અધ્યાય - ૫૬ - શતાનંદ સ્વામીના પ્રશ્નથી ભગવાન શ્રીહરિએ કરેલો અષ્ટાંગયોગનો ઉપદેશ.

Submitted by swaminarayanworld on Tue, 08/08/2017 - 9:57pm

અધ્યાય - ૫૬ - શતાનંદ સ્વામીના પ્રશ્નથી ભગવાન શ્રીહરિએ કરેલો અષ્ટાંગયોગનો ઉપદેશ.

શતાનંદ સ્વામીના પ્રશ્નથી ભગવાન શ્રીહરિએ કરેલો અષ્ટાંગયોગનો ઉપદેશ.

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! શ્રીકૃષ્ણ ભગવાન સિવાય સર્વે પદાર્થોમાંથી સર્વપ્રકારે રુચિ છોડીને વર્તતા ભગવાન શ્રીહરિને કોઇ પુરુષ ધર્મ, જ્ઞાન, યોગ આદિકના પ્રશ્નો ૫ૂછે તે બહુ ગમતું, તેની ઉપર તેમને બહુ પ્રીતિ થતી.૧

તે સમયે શ્રીહરિની સેવામાં સદાય તત્પર એવા શતાનંદ સ્વામી એકવખત શ્રીહરિની ચરણ સેવા કરતાં પાસે બેઠા હતા.૨

તે સમયે શ્રીસ્વામિનારાયણ ભગવાને પોતે જ શતાનંદ સ્વામીને કહ્યું કે હે મુનિ ! જો તમને કંઇ પૂછવાની ઇચ્છા હોય તો અત્યારે પૂછો. તેનો ઉત્તર અમે અત્યારે જ આપીશું.૩

હે રાજન્ ! આ પ્રમાણે શ્રીહરિએ કહ્યું તેથી ઉદાર બુદ્ધિવાળા શતાનંદ સ્વામી અત્યંત રાજી થઇ બન્ને હાથ જોડી નમસ્કાર કરી પૂછવા લાગ્યા.૪

હે સ્વામિન્ ! હું સર્વજ્ઞા અને યોગીજનોને પણ સેવવા યોગ્ય એવા આપની પાસેથી અષ્ટાંગયોગ તત્ત્વપૂર્વક જાણવા ઇચ્છું છું.૫

તમારી કૃપાથી મેં તો યોગીઓને પણ દુર્લભ એવી સમાધિની સિદ્ધિ સાધન સંપત્તિવિના પ્રાપ્ત કરેલી છે.૬

છતાં પણ સમાધિરૃપ અંગીનાં લક્ષણો સાથે યોગનાં અન્ય સર્વે અંગોનાં લક્ષણો શાસ્ત્રને અનુસારે જાણવા ઇચ્છું છું.૭

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે શતાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો ત્યારે ભગવાન શ્રીહરિ પ્રસન્ન થઇને મહામતિ શતાનંદ સ્વામીને કહેવા લાગ્યા કે, હે મુનિ ! તમે યોગસંબંધી પ્રશ્ન મને પૂછી રહ્યા છો. તેના પરથી જણાય છે કે તમારી બુદ્ધિ અતિશય ઉત્તમ છે. પોતે ઇચ્છેલા ભગવાનની અખંડ સ્મૃતિરૃપ અર્થને સિદ્ધ કરી આપનાર આ અષ્ટાંગયોગ સિવાય અન્ય કોઇ સાધન નથી.૮-૯

કારણ કે યોગ વિના સાધુઓને મનનો નિગ્રહ કરવો અતિશય દુષ્કર છે. ભક્તિ અને જ્ઞાન પણ યોગથી જ સિદ્ધ થાય છે.૧૦

હે મુનિ ! પ્રથમ હિરણ્યગર્ભમુનિએ યોગશાસ્ત્રની પ્રવૃત્તિ કરી છે, એ યોગશાસ્ત્રનું શેષનારાયણે પતંજલીરૃપે આ પૃથ્વીપર પ્રગટ થઇ વિસ્તારથી વર્ણન કરેલું છે.૧૧

એ યોગશાસ્ત્રનો માત્ર સાર ગ્રહણ કરી અમે તમને અંગે સહિત યોગનું લક્ષણ કહીએ છીએ. હે મુનિ ! શ્રીકૃષ્ણ ભગવાનને વિષે મનની અખંડ એકાગ્રતા એ યોગનું લક્ષણ છે, એમ તમે જાણો.૧૨

જેવી રીતે સુવર્ણાદિક ધાતુમાં રહેલા સર્વે દોષ પ્રદીપ્ત અગ્નિથી નાશ પામે છે. તેમ મનમાં રહેલા માયિક વિષય ભોગની વાસનારૃપ દોષ પણ સમાધિ યોગથી નાશ પામે છે.૧૩

તેથી તે દોષોના નાશને માટે શ્રીકૃષ્ણ ભગવાનના અતિ ઉત્સાહી ભક્તે તત્કાળ સમાધિ યોગનો અભ્યાસ કરવો જોઇએ.૧૪

અંગે સહિત સમાધિયોગની સિદ્ધિને ઇચ્છતા પુરુષે સમગ્ર યોગકળાના નિધિ એવા ગુરૃને ભક્તિથી નિષ્કપટ ભાવે શરણે જવું.૧૫

અને તેની અનુવૃત્તિમાં રહી સેવા દ્વારા તેમને પ્રસન્ન કરવા. પછી તેમણે બતાવેલા માર્ગ અનુસાર યોગનો અભ્યાસ કરવો.૧૬

તેમાં યોગસાધનાર પુરુષે રેતી, કાંકરા, ચોર, મચ્છર આદિના ઉપદ્રવે રહિત અને મનને અનુકૂળ એવા પ્રદેશમાં નિવાસ કરવો.૧૭

જે સ્થળમાં અન્નાદિકવડે પોતાની સેવા કરનારને પણ અનુકૂળ થાય, વળી જે સ્થાનમાં ઠંડી, પવન, માંખો કે મચ્છરનો ઉપદ્રવ ન હોય.૧૮

વળી જે સ્થાનમાં પોતાને યોગ્ય જળાશય હોય તેવા સ્થાનમાં રહીને ચિંતામુક્ત થઇ ભક્તે યોગનો અભ્યાસ કરવો.૧૯

પરંતુ નદી કે કૂવાના કાંઠે, ભયવાળા સ્થાને, સ્મશાનવાળા સ્થાને કે જ્યાં અતિશય કોલાહલ થતો હોય તેવા સ્થાને, જળ કે અગ્નિની સમીપમાં, પુરાતની ગૌશાળામાં, ચોવાટામાં, અપવિત્ર અને દુર્ગંધવાળી ભૂમિમાં, સૂકાં પાદડાંના પૂંજવાળા પ્રદેશમાં કે જ્યાં ઘણાંક મનુષ્યો હોય તેવા પ્રદેશમાં યોગનો અભ્યાસ કરવો નહિ.૨૦-૨૧

વળી યોગની સાધના કરનાર પુરુષે યોગમાં અંતરાય કરે તેવા મનુષ્યોનો સંગ કરવો નહિ. તેમ જ બહુભાષણ, બહુ ભોજન, અતિ પરિશ્રમ, અતિ રસાસ્વાદ અને ક્રોધ; આટલાંનો હમેશાં ત્યાગ કરવો.રર

યોગ સાધનારે ઉદરના બે ભાગ અન્નથી અને એકભાગ જળથી પૂરવો અને એકભાગ વાયુના સંચાર માટે ખાલી રાખવો, આ પ્રમાણે મિતાહારી થવું.ર૩

વળી જવ, ચોખા અને ઘઉંને ગાયના દૂધ કે ઘી સાથે મિશ્ર કરીને જમવા. આ યોગ જ્યારે પૂર્ણ સિદ્ધ થાય પછીથી જવ ચોખા આદિકનો જમવાનો નિયમ નથી.૨૪

યોગની સાધના કરનાર પુરુષે મદ્ય અને માંસના સંસર્ગનો સર્વ પ્રકારે ત્યાગ રાખવો. ભાંગ, ગાંજો, અફીણ, તમાકુ અને દુર્ગંધ કરતી વસ્તુનો પણ સર્વ પ્રકારે ત્યાગ કરવો.રપ

યોગાભ્યાસ કરનાર સાધકે દહીં, છાસ અને આંબલીનું ભક્ષણ ન કરવું. અડદ, કળથી, વૃંતાક આદિનાં શાક, કડવાં પદાર્થો, મીઠું, મરચું, હીંગ, ઇત્યાદિકનો ત્યાગ કરવો. તેમજ અતિ ગરમ અને અતિ ઠંડા પદાર્થો અને પોતે જાણતો ન હોય તેવાં પદાર્થોનું પણ ભક્ષણ કરવું નહિ.૨૬-૨૭

યોગના સાધકે નિરંતર ઉત્સાહવાન થવું, સ્થિલતાનો ત્યાગ કરી દેવો અને સ્ત્રી પ્રસંગનો તો સર્વ પ્રકારે ત્યાગ કરવો.ર૮

હે મુનિ ! તે યોગના સાધક પુરુષે સ્ત્રીલંપટ, પાપબુદ્ધિવાળા, જુગારી અને બીજાને છેતરનારા પુરુષનો પણ સર્વ પ્રકારે ત્યાગ કરવો. જો આવા પુરુષનો સંગ થાય તો પરિપક્વ યોગસિદ્ધિને પામેલો યોગી પુરુષ પણ યોગભ્રષ્ટ થાય છે. તો પછી સાધન દશાવાળાની તો શી વાત કરવી ? એતો ભ્રષ્ટ થાય જ.૨૯

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં યોગનો ઉપદેશ કરતાં ભગવાન શ્રીહરિએ યોગ સાધનમાં યોગ્ય સ્થળ અને આહારાદિકનું નિરૃપણ કર્યું, એ નામે છપ્૫નમો અધ્યાય પૂર્ણ થયો. --૫૬--