહરિને આગળે, નિરખીને થયા નિહાલ ।।૧૫।।

નારાયણને કહેવા લાગ્યા, જમો પ્રભુ પકવાન । એવું સુણી મધુરવાણી, બોલ્યા શ્રીભગવાન ।।૧૬।।

જલેબી અમે નથી ખાતા, નથી તેપર પ્રીત । એમ કહીને થાળમાંથી, શેવો લીધી રુડી રીત ।।૧૭।।

વળી લીધા છે તે ગાંઠીયા, જમેછે દીનદયાળ । ત્યારે પ્રભુ પ્રત્યે બોલીયા, ત્યાં ગોવરધન તે કાળ ।।૧૮।।

હે કૃપાનાથ સુણો કહું, એક વિનંતિ આંય । પુતળી નામે ફુઈ મારી, પડી છે નરકની માંય ।।૧૯।।

તેને હું કાઢવા જાઉં છું, સમાધિ મારગે સાર । યમદૂત નથી કાઢવા દેતા, નરક થકી તેને બહાર ।।૨૦।।

એવું સુણી બહુનામી બોલ્યા, ગોવર્ધનને કે શ્યામ । સ્વામી આશ્રિત નોેતી તે, પડી નરકને ઠામ ।।૨૧।।

ત્યારે તે કહે આશ્રિત હતી, પણ કરી છે મોટી ભુલ્ય । સ્વામીનું સુવર્ણ ઓળવ્યું, પાપ લાગ્યું અતુલ્ય ।।૨૨।।

હરિજને પૂજા કરીતી, સ્વામીની જેહ ઠાર । સોનાના એક પાસલાની, ભેટ મુકીતી તે વાર ।।૨૩।।

સ્વામી જાણે સદાવ્રતમાં, આગળ આવશે કામ । મુકવા આપ્યો પુતળીને, ભરુસો રાખી તે ઠામ ।।૨૪।।

ત્યારપછી કોઈ દિવસે, આવ્યો છે એવો પ્રસંગ । રામાનંદ સ્વામીયે માગ્યો, પાસલો રૂડે રંગ ।।૨૫।।

પુતળીબા પાસલો લાવો, અમે આપ્યો તો જેહ । પુતળી કે નથી જાણતી, પાસલો શાનો એહ ।।૨૬।।

આપ્યા વિના માંગો છો સ્વામી, જુઠું ચડાવો છો આળ । પુતળીનું એ પાપ દેખી, સ્વામી બોલ્યા તતકાળ ।।૨૭।।

હવે બાઈ શું જુઠું બોલો છો, વિચારી જુવો મનમાંય । વિશ્વાસઘાત હેમચોરી, કરીને છુટીશ કયાંય ।।૨૮।।

નરક વિષે જાઈશ નિશ્ચે, જાણી લેજે તે જરૂર । તોય ન માન્યું પુતળીયેે, અવળી મતિ થઈ ઉર ।।૨૯।।

તે પાપે નરકે પડી છે, મુજ ફુઈ પુતળી બાય । તે સુણી બહુનામી બોલ્યા, વિચારી મનમાંય ।।૩૦।।

ગોવર્ધનને કેવા લાગ્યા, શ્રીહરિ સુંદરશ્યામ । સમાધિ કરી જાઓ તમે, ત્યાં થશે તમારું કામ ।।૩૧।।

અમારી આજ્ઞાથી અમારા, પાર્ષદ આવશે ચાર । યમદૂતને તે વારશે, વેગે કરશે તે વાર ।।૩૨।।

નામ અમારું મુખે લેજ્યો, સ્નેહથી ત્રણ વાર । સ્વામિનારાયણ બોલજ્યો, સ્વામિનારાયણ સાર ।।૩૩।।

ત્યારે પુતળી નીકળશે, નરક થકી નિરધાર । પાપ થકી તે મુક્ત થાશે, પામશે તે ઉદ્ધાર ।।૩૪।।

ત્યારે સમાધિ કરી ગયા, ગોવર્ધન યમપુુરીમાંય । શ્રીહરિના કેવા પ્રમાણે, કહ્યું છે જઈને ત્યાંય ।।૩૫।।

પાપ ટળીયું પુતળીનું, એ પ્રગટનો પ્રતાપ । ઉદ્ધાર થયો પલકમાં, મટ્યા ત્રિવિધિના તાપ ।।૩૬।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિવિરચિતે શ્રીઘનશ્યામ-લીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ તીર્થમાં ફરતા ફરતા માંગરોળ આવ્યા ને પુતળીબાઈને નરકમાંથી છોડાવી એ નામે ચોવીશમો તરંગઃ ।।૨૪।।