તરંગ - ૬ - વૈરાજપુરુષ શ્રીહરિને દર્શને આવ્યા

Submitted by swaminarayanworld on Wed, 16/08/2017 - 10:19pm

તરંગ - ૬ - વૈરાજપુરુષ શ્રીહરિને દર્શને આવ્યા

પૂર્વછાયો- રામશરણ શ્રવણે ધરો, પાવન પૂન્ય કથાય । નિર્મલ મનથી સાંભળે, તેનું તો સંકટ જાય ।।૧।।

જનનીએ નિજ પુત્રને, કરાવ્યું સ્તનપાન । પછેથી સુવાડયા પારણે, બહુનામી બળવાન ।।૨।।

પ્રાકૃત શિશુરૂપ ધરી, કરે ચરિત્ર પુનિત । ભવ બ્રહ્મા ભેદ ન લહે, અખંડ આપ અજીત ।।૩।।

ચોપાઇ- પ્રભુ પોઢયા છે પારણામાંય, આવ્યા વૈરાજપુરૂષ ત્યાંય । કરવા પ્રગટનાં દર્શન, ધર્યું મનુષ્યના જેવું તન ।।૪।।

અતિ દીર્ઘ સ્વરૂપ સુંદર, વળી વિશાળ દિશે ઉદર । શિર જટાનો જુટ બિરાજે, ઉપમા નથી એહને કાજે ।।૫।।

આવી ઉભા છે ધર્મને દ્વારે, જોયું પારણા સામું તે વારે । દિઠા પારણે ઝુલતા ત્યારે, કર જોડી કર્યો નમસ્કારે ।।૬।।

સ્તુતિ કરીને બોલ્યા વચન, સુણો સર્વોપરી ભગવન । મુનિ અવતાર દેવ આંહી, તમ પાસે આવે છે કે નહિ ।।૭।।

મનમાંહિથી કરી સંકેત, કહે શ્રીહરિ પ્રેમ સમેત । કેટલાક તો આવી ગયા છે, કેટલાક તો બાકી રહ્યા છે ।।૮।।

તેહ પણ આવશે જરૂર, જેને ભાવ હશે ભરપુર । બોલ્યા વૈરાજપુરૂષ એવ, સહુ કરશે તમારી સેવ ।।૯।।

આપ છો અવિનાશી અનૂપ, કોટી કોટી બ્રહ્માંડના ભૂપ । તમો શ્રીહરિ છો અવતારી, પુરુષોત્તમ નિરવિકારી ।।૧૦।।

અવનિ ઉપર આપ આવ્યા, સહુ ભક્તતણે મન ભાવ્યા । પારણા સામી સુરતા સાંધી, દોરિ રેશમની એક બાંધી ।।૧૧।।

આપ્યાં રમકડાં કરસાર, ત્યાંથી ચાલ્યા કરી નમસ્કાર । નારાયણસરોવર તીર, પૂર્વદિશાભણી પીધું નીર ।।૧૨।।

જળપાન કરીને સિધાવ્યા, ગામ અગિયે તળાવે આવ્યા । ત્યાં છે બ્રાહ્મણનો એક તન, કરે સ્નાન જળમાં પાવન ।।૧૩।।

આવી ઉભા છે તેહને પાસ, દેખી વાડવ પામ્યો છે ત્રાસ । બોલ્યો તે બ્રાહ્મણ બિતો આજ, તમે કોણ છો કહો મહારાજ ।।૧૪।।

ઘણો દેહ તમારો વિશાળ, આવા પુરુષ નથી આ કાળ । સૃષ્ટિ બ્રહ્માની સઘળી જોઇ, નથી આવડા ઉંચા તો કોઇ ।।૧૫।।

આગે સતયુગમાં કેવાતા, પણ આ યુગમાં નથી થાતા । એમ કહે છે વિપ્રનો તન, ત્યારે બોલ્યા વૈરાજ વચન ।।૧૬।।

અમે વૈરાજપુરુષ છૈયે, છુપૈયે ગયાતા સાચું કૈયે । હરિપ્રસાદ પાંડે છે નામ, તેને પુત્ર થયા ઘનશ્યામ ।।૧૭।।

અક્ષરાધિપતિ પોતે જેહ, પુરુષોત્તમજી કૈયે એહ । ગયા હતા તે કરવા દર્શન, મુજરો દેવા ધારીને મન ।।૧૮।।

એમ કહી વૈરાજ તે ઘડિ, ગયા તે શ્રવણ તળાવડી । રામદત્તે હૃદે વાત ધરી, આવ્યો છુપૈયાપુરમાં ફરી ।।૧૯।।

કહી ધર્મદેવને તે વાત, સુણીને રાજી થયા છે તાત । પારણામાં પ્રભુ પોઢયા છે સત્ત, તેની પાસે ગયો રામદત્ત ।।૨૦।।

જુવે છે પારણા સામું જ્યારે, હરિ થયા ચતુર્ભુજ ત્યારે । તેજ તેજ તણો ત્યાં અંબાર, કર્યો પ્રકાશ તેહ જ વાર ।।૨૧।।

જોઇ અંજાઇ ગયાં લોચન, એવાં અદ્બુત આપ્યાં દર્શન । એવું ઐશ્વર્ય થોડું દેખાડયું, પાછું તેજ પોતામાં સંતાડયું ।।૨૨।।

રામદત્તે સામું જોયું ત્યારે, પ્રભુ હસવા લાગ્યા તે વારે । એવા પ્રૌઢ પ્રતાપને નિરખી, રામદત્ત ચાલ્યો ગયો હર્ખી ।।૨૩।।

પછે આવ્યો તે નિજસદન, કરી વાત સર્વેને તે દન । હરિના ગુણ ગાય છે પ્રીતે, કરે વારતા ગામમાં નિતે ।।૨૪।।

વળી એક દિન મનભાવી, ગાયઘાટથી મામીઓ આવી । ચંદાબાઇ લક્ષ્મીબાઇ જાણું, એ આદિ કેટલીક વખાણું ।।૨૫।।

આવ્યાં રમાડવા શ્રીહરિને, છુપૈયાપુર હેતકરીને । પોઢયા પારણે અક્ષરધામી,પાસે આવ્યાં લક્ષ્મીબાઇ મામી ।।૨૬।।

કર લાંબા કરી તેડે જેવા, હરિ થયા ચતુર્ભુજ એવા । કોટિકંદર્પને તે લજાવે, ત્રિપુરારિને માન તજાવે ।।૨૭।।

નિકળ્યો અંગમાંથી ઉજાશ, તેજ તેજ તેજનો પ્રકાશ । કોટી કોટી ૧સવિતાને ઇંદુ, તેના તુલ્ય નાવે એક બિંદુ ।।૨૮।।

અલૌકિક એ દર્શન દિધાં, મામીનાં મન આકર્ષિ લીધાં । અહો ઇતિ અહોહો આશ્ચર્ય, કહી સહુ વર્ણવે ઐશ્વર્ય ।।૨૯।।

સુખ સંતોષ શાંતિના સ્થાન, ભયહારી સદા ભગવાન । કરે નરનારી સહુ વાતો, અતિ ઐશ્વર્ય સોતા છે આતો ।।૩૦।।

વળી કોઇ સમે બીજીવાર, કર્યું ચરિત્ર જગદાધાર । ધર્મદેવને ઘરે છે ભોઇ, કરી રાખ્યો છે નોકર સોઇ ।।૩૧।।

તેની દાર માંઝે નિજ પાત્ર, કરે સેવા તે નિર્મલ ગાત્ર । જન્મ સ્થાનકનો તે છે કુપ, માંઝે વાસણ ત્યાંહી અનુપ ।।૩૨।।

એક દિવસ ચન્દ્રગ્રહણ, ગઇ ઉટકવા એ વાસણ । માંઝીને મુક્યાં છે ઘરમાંય, કરે વિચાર લિપ્યાનો ત્યાંય ।।૩૩।।

માતાએ મુને કહ્યું છે જેહ, આજ પુન્યમ ગ્રહણ તેહ । માટે લિપું હવે ઘરમાંય, પડે ચન્દ્રભાનુની રે છાંય ।।૩૪।।

લિપે પ્રથમ ઓરડો જ્યાંયે, પ્રભુજીનું પારણું છે ત્યાંયે । મુકું પારણું લઇ બાર્ય, એમ ધારી લેવા ગઇ નાર્ય ।।૩૫।।

જેવું પારણું લેવા ઇ જાય, ત્યાં તો દેદિપ્યમાન દેખાય । હીરા માણેક મોતી રતન, જાણે જડયા છે કરી જતન ।।૩૬।।

ઘણો ઘુઘરીનો ધમકાર, જાણે વિદ્યુતનો ચમકાર । મહા કંચનમય ચૈતન્ય, ઉપમા શું આપું એને અન્ય ।।૩૭।।

ભામનિ પામી ચૈતન્યભાવ, ભાળીને થયો ઉર ઉછાવ । તરૂણી દેખીને થઇ સ્તબ્ધ, બોલી શકી નહિ કાંઇ શબ્દ ।।૩૮।।

પારણાપાસ રહી તે વાર, બોલાવ્યાં માતાને તેહ ઠાર; ત્યારે ભક્તિ જુએ આવી પાસ, અતિ શોભાયમાન ઉજાસ ।।૩૯।।

થયો અતિશે આનંદ ઉર, પામ્યાં સુખ સદા ભરપુર । એમ દેખાડયો છે થોડીવાર, ચતુર્ભુજે તે ચમત્કાર ।।૪૦।।

માયા મુક્તિ નટવર નાવ, માતાજીને આવ્યો પુત્રભાવ । એમ અકળ શ્રીજગવ્યાપ, ટાળે જીવના ત્રિવિધ તાપ ।।૪૧।।
 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામશરણજી સંવાદે વૈરાજપુરુષ શ્રીહરિને દર્શને આવ્યા એ નામે છઠ્ઠો તરંગ ।। ૬ ।।