અધ્યાય - ૩૧ - ભગવાન શ્રીહરિએ કરેલું પતિવ્રતા સ્ત્રીઓના ધર્મોનું નિરૃપણ.

Submitted by swaminarayanworld on Tue, 08/08/2017 - 9:36pm

અધ્યાય - ૩૧ - ભગવાન શ્રીહરિએ કરેલું પતિવ્રતા સ્ત્રીઓના ધર્મોનું નિરૃપણ.

ભગવાન શ્રીહરિએ કરેલું પતિવ્રતા સ્ત્રીઓના ધર્મોનું નિરૃપણ.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે બ્રહ્મન્ ! પતિવ્રતા નારીએ પોતાને મન પતિ જ ઇશ્વર માનેલો હોય છે. તેથી તેમણે ઇશ્વરની જેમ આદરપૂર્વક સેવા કરવી.૧

પ્રતિદિન પ્રાતઃકાળે જાગ્રત થઇ સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરવાં, અપવિત્ર પદાર્થોનો સ્પર્શ ન કરવો, ઘરના ઉપકરણોને સ્વચ્છ રાખવાં, અને પોતાના પતિની સેવામાં સદાય તત્પર રહેવું.૨

પતિને વસ્ત્રથી ગાળેલા જળવડે સ્નાન કરાવી તેમને ધોયેલાં વસ્ત્રો પહેરવા આપવાં, ને પ્રેમપૂર્વક ફરી તેમના ચરણકમળનું પ્રક્ષાલન કરવું.૩

ને પતિને શુદ્ધ આસન ઉપર બેસાડીને તેમના ભાલમાં, બન્ને બાહુમાં અને હૃદયમાં ચંદન ચર્ચી કંઠમાં સુગંધીમાન પુષ્પની માળા ધારણ કરાવવી.૪

ત્યારપછી અમૃતની સમાન પ્રાતઃકાળનું ભોજન અર્પણ કરી ''કાન્તાય નમઃ'' આ મંત્ર બોલીને ભાવથી કાંતનું પૂજન અને સ્તુતિ કરી તેમને પ્રણામ કરવા.૫

પછી પ્રકાશમાં અન્નને જોઇ શુદ્ધ કરી ફરી સ્નાનથી શુદ્ધ થઇ પવિત્ર સથળમાં પતિને રુચિકર રસોઇ બનાવવી ને પતિને પ્રેમથી ભોજન કરાવવું.૬

પતિવ્રતા નારીએ પતિના જમ્યા પછીથી જ જમવું. બેસ્યા પછી બેસવું, તે સુઇ જાય પછી સુવું અને પતિના જાગ્યા પહેલાં જાગવું.૭

અલંકાર ધારણ કર્યા વિનાનું પોતાનું શરીર ક્યારેય પણ પતિને દેખાડવું નહિ. પતિ કોઇ કામ પ્રસંગે દેશાંતર જાય ત્યારે શરીરને વસ્ત્રાલંકારોથી શણગારવું નહિ.૮

પતિના આયુષ્યની વૃદ્ધિને માટે પતિનું નામ ઉચ્ચારણ કરવું નહિ. તે નામ બીજા કોઇ પુરુષનું હોય તો તે નામ પણ ક્યારેય લેવું નહિ.૯

કોઇ કારણવશાત્ પતિ પોતાના ઉપર ક્રોધ કરે, છતાં સામો ક્રોધ કરવો નહિ, ચંૂટિયું ભરવા આદિકનું તાડન કરે, છતાં પ્રસન્ન રહેવું. ઘરના દરવાજે બહુ લાંબો સમય સુધી ઊભવું નહિ. ક્યારેય પણ ઊંચે સ્વરે બોલવું નહિ.૧૦

પતિ બોલાવે ત્યારે ઘરનું ગમે તેવું કામ છોડી તત્કાળ પતિ સામે હાજર થવું, ને કહેવું કે હે સ્વામિન્ ! આ હું આવી. આપશ્રીની જે ઇચ્છા હોય તેની આજ્ઞા કરો. આ પ્રમાણે એકદમ ધીરેકથી વચન બોલવું.૧૧

તેવીજ રીતે પતિએ ન કહ્યું હોય છતાં ભગવાનની પૂજાના ઉપકરણો તૈયાર કરી આપવાં. જે સમયે જે વસ્તુની ઉપયોગીતા હોય, તે સમયે તે વસ્તુ લાવીને પતિ પાસે મૂકવી.૧૨

પતિને ગમતું અને તેમનું જમતાં બચેલું અન્ન કે ફળાદિકનું ભક્ષણ કરવું, તેમજ પતિએ અર્પણ કરેલાં ભોજ્ય પદાર્થને મહાપ્રસાદ જાણી ગ્રહણ કરવો.૧૩

પતિવ્રતા નારીએ દેવતા, પિતૃ, અતિથિ, ગાય, ભિક્ષુક અને નોકર વર્ગને જમાડયા વિના જમવું નહિ.૧૪

પતિવ્રતા નારીએ બ્રાહ્મણ, દુર્બળ, અનાથ, ગરીબ, અંધ અને કુપણ વગેરે કોઇ પણ ભૂખ્યા માણસને અન્ન આપી પોષણ કરવું.૧૫

પતિવ્રતા નારીએ ઘરનાં ઉપયોગી ખાંડણિયો, મૂસળ, સૂપડું આદિ ઉપકરણોને યોગ્ય સ્થાને ગોઠવીને રાખવાં. સ્વભાવે સદાય પ્રસન્ન રહેવું. ઘરનાં દરેક કામમાં ખૂબજ ચાતુરી વાપરવી. ધનનો ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું અને પતિને પૂછયા વિના ઉપવાસાદિક વ્રત ન કરવાં.૧૬

લૌકિક મેળાઓને જોવાનો ત્યાગ રાખવો. સત્સંગના પ્રસંગમાં, તીર્થયાત્રાએ કે વિવાહે એકલીએ ન જવું.૧૭

સુખપૂર્વક નિદ્રા કરી રહેલા, બેઠેલા, પોતાની ઇચ્છાનુસાર કોઇ આનંદની ક્રીડા કરી રહેલા પતિને ગમે તેવું અગત્યનું કામ પડે છતાં ક્યારેય પણ ખલેલ પહોંચાડવી નહિ.૧૮

સ્ત્રી જ્યાં સુધી રજસ્વલા ધર્મમાં હોય ત્યાં સુધી સ્નાન કરવું નહિ, ત્રણ રાત્રી પર્યંત પતિને પોતાનું મુખ દેખાડવું નહિ, તથા વચન સંભળાવવું નહિ, ચોથે દિવસે સ્નાન કરી પોતાના પતિના મુખનું દર્શન કરવું. પોતાના પતિ સિવાયના અન્ય પુરુષનું મુખ ક્યારેય પણ ન જોવું. અને જો ક્યારેક જોવાઇ જાય તો મનમાં પતિનું ધ્યાન કરી સૂર્યનું દર્શન કરવું.૧૯-૨૦

પતિનું આયુષ્ય ઇચ્છતી પતિવ્રતા નારીએ પોતાના અંગ ઉપરથી હળદર, કંકુ, સિંદૂર, આંખમાં કાજળ, કંચુકી, તાંબૂલ તથા મંગલસૂત્ર ક્યારેય પણ દૂર ન કરવાં.૨૧

તેમજ સુગંધીમાન તેલ નાખીને ફૂલ સાથે કેશ ગૂંથવા તથા હાથમાં કંકણ અને કાનનાં આભૂષણનો પણ ક્યારેય ત્યાગ ન કરવો.૨૨

વળી પતિવ્રતા નારીએ ધોબણ સ્ત્રીની સાથે ક્યારેય પણ સખીપણું ન કરવું. તેમજ સત્કર્મોમાં સંદેહ કરનારી, પાખંડ માર્ગનું અનુકરણ કરનારી, સંન્યાસી સ્ત્રીની સાથે, તેમજ દુર્ભાગ્યવાળી, વિશ્વાસઘાતીની, આમતેમ નજરું કરનારી અને સ્ત્રીના વેષમાં નપુંસક નારીની સાથે ક્યારેય પણ સખીપણું ન કરવું. તેમજ પુરુષના વેશને ધરનારી, બહુ વાતો કરનારી, અન્યના ઘેર ભટકનારી, જુગાર રમનારી, ચાડીચુગલી કરનારી, ગાંજો, ભાંગ, અફીણ, છીંકણી આદિક માદક વસ્તુઓનું સેવન કરનારી, વેશ્યા, અતિશય ક્રોધી, પરને પરાભવ પમાડવા સમર્થ, ચોરી કરનારી, વ્યભિચારિણી, ચંચળ સ્વભાવવાળી, અતિશય ભોજન કરનારી અને પોતાના પતિનો દ્વેષ કરનારી; આટલી સ્ત્રીઓની સાથે પતિવ્રતા નારીએ ક્યારેય પણ સખીપણું ન કરવું, તે સાથે બોલવું નહિ. ક્યારેય સમૂહથી એકલા પડવું નહિ અને વસ્ત્ર વિના નગ્ન સ્નાન પણ ક્યારેય કરવું નહિ.૨૩-૨૮

પતિવ્રતા નારીએ ક્યારેય પણ ખાંડણિયા ઉપર, સાવરણી ઉપર, પથ્થરના ટૂકડા ઉપર, ફરતા યંત્ર ઉપર, અને ઉમરા ઉપર ન બેસવું.૨૯

તેમજ પોતાના પતિ સાથેના અવસર વિના ક્યારેય નિર્લજપણું ન આચરવું. પતિને જે કાર્યમાં રુચિ હોય તે કાર્યમાં જ પ્રેમવાળી થવું.૩૦

ઊંચા આસને ન બેસવું અને પારકે ઘેર બેસવા ન જવું, સાંભળનારને શરમ આવે તેવા ગુહ્ય શબ્દો ન બોલવા. ગાળ આદિક અપશબ્દો ન બોલવા.૩૧

ગુરુ, સસરા, જેઠ આદિ વડીલોની સમીપે ઉચ્ચે સ્વરે બોલવું નહિ અને હસવું પણ નહિ, તેમજ વડીલોની હાજરીમાં પોતાના સમીપ સંબંધવાળા પુરુષોની સાથે પણ બોલવું નહિ. અને સંબંધ વિનાના પુરુષોનો ક્યારેય પણ સ્પર્શ કરવો નહિ.૩૨

સંન્યાસી, વેપારી, વૈદ્ય તથા વૃદ્ધ પુરુષોની સાથે જેટલા વ્યવહારિક કાર્યનું પ્રયોજન હોય તેટલું જ બોલવું.૩૩

પતિવ્રતા નારીએ ઘોડા આદિ પુરુષ પશુજાતિને પણ બુદ્ધિપૂર્વક ન જોવો. કોઇની સાથે કજીયો ન કરવો. કોઇના ઉપર મિથ્યા અપવાદનું આરોપણ ન કરવું.૩૪

પતિવ્રતા નારીને માટે પોતાનો પતિ જ એક પરમ દૈવત કહેલો છે. એથી પોતાના પતિને જ હમેશાં પૂજવો. તેમનું વચન ક્યારેય ઉલ્લંઘન કરવું નહિ.૩૫

પતિવ્રતા નારીએ પોતાનો પતિ નપુંસક હોય, રોગી હોય, દરિદ્ર હોય કે વૃદ્ધ હોય અથવા કજીયો કરવાના સ્વભાવવાળો હોય તથા જન્મથી ભાગ્ય હીન હોય, તો પણ પતિની સેવા અવશ્ય સર્વ પ્રકારે કરવી.૩૬

પતિવ્રતા નારીએ પતિની પ્રસન્નતામાં પ્રસન્ન થવું, દુઃખે દુઃખી થવું, સંપત્તિના સમયે કે વિપત્તિના સમયે હમેશાં પતિને અનુકૂળ થવું.૩૭

પતિને ઘરમાં ઘી, મીઠું, તેલ, આદિક વસ્તુઓ ખૂટી હોય છતાં ઘરમાં નથી એમ ન કહેવું. પતિને બહુ પ્રયાસ કરવો પડે તેવા કાર્યમાં જોડવા નહિ.૩૮

પતિને બહારથી આવેલા જોઇ બે હાથ જોડી વિનયથી નમ્ર થઇ પતિવ્રતા નારીએ તત્કાળ ઊભા થઇ પગ ધોવા જળ, બેસવા આસન, અને મુખમાં પાનબીડું આપી વીંજણાથી પવન ઢોળવો અને પગચંપી કરવી. મધુર અને ખેદનું નિવારણ કરે તેવાં પ્રિય વચનો બોલીને ભક્તિભાવપૂર્વક પોતાના પતિને પ્રસન્ન કરવા. ૩૯-૪૦

પતિવ્રતા નારીને મન પતિ છે એજ દેવ, ગુરુ, તીર્થો અને વ્રતો છે. તેથી ક્યારેય પણ પતિનું અપમાન ન કરવું.૪૧

પોતાના પતિ સિવાયના દેવ, મનુષ્ય, ગાંધર્વ, યુવાન, બહુ અલંકૃત, દ્રવ્યવાળા અને રૃપાળા પુરુષને વિષ્ટા તુલ્ય જાણવા.૪૨

છાયા જેમ દેહને અનુસરે તેમ પતિવ્રતા નારીએ સદાય પતિને અનુસરવું અને સહચારિણી થવું, આ પ્રમાણે વિવાહ સમયે બ્રાહ્મણે કહેલું હોય છે તેને અવશ્ય યાદ રાખવું.૪૩

પતિની આજ્ઞા લઇને જ નિત્ય કે નૈમિતિક એવા એકાદશી આદિક વ્રતના ઉપવાસ કે ચાતુર્માસનાં નિયમો કરવાં.૪૪

ઉપરોક્ત ધર્મોમાંથી કોઇ પણ એક ધર્મનો ભંગ થાય તો પતિવ્રતાએ તત્કાળ તેમનું પ્રાયશ્ચિત કરવું.૪૫

સવારે જાગ્રત થવાથી લઇને અહીં સુધી કહેલા સર્વે પોતાના નિયમોમાંથી કોઇ પણ નિયમનો અજાણતાં ભંગ થાય તો એક એક વ્રતના ભંગનો એક એક અલગ અલગ ઉપવાસ કરવો.૪૬

જો પતિવ્રતા નારી બ્રહ્માના પાંચમા મુખથી નીકળેલા અપશબ્દો બોલે તો એક પાદકૃચ્છ્રવ્રત કરવું. તે વ્રત આ પ્રમાણે કરવું, પહેલા દિવસે એકટાણું જમવું, બીજા દિવસે રાત્રે એક વખત જમવું, ત્રીજે દિવસે માગ્યા વિના કોઇ બોલાવે તો જમવું અને ચોથે દિવસે ઉપવાસ કરવો તેને પાદકૃચ્છ્રવ્રત કહેલું છે.૪૭

હે વિપ્ર ! આ પ્રમાણે મેં સુવાસિની એવી પતિવ્રતા નારીના ધર્મો સંક્ષેપથી કહ્યા. જગતમાં પતિવ્રતા નારી મળવી બહુ દુર્લભ છે.૪૮

જે સ્ત્રી પોતાના પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને વ્રત અને ઉપવાસ કરે છે, તે પોતાના પતિની આયુષ્ય હરનારી થાય છે, અને મૃત્યુ પછી નરકમાં પડે છે.૪૯

જો પતિવ્રતા નારી પોતાના પતિવ્રતાના ધર્મમાંથી ભ્રષ્ટ થાય છે તો તેણે આચરેલાં સમસ્ત દાન, ઉપવાસાદિક સુકૃતો પણ સર્વપ્રકારે નિષ્ફળ જાય છે.૫૦

જે સ્ત્રી મન, કર્મ, વચને પણ પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરતી નથી. તે નારીને પોતે કરેલાં સુકૃતોનું અનંતગણું બહુજ પુણ્ય પ્રાપ્ત થાય છે.૫૧

જે સ્ત્રી વાણીથી પણ પર પુરુષની પ્રાપ્તિ રૃપ દોષથી દૂષિત થઇ નથી. જે હમેશાં બહાર અને અંદર પવિત્રપણે રહી છે. જે ધીરજશાળી છે અને પતિવ્રતાના ધર્મમાં વર્તે છે અને પરપુરુષના સંગરૃપ યોનિદુષ્ટ થઇ નથી, તે નારી આખા જગતને ધારણ કરવા સમર્થ હોય છે, તેમ નિશ્ચે જાણો.૫૨

જે સ્ત્રી એકવાર યોનિદૂષિત થઇ હોય તે સ્ત્રી માટે ઋષિમુનિઓએ એવું કોઇ પ્રાયશ્ચિત બતાવ્યું નથી કે તે વ્રત કરીને તે ફરી પતિવ્રતા શબ્દને યોગ્ય થાય. અર્થાત્ ન જ થાય. પ્રાયશ્ચિત કરે તો પાપ જરૃર નાશ પામે છે પણ પતિવ્રતાપણું પ્રાપ્ત થતું નથી. ઋષિઓએ વાણીના દોષથી દૂષિત થયેલી માટે પ્રાયશ્ચિત કહેલું છે તે પ્રમાણે કરવાથી પુનઃ પતિવ્રતા કહેવાય છે, પણ યોનિથી દૂષિત થયેલી નારીને એ દોષના કારણે હજારો કલ્પાંતરોમાં પણ ઉત્તમલોકની પ્રાપ્તિ થતી નથી. પરંતુ તિર્યગ્ યોનિને પામે છે.૫૩-૫૪

તેવી સ્ત્રી જો કદાચ મનુષ્ય જન્મ પામે છે તો તે ભૂંડ અને શ્વાન ભક્ષક એવી ચાંડાળયોનિમાં જન્મે છે.૫૫

જે સ્ત્રી પોતાનો પતિ કંઇ કહે ને ક્રોધથી પતિને સામે ઉત્તર આપે છે, તે સ્ત્રી ગામની કૂતરી થાય છે, અથવા નિર્જન વનમાં શિયાળ થાય છે.૫૬

જે દુર્મતિ સ્ત્રી પતિને છોડીને પર પુરુષનો સમાગમ કરવા એકાંત સ્થળમાં માત્ર જાય છે, તે સ્ત્રી ક્રૂર સ્વભાવવાળા અને વૃક્ષોની કોટરમાં રહેતા ઘુવડનો જન્મ પામે છે.૫૭

પતિ તાડન કરે, ત્યારે જે સ્ત્રી સામું પતિને તાડન કરવા ઇચ્છે છે, તે સ્ત્રી વાઘણ અથવા બિલાડી થાય છે. જે સ્ત્રી અન્ય પુરુષ સામે કામભાવે કટાક્ષથી જુએ છે, તે બીજા જન્મમાં વાંકાં નેત્રવાળી (કાણી) થાય છે.૫૮

જે સ્ત્રી પોતાના પતિને છોડીને એકલી જ મિષ્ટાન્ન જમે છે તે ગામની ભૂંડણી અથવા પોતાની જ વિષ્ટા ખાનારી વાગોળ થાય છે.૫૯

જે સ્ત્રી પતિને તુંકારે બોલાવે છે, તે સ્ત્રી બીજા જન્મમાં મૂંગી થાય છે. જે સ્ત્રી પોતાના પતિની બીજી પત્ની સાથે ઇર્ષ્યા કરે છે તે બીજા જન્મે દુર્ભાગ્યવાળી થાય છે.૬૦

જે સ્ત્રી પોતાના પતિની દૃષ્ટિને છેતરીને કુતુહલથી કોઇ પર પુરુષને નિહાળે છે. તે સ્ત્રી પૃથ્વી પર કાણી, દુર્મુખી કે કુરૃપી જન્મે છે.૬૧

જે સ્ત્રી એક પતિવ્રતપણાના આચારથી ભ્રષ્ટ થાય છે તે સ્ત્રી પિતા, માતા, અને પતિના ત્રણ કુળને નરકમાં નાખે છે. તેમજ આલોકમાં તથા પરલોકમાં દુઃખી થાય છે.૬૨

પતિ સ્વધર્મમાં નિષ્ઠાવાન હોય છતાં સ્ત્રીના શીલભંગને કારણે મહા કષ્ટે કરીને પ્રાપ્ત કરેલા સ્વર્ગમાંથી તેમનું પતન થાય છે. તેથી સ્ત્રીના ચારીત્ર્યનું રક્ષણ થવું જોઇએ.૬૩

સ્ત્રીઓએ સર્વે પ્રકારનાં સુકૃતનાં પાત્રભૂત આ શરીરને સુખના આભાસ જેવા જણાતા પરપુરુષના સ્પર્શ થકી મહા પ્રયત્ને કરીને પણ બચાવવું.૬૪ પતિવ્રતા ધર્મના પ્રભાવથી સ્ત્રી આલોકમાં મોટી કીર્તિને પામે છે અને સ્વર્ગમાં અક્ષય નિવાસ પામે છે. તેમજ લક્ષ્મીજીની સાથે સખીપણું મેળવે છે.૬૫

જો પતિવ્રતા નારીનો પતિ શ્રીવાસુદેવ ભગવાનથી વિમુખ હોય અથવા બ્રહ્મહત્યાદિ મહાપાપને કરનારો હોય તો સ્ત્રીએ તેનો ત્યાગ કરી દેવો.૬૬

અને જો તે પાપનું પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થાય અને શ્રીકૃષ્ણ ભગવાનનું ભજન કરવા લાગે તો ફરીથી ઇશ્વરની પેઠે સેવવો.૬૭

પતિવ્રતા નારી પોતાના શરીરમાં જેટલા રોમ છે તેના દશહજાર કરોડ વર્ષ પર્યંત સ્વર્ગ લોકમાં પોતાના પતિની સાથે આનંદ કરતી સુખ ભોગવે છે.૬૮

પતિવ્રતા નારીને જન્મ દેનારી માતા-પિતાને ધન્ય છે અને જે ઘરમાં તે પતિવ્રતા નારી પરણીને પધારે છે તે પતિને પણ ધન્ય છે.૬૯

જે પુરુષના સો જન્મોનાં ભેળાં થયેલાં પુણ્યનો ઉદય થાય ત્યારે જ તેમને ઘેર આવી પતિવ્રતા નારીનું આગમન થાય છે.૭૦

પતિવ્રતા નારીના પુણ્યના પ્રતાપે પિતૃવંશ, માતૃવંશ અને પતિનોવંશ એમ ત્રણ વંશજોને સ્વર્ગનું સુખ પ્રાપ્ત થાય છે.૭૧

તેવી નારી અકાર્ય કરનારા, પતિત અને સ્વધર્માદિ ગુણો રહિતના પતિનો અને પોતાનો પણ ઉદ્ધાર કરે છે.૭૨

સૂર્યદેવ પણ ભય પામતા પતિવ્રતા નારીનો સ્પર્શ કરે છે. તેમજ ચંદ્રદેવ અને વાયુ પણ પોતાને પવિત્ર થવા સ્પર્શ કરે છે પણ પરંતુ બીજા કોઇ ભાવથી નહિ.૭૩

આ પૃથ્વી પર જેટલાં તીર્થો રહેલાં છે તે સમગ્ર તીર્થો પતિવ્રતા નારીના ચરણમાં નિવાસ કરીને રહે છે. અને સર્વે દેવતાઓ તથા તપસ્વીઓનું તેજ પણ પતિવ્રતા નારીના શરીરમાં રહેલું છે.૭૪
પતિવ્રતા નારીના ચરણથી ધરતી પણ તત્કાળ પવિત્ર થાય છે. અને કોઇ પાપી પુરુષ જો આવી પતિવ્રતા સ્ત્રીને નમસ્કાર કરે છે તો તત્કાળ પાપથી મુક્ત થાય છે.૭૫

આવી મહા પુણ્યશાળી પતિવ્રતા નારી પોતાના પ્રભાવથી આ ત્રિલોકીને એક ક્ષણવારમાં નાશ કરવા માટે સમર્થ થાય છે.૭૬

બીજી પતિવ્રતા નારીઓ એવી અરુંધતી, સાવિત્રી, અનસૂયા, શાંડિલી, અહલ્યા, સત્યા, દ્રોપદી, શતરૃપા, મેના, સુનીતિ, સંજ્ઞા, સ્વાહા અને લોપામુદ્રા જેવી પતિવ્રતા નારીઓ આ પૃથ્વી પર વિરલ છે. તેવી નારીઓ ભાગ્યે જ જોવા મળે છે.૭૭-૭૮

હે શ્રેષ્ઠ વિપ્ર ! કૂતરી તુલ્ય સ્ત્રીઓ તો સર્વત્ર ઘેર ઘેર જોવા મળે છે. પરંતુ મનુષ્ય યોનિમાં જન્મ્યા છતાં પણ જે સ્ત્રીના ચરણમાં દેવલોકની દેવાંગનાઓ પણ આશ્ચર્યથી વંદન કરે એવી પતિવ્રતા નારીને ધન્ય છે.૭૯

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતાં ભગવાન શ્રીહરિએ સ્ત્રીધર્મોમાં પતિવ્રતા નારીના ધર્મોનું નિરૃપણ કર્યું એ નામે એકત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૧--