તરંગ - ૬૧ - શ્રીહરિયે વણિકના દિકરાને દર્શન દઇ સાજો કર્યો

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 5:28pm

 

પૂર્વછાયો - જનોઇ વિધિ પૂરણ થયો, ધર્મે વિચારીયું મન । દક્ષિણા આપી તે ગોરને, કરાવ્યું શુભ ભોજન ।।૧।।

વિદ્વાનોની સભા કરીને, શાસ્ત્રાર્થ કર્યો અપાર । પંડિતોને પ્રસન્ન કર્યા, પૂજ્યા પ્રેમથી સાર ।।૨।।

તેને પણ પુષ્કળ આપી, દક્ષિણાયો કરી હિત । વિદાયગીરી આપી તેને, કરી મનમાં પ્રીત ।।૩।।

વિદાય કર્યો ગોરને, તે ગયા પોતાને ધામ । પ્રસન્ન કર્યા છે ધર્મને, કરીને રૂડાં કામ ।।૪।।

બીજા જે આવ્યાતા બ્રાહ્મણ, અવધપુરીમાં જેહ । તેને જમાડી તૃપ્ત કર્યા, ગયા વખાણતા તેહ ।।૫।।

સગાંને વસ્ત્રાદિ કરાવ્યાં, ભોજન નાનાપ્રકાર । વિપ્રને આપી દક્ષિણાયો, વૈરાગીને વસ્ત્ર સાર ।।૬।।

ચોપાઇ - પોતાનો દિગ્વિજય કીધો, લાવો ધર્મદેવે ઘણો લીધો । પામ્યા છે સર્વે હર્ષ અપાર, વર્તાવ્યો છે જય જયકાર ।।૭।।

વળી ગયા છુપૈયામાં તાત, સુણો શ્રોતા થઇ રળિયાત । લોહગંજરી કેરો જે બાવો, સંધ્યાગીર ચારે દિશા ચાવો ।।૮।।

નખલૌનો નવાબ છે જેહ, તે સાથે લડાઇ લીધી એહ । તેમાં ખરચવા જોઇએ દામ, સંધ્યાગીરીયે શું કર્યું કામ ।।૯।।

અવધપુર ગયા એ આસે, ગઢીના મહંતજીને પાસે । તેની સાથે કર્યો છે વેપાર, રૂપૈયા લીધા પચીસ હજાર ।।૧૦।।

ત્યાર કેડે વિત્યા ઘણા દન, થઇ ચિંતા મહંતને મન । રૂપૈયાની કરવા ઉઘરાણી, જાય મહંત મન એ જાણી ।।૧૧।।

બીજા વૈરાગીને લીધા સાથ, ચાલ્યા નાંણાં લેવા તે સનાથ । લોહગંજરીયે જાય સદ્ય, આવ્યા છુપૈયાપુરની હદ્ય ।।૧૨।।

છુપૈયાના સીમાડાને પામ્યા, મનમાં સંકલ્પ ત્યાં વિરામ્યા । ચિત્ત વેરાગીનાં થયાં શાંત, વિચાર કરે છે તે મહંત ।।૧૩।।

રુડું દિશે છે છુપૈયા ગામ, પૂર્વે આવ્યા હશે આંહી રામ । નહિ તો કોઇ ઋષિ મહંત, કરેલું હશે તપ અનંત ।।૧૪।।

ચમત્કારી છે ચુડહાવન, તે વિના શાંતિ પામે ન મન । એવો મન કરતા વિચાર, આવ્યા નારાયણસર સાર ।।૧૫।।

વસ્ત્ર ઉતારીને નાયા સર્વ, થયો પ્રભુમાં પ્રેમ અપૂર્વ । તે સમે આવ્યા ત્યાં વશરામ, વેરાગીયે કહ્યું તે તમામ ।।૧૬।।

ત્યારે વશરામ કે વચન, અહો સંત સુણો કરી મન । પૂર્વની વાત જાણું ન અમે, પણ સત્ય કહું સુણો તમે ।।૧૭।।

અમારા ભાણેજ ઘનશ્યામ, પ્રગટ થયા છે આણે ઠામ । સદા સર્વદા તે સુખકારી, અવતારના છે અવતારી ।।૧૮।।

એનો કોઇ નવ જાણે મર્મ, પોતે પ્રગટયા પૂરણબ્રહ્મ । અક્ષરાધિપતિ અવિનાશી, બ્રહ્મમોલના છે તે નિવાસી ।।૧૯।।

એવું કહી ગયા વશરામ, વેરાગીયે વિચાર્યું તે ઠામ । આવ્યા છુપૈયાપુરનીમાંયે, ધર્મદેવનું આંગણું જ્યાંયે ।।૨૦।।

ઢોલિયો ઢાળ્યો ત્યાં વિશાળ, તેમાં બેઠા છે ભક્તિના બાળ । તારે તે જુવે આવીને પાસ, તેને જાણી ગયા અવિનાશ ।।૨૧।।

તેમનાં ખેંચી લીધાં છે ચિત્ત, અંતર્યામીપણેથી અમિત । તેમનો નિશ્ચે થાવાને મન, દયાળુએ દીધાં દર્શન ।।૨૨।।

વાલો વૈકુંઠવાસી અનૂપ, થયા લક્ષ્મીનારાયણરૂપ । નંદ સુનંદ અનંત મુક્ત, દેખાણા શ્રીહરિ તેણે યુક્ત ।।૨૩।।

ચતુર્ભુજ અલૌકિક વેશે, દીધાં દર્શન દેવ દેવેશે । ક્ષણ એક સુધી એમ કીધું । પાછું ઐશ્વર્ય છુપાવી લીધું ।।૨૪।।

પામ્યા આશ્ચર્ય એવું નિરખી, કરે પ્રારથના મન હરખી । તારે બોલ્યા તે મિષ્ટ વચન, તમે સાક્ષાત છો ભગવન ।।૨૫।।

અમારા ઇષ્ટ જે રઘુવીર, એજ તમે છો શ્રીરણધીર । કૃપા કરી છુપૈયામાં આજ, પ્રગટયા ધર્મ દ્વારે મહારાજ ।।૨૬।।

તેમના પુત્રભાવેથી હરિ, ચરિત્ર કરો છે ધીર ધરી । એમ સ્તુતિ કરી ઘણીવાર, મનમાં નિશ્ચે જાણ્યા કીર્તાર ।।૨૭।।

ધર્મદેવે કર્યું સનમાન, પછે કરાવ્યાં ભોજન પાન । બે દિવસ રાખ્યા નિજ ઘેર, જમાડયા રમાડયા રૂડી પેર ।।૨૮।।

પછે ચાલવા કરી તૈયારી, વૃષદેવ વદે છે વિચારી । જે જે માયિક વસ્તુ છે મોટી, જાણી લેજ્યો જરૂર છે ખોટી ।।૨૯।।

દોષ દુઃખરૂપ નાશવાન, માટે ધરવું પ્રગટનું ધ્યાન । આત્મા અમર છે અવિનાશી, તેમાં રહ્યા છે અક્ષરવાસી ।।૩૦।।

બ્રહ્મભાવના મન ધરીને, ભજી લેવા પ્રગટ હરિને । જન્મ મરણ ત્યારે ટળી જાય, કાળકર્મના ભયથી મુકાય ।।૩૧।।

યમયાતના આદિ સંતાપ, મટી જાય ત્રિવિધના તાપ । બીજા કરોને કોટિ ઉપાય, પણ સુખ સંતોષ ન થાય ।।૩૨।।

માટે ભજવા શ્રીભગવાન, મળે અક્ષરધામમાં માન । પરમ સુખ અવિચલ પામે, દેહ ગેહની દુગ્ધાયો વામે ।।૩૩।।

એવી વાત કરી ઘણીવાર, વેરાગી સુખ પામ્યા અપાર । મન મુદ પામ્યા છે તમામ, ગયા લોહગંજરી તે ગામ ।।૩૪।।

વળી એક દિન ઘનશ્યામ, સખા સાથે રમે અભિરામ । ઘરના આંગણા આગે કૂપ, તેના સમીપમાં અનૂપ ।।૩૫।।

તેસમે પટગરનો બાળ, શિવદીન આવ્યો તેહ કાળ । તેછે ચિત્તભ્રમિત થયેલો, ફર્તો થકો આવ્યો છે ત્યાં ઘેલો ।।૩૬।।

તેને દેખીને સખા સહિત, જોવા આવ્યા છે કરીને હિત । તેને વીંટી વળ્યા અવિનાશ, સખા સોત કરે છે તે હાસ ।।૩૭।।

ત્યારે તે છોકરાની જે માત, જળ ભરવા આવી તે ખ્યાત । બોલી રીસ કરી નિજ મને, કનડશો નહિ મારા તનને ।।૩૮।।

ઉપડતે સાદે કેવા લાગી, ભાઇ સર્વે જાવો તમે ભાગી । નૈતો માર ખાશો તમે મારો, વળી હૃદેમાં કાંઇ વિચારો ।।૩૯।।

તેવું સુણીને શ્રીઘનશ્યામ, દીધાં દરશન ત્યાં અભિરામ । શિવદીનને સાજો કર્યો છે, ચિત્ત ભ્રમનો રોગ હર્યો છે ।।૪૦।।

અલૌકિક તેજોમય સાર, ચતુર્ભુજ થયા તેહ વાર । એવાં સ્વરૂપે દર્શન દીધાં, છોકરાનાં દુઃખ હરી લીધાં ।।૪૧।।

તે સમે સુણે હજારો જન, બોલે છોકરો શુદ્ધ વચન । અહો જુવોને શ્રીઘનશ્યામ, આતો સાક્ષાતકાર શ્રીરામ ।।૪૨।।

માટે સર્વે આવો શુભ મન, પાસે આવીને કરો દર્શન । ત્યાં બોલી શિવદીનની માત, તું તે બકે છે કે કરે વાત ।।૪૩।।

શિવદીન કહે સુણો માતા, બકતો નથી હું સુખદાતા । ઘનશ્યામને જુવો તો ખરાં, મારાં સંકટ એમણે હર્યાં ।।૪૪।।

અલૌકિકરૂપે થયા ધીર, આતો સાક્ષાત છે રઘુવીર । એવું કહી દોડયો તત્કાળ, આવ્યો જ્યાં ઉભા દીનદયાળ ।।૪૫।।

કરે પ્રાર્થના તેણી વાર, જય જય શ્રીજક્તઆધાર । સુણી પ્રારથના યોગીનાથ, તેના શિર પર મુક્યા હાથ ।।૪૬।।

સૌને સાંભળતાં બોલ્યા શ્યામ, સુણો ડોશી કહું અભિરામ । તમારો પુત્ર છે આ ઉદ્યોગી, એ તો પૂર્વજન્મનો છે યોગી ।।૪૭।।

કર્યાં દર્શન મુજ સન્મુખ, હવે પામશે અક્ષય સુખ । ચિત્ત ફરી ગયું હતું એનું, આજથી દુઃખ મટયું છે તેનું ।।૪૮।।

એમ કહી થયા છે પ્રસન્ન, ડોશીને દીધાં રૂડાં દર્શન । છોકરાને દીધાં હતાં જેવાં, તેની માતુને આપ્યાં છે તેવાં ।।૪૯।।

રામચંદ્રનો ભાવ બતાવ્યો, પ્રભુપણાનો નિશ્ચે કરાવ્યો । સેજમાં તેનું તો કર્યું કામ, થયા પ્રસન્ન પૂરણ શ્યામ ।।૫૦।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રીઅયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિયે વણિકના દિકરાને દર્શન દઇ સાજો કર્યો એ નામે એકસઠમો તરંગ ।।૬૧।।