તરંગ - ૪૪ - શ્રી હરિયે હાથી થકી માવતની રક્ષા કરી ને ભક્તિમાતાને ખટાઇ લાવી આપી

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 10:10am

 

પૂર્વછાયો- તરગામની કહું વાર્તા, સુણો થઇ સાવધાન । બલદેવજીને ઘેર છે, એક હાથી બલવાન ।।૧।।

ખોરાક આપે છે ખાંતથી, નિત્ય નિત્ય બળદેવ । માવત ચોરી રાખે તેમાં, કુડી પડી છે કટેવ ।।૨।।

કુંજરે તે ખુન્નસ રાખ્યું, ક્યારે મળે હવે લાગ । માવતને તો મારી નાખું, ચીરી કરૂં બે ભાગ ।।૩।।

ત્યાર પછી દિન કેટલે, માવત લેઇ માતંગ । માદેવીયા સરોવરમાં, નવરાવે ગજ અંગ ।।૪।।

ચોપાઇ-સરોવરના જલમોઝાર, નવરાવે હસ્તીને તેઠાર । પાણીમાં સુવાર્યો છે માતંગ, પાષાણથી ઘસે તેનું અંગ ।।૫।।

એમ કરતાં થૈ ઘણીવાર, કર્યો છે ગજે મન વિચાર । સુંઢવડેથી ઝાલ્યો છે તેને, જળમાંહી પછાડેછે એને ।।૬।।

ઘણા લોકની નજરે થયું, બલદેવપ્રસાદને કયું । તેના ભાઇ રૂપધર નામ, લક્ષ્મીપ્રસાદ જનકરામ ।।૭।।

ધર્મદેવ ભેળે ઘનશ્યામ, બલદેવપ્રસાદ એ ઠામ । દોડી આવ્યા સરોવરતીર, જોયો માવતને થઇ થીર ।।૮।।

બીજું રૂપ ધર્યું અવિનાશે, ગયા જળમાં કરીને પાસે । ૨ગજસુંઢથી તેને મુકાવ્યો, હરિયે માવતને બચાવ્યો ।।૯।।

માવતને રાખ્યો નિજપાસ, બેઠા હસ્તિપર અવિનાશ । કરી માતંગપર અસ્વારી, જળબાર્ય આવે છે મોરારી ।।૧૦।।

બીજે સ્વરૂપે ઉભા છે બાર્ય, થયા એકરૂપે ભવતાર । બેઠા હસ્તિઉપર બહુનામી, સર્વે જન જુવે શીર નામી ।।૧૧।।

ઐશ્ચર્ય સોત જોયા જોગીંદ્ર, જાણે સાક્ષાતછે રામચંદ્ર । એવું કહી પગે લાગ્યા સર્વ, નરનારીનો ઉતર્યો ગર્વ ।।૧૨।।

હસ્તિ સહિત આવ્યા છે ઘેર, પ્રભુયે કરી છે લીલાલેર । પછે માવતે ઉતાર્યા નીચે, પોતાના ઘર આંગણા વચે ।।૧૩।।

માવતે કહી વાત વિસ્તારી, મારી વારે ચડયા સુખ-કારી । ધર્મદેવ કહે છે વચન, સુણો ઘનશ્યામ મારા તન ।।૧૪।।

તરગામની સીમામોઝાર, ક્ષેત્રમાં શાલ વાવી છે સાર । મોટી થઇ તે પાકવા આવી, સાચવીયે તો છે મનભાવી ।।૧૫।।

નિત્ય ચકલાં આવે છે ત્યાંયે, શાલ ખાઇ જાય ક્ષેત્રમાંયે । માટે ખેતરમાં જાવો આજ, તમો સાચવજો મહારાજ ।।૧૬।।

આપણું ક્ષેત્રગામ નજીક, પંખીડાંની લાગે ઘણી બીક । ત્યાં હું આવીશ બપોર વીતે, તમે જાળવજો એક ચીતે ।।૧૭।।

જમાડયા છે શીર કર થાપી, હાથમાં એક જ્યેષ્ટિકા આપી । પેરાવી છે મોજડીયો પાવ, થયા તૈયાર સુંદર માવ ।।૧૮।।

પિતાની આજ્ઞા માની મન, ગયા ખેતરમાં ભગવન । ધર્મ ગયા મુડાડીયે ગામ, કોઇ કારણ તે અભિરામ ।।૧૯।।

શ્રીહરિ ગયા ખેતરમાંયે, જુવે ચકલાં હજારો ત્યાંયે । કરે વિચાર શ્રીઘનશ્યામ, હવે શું કરવું મારે કામ ।।૨૦।।

ખાવા દીધે મહાદુઃખ થાય, મોટાભાઇ પિતા ખીજવાય । ઉડાડું તો લાગે મુને ત્રાસ, માટે કળા કરું સુખરાશ ।।૨૧।।

ઘેરે સાદે કર્યો છે હોકાર, વાપ્યો છે શબ્દ ક્ષેત્રમોઝાર । પંખીડાં બેઠાં છે જેહ સ્થાન, થઇ પડયાં છે સમાધિવાન ।।૨૨।।

એમ ઓછી કરી છે ઉપાધિ, કરાવી ચકલાંને સમાધિ । પછે ચાલ્યા ત્યાંથી ઘનશ્યામ, ગયા શ્રીહરિ ભમેચે ગામ ।।૨૩।।

ત્યાંના માધવરામ શુક્લ, ગયા તેના ક્ષેત્રમાં અકળ । તેમાં થઇને મધુવૃક્ષે ગયા, નિજ-સખાઓને ભેગા થયા ।।૨૪।।

રઘુવીર ને બકસરામ, તેની સાથે રમે સુખધામ । કરે ગમત પ્રાણઆધાર, ત્યાંહાં વીતી ગઇ ઘણીવાર ।।૨૫।।

હવે ધર્મ કહે અહિરાજ, તમે ખેતરમાં જાવો આજ । ઘનશ્યામજી ગયા છે જ્યાંયે, કરો ખબર જઇને ત્યાંયે ।।૨૬।।

જનકરામને લીધા સંગે, મોટાભાઇ ચાલ્યા છે ઉમંગે । જઇ જોયું ખેતર ફરીને, ત્યાં તો દેખ્યા નહિ શ્રીહરિને ।।૨૭।।

જોખન ત્યાંથી તૈયાર થયા, માધવરામને ક્ષેત્રે ગયા । જુવે જઇ સહસ્રવદન, ત્યાં તો રમતા દેખ્યા જીવન ।।૨૮।।

ત્યારે બોલ્યા વાક્ય બલરામ, આંહિ શું કરો છો ઘનશ્યામ । તમને મુક્યાતા ખેત્રમાંય, રમવા લાગ્યા આવીને આંય ।।૨૯।।

ત્યારે બોલ્યા ત્રિભુવનરાય, ચિત્તમાં ન કરશો ચિંતાય । તમને મેં એજ સુચવીયું, તમ કરતાં ઘણું સાચવીયું ।।૩૦।।

એમ કેતા થકા બેઉ ભાઇ, આવ્યા પોતાના ખેતરમાંઇ। બેઉ ભાઇ ને જનકરામ, જુવે ક્ષેત્રમાં શું થયું કામ ।।૩૧।।

પંખીડાં સર્વ ઠરી ગયાં છે, જેમ છે તેમ સ્થિર થયાં છે । કૈક ચંચુમાં લીધા છે દાણા, તેની નાડીને પ્રાણ ખેંચાણા ।।૩૨।।

કૈક છોડ પર રહ્યાં બેઠાં, કૈક તો પૃથ્વીયે પડયાં હેઠાં । એવું દેખી કહે મોટાભાઇ, જુવો જનક આતો નવાઇ ।।૩૩।।

આતે જીવે છે કે ગયાં મરી, વાત ખોટી હશે કે આ ખરી । એમ કહીને ઝાલવા જાય, ત્યાં તો ચકલાં ચૈતન્ય થાય ।।૩૪।।

કરી મહારાજે ઇચ્છા રુડી, સર્વ સાથે ગયાં તે ઉડી । પામ્યા વિસ્મે ભાઇ મનમાંય, જુવો જનક આ શું કેવાય ।।૩૫।।

મારા નાનાભાઇ ઘનશ્યામ, જરુર છે આ એમનું કામ । પૂર્ણબ્રહ્મ સનાતન જેછે, ક્ષરઅક્ષરથી પર એછે ।।૩૬।।

જાણે તનમનની એ ચોરી, એના હાથમાં સર્વેની દોરી । સદા સર્વદા છે સુખકારી, અવતારતણા અવતારી ।।૩૭।।

કોટી થયા હશે અવતાર, સૌને આ મૂર્તિનો આધાર । એક રોમ થકી થયા ભિન્ન, વળી પામે એ રોમમાં લીન ।।૩૮।।

એવા અનંતકોટી અપાર, નથી પામ્યા પામે નહી પાર । આ અપાર મહિમાની વાત, સુણીને બોલ્યા છે જગતાત ।।૩૯।।

મહિમા જણાણો છે તમને, શીદ મારવા આવો છો અમને । મારા ઉપર વારમવાર, તમે રીશ કરો છો અપાર ।।૪૦।।

મોટા જાણીને રહું છું નમતો, કોઇ દિવસે નથી દમતો । એક આંગળિયે જો ઉડાવું, ક્રોડ જોજન છેટે પડાવું ।।૪૧।।

પછે પતો ન લાગે તમારો, પ્રૌઢપ્રતાપ જાણો અમારો । એવું સુણીને બોલ્યા જોખન, તમે સાક્ષાત છો ભગવન ।।૪૨।।

બલવંત છે માયા તમારી, ફેરવી નાખે છે મતિ મારી । તેને કરી ભુલું છું હું ભાન, હવે ક્ષમા કરો ભગવાન ।।૪૩।।

એવાં નમ્ર મધુરાં વચન, લાગ્યાં અમૃતથી મીઠાં મન । નારાયણ કહે મોટાભાઇ, સાચવવા ન આવશો આંઇ ।।૪૪।।

જ્યાં સુધી શાલ થાય તૈયાર, ત્યાં સુધી પંખી નાવે આ ઠાર । શ્રીમુખે બોલ્યા આનંદભેર, પછે ત્રૈણે જણ આવ્યા ઘેર ।।૪૫।।

વળી એક દિન પ્રેમવતી, જોખનને કેછે મહામતી । ઘરમાં થઇ રૈછે ખટાઇ, સંભારીને લેતા આવો ભાઇ ।।૪૬।।

ત્યારે તો બોલ્યા શ્રીઘનશ્યામ, સુણો દીદી એતો મારું કામ । જોયે તેટલી આજ ને આજ, લાવી આપીશ કરીશ કાજ ।।૪૭।।

કરે છે એવી વાત વિચાર, ત્યાં તો રસોઇ થૈછે તૈયાર । ધર્મ લઇને ત્રૈણે કુમાર, જમવા સારું બેઠા તે વાર ।।૪૮।।

જમતાં જમતાં ઇચ્છા કરી, ખટૈ માટે વિચાર્યું છે જરી । મોટાભાઇના શ્વસુર જેહ, બલદેવજી કહીયે તેહ ।।૪૯।।

ભાગીરથ ને ભેલઇરામ, ચારે ભાઇનું ભેગું છે કામ । ઘરની આંબલીયોનાં તરુ, ચારે ગયા તે વેંણવા સારું ।।૫૦।।

સેજ વાત વિષે માંહોમાંઇ, બોલાબોલીમાં થઇ લડાઇ । ધર્મદેવે જાણ્યો તેહ ઘાટ, જાય વારવા સારું ઉચાટ ।।૫૧।।

ઘનશ્યામ ગયા છે અગાડી, પિતાજીને મુક્યા છે પછાડી । ગયા આગળ સુંદર શ્યામ, ચાર ભાઇ વઢે છે તેઠામ ।।૫૨।।

ક્રોધાતુર કરે મારામાર, શ્રીહરિયે ધર્યાં રૂપ ચાર । એકએકને હાથેથી ઝાલ્યા, જુદા પાડયા દુર લઇ ચાલ્યા ।।૫૩।।

ચારે બંધુને જુદા બેસાડયા, ધીરે ધીરે તે શાંતિ પમાડયા । એટલે આવ્યા ધર્મ અનુપ, દેખ્યાં પુત્રનાં ચાર સ્વરૂપ ।।૫૪।।

પામ્યા આશ્ચર્ય મન અપાર, શીખામણ દેવા લાગ્યા સાર । જુજ બાબતમાં શું કરો છો, થોડા માટે લડીને મરો છો ।।૫૫।।

સુણી ધર્મનાં એવાં વચન, ક્રોધ લેશ રહ્યો નહિ મન । ચારે બંધુ કરે પશ્ચાતાપ, હરિપ્રસાદજી સુણો આપ ।।૫૬।।

જીવને આવીને જુદા પાડયા, ચારે ભાઇને નોખા બેસાડયા । કામ કર્યું છે એ ઘણું રુડું, નૈતો એમાંથી થાતજ કુડું ।।૫૭।।

ચારે ભ્રાતને થયો છે સંપ, હેત પ્રીત થઇ વળ્યો જંપ । અન્યો અન્ય કર્યો છે વિચાર, એક એકને પુછયું છે સાર ।।૫૮।।

જોયે તેટલી આંબલી રાખી, બીજી બધી ગાડામાંયે નાખી। ધર્મદેવને તે આપી દીધી, જુવો શ્રીહરિયે કળા કીધી ।।૫૯।।

બલદેવે ગાડામાં ભરાવી, ધર્મદેવને ત્યાં પોકડાવી । કૃપાનિધિ કલેશ મટાડયો, પિતાજીને ત્યાં પર્ચો દેખાડયો ।।૬૦।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રી હરિયે હાથી થકી માવતની રક્ષા કરી ને ભક્તિમાતાને ખટાઇ લાવી આપી એ નામે ચુંમાલીશમો તરંગઃ ।।૪૪।।