અધ્યાય - ૫૫ - ઉદ્ધવસંપ્રદાય માટે ભગવાન શ્રીહરિએ કહેલો વ્રતો અને ઉત્સવનો નિર્ણય.

Submitted by swaminarayanworld on Thu, 03/08/2017 - 6:50pm

અધ્યાય - ૫૫ - ઉદ્ધવસંપ્રદાય માટે ભગવાન શ્રીહરિએ કહેલો વ્રતો અને ઉત્સવનો નિર્ણય.

ઉદ્ધવસંપ્રદાય માટે ભગવાન શ્રીહરિએ કહેલો વ્રતો અને ઉત્સવનો નિર્ણય. ગોકુળાષ્ટમીવ્રતનો નિર્ણય. ઉત્સવનો નિર્ણય.

શ્રીનારાયણમુનિ કહે છે, હે પુત્રો ! આપણા સંપ્રદાયમાં સર્વે વ્રતો અને ઉત્સવોનો વિધિ શ્રીવિઠ્ઠલેશ ગોસ્વામીએ કહેલો જ ગ્રહણ કરવો, તે નિર્ણય સર્વ થકી શ્રેષ્ઠ છે. તે વિધિને હું આપણા સંપ્રદાયની થોડી વિશેષતાની સાથે તમને કહું છું.૧

તેમાં પણ આપણા ઇષ્ટદેવ શ્રીકૃષ્ણ ભગવાન છે. તેથી તેમના પ્રાદુર્ભાવની શ્રાવણ વદ અષ્ટમીની તિથિનો વિધિ હું પ્રથમ કહું છું.૨

ગોકુળાષ્ટમીવ્રતનો નિર્ણય :- હે પુત્રો ! જ્યારે સપ્તમીની તિથિએ રોહિણી નક્ષત્ર અને બુધવારના યોગની સાથે મધ્યરાત્રીએ જો અષ્ટમીનો યોગ પ્રવર્તતો હોય તો અને બીજા દિવસે મધ્યરાત્રીએ અષ્ટમીનો યોગ ન હોય તો તે સપ્તમીના વેધવાળી ગોકુલાષ્ટમી વ્રત ઉત્સવ કરવામાં ગ્રહણ કરવી. વ્રત કરનાર જનોએ બીજે દિવસે અષ્ટમી તિથિના અંતે પારણાં કરવાં.૩-૪

હે પુત્રો આ પ્રમાણેના ત્રણે યોગવિશેષને કારણે સપ્તમીના વેધવાળી અષ્ટમી તિથિ ગ્રહણ કરવાનું અગ્નિપુરાણાદિ શાસ્ત્રોમાં કહેલું છે. જો આવો યોગ ન હોય તો કેવળ અષ્ટમી શુદ્ધ તિથિએ વ્રત કરવું. તેમજ સાતમની તિથિએ મધ્યરાત્રીએ માત્ર અષ્ટમીનો યોગ હોય ને બુધવાર તથા રોહિણી નક્ષત્રનો યોગ જો ન હોય અને બીજે દિવસે અષ્ટમીની રાત્રીએ અષ્ટમી તિથિ વ્યાપતી ન હોય છતાં બીજે દિવસે વ્રતોત્સવ કરવો. તેમજ સાતમની તિથિએ રોહિણી નક્ષત્ર, બુધવાર અને મધ્યરાત્રીએ અષ્ટમીની વ્યાપ્તિ એમ ત્રણે યોગ હોય અને બીજા દિવસે અષ્ટમીની તિથિએ મધ્ય રાત્રીએ જો કેવળ અષ્ટમીની વ્યાપ્તિ હોય તો સમર્થ પુરુષે બે ઉપવાસ કરવા ને સમર્થ ન હોય તેમણે બીજે દિવસે વ્રતોત્સવ કરવો.૫-૭

જો સાતમની તિથિએ બુધવાર, આઠમ અને રોહિણી નક્ષત્ર આ ત્રણેનો મધ્યરાત્રીએ યોગ ન હોય, પરંતુ કેવળ બુધવાર અને આઠમનો યોગ હોય તો તે સાતમના વેધવાળી આઠમ વ્રત અને ઉત્સવ માટે ગ્રહણ કરવી નહિ. અથવા સાતમની તિથિએ બુધવાર ન હોય, પરંતુ રોહિણીનક્ષત્ર તથા આઠમનો યોગ હોય છતાં પણ તે સાતમના વેધવાળી આઠમ ગ્રહણ કરવી નહિ, બીજે દિવસે શુદ્ધ આઠમ જ ગ્રહણ કરવી.૯

જો રોહિણી નક્ષત્ર ન હોય છતાં નવમીના વેધવાળી આઠમ હોય તે ગ્રહણ કરવી, પરંતુ રોહિણી નક્ષત્ર હોય છતાં જો સાતમનો વેધ હોય તેવી અષ્ટમી ગ્રહણ કરવી નહિ.૧૦

તેમજ નવમીની તિથિએ ગોકુલાષ્ટમી કેવળ એક પળની એક ઘડીની કે એક મુહૂર્તની જ હોય છતાં નવમીના વેધવાળી જ તે અષ્ટમી વ્રત અને ઉત્સવ માટે ગ્રહણ કરવી. પરંતુ સપ્તમીના વેધવાળી આઠમ ક્યારેય ગ્રહણ કરવી નહિ.૧૧

અને જો આગલા દિવસે સાતમના વેધવાળી આઠમ હોય ને મૂળ આઠમનો ક્ષય હોય ને બીજે દિવસે નવમી તિથિ આવતી હોય તો સાતમના વેધવાળી આઠમ પણ ગ્રહણ કરવી. એમ કેટલાક વૈષ્ણવો કહે છે.૧૨

પરંતુ આપણા સંપ્રદાયને માન્ય શ્રીવિઠ્ઠલનાથનો મત એ છે કે આગલે દિવસે સાતમના વેધવાળી હોય, મૂળ દિવસે આઠમનો ક્ષય હોય ને બીજા દિવસે કેવળ નવમી તિથિ હોય છતાં નવમી તિથિ જ વ્રત અને ઉત્સવ માટે ગ્રહણ કરવી. પરંતુ સાતમના વેધવાળી ગ્રહણ ન કરવી. આ મતને આપણા સંપ્રદાયમાં ગ્રહણ કરવો.૧૪

જો અષ્ટમી સૂર્યોદય સમયે સાતમના વેઘ રહિત કેવળ એક પળમાત્રની હોય છતાં એ શુભ જન્માષ્ટમી ગ્રહણ કરવી૧૪.

શુદ્ધ અષ્ટમી તિથિ બે હોય તો આગલે દિવસે સૂર્યોદય વ્યાપિની હોય અને બીજે દિવસે પળમાત્ર સૂર્યોદય વ્યાપિની હોય ને પછીથી નવમી તિથિ બેસી જતી હોય છતાં તે બે શુદ્ધ આઠમ કહેવાય. તેમાં પણ આગલા દિવસની આઠમ બહુકાળ પર્યંત રહેલી હોવાથી પહેલી આઠમ જ ગ્રહણ કરવી. આ સંપ્રદાયનો નિર્ણય છે.૧૫

ઉત્સવનો નિર્ણય :- હે પુત્રો ! જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કરવો ને લક્ષ્મીજીએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનની ચળ કે અચળ મૂર્તિની પોતાની શક્તિ પ્રમાણે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા કરવી.૧૬

અને જે મંદિરમાં શ્રીકૃષ્ણ ભગવાનની સાથે રાધિકાજીની મૂર્તિ હોય તે મંદિરમાં તેમનો સમગ્ર વેશ, અર્ચન અને વિધિ વગેરે લક્ષ્મીજીની પેઠે જ જાણવા.૧૭

અને જો મંદિરમાં રાધા અને લક્ષ્મીજીની પ્રતિમા ન હોય તો તે બન્ને અતિ પ્રેમે કરીને શ્રીકૃષ્ણ ભગવાનના અંગમાં લીન છે એમ જાણવું.૧૮

આ વિધિ તો સર્વે મંદિરમાં સર્વ પ્રકારના ઉજવાતા ઉત્સવોમાં સામાન્ય જાણવો. પરંતુ અહીં જન્માષ્ટમી વ્રત ઉત્સવમાં જે કાંઇ વિશેષતા છે તે કહું છું.૧૯

હે પુત્રો ! જન્માષ્ટમી તિથિના પ્રાતઃકાળે સ્નાન કરી પૂજા કરનારે નિત્યપૂજાની મૂર્તિનું પૂજન કરી મંદિરને વાળી ધોઇને લીંપણ કરીને સારી રીતે શુદ્ધ કરવું.૨૦

પછી સેવકે અનેક પ્રકારના રંગોથી રંગેલા ચિત્રોથી તે મંદિરને શોભાવવું ને નવીન ઉલ્લોચ તથા તોરણ બાંધવાં.૨૧

તેમજ શ્રીકૃષ્ણ ભગવાનના સિંહાસનને, પૂજાના કળશ આદિ પાત્રોને અને દીવાને માર્જન કરી શુદ્ધ કરવા. સિંહાસન ઉપર પાથરવાનાં પાથરણાં નવીન બિછાવવાં.૨૨

મહાનૈવેદ્યની સામગ્રી તથા મહાપૂજામાં ઉપયોગી નવીન વસ્ત્રો, પુષ્પો, આભૂષણો વગેરે પદાર્થો પૂજા કરનારે ભેળાં કરવાં.૨૩

ભગવાનના અંગો ઉપર ધારણ કરવા યોગ્ય એવાં અનેક પ્રકારના વસ્ત્રો પોતાને સીવવાં અથવા દરજી પાસે સીવડાવવાં.૨૪

હે પુત્રો ! પછી મંદિરના સભાખંડની મધ્યે અથવા આંગણામાં કેળના સ્તંભોથી સુશોભીત મંડપ રચાવવો.૨૫

અનેક પ્રકારના વિચિત્ર વસ્ત્રો, પુષ્પો અને આંબાના પાંદડાંના તોરણો વિગેરેથી તે મંડપને શણગારવો અને તેમાં અનેક પ્રકારના રંગોથી સુંદર રંગોળી પૂરવી.૨૬

શ્વેત, પીળા, લાલ, કાબરચિતરા અને લીલા રંગનાં વસ્ત્રોથી તેમજ નૂતન કળશોનું સ્થાપન કરી મંડપને ચારેતરફથી સુશોભીત કરવા.૨૭

તેમજ પત્ર, ફળ, દીવડાની પંક્તિ અને ફૂલોથી પણ શોભાવવો. ચંદન અને અગરુના ધૂપથી સુગંધીમાન કરવો.૨૮

આવા મંડપની મધ્યે દેવકીમાતાના સૂતિકાગૃહની રચના કરવી. તેમાં એક ધાત્રી એવી ઉપમાતાની તથા નાળછેદન કરતી બીજી એક સ્ત્રીની સ્થાપના કરવી.૨૯

અને તે સૂતિકાગૃહની મધ્યે રમણીય પલંગ ઉપર દેવકીમાતા અને તેના ખોળામાં સ્તનપાન કરતા બાલકૃષ્ણની સ્થાપના કરવી.૩૦

વળી તે મંડપના એક ભાગમાં ગોકુળના સૂતિકાગૃહને વિષે જન્મેલી શ્રેષ્ઠ કન્યાની સાથે યશોદામાતાની સ્થાપના કરવી.૩૧

સૂતિકા ગૃહમાં નંદજી, વસુદેવજી, ગોવાળો, ગોપીઓ, ગાયો, બળદો, આખલા, વાછરડાંઓ અને બાળકોની યથાયોગ્ય સ્થાને ચિત્રોથી કલ્પના કરવી.૩૨

શ્રીકૃષ્ણ ભગવાન અને અન્ય મૂર્તિઓ સુવર્ણ આદિ ધાતુથી પોતાની શક્તિ પ્રમાણે નિર્માણ કરાવવું ને રાત્રીએ તેમનું ભક્તિભાવપૂર્વક પૂજન કરવું૩૩

હે પુત્રો ! અષ્ટમી અને નવમી એમ બે દિવસ પર્યંત જેવો અવકાશ હોય તે પ્રમાણે દુંદુભિઓના ધ્વનિ કરાવવા, તેમાં તુરી વગેરે મંગલ વાજિંત્રો વગડાવવા.૩૪

પૂજામાં નૈવેદ્ય ધરવા માટે જલેબી, મોતીયા લાડુ વગેરે ઘીમાં પકાવેલાં પદાર્થો દિવસે તૈયાર કરી રાખવાં અને શાક, દાળ વિગેરે રાત્રે પવિત્ર સ્થળે તૈયાર કરાવવાં.૩૫

રાત્રીનો પહેલો યામ વીતે ત્યારે શ્રીકૃષ્ણ ભગવાનના પૂજનનો પ્રારંભ કરવો. તેમાં અચળ પ્રતિમાઓનું પૂજન પહેલાં કરવું.૩૬

તેમાં જો શ્રીકૃષ્ણ ભગવાનની અને રાધાલક્ષ્મીજીની મૂર્તિને સ્નાન કરાવી શકાય તેમ હોય તો તેમને પંચામૃતથી તથા ગરમ જળથી સ્નાન કરાવવું.૩૭

અને જો તેમ ન હોય તો ભીના વસ્ત્રથી સ્નાન મંત્ર બોલતાં બોલતાં મૂર્તિઓ ઉપર માર્જન કરવું. પછી શોભાયમાન નવીન વસ્ત્રો ધારણ કરાવવાં.૩૮

પંચામૃતથી સ્નાન તો શ્રીબાલકૃષ્ણ ભગવાનની મૂર્તિને જ કરાવવું આ રીતિ સર્વે ઉત્સવોમાં સરખી જાણવી.૩૯

હે પુત્રો ! જો શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ શ્યામ હોય તો પીળા, લાલ અને શ્વેત વસ્ત્રો ધારણ કરાવવાં.૪૦

અને મૂર્તિ શ્વેત હોય તો લીલા, લાલ અને શ્વેત વસ્ત્રો ધારણ કરાવવાં.૪૧

આજ રીતે લક્ષ્મીદેવી કે રાધાજીને પણ જેમ શોભે તેમ વસ્ત્રો ધારણ કરવાવાં. વળી શોભાયમાન સુવર્ણના અલંકારો, મોતીઓની માળા તથા તોરાઓ, તેમજ અનેક પ્રકારના રત્નોજડિત રમણીય મુગટ ધારણ કરાવવો.૪૨

ભક્તજનોએ પોતાના વૈભવ અનુસાર આભૂષણો ધારણ કરાવવાં, ને ગરીબ ભક્તોએ પુષ્પોથી તૈયાર કરેલા અલંકારોથી પ્રભુની પૂજા કરવી.૪૩

હે પુત્રો ! પછી રાત્રીના આઠમા મુહૂર્તમાં દેવકીજીના સૂતિકાગૃહમાં જવું ને દેવકીજી થકી પગટેલા બાલકૃષ્ણને સુંદર ટોપલામાં પધરાવી વસુદેવજીની જેમ ગોકુળમાં લઇ જવા.૪૪

અને ત્યાં યશોદાજીની શય્યા ઉપર ક્ષણવાર સ્થાપના કરી, સ્નાન કરાવવું, ને પછી તેમને પ્રતિદિન પૂજવાની મહાપ્રતિમાઓની સમીપે લાવવા.૪૫

તે સમયે અનેક પ્રકારનાં વાજિંત્રોનો નાદ કરાવવો તેમજ શ્રીકૃષ્ણ-જન્મનાં મંગલગીતો ગવરાવવાં.૪૬

પછી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પંચામૃત આદિકથી વાસુદેવાદિ મૂર્તિઓની સાથે શ્રીકૃષ્ણ ભગવાનનું પૂજન કરવું.૪૭

તેમને પારણામાં પધરાવી વસ્ત્રાલંકારો સમર્પણ કરવા, તેમજ નાની મોટી મૂર્તિઓનું સાથે પૂજન કરવું.૪૮

બાલશ્રીકૃષ્ણને અંગરખું, ઝૂલણી અને સુંથણી તેમજ આગળના ભાગે ઊંચી સુવર્ણના તારથી ગૂંથેલી ટોપી ધારણ કરાવવી.૪૯

ભગવાનના જે જે અંગમાં જે જે વસ્ત્ર અથવા જે જે આભૂષણો યોગ્ય જણાય ને જે પ્રકારે શોભે તે રીતે સર્વે વસ્ત્ર અને આભૂષણો ધારણ કરાવવાં.૫૦

હે પુત્રો ! પછી ભગવાનને કુંકુમે સહિત કેસર, સુગંધીમાન મલયાગર ચંદન, માલતી આદિ સુગંધીમાન પુષ્પો અર્પણ કરવાં.૫૧

તેમજ સુગંધીમાન અત્તરથી મંદિરમાં ચારે બાજુ સુગંધ પ્રસરાવવી. પછી ગુલાબજળ છાંટી મંદિરને એટલે કે મંડપને સુવાસિત કરવો.૫૨

અનેકવિધ પુષ્પોના હાર, તોરા, કાનના ગુચ્છ, તુલસીની માળા, દશાંગધૂપ, દશથી અધિક ઘીના દીવા અર્પણ કરવા.૫૩

પછી પડદો વાળી ધોઇ શુધ્ધ કરેલા બાજોઠ ઉપર પૂરી, દૂધપાક, ઘીમાં પકાવેલો શીરો, જલેબી અને મોતૈયા લાડુ વગેરે મહાનૈવેદ્ય અર્પણ કરવું.૫૪

તે જ રીતે અજમો, સુંઠ, ધાણા, જીરુના ચૂરામાં ગોળ અને ઘી મિક્ષિત કરી તૈયાર કરેલી પંચાજીરી પાત્રમાં ભરી દેવકીજી અને યશોદાજીની આગળ ધરવી.૫૫

પછી પૂજા કરનારે ઘંટ વગાડી થાળના પદોનું ગાન કરવું, ને મધ્યે જળપાન અર્પણ કરવું.૫૬

આ રીતે પૂજારીએ ભગવાનને નૈવેદ્ય અર્પણ કરવું. પછી તે નૈવેદ્યને પાકશાળામાં મૂકીને તત્કાળ જળથી ભોજન સ્થળની શુદ્ધિ કરવી.૫૭

પછી પાનબીડું અર્પણ કરી પૂજારીએ ઋતુમાં થતાં ફળો તથા નાળિયેર અર્પણ કરી શક્તિ પ્રમાણે દક્ષિણા અર્પણ કરવી.૫૮

પછી પડદો દૂર કરી પૂજારીએ ઊભા રહી મંત્રનું ઉચ્ચારણ કરતા કરતા વાદ્ય, તાલીનાદ અને આરતી પદના ઘોષની સાથે શ્રીકૃષ્ણ ભગવાનની મહાઆરતી કરવી.૫૯

મનુષ્યો દર્શન કરી રહે પછીથી ભગવાનની સ્તુતિ પ્રાર્થના અને નમસ્કાર કરી તેમને પોઢાડી દેવા, ને શ્રોતા જનોને મંગલ કરનારી શ્રીકૃષ્ણ ભગવાનના જન્મની કથા સંભળાવવી.૬૦

હે પુત્રો ! પૂજારીએ ભગવાનને શયન કરાવતી વખતે મોટા આભૂષણો ઉતારી લેવાં ને સૂક્ષ્મ ને નાનાં વસ્ત્રો ધારણ કરાવવાં.૬૧

ભક્તજને મધ્યરાત્રીએ માત્ર ભગવાનના ચરણામૃત જળનું જ પાન કરવું, પરંતુ પંચાજીરી આદિક વસ્તુમાત્રનું ભક્ષણ કરવું નહિ. ને ભગવાનની કથા સાંભળવી કે કીર્તનોનું ગાયન કરી જાગરણ કરવું.૬૨

પ્રાતઃકાળે સ્નાન કરી ફરી અંગદેવતાઓએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનનું પૂજન કરવું. તેમાં વિશેષપણ દૂધ, ભાત અને સાકરનું નૈવેદ્ય ધરવું.૬૩

પછી પૂજારીએ આરતી ઉતારી પોતાના પ્રભુને પારણામાં શયન કરાવવું ને અન્ય ભક્તજનોની સાથે નંદમહોત્સવની ક્રીડા કરવી.૬૪

તે ક્રીડામાં પુરુષોએ દહીં, દૂધ અને જળ પરસ્પર એક બીજા ઉપર છાંટવું, આ પ્રમાણે મંદિરના આંગણામાં પરસ્પર ક્રીડા કરવી.૬૫

સ્ત્રીઓએ પણ હળદીચૂર્ણ, તેલ, ગોરસ, કુંકુમ તેમજ માખણથી સ્ત્રીઓમાં પરસ્પર લેપન કરી એક બીજા ઉપર ઉડાવી ક્રીડા કરવી.૬૬

વિધવા સ્ત્રીઓએ અમંગળ હોવાથી અને સાધુ બ્રહ્મચારીઓએ પણ આ ક્રીડા કરવી નહીં. જો ક્રીડા કરતા જનોના હાથમાંથી દહીં આદિક પદાર્થો ક્યારેક પણ વિધવા, સાધુ કે બ્રહ્મચારી ઉપર પડે તો તેઓએ સ્નાન કરી અષ્ટાક્ષર મંત્રની એક માળા કરવી.૬૮

જો એ સ્વયં રમવા લાગી જાય તો શ્રીકૃષ્ણ ભગવાનનું ભજન કરતાં કરતાં રાત્રી દિવસ એક ઉપવાસ કરે.૬૯

ખેલની સમાપ્તિ થાય ત્યારે પૂજા કરનાર ભક્તે સ્નાન કરી પારણાં કરવાં. હે પુત્રો ! આ પ્રમાણે મેં પ્રતિવર્ષ ઉજવવાનો જન્માષ્ટમીના ઉત્સવનો વિધિ કહ્યો.૭૦

હે પુત્રો ! આ પ્રમાણે દરરોજ પૂજાને અંતે પ્રાતઃકાળે અને સાયંકાળે અર્જુનના ઉત્સવ દિન ભાદરવા સુદ બીજ સુધી બાલ શ્રીકૃષ્ણને પારણામાં ઝુલાવવા.૭૧

કદાચ એવો પ્રશ્ન થાય કે આપણા સંપ્રદાયમાં મંદિરોને વિષે શ્રીનરનારાયણ દેવ, શ્રીલક્ષ્મીનારાયણ દેવ, શ્રીરાધાકૃષ્ણદેવ, આદિક અનેક મૂર્તિઓ વિરાજે છે. તો ઉત્સવની પૂજા વિધિ એક જ કેમ ? મૂર્તિ જુદી તો પૂજા પણ જુદી હોવી જોઇએ, એવી શંકા ન કરવી. કારણ કે, આપણા ઉદ્ધવ સંપ્રદાયમાં આચાર્ય શ્રેષ્ઠ સદ્ગુરુ શ્રીરામાનંદ સ્વામીએ ઇષ્ટદેવ ભગવાન શ્રીકૃષ્ણનાં મંદિરો પાંચ પ્રકારનાં કહેલા છે. ૭૨

એક જ શ્રીકૃષ્ણને મૂર્તિના ભેદથી કે સ્થાનાદિક ના ભેદથી પાંચ પ્રકારે કહ્યા છે પરંતુ વાસ્તવિક ભેદ નથી.૭૩

હે પુત્રો ! શ્રીકૃષ્ણ ભગવાન પ્રથમ પોતાના ગોલોકધામમાંથી મથુરાપુરમાં પધાર્યા ને વસુદેવ તથા દેવકીજી થકી પ્રગટયા.૭૪

એ સમયે અદ્ભૂત બાળક સ્વરૂપે રહેલા તે શ્રીકૃષ્ણને ''વાસુદેવ'' ''બાલમુકુન્દ'' તથા ''નવનીતધર'' એવા નામથી કહેવાય છે.૭૫

એજ શ્રીકૃષ્ણ ગોકુળ પધાર્યા, નંદજીના ઘેર મોટા થયા, યશોદાજીએ લાલન પાલન કર્યા, અલૌકિક બાળલીલાઓ કરી.૭૬

ત્યાંથી એ શ્રીકૃષ્ણને ''રાધાકૃષ્ણ'' ''ગોપીનાથ'' ''વૃંદાવનવિહારી'' તથા ''મદનમોહન'' એવા નામે કહેવામાં આવ્યા છે.૭૭

અને આ પૃથ્વી પર રહેલાં મંદિરોમાં ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિઓ રાધાએ સહિત બંશીવિભૂષિત હસ્તકમળવાળી જ વિરાજે છે.૭૮

એજ શ્રીકૃષ્ણ બળરામની સાથે વ્રજમાંથી મથુરા પધાર્યા ને યાદવોનું પ્રિય કર્યું તેથી તે ''રામકૃષ્ણ'' કહેવાયા.૭૯

તેમજ એ ''મથુરાનાથ'' અને ''યાદવભૂષણ'' પણ કહેવાયા. અને ઘણા મંદિરોમાં એ શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ બલરામજીની સાથે રહેલી છે.૮૦

વળી એજ શ્રીકૃષ્ણ દ્વારિકામાં આવી રૂક્મિણીને પરણ્યા ને રાજાધિરાજપણે લીલા કરી તેથી ''લક્ષ્મીનારાયણ'' એવાનામે પ્રસિદ્ધ થયા.૮૧

તેમજ એ ''દ્વારિકાનાથ'' અને ''યદુપતિ'' પણ કહેવાયા. એજ શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિઓ આલોકમાં મંદિરોમાં લક્ષ્મીજીની સાથે વિરાજે છે.૮૨

વળી અર્જુનના મિત્રપણે વર્તી દ્રૌપદીનું માન વધારતા એ શ્રીકૃષ્ણ પાંડવોનું હિત કરવા માટે હસ્તિનાપુરમાં પણ બહુધા નિવાસ કરતા.૮૩

તેથી ''નરનારાયણ'' તથા ''પાંડવપ્રિય'' એવા નામે પૃથ્વી પર પ્રસિદ્ધ થયા. અને આ પૃથ્વી પર અનેક મંદિરોમાં અર્જુનની સાથે પણ તેમની મૂર્તિઓ રહેલી છે.૮૪

હે પુત્રો ! આ રીતે આ પાંચ પ્રકારની મૂર્તિઓમાં પણ કોઇ મંદિરમાં ચતુર્ભુજ સ્વરૂપે અને કોઇ મંદિરોમાં દ્વિભુજ સ્વરૂપે વિરાજે છે. ૮૫

વળી કોઇ મંદિરોમાં પાર્ષદોએ સહિત અને કોઇમાં પાર્ષદોએ રહિત પણ વિરાજે છે. ક્યાંક આયુધે સહિત અને આયુધે રહિત પણ વિરાજે છે.૮૬

આ રીતે પાંચે પ્રકારના મંદિરોમાં સર્વે પ્રકારના ઉત્સવોમાં પૂજાદ્રવ્યો એક જ પ્રકારનાં છે અને સામાન્ય વિધિ પણ એકજ પ્રકારનો છે.૮૭

બાકી જે જે ઉત્સવમાં જે જે કાંઇ વિશેષતા રહેલી છે. તે તે ઉત્સવને વિષે તે તે વિશેષતા હું તમને કહીશ. પૂજા કરનારા પ્રવીણ પૂજકે એ વિશેષતા તે તે મૂર્તિ પૂજામાં જાણવી.૮૮

હે પુત્રો ! આ પ્રમાણે ઉદ્ધવસંપ્રદાયમાં મુખ્યપણે ઉજવાતા જન્માષ્ટમી ઉત્સવનો સર્વપ્રકારનો વિધિ મેં તમને કહ્યો. તમારે પણ આ વિધિને અનુસારેજ પ્રત્યેક મંદિરમાં ઉત્સવ ઉજવવો.૮૯

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં વાર્ષિક વ્રતો અને ઉત્સવોના વિધિમાં જન્માષ્ટમીના ઉત્સવનો વિધિ શ્રીહરિએ કહ્યો એ નામે પંચાવનમો અધ્યાય પૂર્ણ થયો. --૫૫--