તરંગઃ - ૨ - સખાઓએ વિલાપ કર્યો

Submitted by swaminarayanworld on Thu, 21/09/2017 - 8:51am

પૂર્વછાયો

રામશરણજી સાંભળો, પાવન પુન્ય કથાય । વ્હાલો વિચર્યા વનવિષે, ત્યાં ઘરે હવે શું થાય ।।૧।।

વાર ઘણી થૈ શ્રીહરિને, ઘેર જોવે છે વાટ । મોટાભાઈ ને સુવાસિની, કરે છે મન ઉચાટ ।।૨।।

હે પ્રભુ તમોને શું થયું, ક્યાં ગયા મારા શ્યામ । જમવા ટાણું વીતી ગયું, ઘેર નાવ્યા સુખધામ ।।૩।।

આકુળ વ્યાકુળ થૈ રહ્યાં, સુવાસનીબાઈ આજ । જમવાની વાટ જુવે છે, કેમ નાવ્યા મહારાજ ।।૪।।

વળી સખા સૌ શોધ કરે, જુવે છે ઠામોઠામ । શોધી શોધી શ્રમિત થયા, દીઠા નહી ઘનશ્યામ ।।૫।।

 

 

(શ્રીહરિ વહેલા પધારજો - એ રાગ)

 

સખા શોધે ઘનશ્યામને, થયા ઉદાસી મન । વેળા વીતી ગઈ વાલમા, કયાં ગયા ભગવન ।। સખા શોધે૦ ।।૬।।

ચૌટા શેરી ને ચોકમાં, જોયું શેરબજાર । સર્વ ઠેકાણે શોધી વળ્યા, ન દેખ્યા નિરધાર ।। સખા શોધે૦ ।।૭।।

આ બેઠક જગદીશની, જોયું છે ત્યાં જરુર । દેખ્યા નહીં શ્રીદયાળને, થયા છે શોકાતુર ।। સખા શોધે૦ ।।૮।।

મહંતો જે મંદિરો તણા, પુછ્યું જૈને તેપાસ । કોઈ કેતું નથી આ રહ્યા, આ બેઠા અવિનાશ ।। સખા શોધે૦ ।।૯।।

સઘળા લોકને પુછિયું, મળી નહિ કયાંઇ ભાળ । ઘરે ઘરે તે શોધી વળ્યાં । દેખ્યા નહીં કયાંઇ લાલ ।। સખા શોધે૦ ।।૧૦।।

સર્વમળી ત્યાંથી ચાલિયા, ગયા સર્જુને તીર । તપાસ કર્યો છે તે સ્થળે, જોયા નૈ નરવીર ।। સખા શોધે૦ ।।૧૧।।

ઘાટ સકળ ત્યાં ગોતિયા, મળ્યા નહી મહારાજ । છેવટે આશા છુટી ગઈ, દિલમાં લાગી દાઝ ।। સખા શોધે૦ ।।૧૨।।

પછી ત્યાંથી તો પાછા વળ્યા, થયા મન નિરાશ । આતુર થૈ અકળાય છે, નાખે છે નિશ્વાસ ।। સખા શોધે૦ ।।૧૩।।

એક જગાયે ઉભા રહ્યા, વળી કરે વિલાપ । હે પ્રભુજી હવે શું થશે, પામ્યા છે પરિતાપ ।। સખા શોધે૦ ।।૧૪।।

કેવા લાગ્યા એક એકને, કરે વાત વિચાર । શું કરવું ભાઈ કો હવે, જૈશું કયાં આણી વાર ।। સખા શોધે૦ ।।૧૫।।

ગદ્ગદ કંઠે થૈ ગયા, આંખે અશ્રુની ધાર । કયાં મળશે હરિકૃષ્ણજી, હવે ધર્મકુમાર ।। સખા શોધે૦ ।।૧૬।।

હે સખા હે ઘનશ્યામજી, હે પ્યારા ભગવન । શ્યામ સલુણા હે શ્રીહરિ, હવે દ્યો દરશન ।। સખા શોધે૦ ।।૧૭।।

હા હા ધીરજ રેતી નથી, કોને કૈયે આ વાત । વિયોગ પાડીને વિચર્યા, ભવતારણ ભ્રાત ।। સખા શોધે૦ ।।૧૮।।

હવે ભાઇ અમે ક્યાં જઇએ, કરિયે કોણ ઉપાય । તમ વિના કોણ ટાળશે, વિયોગી વેદનાય ।। સખા શોધે૦ ।।૧૯।।

અમે આવું નોતા જાણતા, છોડી દેશો આ સ્નેહ । વિશ્વાસે વળગી રહ્યા, તમને શું છે સંદેહ ।। સખા શોધે૦ ।।૨૦।।

ઘણા ઠેકાણે રક્ષા કરી, અમારી અવિનાશ । વાલમ કેમ વિસારિયા, કેમ થયા ઉદાસ ।। સખા શોધે૦ ।।૨૧।।

કેશરીસીંગ માનસિંગ ને, ત્રવાડી ઉદેરાજ । બાલપણે વિલપે ઘણું, મેલી ગયા મહારાજ ।। સખા શોધે૦ ।।૨૨।।

સર્જુગંગાને જોતા હતા, વર્ષાઋતુમાં પુર । એવે સમે એક આવિયો, રામદત્ત અસુર ।। સખા શોધે૦ ।।૨૩।।

તેણે નાખ્યા સર્જાુપુરમાં, આપણને જરૂર । તે સમે રક્ષા કરી તમે, આપે થૈને આતુર ।। સખા શોધે૦ ।।૨૪।।

નેપાળદેશના મલ્લથી, કરી અમારી સહાય । એ આદિ ઘણાં સ્થાનકે, શુધ લીધી સદાય ।। સખા શોધે૦ ।।૨૫।।

આખર અમને છોડી દીધા, દયા નાવી લગાર । હા હા સખા બંધુ ક્યાં ગયા, મુકીને આણી વાર ।। સખા શોધે૦ ।।૨૬।।

એમ રુદન કરતા થકા, આવ્યા અયોધ્યામાંય । નવગજાપીર પાસે આંબલી, રૂડો ચોક છે ત્યાંય ।। સખા શોધે૦ ।।૨૭।।

લીલા કરીછે ત્યાં વાલિડે, તે સાંભરી આવ્યું મન । વિરહ ધરીને વ્યાકુળ થયા, કરવા લાગ્યા રુદન ।। સખા શોધે૦ ।।૨૮।।

આ સ્થળે શ્રીહરિ બેસતા, કરતા હાસ્ય વિનોદ । આપણને અતિ આપતા, પ્રેમવડે પ્રમોદ ।। સખા શોધે૦ ।।૨૯।।

હે અલબેલાજી આસમે, પધારો અમ પાસ । દયાળુ દર્શન દેઈને, ઉરથી ટાળો ઉદાસ ।। સખા શોધે૦ ।।૩૦।।

એમ કહી ત્યાંથી ચાલિયા, જેસંગપુર બજાર । ત્યાંથી બ્રહટાબજારમાં, આવ્યા ધર્મને દ્વાર ।। સખા શોધે૦ ।।૩૧।।

વાત કરી મોટાભાઈને, કયાં ગયા ઘનશ્યામ । શોધ કરીને થાકી ગયા, મળ્યા નહિ કોઈ ઠામ ।। સખા શોધે૦ ।।૩૨।।

એવું સુણીને અનંતજી, જબક્યા ઉઠીછે ઝાળ । સુવાસિનીબાઈએ સાંભળ્યું, પડી પેટમાં ફાળ ।। સખા શોધે૦ ।।૩૩।।

નંદરામ ને ઇચ્છારામજી, જાણીને સમાચાર । આકુળ વ્યાકુળ થૈ ગયા, કરે રુદન અપાર ।। સખા શોધે૦ ।।૩૪।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિવિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે સખાઓએ વિલાપ કર્યો એ નામે બીજો તરંગઃ ।।૨।।