અધ્યાય - ૨૪ - રાજધર્મોમાં છ વર્ગાદિકનું નિરૃપણ.

Submitted by swaminarayanworld on Tue, 08/08/2017 - 9:31pm

અધ્યાય - ૨૪ - રાજધર્મોમાં છ વર્ગાદિકનું નિરૃપણ.

રાજધર્મોમાં છ વર્ગાદિકનું નિરૃપણ.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે બ્રહ્મન્ !

ધર્મ છે તે રાજાઓને યશ અને સ્વર્ગ અપાવે છે. શત્રુઓ પણ ધર્મથી જ જીતાય છે. તેથી રાજાએ સ્વધર્મમાં પ્રીતિવાળા થવું.૧

લોકમાનસ, દેશ, પોતાના જીવનના ઉપાયો, મંત્રી આદિક સહાયકો, સત્યયુગાદિ કાળ અને કર્મ, આ છ વર્ગ છે,તે રાજાની રાજનીતિ અનુસારે પ્રવર્તે છે. તેથી જ રાજાએ ધર્મને અનુસરવું. જો રાજા ધર્મનિષ્ઠ હોય તો અધર્મી જનોના ચિત્તમાં પણ ધર્મ પ્રવર્તવા લાગે છે. ખરાબ દેશ પણ સારા તરીકે પ્રસિદ્ધિને પામે છે. તેથી રાજાના ઉપાયો ધર્મને અનુરૃપ હોવા જોઇએ.૨

રાજાએ ઋગ્, યજુ અને સામ આ ત્રણ વેદ, ખેતી, વેપાર, પશુ પાલનરૃપ વાર્તા, અર્થ, યોગ અને ક્ષેમને ઉપયોગી દંડનીતિ, તથા આત્મવિદ્યા, આ ચાર વિદ્યાને ભણવી. આ વિદ્યા અનુક્રમે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપે છે.૩

રાજાએ સામ-મીઠું બોલી સમજાવવું, ભેદ-પરસ્પર વેર ઉત્પન્ન કરાવી ભેદ પાડવો,દાન-સુવર્ણાદિ ધન આપવું, અને નિગ્રહ- દંડ અર્થાત્ મૃત્યુ સુધીનો પણ અપકાર કરવો.આ ચાર ઉપાયો અને પાંચમો ઉપાય ઉપેક્ષણ પણ જરૃર પડયે અમલમાં મૂકવો.૪

તેમજ શત્રુના ભયથી તેમની સાથે કરવામાં આવતી સંધિ હીન કહેલી છે.શત્રુના સત્કારથી પ્રભાવિત થઇ કરવામાં આવતી સંધિ મધ્યમ કહેલી છે.અને શત્રુએ આપેલા ધનના ગ્રહણથી કરવામાં આવતી સંધિ ઉત્તમ કહેલી છે. તથા વિજય પણ અર્થજય,ધર્મજય અને આસુરજય, એમ ત્રણ પ્રકારનો જાણવો, તેમાં પર સેનાના સેનાપતિ આદિકને ધન આપીને પોતાનો વિજય મેળવવો તે અર્થજય જાણવો,નિયમપૂર્વકના યથાર્થ યુદ્ધથી વિજય મેળવવો તે ધર્મજય છે અને શત્રુ જાણે નહિ એવી છાની તેના ઉપર વાર કરીને તેનો પરાજય કરવો તે આસુર વિજય કહેલો છે. તે અતિશય નિંદનીય છે.૫

રથ, હાથી, ઘોડા, પદાતિ, અલ્પ મૂલ્ય લઇને ભાર આદિકનું એક ગામથી બીજે પરિવહન કરી આપવું.બળપ્રયોગ કે ભય પ્રદર્શનાદિકથી નાવિકો દ્વારા સૈન્યને માટે નાવ ચલાવવી,જાસુદ કે હમેલીયા તથા સૈનિકોને પ્રશિક્ષણ આપનારા શિક્ષકો. આ આઠ પ્રકારની રાજાની સેના કહેલી છે. તેને પ્રત્યક્ષદંડ પણ કહેવાય છે.૬

વસ્ત્રમાં તથા અન્નમાં બીજાએ કરેલો વિષપ્રયોગ, તેમજ મેલામંત્રોથી અભિચારનો પ્રયોગ, આ ત્રણ પ્રકારની અપ્રગટ સેના, (પરોક્ષદંડ) કહેલ છે. તેને લક્ષણોથી જાણી રાખવી.૭

રાજાએ સૂર્યાદિ ગ્રહો, નક્ષત્રો અને માર્ગો તથા તેમનાં લક્ષણો જાણી રાખવાં, તેમજ ભૂમિના ચોર્યાસી ગુણો પણ જાણી રાખવા. મંત્ર-યંત્રાદિકથી પોતાનું રક્ષણ અને યુદ્ધનું કૌશલ્ય પણ જાણી રાખવું.૮

યુદ્ધના અનેક પ્રકારના વ્યૂહ પણ જાણી રાખવા,જેવા કે ગરૃડાકૃતિ વ્યૂહ, મકરાકૃતિ, કૌંચપક્ષ્યાકૃતિ, ચક્ર,સુચીમુખ, મહદ્, વજ્રાકૃતિ, સર્વતોભદ્રમંડલાકૃતિ, અર્ધચંદ્રાકાર, શકટાકાર અને શૃંગાટક વ્યૂહ, આ સમગ્ર વ્યૂહોની વિદ્યા રાજાએ જાણી રાખવી. તેમજ રાજાએ શત્રુને સતત ભય ઉપજાવતા રહેવું આવા અનેક પ્રકારના વ્યૂહોની કવાયત કર્યા કરવી.૯-૧૦

મનુષ્યો, હાથી અને ઘોડાના પોષણના ઉપાયો શાસ્ત્રથકી જાણવા.રથ-નિર્માણ આદિકનું શિલ્પ તથા આયુધોનાં લક્ષણો પણ શાસ્ત્ર થકી જાણી રાંખવાં.૧૧

ઉત્પાત આદિક ગુણોને તથા સૈન્યના પ્રેાત્સાહન અને પરીક્ષણને તથા શત્રુ, મિત્ર અને ઉદાસીન તેમજ દૂતને પણ લક્ષણોથી જાણી રાખવા.૧૨

રાજાએ ખડજનોના વિનાશની રીત, અસ્ત્ર અને શસ્ત્રના પ્રયોગની રીત પણ જાણવી, તેમજ ગામ, દેશ અને કુળના ધર્મો અને વૈદિક ધર્મો પણ જાણવા.૧૩

તથા બાર રાજાઓની અરિ, મિત્ર, ઉદાસીન આદિક મંડળસંસ્થિતિ પણ જાણવી, તેમજ અપરાધને અનુરૃપ દંડ નીતિ ધર્મશાસ્ત્ર થકી જાણવી.૧૪

બુદ્ધિમાન રાજાએ ધનુર્વેદ અને નીતિશાસ્ત્રનો અભ્યાસ કરી પૂર્વોક્ત સર્વે બાબત જાણીને શત્રુ ઉપર વિજય મેળવવો અને ધર્મની વૃદ્ધિ કરવી.૧૫

રાજાએ પોતાના બુદ્ધિ બળથી શત્રુને સમજાવી, દાન આપી અને ભેદ દેખાડી, અતિશય લાંબા સમયે પણ પોતાને વશ કરવો, પરંતુ ચોથો યુદ્ધનો ઉપાય તત્કાળ ઉપયોગમાં ન લેવો. કારણ કે યુદ્ધ તો કોઇ અન્ય ગતિ ન હોય ત્યારે જ કરવું.૧૬

જો શત્રુઓ શામ આદિક ત્રણ ઉપાયોથી વશ ન થાય તો જ રાજાએ નિર્ભય થઇને યુદ્ધ કરવું.૧૭

જો શત્રુઓ યુદ્ધમાં મરાય તો ધાર્મિક રાજાએ તે શત્રુઓના રાજ્યને પોતાના વશમાં કરી લીધેલા તેઓના પુત્રોને જ પરત સ્વયં જાતે સોંપી દેવું.૧૮

અને જો શત્રુઓને યુદ્ધમાં યુક્તિથી કે બુદ્ધિબળે પકડી લેવાયા હોય, તો તેઓને લાવી પોતાના કેદખાને રાખવા, ને ઉત્તમરાજાએ તેઓને જીવંત પર્યંત અન્ન, વસ્ત્રો આપીને જીવાડવા,કારણ કે કેદખાનામાં પૂરેલા શત્રુઓ ગાયો કરતાં પણ અધિક દયાને પાત્ર છે.૧૯-૨૦

ક્રૂર કર્મવાળો જે રાજા પકડેલા શત્રુઓનો ઘાત કરે છે, તે રાજા બ્રહ્મહત્યા જેવા મહાપાપને પામે છે. તે પૂર્ણ સત્ય વાત છે.૨૧

બુદ્ધિહીન જે રાજા સામ આદિક ઉપાયોને છોડીને નિત્ય યુદ્ધ પરાયણ થાય છે, તેમના સારા સારા રાજકીય પુરુષો, હાથી, ઘોડા, પદાતિ આદિ સૈન્યનો રસાલો અને ધનકોશ ધીરે ધીરે નાશ પામે છે. તેથી રાજા પણ દુર્દશાને પામે છે. તેથી સામ આદિક ઉપાયો કર્યા વિના પહેલાં યુદ્ધનો પ્રયોગ ન કરવો.૨૨-૨૩

રાજાએ પોતાના ધનનો ત્રીજો ભાગ પોતાના જીવન માટે રાખવો, અને બે ભાગ ધર્મ કાર્ય માટે રાખવા. કારણ કે જીવન નાશવંત છે.૨૪

રાજાએ પોતાના શીલ વર્તનથી પ્રજાને રંજન કરતાં તેમનું પાલન પોષણ કરવું.અદંડય એવા બ્રાહ્મણાદિકને ક્યારેય દંડ ન આપવો,અને પોતાના ધર્મથી ચલિત થયેલા એવા દંડવા યોગ્ય જનોને જરૃર દંડ આપવો.૨૫

જો રાજા પ્રજાનું ધર્મથી પાલન ન કરે તો અન્ય માર્ગે વળી ગયેલી પ્રજા વણસંકર થાય છે.તથા દેશમાં દુષ્કાળ પડે છે.૨૬

જે રાજા પ્રજાનું રક્ષણ કરતો નથી ને પોતાનો કર ઉઘરાવ્યા રાખે છે, તે રાજા પ્રજાનું પાપ ભોગવે છે. ને પોતાના પુણ્યનો વિનાશ નોતરે છે.૨૭

ધર્મદર્શી બુદ્ધિમાન રાજાએ પ્રજાના રક્ષણ માટે જ તેમની પાસેથી છઠ્ઠા ભાગનો કર હમેશાં ગ્રહણ કરવો.૨૮

રાજાએ પહેલાં પોતાના મનને જીતવું ને પછી જ શત્રુઓને જીતવા,કારણ કે જીતેન્દ્રિય રાજા જ શત્રુઓને પોતાને વશ કરી શકે છે.૨૯

રાજાએ વેદ અને વેદાંતના જ્ઞાતા સારા નીતિવાન વિષ્ણુભક્ત,દાનશીલ,યજ્ઞાશીલ અને તપસ્વી થવું.૩૦

રાજાએ રૃડી રીતે રાજકાર્યને સંપાદન કરતા રાજસેવકોને ધન અને વસ્ત્ર અર્પણ કરી પૂજવા.છૂપી રીતે પ્રજાને પીડતા મંત્રીઓનું રાજાએ નિયમન કરવું.૩૧

રાજા જો ધર્મનું પ્રવર્તન કરે છે તો પ્રજા તેનું અનુકરણ કરે છે.તમે કહેશો કે કાળના ચક્ર સાથે ચાલતા ધર્મને છોડીને પ્રજા,રાજાએ પ્રવર્તાવેલા ધર્મને કેવી રીતે અનુસરી શકે ? તેમાં કહીએ છીએ કે રાજા ઉપર કાળનું બળ ચાલતું નથી. પરંતુ રાજા એ કાળનું કારણ સિદ્ધ થાય છે.૩૨

કારણ કે સત્ય,ત્રેતા,દ્વાપર અને કળિયુગ વિગેરે યુગો રાજાને અનુસરીને વર્તે છે.એથી રાજા જ યુગ કહેવાય છે.૩૩

આલોકમાં પ્રજાને વિષે યોગ,ક્ષેમ, સુવૃષ્ટિ,વ્યાધિ,મરણ,ચોરાદિકનો ભય વગેરે રાજાની રાજનીતિને આશરે પ્રવર્તેલ હોય છે.તેથી રાજાએ ધર્મનું પ્રવર્તન કરવા પૂર્વક જ પ્રજાનું રક્ષણ કરવું.૩૪

રાજા ભય થકી પ્રજાનું રક્ષણ કરતો નથી તે રાજા પ્રજાએ એક દિવસમાં કરેલાં પાપનું ફળ યમપુરીમાં એક હજાર વર્ષ પર્યંત ભોગવે છે.૩૫

અને જો રાજા ધર્મથી પ્રજાનું પાલન કરે છે, તો પ્રજાએ એક દિવસમાં કરેલા ધર્મનું પૂણ્યફળ સ્વર્ગમાં દશહજાર વર્ષ પર્યંત રાજા ભોગવે છે.૩૬

કારણ કે આ લોકમાં રાજા જેા પ્રજાનું રક્ષણ કરે છે.તો પ્રજાએ પાલન કરેલા ધર્મના પુણ્યનો ચોથો ભાગ રાજાને પ્રાપ્ત થાય છે.૩૭

ચોર લોકો દ્વારા ચોરાયેલું અને તેથી જ ફરી કોઇ ઉપાયે પાછું પ્રાપ્ત નહીં થનારૃં પોતાના સેવક જનોનું ધન રાજાએ પોતાના ખજાનામાંથી તેઓને આપવું,૩૮

રાજાનું હિત ઇચ્છતો મનુષ્ય નાશ પામી રહેલા ખજાના વિષે રાજાને સાવચેત કરે, તો તેમનું વચન રાજાએ એકાંતમાં સાંભળવું ને તે સેવકની પોતાના મંત્રીઓ થકી પણ વિશેષપણે રક્ષા કરવી.૩૯

રાજાએ બુદ્ધિશાળી, પ્રતિભાશાળી, ઇન્દ્રિયોનું દમન કરનાર, ક્રિયા કરવામાં વિચક્ષણ, શૂરવીર, બહુશ્રુત, કુલીન અને સત્યસંપન્ન પુરુષોને સર્વ કાર્યમાં માન આપવું અને તેને પૂછીને સર્વે કાર્યો કરવાં.૪૦

ગરીબ,અનાથ અને વૃદ્ધ તથા વિધવા સ્ત્રીઓના યોગક્ષેમની અને આજીવિકાની હમેશાં રાજાએ રચના કરી આપવી.૪૧

રાજાએ નિષ્કપટ ભાવે બ્રાહ્મણોનું આશ્રમમાં જઇ સન્માન કરી પૂજન કરવું, ને વસ્ત્રો, ભોજનપાત્રો અને અન્ન આદિક પદાર્થો તેમને હમેશાં મોકલવાં.૪૨

રાજાએ પોતાના કાર્યોની વાત અને રાષ્ટ્ર સંબંધી વાત તપોનિષ્ઠ મુનિજનોની આગળ નિવેદન કરવી,ને સદાય વિનયયુક્ત વર્તન કરવું.૪૩

રાજાએ કોઇ પણ આપત્કાળમાં તપસ્વી પુરુષો ઉપર વિશ્વાસ કરવો.કારણ કે ચોર લોકો પણ તપસ્વીઓમાં વિશ્વાસ કરે છે.૪૪

રાજાએ એક ગામનો એક અધિપતિ નીમવો. તેવા દશ ગામના અધિપતિઓ ઉપર એક અધિપતિ નીમવો. તેવા દશ ઉપર બીજો એક અધિપતિ નીમવો. તેવા હજાર ગામ ઉપર વળી એક અધિપતિ નીમવો, પછી સર્વ ગામો ઉપરનો એક અધિપતિ નીમવો.૪૫

આ પ્રમાણેના ક્રમથી સર્વ રાષ્ટ્રનું રક્ષણ કરવું.જે પ્રકારે રાષ્ટ્રની પ્રજા દુઃખી ન થાય તે રીતે આળસ છોડીને રાજાએ કાર્ય કરવાં.૪૬

વળી રાજાએ તે જ રીતે વણિકોનો વેપાર અને શિલ્પીઓનું શિલ્પીકામ જોઇને તેમ જ તેઓના ખર્ચ અને નિર્વાહને જોઇને કર નાખવો.૪૭

રાજાએ અન્ય કોઇનું પણ વચન સાંભળી તત્કાળ કોઇ કાર્ય ન કરવું. તેના સત્ય અસત્યપણાનો વિચાર કરી પછી નિર્ણય પૂર્વકનું યથાયોગ્ય રીત પ્રમાણે કાર્ય કરવું. જો વિચાર્યા વિના તત્કાળ કાર્ય કરે તો મહા અનર્થની આપત્તિ આવી પડે છે.૪૮

આલોકમાં રાજાને કેવળ મીઠું બોલનારા પાપી મનુષ્યો મળે છે.અને તેવાની કાંઇ ખોટ નથી.પરંતુ સાંભળવા સમયે અપ્રિય લાગતી છતાં પરિણામમાં અતિ હિતકારી વાણી બોલનારા વક્તા દુર્લભ હોય છે.અને તેવા હિતકારી કઠોર વચનો સાંભળવાવાળા શ્રોતાઓ પણ બહુ દુર્લભ હોય છે.૪૯

જે પુરુષો હમેશાં ધર્મ પરાયણ રહી પોતાના માલિક રાજાને પ્રિય લાગશે કે અપ્રિય લાગશે ? તેનો વિચાર કર્યા વિના અપ્રિય પરંતુ હિતકારી જે વચનો હોય તેજ બોલે છે. આવા પુરુષોને જ રાજાના સાચા સહાયક જાણવા.પરંતુ કેવળ પ્રિય વાણી બોલનારાને નહિ.૫૦

હે વિપ્ર શ્રેષ્ઠ !
જે વચનથી પોતાનું અહિત થાય તેવું પ્રિય વચન જે પુરુષ બોલે છે, તે પોતાની જ્ઞાતિનો હોય કે સંબંધીનો હોય છતાં તેમનું વચન સદ્બુદ્ધિવાળા રાજાએ સાંભળવું નહિ.૫૧

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતાં ભગવાન શ્રીહરિએ રાજધર્મોમાં છ વર્ગાદિકનું નિરૃપણ કર્યું,એ નામે ચોવિસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૪--