અધ્યાય - ૧૬ - ગૃહસ્થના ધર્મોમાં ગુરુજનોના સન્માન વિધિનું નિરૃપણ.

Submitted by swaminarayanworld on Tue, 08/08/2017 - 9:24pm

અધ્યાય - ૧૬ - ગૃહસ્થના ધર્મોમાં ગુરુજનોના સન્માન વિધિનું નિરૃપણ.

ગૃહસ્થના ધર્મોમાં ગુરુજનોના સન્માન વિધિનું નિરૃપણ.

ભગવાન શ્રી નારાયણમુનિ કહે છે, હે બ્રહ્મન્ !

માતા પિતા અને ગુરૃની પૂજા મને અતિશય પ્રિય લાગે છે. કારણ કે એ પૂજા ગૃહસ્થ એવા દ્વિજાતિજનોને આલોક તથા પરકોલમાં મહાસુખ આપનારી થાય છે.૧

માતા-પિતા અને ગુરૃ જે આજ્ઞા કરે તે ધર્મ છે. કારણ કે એ ત્રણેય ત્રણ વેદ, ત્રણ દેવતા અને ત્રણ અગ્નિ સમાન પૂજ્ય છે.૨

હે વિપ્ર !
આ ત્રણે સ્વધર્મનિષ્ઠ હોય તેનો જ આવો મહિમા છે પરંતુ અધર્મી હોય તો તત્કાળ ત્યાગ કરવા યોગ્ય પણ છે. જે દ્વિજાતિ ગૃહસ્થ આ ત્રણેની સેવામાં પ્રમાદ કરતો નથી તે ત્રિલોકી ઉપર વિજય મેળવે એમાં કોઇ સંશય નથી. તેથી માતા પિતા અને ગુરુની અવજ્ઞા ક્યારેય પણ ન કરવી, હમેશાં તેઓની અનુવૃત્તિમાંજ વર્તવું.૩

તેઓનો અનાદર કરવાથી સર્વે સત્કર્મો નિષ્ફળ થઇ જાય છે. કારણ કે તેઓની અવજ્ઞા કરનારનું આલોકમાં કે પરલોકમાં ક્યારેય શુભ થતું નથી.૪

હે વિપ્ર !
વેદનો અભ્યાસ કરનારા દશ ક્ષોત્રિય બ્રાહ્મણો થકી વેદના અધ્યાપક આચાર્ય સર્વદા અધિક શ્રેષ્ઠ છે. આવા દશ આચાર્યો થકી આધ્યાપક કે જે સર્વે ક્રિયા કરીને પણ વેદનું અધ્યાપન કરાવે છે એવા ગુરુ અધિક શ્રેષ્ઠઔ છે.૫

આવા દશ ગુરૃ થકી પિતા શ્રેષ્ઠ છે. અને પિતા કરતાં માતા દશગણી શ્રેષ્ઠ છે, માટે તેઓ પૂજનીય છે.૬

અને તેથી આત્મા પરમાત્માનું જ્ઞાન પ્રદાન કરનાર ગુરૃ અતિ શ્રેષ્ઠ છે, એવો મારો મત છે. કારણ કે માતા પિતા ધર્મનું સાધન એવાં શરીરનાં માત્ર સર્જક છે.૭

જ્યારે ગુરૃ તો જ્ઞાનનું પ્રદાન કરી શિષ્યને અનાદિ અવિદ્યારૃપ બંધનમાંથી છોડાવે છે તેથી ગુરૃ મહાન કહેલા છે.૮

હે વિપ્ર !
તે ત્રણે દોષે યુક્ત હોય છતાં તેઓને પુત્રે દૂષણ ન આપવું, ક્રોધના આવેશમાં આવી તાડન કરવું નહિ, તેમજ તિરસ્કાર પણ ન કરવો. પરંતુ સર્વ પ્રકારે તેઓને પૂજ્યપણે માનવા.૯

જે ગુરુ આત્મસ્વરૃપનો બોધ આપી પોતાના શિષ્યનું અજ્ઞાન હરી મોક્ષની પ્રાપ્તિ કરાવી હોય તેણે કરેલા ઉપકારને જાણતો બુદ્ધિમાન શિષ્ય ગુરુનો દ્રોહ ન કરે.૧૦

કારણ કે જે ગુરુનું કાયા મન વાણીથી પૂજન કરતો નથી, તે શિષ્યની સર્વે વિદ્યા નિષ્ફળ જાયછે.૧૧

જે પુરુષ ગર્વથી મોહ પામી ગુરૃનો અનાદર કરે છે, તે ભ્રૂણહત્યાના પાપ કરતાં પણ અધિક પાપનો ભાગીદાર થાય છે. તેમાં કોઇ સંશય નથી.૧૨

હે વિપ્ર !
જે પુરુષે પિતાને પ્રસન્ન કર્યા છે, તેણે પ્રજાપતિ બ્રહ્માજીને પ્રસન્ન કર્યા બરાબર છે. અને માતાને પ્રસન્ન કરી છે, તેણે આખી પૃથ્વીદેવીને રાજી કરી છે.૧૩

અને જેણે ગુરૃને પૂજ્યા છે તેણે બ્રહ્મ એવા શ્રીવાસુદેવ ભગવાનની પૂજા કરી છે. તેથી ગુરૃ છે તે માતા-પિતા થકી પણ વધુ પૂજનીય છે.૧૪

માટે પુત્રે માતા-પિતા અને ગુરુને નિત્યે અનુસરવું, એ ત્રણનો દ્રોહ કરનાર પુરુષ કુંભીપાક નરકમાં પડે છે, તેમાં સંશય નથી.૧૫

મિત્રનો દ્રોહ કરનાર, કૃત્ઘ્ની, ખેતીનો નાશ કરનાર અને ગુરુની હત્યા કરનાર, આ ચારને જે પાપ થાય છે, તેનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં લખ્યું નથી. તેથી તે કર્મ ક્યારેય ન કરવું.૧૬

હે વિપ્ર !
ગૃહસ્થ પુરુષે પિતા આદિક ત્રણની સાથે ક્યારેય વિવાદ ન કરવો. તેમજ ઋત્વિજ, વિપ્રો, મામા, નોકરો અને અતિથિઓની સાથે પણ વિવાદ ન કરવો.૧૭

અને વૃદ્ધ, બાળક, રોગી, જ્ઞાતિજનો, ભાઇ, પુત્રી, પુત્ર, કુલભાર્યા, સાસુ તથા પત્ની તેની સાથે પણ ક્યારેય વિવાદ ન કરવો.૧૮

પરંતુ તેઓને સંતોષ પમાડી તેઓને વશ વર્તવું. તેઓને રાજી રાખવાથી સર્વે લોકો ઉપર વિજય પ્રાપ્ત થાય છે. તેમાં સંશય નથી.૧૯

હે વિપ્ર !
પોતાનું હિત ઇચ્છતા દ્વિજાતિ પુરુષે હમેશાં સત્શાસ્ત્રોનું સેવન કરવું, જો તે સત્શાસ્ત્રોના અર્થો સમજી ન શકાય તો સત્પુરુષોને પૂછવું.૨૦

જે દ્વિજાતિ પુરુષ પ્રવૃત્તિ માર્ગનો બોધ કરાવનારી શ્રુતિઓને તથા જૈમિની આદિ ઋષિઓએ કહેલા પૂર્વમીમાંસાદિ સત્શાસ્ત્રોને રૃડીરીતે સમજ્યા વિના અને અભિપ્રાયને જાણ્યા વિના દોષ યુક્ત કહે છે તે બ્રહ્મહત્યારો છે.૨૧

પ્રાણ કંઠે આવ્યા હોય છતાં ગૃહસ્થે સંન્યાસીનું અન્ન ન ખાવું, કારણ કે તે અન્ન ગોમાંસ તુલ્ય જાણવું અને તેમનું જળ સુરા તુલ્ય જાણવું.૨૨

હે વિપ્ર !
સંન્યાસીને સુવર્ણનું દાન કરીને, બ્રહ્મચારીને તાંબૂલનું દાન કરીને અને ચોરને અભયનું દાન કરીને દાતા પણ નરકમાં જાય છે. માટે તેઓને આ પ્રકારનું દાન ન કરવું.૨૩

સંન્યાસીઓને આખું પાત્ર ભરાય તેટલી સર્વે રસે યુક્ત ભિક્ષા અતિશય શ્રદ્ધાપૂર્વક આપવી, તેથી ગૃહસ્થને અનંતગણું ફળ મળે છે.૨૪

જે મનુષ્ય રોગીઓ માટે ઔષધાલયો અને ભિક્ષુકો માટે ધર્મશાળા બંધાવે છે, અને તેઓની ઔષધી તેમજ અન્નાદિકથી સેવા કરે છે તેને અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે.૨૫

જે સંન્યાસીને જોઇ ઊભા થઇ નમસ્કાર કરતા નથી. તેમનાં ચરણ ધોવાં, આસન આપવું, આદિથી સત્કાર કરતા નથી તો તેણે પૂર્વે કરેલાં સત્કર્મો નિરર્થક થઇ જાય છે.૨૬

ભિક્ષાની યાચના કરનાર બ્રહ્મચારી, સંન્યાસી, ત્યાગી સાધુ અને બ્રાહ્મણને જે ભિક્ષા આપતો નથી, ને અપમાનિત કરે છે, તે પુરુષને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે.૨૭

હે વિપ્ર !
માતા, પિતા, ગુરૃ, પત્ની, સંતાનો, આશ્રયે જીવતો, અભ્યાગત, અતિથિ અને અગ્નિ, આ નવનું ગૃહસ્થે નિત્ય પોષણ કરવું.૨૮

પોતાનો અભ્યુદય ઇચ્છતા મનુષ્યે ગરીબ, અનાથ અને વિદ્યાદિક ગુણોથી વિશિષ્ઠ વ્યક્તિઓને યથાશક્તિ અન્ન આપવું, જો ન આપે તો પરના ભાગ્ય ઉપર જીવતો થાય છે.૨૯

તેથી સદ્ગૃહસ્થે ન્યાયથી પ્રાપ્ત કરેલા દ્રવ્યથી પોતાનું પરલોકમાં હિત કરે તેવા યજ્ઞાયાગાદિક કરવા અને જ્યારે દાન દેવાનો અવસર પ્રાપ્ત થાય ત્યારે સત્પાત્રમાં ભાવથી વિધિપૂર્વક દાન અર્પણ કરવું.૩૦

જે ગૃહસ્થ શાસ્ત્રોક્ત વિધિ છોડીને ઇચ્છાનુસાર અપાત્રમાં દાન આપે છે, તે કેવળ નાશ પામે છે, એટલું જ નહિ, પરંતુ દાન કરતાં બાકી રહેલું દ્રવ્ય પણ વિનાશ પામે છે, તેથી વિધિપૂર્વક અને સત્પાત્રમાં દાન કરવું.૩૧

હે વિપ્ર !
વારંવાર અસત્ય બોલવાથી વિધિપૂર્વક કરેલા યજ્ઞાયાગાદિકનું સુકૃત ધીમે ધીમે નાશ પામી જાય છે. તથા વિસ્મય પામવાથી કે અહો ! ! ! મેં કેવું મોટું તપ કર્યું ? આવા સંકલ્પ માત્રથી અને પોતે કરેલા દાનનો સર્વત્ર પ્રચાર કરવાથી પુણ્યનો નાશ થઇ જાય છે. અને બ્રાહ્મણોનું અપમાન કરવાથી આયુષ્યનો નાશ થાય છે. માટે તેમ ન કરવું.૩૨

તથા ગૃહસ્થે મત્સર છોડીને વયોવૃદ્ધ, તપોવૃદ્ધ અને જાતિમાં અતિશ્રેષ્ઠ જનોને યથાયોગ્ય વિનયથી માન આપવું.૩૩

બ્રાહ્મણોનું વેદાદિ સત્શાસ્ત્રોનું અધ્યયન કરવાથી, ક્ષત્રિયોનું શરીરની બુદ્ધિ આદિ શક્તિથી, વૈશ્યોનું ધન અને ધાન્યાદિ સમૃદ્ધિથી અને શૂદ્રોનું જન્મથી અર્થાત્ માતપિતાની શુદ્ધતા ઉપર શ્રેષ્ઠપણું છે.૩૪

હે વિપ્ર !
ભોજનની પંક્તિમાં, પૂજન સમયે અને દાન આપવાના સમયે, પોતાની આગળ રહેલા અને ક્રમ પ્રમાણે આવતા બ્રાહ્મણને છોડીને આગળ બીજાનો ક્યારેય પણ સ્વીકાર ન કરવો, અર્થાત્ ક્રમનો ભંગ કરીને આપવું નહિ.૩૫

કારણ કે બ્રાહ્મણના અતિક્રમણમાં જે દોષ શાસ્ત્રમાં કહેલો છે. તે દોષ મૂર્ખવિપ્રમાં પણ હોય નહિ, કારણ કે બળતા અગ્નિને છોડીને ભસ્મમાં કોઇ હોમ કરે નહિ.૩૬

તે જ રીતે એક પંક્તિમાં બેઠેલા વિદ્વાન બ્રાહ્મણને જોઇ સામાન્ય બ્રાહ્મણને છોડી દેવો નહિ, આવો અભિપ્રાય છે. બ્રાહ્મણ અગ્નિ સમાન તેજસ્વી છે.૩૭

હે ઉત્તમવિપ્ર !
જે મનુષ્ય ગુરૃજનો, માતા, પિતા, બ્રાહ્મણો અને સાધુઓને વિનયપૂર્વક માન આપે છે. તે આ લોકમાં મહાન કીર્તિને પામે છે. અને મૃત્યુ પછી પરલોકમાં પોતાને મનોવાંછિત અનંત સુખો પ્રાપ્ત કરે છે.૩૭

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતા શ્રીહરિ ગૃહસ્થ જનોને માટે માતા-પિતા-ગુરૃજનોનું સન્માન કરવાદિનું નિરૃપણ કર્યું, એ નામે સોળમો અધ્યાય પૂર્ણ થયો. -૧૬-