તરંગ - ૭૧ - શ્રીહરિયે સરજુગંગામાં પથ્થરની શલ્યા ઉપર બેસારીને સર્વેને સામે તીરે ઉતાર્યા

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 5:59pm

 

પૂર્વછાયો

એક સમે સુવાસિનીનાં, બેન ઇંદિરાબાઇ । છુપૈયામાં પરણાવ્યાં છે, મોતી ત્રવાડીને ત્યાંઇ ।।૧।।

બળદેવ પિતા તેહના, સમજણ નિધિ સાર । વિવેકે વળાવ્યાં સાસરે, છુપૈયાપુર મોઝાર ।।૨।।

પુત્રી સંગાથે બેઉ પુત્ર, મોકલ્યા છે સનાથ । ભવાનીદિન જનકરામ, બન્ને બંધુને સાથ ।।૩।।

પ્રથમ મોતીરામ ઘેર, ઉતરીયા મેમાન । પાંચ સાત દિવસ સુધી, કરાવ્યાં ભોજન પાન ।।૪।।

ધર્મદેવ મોટાભાઇને, વાત કરે છે સમાન । મોતીમામાને ઘેર આવ્યા, તરગામના મેમાન ।।૫।।

બોલાવો તે આપણે ઘેર, પૂરણ ધરીને પ્રીત । થોડા દિન અહીં જમાડીયે, દેખાય રૂડી રીત ।।૬।।

 

 

ચોપાઇ

 

એવાં સુણી પિતાનાં વચન, ચાલ્યા તેડવા ભાઇ જોખન । મામાને ઘેર જઇને આવ્યા, સાથે મેમાનને તેડી લાવ્યા ।।૭।।

ભક્તિમાતાયે કરી રસોઇ, તેમને જમાડ્યા પ્રીત પ્રોઇ । એમ કરતાં થયો સંધ્યાકાળ, આવ્યાં સુવાસિની તતકાળ ।।૮।।

ઠાકોરનાં સિંહાસન આગે, દિવા બત્તી કરી મહાભાગે । ઓસરી આદિ જે બીજાં સ્થળ, બત્તી પ્રકાશ કરી વિમલ ।।૯।।

ઠાકોરજીની કરીછે સેવ, આરતી ઉતારે ધર્મદેવ । ત્યાં મોટાભાઇને ઇચ્છારામ, આવ્યા મેમાન સર્વે તે ઠામ ।।૧૦।।

તે સમે મહાપ્રભુ પવિત્ર, કર્યું અદ્ભુત એક ચરિત્ર । જમણાપગે અંગુઠામાંથી, તે નીકળવા માંડ્યું ત્યાંથી ।।૧૧।। તેનો થયો અતિશે પ્રકાશ, ઝાંખો પડ્યો દિવાનો ઉજાસ । પામ્યાં વિસ્મય તે સર્વે જન, પસ્પર વદે છે વચન ।।૧૨।।

આ ઘનશ્યામભાઈના ચરણે, તેજ રહ્યું છે એમના શરણે । જમણા પગે અંગુઠો એજ, તેમાંથી નીકળેછે આ તેજ ।।૧૩।।

ત્યાંથી નીકળેછે તેજ અપાર, તેજ તેજ તણા તે અંબાર । થોડી વાર આશ્ચર્ય દેખાયું, તેજ હતું ત્યાં પાછું સમાયું ।।૧૪।।

વળી એક દિવસ શ્રીહરિ, સખા સહિત તૈયારી કરી । ગયા મીનસાગરને તીર, નાવા સારુ બલભદ્ર વીર ।।૧૫।।

નાવા બેઠા તે જળ મોઝાર, લીલા કરે છે નાનાપ્રકાર । ઘણીવાર લાગી ગઇ ત્યાંય, ડુબકી મારીને જળમાંય ।।૧૬।।

ઉંડા પાણીમાં તે બેસી ગયા, ઘણીવાર સુધી ગુપ્ત રહ્યા । સખા સર્વે થયા ચિંતાતુર, જળમાં શોધે છે તે જરૂર ।।૧૭।।

પણ જડ્યા નહિ અવિનાશ, બાલમિત્ર થયા છે ઉદાસ । ધોબી ધુવેછે ત્યાં પટકુળ, તેને કેવા લાગ્યા અનુકુળ ।।૧૮।।

ભાનધોબી સુણો આણે ઠામ, જળમાં નાતાતા ઘનશ્યામ । કોણ જાણે ડુબ્યા આ જળમાં, કે ૧નક્ર લઇ ગયો પળમાં ।।૧૯।।

ધોબીએ સુણ્યું વેણ હુલ્લાસ, બોલાવ્યો તેના પિતાને પાસ । નથી માલમ પડતી આજ, કેમ વિપ્રીત થયું આ કાજ ।।૨૦।।

મંછાધોબી નામ તેનું સાર, પિતા પુત્ર કરેછે વિચાર । બે જણા તે જળમાં ફરેછે, શ્રીહરિનો તપાસ કરે છે ।।૨૧।।

ઉંડા જળમાં કરી છે શોધ, જડતા નથી જે અવિરોધ । જોતાં જોતાં લાગી ઘણીવાર, પછે બેઉ નીકળ્યા છે બાર ।।૨૨।।

વેણીરામ આદિ સખા જેહ, તેને કેવા લાગ્યા ધોબી એહ । ઘનશ્યામના પિતા ને માત, જૈને કહો તેમને વાત ।।૨૩।।

નક્ર પકડી ગયો જરૂર, એમ અમને ભાસેછે ઉર । એવું સુણી શિશુ પામ્યા ત્રાસ, આવ્યા માતપિતાજીને પાસ ।।૨૪।।

ધર્મભક્તિને કરી તે વાત, થયો મનમાં ઘણો ઉત્પાત। હરિપ્રસાદ ને પ્રેમવતી, રામપ્રતાપજી મહામતિ ।।૨૫।।

વળી વશરામ શુભ મન, બીજા આવ્યા છે હજારો જન । સર્વે સહિત માતપિતાય, ગયાં સરોવરે સુખદાય ।।૨૬।।

અતિ આકુળ વ્યાકુળ થાય, વ્હાલા વિના તે મન મુંઝાય । માતપિતા આદિ પામ્યાં ત્રાસ, એવું જાણી ગયા અવિનાશ ।।૨૭।।

તરત જળથી નીકળ્યા બારે, બોલ્યા ગંભીરવાણી તે વારે । સુણો માતપિતા આદિ જન, શા માટે ત્રાસ પામોછો મન ।।૨૮।।

શોકાતુર થઇ આવ્યાં તમે, અમારૂં કામ કરીયે અમે । જળમાં આવ્યા છે રઘુવીર, તે સંગે વાત કરતાતા ધીર ।।૨૯।।

એવું સુણીને તે સર્વે લોક, શ્રીહરિ સામું જુવે અશોક । રામરૂપે થયાં દર્શન, વિસમે પામી ગયાં સહુ જન ।।૩૦।।

પછે દેવના ભૂપ અનૂપ, સમાવ્યું પોતામાં તે સ્વરૂપ । જળ ઉપર થઇ ચાલ્યા આવ્યા, ભક્તિધર્મ તણે મન ભાવ્યા ।।૩૧।।

માતપિતા હેતે કરી મળ્યાં, તનનાં મનનાં દુઃખ ટળ્યાં । ગદ્ગદ્ થઇને સનાથ, શિર ઉપર ફેરવે હાથ ।।૩૨।। મારા લાડકવાયા કુમાર, તમે છો મારા જીવનસાર । સખાયે આવી કહ્યું વૃત્તાંત, પડી અમારા મનમાં ભ્રાંત ।।૩૩।।

થયા ઉદાસી કંપાયમાન, હવે મળ્યા તમે ભગવાન । પામ્યું આનંદ અમારૂં મન, પણ સુણો કહીએ છીએ તન ।।૩૪।।

મોટાભાઇ વિના એક તમે, આંહી આવશો નહિ કોઇ સમે । એમ કહી તેડી લાવ્યા ઘેર, સંબંધી સહિત રૂડી પેર ।।૩૫।।

એમ કરતાં આવ્યો ચૈત્રમાસ, ધર્મભક્તિયે વિચાર્યું તાસ । રામનૌમીના મેળામાં જાવું, અયોધ્યાયે સર્જુગંગામાં નાવું ।।૩૬।।

એવો કર્યો મનમાં વિચાર, પુત્ર સહિત થયાં તૈયાર । સાથે સતી સુવાસિનીબાઇ, મોતીરામ આદિ બીજા ભાઇ ।।૩૭।।

વળી કેટલાક ભક્ત અનન્ય, છુપૈયાપુરનાં વાસી જન । સર્વે ભેગા મળી ચાલ્યા જાય, અયોધ્યાને માર્ગે પલાય ।।૩૮।।

એમ આવ્યા છે સર્જુને તીર, રાજે ગંભીર નિર્મલ નીર। ગયા વહાણમાં બેસવા માટે, ઘણી ભીડ થઇછે તે ઘાટે ।।૩૯।।

ભીડ દેખીને શ્રીધર્મદેવ, વદે ખેવટીયા પ્રત્યે એવ । ઘણાં માણસ છે અમ સંગે, કરો આગવું વાણ ઉમંગે ।।૪૦।।

એમ કરીને ઉતારો પાર, ત્યારે ખેવટીયો બોલ્યો સાર । નથી આગવું વાણ તો આજ, સૌના ભેગા બેસો મહારાજ ।।૪૧।।

જોઇતી હોય આગવી નૌકા, તો સવાયા પૈસા આપો ઠૌકા । સુણ્યું વચન એવું તે વાર, ધર્મદેવ કરેછે વિચાર ।।૪૨।।

પિતાજીનો મનોરથ જેહ, અંતર્યામીએ જાણ્યો છે તેહ । પુરૂષોત્તમજી બોલ્યા એમ, હે દાદા શું વિચારો છો કેમ ।।૪૩।।

એની આશા ન રાખશો તમે, સત્ય વચન કહીએ છીએ અમે । નવ બેસાડે એ નાવમાંય, પડ્યું મુકો એનું વાણ આંય ।।૪૪।।

સર્વે માણસ લેઇ સંગમે, મારી સંગાથે આવજો તમે । થોડે છેટે ગયા એમ કહીને, સર્વે માણસને સાથે લઇને ।।૪૫।।

પડીછે ત્યાં પથ્થરની છાટો, મોટી મોટી વિશાળ સપાટો । દર્શનસિંહ અયોધ્યાના રાજા, તેને પથ્થર મંગાવ્યા ઝાઝા ।।૪૬।।

તે દેખીને બોલ્યા છે દયાળુ, હે દાદા સુણો પર્મ કૃપાળુ । સર્વે માણસને લૈ સંગે, આ છાટ ઉપર બેસો ઉમંગે ।।૪૭।।

તમો સર્વેને ઉતારૂં પાર, નહિ લાગે ક્ષણ એકવાર । વાલાનાં સાંભળ્યાં છે વચન, સૌ વિશ્વાસ લાવ્યાં છે મન ।।૪૮।।

છુપૈયાપુરનાં વાસી જન, છાંટો ઉપર બેઠા પાવન । બેઉ બંધુ સાથે બહુનામી, એક છાટ પર બેઠા સ્વામી ।।૪૯।।

કૃપાવંત થયા કૃપાનાથ, સર્વે પથ્થરને સ્પર્શ્યો હાથ । જાણે પાષાણ જીવતા હોય, એમ પથ્થર ચાલે છે સોય ।।૫૦।।

અલબેલોે થયા છે અગાડી, બીજા સર્વે આવે છે પછાડી । પાણી ઉપર પથ્થર જાય, હજારો જન જુવેછે ત્યાંય ।।૫૧।।

તત્કાળ ઉતારિયા પાર, પામ્યા આશ્ચર્ય સૌ નરનાર । બેઠા કાંઠા ઉપર જે મનુષ્ય, જોયું ચરિત્ર કરીને હુંશ ।।૫૨।।

પરસ્પર કહે સૌ સંગાથ, આતો સાક્ષાત છે રઘુનાથ । બાળકરૂપે થયા છે રામ, બીજાથી ન બને આવું કામ ।।૫૩।।

એમ આશ્ચર્ય પામ્યા તમામ, પ્રભુ જાણીને કર્યા પ્રણામ । સર્જુગંગામાં કર્યાં સ્નાન, પછે ત્યાંથી ચાલ્યા છે સમાન ।।૫૪।।

બ્રહટા શાખા નગર ઠામ, ત્યાંછે ધર્મદેવતણું ધામ । ઉતારો કર્યો છે ત્યાં પાવન, પછે સઘળે કર્યાં દર્શન ।।૫૫।।

જન્મ સ્થાન કનક ભુવન, લક્ષ્મણઘાટે માન્યું છે મન । કૌશલ્યાઘાટ ને રામઘાટ, ગોપ્તારઘાટ ને મોક્ષઘાટ ।।૫૬।।

સૂરજકુંડ આદિ એ તીર્થ, કર્યાં દર્શનને સાધ્યો અર્થ । ધર્મભક્તિ સહિત સમાજ, પાંચ દિન રહ્યા મહારાજ ।।૫૭।।

સ્નાન દાન કરીને સધાવ્યા, છુપૈયાપુરમાં પાછા આવ્યા । એમ લીલા કરે ભગવાન, બહુનામી વાલો બળવાન ।।૫૮।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદ મુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિયે સરજુગંગામાં પથ્થરની શલ્યા ઉપર બેસારીને સર્વેને સામે તીરે ઉતાર્યા એ નામે એકોતેરમો તરંગ ।।૭૧।।