તરંગઃ - ૧૫ - શ્રીહરિયે ગોપાલયોગીનો મોક્ષ કરી પિબકનો મદ હર્યો

Submitted by swaminarayanworld on Fri, 12/02/2021 - 11:00pm

પૂર્વછાયો
હે રામશરણજી સુણો તમે, ત્યાર પછીની વાત । સૂર્ય પ્રત્યે વચન બોલ્યા, નીલકંઠ વિખ્યાત ।।૧।।
વચન આપો ભાનુ મુજને, પ્રસન્ન થૈને આજ । અંતરશત્રુ કામાદિક, નડે નહિ મહારાજ ।।૨।।
સહાય કરજ્યો તેથકી, બીજું કહું છું એક । જ્યાં સંભારું હું તમોને, ત્યાં આવજ્યો ધરી ટેક ।।૩।।
પ્રસન્ન થૈને આપો મુને, ભાસ્કર એ વરદાન । તે સુણી તરણી કહેછે, શ્રીહરિને દેઈ માન ।।૪।।
હે કૃપાળુ એ શું કહોછો, શું આપું હું વરદાન । પૂરણ પુરૂષોત્તમ તમેછો, ભયહારી ભગવાન ।।૫।।
તવ પ્રતાપે થયા મોટા, હું ઇંદ્ર ચંદ્ર કુબેર । તવ ભજનથી સુખીછે, લોકપતિ કરેછે લેર ।।૬।।

ચોપાઈ
તમારી કૃપાથી મહારાજ, તેજ સામર્થ્ય પામ્યો છું આજ । મહાપ્રભુ માગોછો વરદાન, તેતો રાખવા અમારું માન ।।૭।।
દેવતીરથ ને વળી ધર્મ, તેની પુષ્ટિ કરવા એ મર્મ । કરોછો લીલા માનુષી આપ, મહિમા વધારવા અમાપ ।।૮।।
પણ તવ આજ્ઞા અનુસાર, સુણો વચન કહું નિરધાર । વ્હાલા તમારા પ્રતાપે આજ, કામાદિ ન નડે મહારાજ ।।૯।।
જ્યારે સંભારશો જગદીશ, ત્યારે તમારી પાસે આવીશ । એમ આપ્યું પ્રભુજીને માન, સવિતા થયા અંતરધાન ।।૧૦।।
હવે નીલકંઠ ભગવન, લીધું છે સવિતાનું વચન । બ્રહ્મચારીયે કર્યો વિચાર, ત્યાંથી ચાલવા થયા તૈયાર ।।૧૧।।
તે સમે પોતાની પાસે જેહ, હતાં તુલસીનાં પત્ર જેહ । નાખ્યાં તે પત્ર ગંગા મોઝાર, જલમાં વિષ્ણુ હતા તે ઠાર ।।૧૨।।
વારિમાં હતા શાલગ્રામ, પાણી ઉપર આવ્યા તમામ । દેખ્યા મહાપ્રભુજીને દ્રષ્ટ, સ્તુતિ કરવા લાગ્યા તે સ્પષ્ટ ।।૧૩।।
શ્રીહરિની ઇચ્છા બળવાન, સર્વે સ્તુતિ કરે એકતાન । સ્તુતિ સુણી નીલકંઠ શ્યામ, થયા પ્રસન્ન પૂરણકામ ।।૧૪।।
બોલ્યા બ્રહ્મચારી તેણી વાર, સુણો સકલ વિષ્ણુ આ ઠાર । અમારા પરમહંસોની માંય, તમે નિત્ય પૂજાશોરે ત્યાંય ।।૧૫।।
એવું વચન સુણી નિરધાર, વિષ્ણુ પ્રસન્ન થયા તે વાર । પામ્યા સંતોષ મનમાં એશ, પછે જલમાં કર્યો પ્રવેશ ।।૧૬।।
તે સમે ત્યાં ઘણા યોગિલોક, તપ કરતા હતા વિશોક । અતિ દેખ્યો સ્વામીનો પ્રતાપ, પામ્યા આશ્ચર્ય મનમાં આપ ।।૧૭।।
પ્રભુ જાણી સ્તુતિ કરે તેહ, થયો નિશ્ચય નિસ્સંદેહ । પછે ત્યાંથકી ચાલ્યા જીવન, પુલહાશ્રમ કરી પાવન ।।૧૮।।
હિમાચલ પર્વતછે જ્યાંય, ગયાછે તેની તળાટીમાંય । આવ્યું વન મહાભયંકર, નથી દેખાતા જેમાં ભાસ્કર ।।૧૯।।
કર્યો વાલિડે તેમાં પ્રવેશ, જેમાં દેખાય ન કોઈ દેશ । ચાલ્યા તે વનમાંહિ વિશેક, વીતી ગયો ૧સંવત્સર એક ।।૨૦।।
નથી ભય ધરતા નરવીર, ચાલ્યા જાય મહામતિ ધીર । આવ્યો ૨અયનમાં વટવૃક્ષ, જ્યાંછે ગોપાલયોગી પ્રત્યક્ષ ।।૨૧।।
મળ્યા તે યોગીને મહારાજ, નીલકંઠજી વરણિરાજ । ત્યાં રહ્યા પોતે દ્વાદશ માસ, કર્યો અષ્ટાઙ્ગયોગ અભ્યાસ ।।૨૨।।
યમાદિ આસન પ્રાણાયામ, પ્રત્યાહાર વળી ધ્યાન નામ । ધારણા ને સમાધિ એ અષ્ટ, પોતે જણાવી દીધું છે સ્પષ્ટ ।।૨૩।।
યમ નિયમ ચતુર્વિંશ જેહ, એકાદશમાં પ્રમાણ એહ । સિદ્ધાસનપદ્મ એ પાવન, એ આદિ છે ચોરાશી આસન ।।૨૪।।
પ્રાણાયામના ત્રૈણે પ્રકાર, વળી સિદ્ધ કર્યો પ્રત્યા-હાર । ઇત્યાદિ અષ્ટયોગની વિક્તિ, પોતે જણાવી દીધી તેની યુક્તિ ।।૨૫।।
નેતી ધોતી ને કુંજર જેહ, જલ ભિસ્તી સ્વરોદય તેહ । યોગકળાની મુદ્રાઓ સરવ, તે પણ સિદ્ધ કરાવી એવ ।।૨૬।।
ભૂચરી ખેચરી અગોચરી, ચાચરી વજ્રભકાએ ખરી । પોતે નથી એમાં તો અજાણ, પણ શાસ્ત્ર કરવા પ્રમાણ ।।૨૭।।
ઉન્મુની ત્રાટકાદિ જેહ, બીજી મુદ્રાઓ છે ઘણી તેહ । બ્રહ્મવિદ્યા અક્ષિવિદ્યા નામે, તે કરી બતાવી ઘનશ્યામે ।।૨૮।।
ખટચક્રના ભેદસમાન, આધારાદિક દેવનાં સ્થાન । તે જણાવી દીધાં જગદીશે, બીજાને તો કઠીણ અતિશે ।।૨૯।।
મોટો મહિમા વધારવા કાજ, એમ કરેછે શ્રીમહારાજ । એક વર્ષ રહ્યા ભગવાન, યોગીને કરાવ્યું નિજજ્ઞાન ।।૩૦।।
તેને પમાડીછે ગતિ સિદ્ધ, પછે ત્યાંથી ચાલ્યા પ્રસિદ્ધ । કર્યું ઉત્તરદિશે પ્રયાણ, નીલકંઠજી જીવનપ્રાણ ।।૩૧।।
આદિવરાહ નામે જે તીર્થ, તેને પામ્યા છે સ્વામી સમર્થ । વળી ત્યાંથી ચાલ્યા સુખકંદ, પામ્યા શિરપુરમાં આનંદ ।।૩૨।।
સિદ્ધવલ્લભ ત્યાંનો રાજન, પરમ પવિત્ર પુન્ય પાવન । તેણે કર્યો બહુ સતકાર, કરી પ્રાર્થના ઘણી વાર ।।૩૩।।
ચારે માસ ચોમાસાના સાર, રાખ્યા નીલકંઠને તે વાર । તેની સેવા કરી અંગીકાર, ચાતુર્માસ રહ્યા છે તે ઠાર ।।૩૪।।
ભૈરવાદિના ઉપાસી ત્યાંય, મહાદુષ્ટ તે શેરની માંય । ઘણા અસુર છે મહાદુષ્ટ, ખલપણામાં છે મતિ પુષ્ઠ ।।૩૫।।
અતિ ઉન્મત્ત છે મદઅંધ, નથી ધર્મનો લેશ સંબંધ । મતિમંદમાં પાપી અસુર, કામ ક્રોધ જેને ભરપૂર ।।૩૬।।
પોતાના પ્રૌઢ પ્રતાપે તાસ, દુષ્ટનો મદ હર્યો પ્રકાશ । નિજ પાસે છે સેવક એક, નામ ગોપાલદાસ વિશેક ।।૩૭।।
અસુરથી કરી તેની સાય, નિજસામર્થ્યથી સુખદાય । એક વિપ્ર હતો વિદ્વાન, વેદશાસ્ત્ર ભણેલો સમાન ।।૩૮।।
હતો તૈલંગદેશનો તેહ, અતિલોભિષ્ટ ભવિષ્ટ એહ । તેણે લીધું માતંગનું દાન, મહીપતિ થકી પામ્યો માન ।।૩૯।।
હતો ગૌર વર્ણ મતિ સ્થિર, પણ શ્યામ થયું છે શરીર । મહાદાન લીધાનું જે પાપ, બ્રહ્મતેજહીન થયો આપ ।।૪૦।।
તેની શાંતિ કરવાને સારું, આવ્યો જ્યાં બેઠા પ્રભુજી વારું । નીલકંઠનોે મોેટોે પ્રતાપ, કર્યો વાડવને નિષ્પાપ ।।૪૧।।
ત્યારે થયો છે ગૌરવરણ, જ્યારે લીધું શ્રીહરિનું શરણ । કીધો બ્રાહ્મણને નિજ દાસ, પછે ચાલ્યા ત્યાંથી અવિનાશ ।।૪૨।।
કામાક્ષી દેવીનું જ્યાંછે ઠામ, તેના નજીકમાં કોઈ ગામ । પામ્યા તે ગામને બ્રહ્મચારી, ભૂમિનો ભાર હરવા મોરારી ।।૪૩।।
ત્યાંછે બ્રાહ્મણ એક કનિષ્ઠ, મહાકાળીનો ઉપાસી દુષ્ટ । દેશી પરદેશી આવે ત્યાંય, સાધુ બ્રાહ્મણ તે પુરમાંય ।।૪૪।।
મંત્ર જંત્ર આદિ અભિચાર, નાખે તેના ઉપર નિરધાર । તેને જીતીને વરતાવે વશ્ય, પાસે રાખે કરી નિજ શિષ્ય ।।૪૫।।
નીલકંઠ પાસે આવ્યો તેહ, મંત્ર સાધી અભિમાની જેહ । હૈયે હરખે થયો હોંશીયાર, કરવા લાગ્યો છે અભિચાર ।।૪૬।।
બાલાયોગી ઉપર કઠોર, કર્યું પોતાની વિદ્યાનું જોર । પણ તેણે કરીને શ્રીરામ, પરાભવ પામ્યા નૈ તે ઠામ ।।૪૭।।
બ્રહ્મચારી છે અશરણશરણ, કર્યો વિપ્રનો મદહરણ । શિષ્ય કરીને પાળે નિદાન, તેનો ટાળી નાખ્યો અભિમાન ।।૪૮।।
અવિદ્યારૂપી અધર્મ જાણો, નાશ કરાવ્યો છે તે પ્રમાણો । પછે વાલિડે વિચાર્યું મન, ત્યાંથી ચાલ્યા છે જગજીવન ।।૪૯।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિયે ગોપાલયોગીનો મોક્ષ કરી પિબકનો મદ હર્યો એ નામે પંદરમો તરંગઃ ।।૧૫।।