અધ્યાય - ૫૨ - બ્રહ્મચારીએ કરવા યોગ્ય કર્મનું અને તેના ઉલ્લંઘનમાં કરવા યોગ્ય પ્રાયશ્ચિતનું કરેલું નિરૃપણ.

Submitted by swaminarayanworld on Tue, 08/08/2017 - 9:54pm

અધ્યાય - ૫૨ - બ્રહ્મચારીએ કરવા યોગ્ય કર્મનું અને તેના ઉલ્લંઘનમાં કરવા યોગ્ય પ્રાયશ્ચિતનું કરેલું નિરૃપણ.

બ્રહ્મચારીએ કરવા યોગ્ય કર્મનું અને તેના ઉલ્લંઘનમાં કરવા યોગ્ય પ્રાયશ્ચિતનું કરેલું નિરૃપણ.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે મુકુન્દબ્રહ્મચારી ! વિષ્ણુભક્ત એવા બ્રહ્મચારીએ આળશ છોડીને નિત્ય કરવા યોગ્ય એવાં દેવસંબંધી તથા પિતૃસંબંધી કર્મ યથા સમયે વિધિ અનુસાર કરવાં.૧

સર્વ બ્રહ્મચારીઓના અધિપતિ સાક્ષાત્ શ્રીનરનારાયણ ભગવાન પણ દેવતાઓને દુષ્કર એવું તપ માત્ર પરોપકાર માટે કરે છે.૨

સ્વયં પરમેશ્વર હોવા છતાં હમેશાં દેવસંબંધી અને પિતૃસંબંધી કર્મનું અનુષ્ઠાન કરે છે. તો અત્યારના બ્રહ્મચારીઓ તે કર્મનો ત્યાગ કેવી રીતે કરી શકે ? ન જ કરે.૩

બ્રહ્મચારીએ સમયે સમયે વિધિપ્રમાણે ત્રિસંધ્યાનું ઉપાસન અવશ્ય કરવું, સૂર્યનું ઉપસ્થાપન પણ વિધિપૂર્વક કરવું. અને વેદની માતા ગાયત્રીમંત્રનો જપ વિધિ પ્રમાણે કરવો.૪

પ્રતિદિન સાયંકાળે અને પ્રાતઃકાળે અગ્નિમાં હોમ કરવો. અશક્ત બ્રહ્મચારીએ હોમ કરવાને સમયે જળમાં ઊભા રહી જલાંજલી અર્પણ કરવી.૫

આપત્કાળ પડયા વિના દ્વિજના ઘરથી કાચું અન્ન માગીને લાવવું. પછી તેને પકાવીને શ્રીવિષ્ણુ ભગવાનને નૈવેદ્ય કરી પ્રસાદીભૂત તે અન્ન નિત્યે જમવું.૬

પ્રતિદિન ત્રણ સમય સ્નાન તથા વિષ્ણુનું પૂજન કરવું. પંચમહાયજ્ઞો શક્તિ પ્રમાણે વિધિપૂર્વક કરવા.૭

હમેશાં યજ્ઞોપવીતને ધારણ કરી રાખવી અને શિખાને બાંધી રાખવી. તેમ જ સમયે સમયે અધિકાર મૂજબ પિતૃસંબંધી શ્રાદ્ધ કર્મ કરવું.૮

મેખલા, મૃગચર્મ, દંડ, યજ્ઞોપવીત અને કમંડલું આટલાં જો નષ્ટ થાય તો તેને જળમાં પધરાવી મંત્રોચ્ચાર પૂર્વક નવાં ધારણ કરવાં.૯

કૂતરાં આદિક હિંસકપ્રાણી, સૂતકી, પાખંડી, યવન, અત્યંજ અને મહાપાપીના સ્પર્શમાં તથા સ્મશાનના ઉલ્લંઘનમાં વસ્ત્રે સહિત સ્નાન કરવું.૧૦

અપવિત્ર વસ્તુઓનો સ્પર્શ થાય, દુર્જનના ઘરનું ભિક્ષામાં આવેલું અન્ન જમાય, બલાત્કારે ઉલટી કરે, મળનો ત્યાગ અને ખરાબ સ્વપ્ન આવે તો બ્રહ્મચારીએ સ્નાન કરવું.૧૧

ક્યારેક અજાણતાં સ્ત્રીના અંગનો કે ઉતારી મૂકેલા વસ્ત્રનો સ્પર્શ થાય તો સ્નાન કરી એક ઉપવાસ કરવો.૧૨

ઉદ્ધવસંપ્રદાયની રીતિ અનુસાર સર્વ એકાદશી અને જન્માષ્ટમી આદિ વ્રતોને દિવસે ઉપવાસ કરવો.૧૩

બ્રહ્મચારીએ બહાર અંદર પવિત્ર થઇ પ્રતિદિન વૈશ્વદેવ કરતાં બચેલા ભગવાનની પ્રસાદિના અન્નનો નિયમપૂર્વક મિતાહાર કરવો.૧૪

આત્મનિષ્ઠ બ્રહ્મચારીએ કૃચ્છ્ર ચાંદ્રાયણાદિ વ્રતો કરવામાં તત્પર રહેવું. તે ક્યાં સુધી ? તો શરીરમાં ચામડી માત્ર બચે ને માંસ સૂકાઇ જાય એ રીતે વર્તવું.૧૫

જ્ઞાન-વિજ્ઞાન અને વૈરાગ્યે સંપન્ન થઇ, નેત્રાદિ ઇન્દ્રિયોને વશમાં રાખી પોતાના વ્રત-પાલનમાં અચળ મનવાળા થઇ બ્રહ્મચારીએ ભગવાન શ્રીહરિની એકાંતિકી ભક્તિ કરવી.૧૬

ગુરૃની આજ્ઞા પ્રમાણે વર્તતા ગુરૃની સમીપે દાસની જેમ વર્તવું. યાનમાં, સ્થાનમાં અને શયન સમયે ગુરૃથી અતિશય દૂર ન જવું.૧૭

અંતઃકરણને શાંત કરી ઇન્દ્રિયોનું દમન કરી, ધીરજે યુક્ત થઇ કૂચા અને કંચનને વિષે તથા મિત્ર અને શત્રુને વિષે સમાન બુદ્ધિવાળા થવું.૧૮

પોતાના બંધુ થકી સર્પની જેમ, સ્ત્રીઓ થકી શબની જેમ, મિષ્ટાન્ન ભોજનથી નરકની જેમ ભય પામવું.૧૯

હમેશાં બ્રાહ્મણોનું કુશળ ઇચ્છવું અને સભામાં બ્રાહ્મણોની ખૂબજ પ્રશંસા કરવી. મત્સરરહિત થઇ ભગવાનના વૈષ્ણવ ભક્તોની અને સંતોની પ્રેમથી પૂજા કરી તેમને માન આપવું.૨૦

ધર્માચરણ કરવા માટે જ જીવવું અને ધર્મનું ફળ શ્રીવિષ્ણુ ભગવાનની પ્રસન્નતામાંજ જાણવું, પરંતુ તુચ્છ વિષય ભોગની પ્રાપ્તિ માટે ન જાણવું.૨૧

નૈષ્ઠિક બ્રહ્મચારીએ મહાદાનાદિકની અપેક્ષાએ પણ અધિક ભગવદ્ વાર્તાઓ કરી સર્વે ભૂતપ્રાણીમાત્રને હમેશાં અભયદાન આપવાની પ્રવૃત્તિ કરવી.૨૨

વળી સ્નાન, હોમ, જપ, ભોજન અને બન્ને સંધ્યા સમયે મૌન વ્રત ધારણ કરવું. તથા મળમૂત્રના ત્યાગ સમયે, અને હાથપગની શુદ્ધિ કરતાં પણ મૌન વ્રત રાખવું.૨૩

આ દેવસંબંધી કે પિતૃસંબંધી ક્રિયા આદિકના સર્વે વિધિમાં કોઇ પણ એક વિધિનું પ્રામદથી ઉલ્લંઘન થાય તો તે દોષની શુદ્ધિને માટે એક એક ઉપવાસ કરવો.૨૪

જ્ઞાન, સત્ય, તિતિક્ષા, લજ્જા, નિર્મત્સરતા, ધીરજ, તપ, શમ, દમ, અનસૂયા, દાન અને યજ્ઞા આ બાર ગુણો મનાયેલા છે.૨૫

જ્યારે કામ, ક્રોધ, શોક, મોહ, તૃષ્ણા, ઇર્ષ્યા, નિર્દયતા, સ્પૃહા, લોભ, અસૂયા, જુગુપ્સા અને માન આ બાર દોષો મનાયેલા છે.૨૬

તેથી બ્રહ્મચારીએ હમેશાં બાર દોષોથી રહિત અને બાર ગુણોએ યુક્ત થઈ. તેમજ શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિમાં તત્પર થઇ, ગુરૃની સેવા કરવી, તેમ કરતાં કરતાં આલોકમાં સર્વ કરતાં ચડિયાતો સિદ્ધ થાય છે. એમાં કોઇ સંશય નથી.૨૭

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં નૈષ્ઠિક બ્રહ્મચારીના ધર્મનો ઉપદેશ કરતાં ભગવાન શ્રીહરિએ બ્રહ્મચારીએ કરવા યોગ્ય ક્રિયાનું નિરૃપણ કર્યું એ નામે બાવનમો અધ્યાય પૂર્ણ થયો. --૫૨--