અધ્યાય - ૬૩ - મુક્તાનંદ સ્વામીએ કરેલું ષટ્પદીનું ગાન તથા શ્રીહરિએ સમાધીનું સુખ આપ્યું.

Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 6:19pm

અધ્યાય - ૬૩ - મુક્તાનંદ સ્વામીએ કરેલું ષટ્પદીનું ગાન તથા શ્રીહરિએ સમાધીનું સુખ આપ્યું.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ભગવાન શ્રીહરિએ જ્યારે સંતોને ગાયન કરવાની પ્રેરણા કરી ત્યારે મુક્તાનંદ સ્વામીએ વીણાવાદન કરી, એકતાલી તાલના ગુર્જરી રાગમાં ષટ્પદીનું ગાન કરવા લાગ્યા.૧

હે સખા ! નિરંતર વિષ્ણુયાગાદિ યજ્ઞો કરનારા, ભક્તજનોએ કરેલી પૂજાનો સ્વીકાર કરનારા, તમે અશરણના શરણ છો. ભવસાગરના ભયના હરણ છો. કરુણાના સાગર છો, સર્વને સુખ ઉપજાવે તેવાં ચરિત્રો કરનારા છો, સંતો જ તમને યથાર્થ જાણી શકે છે, સત્ય, શૌચાદિ મહા ગુણ સમૂહના તમે મહાસાગર છો. એવા તમારે વિષે મારૂં મન સતત રમણ કરો.૨

હે સખા ! તમે અંગ ઉપર સદાય શ્વેત વસ્ત્ર ધારણ કરો છો, સદાય મંદમંદ મુખ હાસ્ય કરો છો, મસ્તકપર મનોહર કેશથી શોભી રહ્યા છો, શરીરની રમણીય કાંતિથી કામદેવને પણ તિરસ્કૃત કરો છો, અને સમગ્ર બ્રહ્માદિ દેવતાઓથી અતિશય પ્રેમથી સતત સેવાઓ છો. એવા તમારે વિષે મારૂં મન સતત રમણ કરો.૩

હે સખા ! તમે કાન પર્યંત દીર્ઘ નેત્રોને ધારણ કરનારા છો, આખા જગતને જીતનારા કામ, ક્રોધાદિ દોષોને એકક્ષણમાં જ જીતનારા છો, અનેક પ્રકારના પુષ્પોના હાર ધારણ કરનારા છો, કાંઇક ઉપડતા અને અતિશય વિશાળ ભાલને ધારણ કરનારા છો, ઊર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરનારા છો, ભક્તજનોને અતિશય સુખ આપનારા છો. એવા તમારે વિષે મારૂં મન સતત રમણ કરો.૪

હે સખા ! તમે પરમ સુખના ધામરૂપ છો, કાળરૂપી મહાસર્પના ભયને દૂર કરનારા છો, મનુષ્યનાટયથી અસુરોની બુદ્ધિને મોહ ઉપજાવનારા છો, શરણાગતના પાપના પુંજને હરો છો, સુખની પ્રાપ્તિ કરાવો છો, 'ભગવાન સદાય મૂર્તિમાન અને કલ્યાણકારી ગુણોએ યુક્ત વર્તે છે' આવા વેદના સારરૂપ રસનું તમે દોહન કરનારા છો. એવા તમારે વિષે મારૂં મન સતત રમણ કરો.૫

હે સખા ! તમે ભક્ત એવા દેવતાઓનાં દુઃખ હરણ કરો છો, હાથમાં કમળ ધારણ કરો છો, પૂજામાં ભક્તોએ અર્પણ કરેલાં આભૂષણો ધારણ કરો છો, ભક્તોના અંતરમાંથી કલિયુગનું બળ દૂર કરો છો, કલ્યાણકારી શુભમતિ આપો છો, ભક્તજનોના સ્વભાવિક લોભાદિકનાં દૂષણ હરો છો. એવા તમારે વિષે મારૂં મન સતત રમણ કરો.૬

હે સખા ! ભક્તજનોના મનમાંથી ક્રોધનું શમન કરો છો, અસુરગુરુ આદિકના મહામદનો વિનાશ કરો છો, દયાળુ સંતોના સમૂહોને આનંદ ઉપજાવો છો, કોમળ હૃદયવાળા છો, ભક્તો ઉપર બહુ દયા વરસાવો છો, દેવતાઓ, મનુષ્યો અને મુનિજનો તમને સદાય વંદન કરે છે. એવા હે સખા ! આવા તમારે વિષે મારૂં મન સતત રમણ કરો.૭

હે રાજન્ ! આ પ્રમાણે મુક્તાનંદ સ્વામીએ ષટ્પદીનું ગાન કર્યું, પછી પ્રાકૃત ભાષાના પદોથી વાસુદેવ ભગવાનના ગુણોનું ભાવથી ગાયન કરવા લાગ્યા.૮

ગાયનમાં કુશળ એવા બ્રહ્માનંદ સ્વામી આદિ સંતો પણ સ્વરપૂર્તિ કરી પ્રેમથી તેમની પાછળ ગાયન કરવા લાગ્યા.૯

શ્રીહરિ પણ હાથની તાલી બજાવી તાલ આપતા આપતા અતિશય કરુણા ભરેલી દૃષ્ટિથી પોતાના ભક્તવૃંદને સભામાં ચારે તરફ નિહાળવા લાગ્યા.૧૦

હજારો નરનારીઓને થઈ સામુહિક સમાધીઃ- શ્રીહરિની દૃષ્ટિ પડતાં હજારો નરનારીઓ શ્રીહરિની કૃપાથી સમાધિદશાને પામ્યાં, સમાધિમાં તેઓ અલૌકિક દિવ્ય અક્ષરધામમાં વિરાજતા, કરોડો સૂર્યની સમાન મહા તેજસ્વી ભગવાન શ્રીહરિનાં દર્શન કરવા લાગ્યા.૧૧

તેમાંથી કેટલાક ભક્તજનો વૈકુંઠ, ગોલોક, શ્વેતદ્વીપ, અક્ષર આદિ ધામોને વિષે પોતાની શક્તિ, સ્મૃદ્ધિ અને પાર્ષદોએ સેવેલા, સદાય દ્વિભુજ એવા ભગવાન શ્રીહરિનાં ચતુર્ભુજરૂપે દર્શન કર્યાં. કેટલાક અષ્ટભુજરૂપે અને કેટલાક સહસ્રભુજરૂપે દર્શન કર્યાં.૧૨

હે રાજન્ ! સમાધિમાં ગયેલા મનુષ્યો પોતાના હૃદયાકાશમાં શ્રીહરિનું જે જે અલૌકિક મહા ઐશ્વર્ય જોયું હતું તે સમાધિમાંથી બહાર આવ્યા પછી પોતાના પિતા, ભાઇ આદિ સંબંધીજનોના પૂછવાથી તે તે ઐશ્વર્યનું બહુ પ્રકારે યથાર્થ વર્ણન સભામાંજ કહેવા લાગ્યા.૧૩

કેટલાક મનુષ્યો ભગવાન શ્રીહરિને વિષે પરમેશ્વરપણાના ભાવમાં સંશયયુક્ત મનવાળા હતા. તેઓએ આ આશ્ચર્ય નિહાળ્યું અને સંબંધીઓ થકી સાંભળ્યું ત્યારે શ્રીહરિને વિષે યથાર્થપણે સર્વેશ્વર એવા પુરુષોત્તમપણાનો નિશ્ચય કર્યો.૧૪

અને કેટલાક દુર્જનો હતા તે પોતાના સંબંધીજનોને શ્રીહરિની પાસેથી બળપૂર્વક ઘરે તેડી જવા માટે આવ્યા હતા, તેઓએ પણ શ્રીહરિનાં અલૌકિક ઐશ્વર્યનું દર્શન કરી તેમનો તત્કાળ આશ્રય કર્યો.૧૫

હે રાજન્ ! આ પ્રમાણે સર્વે જનોના ઇશ્વર તથા દેવશર્માના પુત્ર ભગવાન શ્રીહરિ સકલ જનોને આનંદ ઉપજાવી પોતપોતાના નિવાસસ્થાન પ્રત્યે જવાનો આદેશ કર્યો. અને પોતે પણ પટમંડપ-તંબુમાં પધાર્યા, ત્યાં પલંગ ઉપર વિરાજમાન થયા.૧૬

હે રાજન્ ! સમગ્ર જીવોના સુખકારી શ્રીહરિ પ્રતિદિન ફૂલદોલોત્સવમાં વડતાલ પધારેલા પોતાના ભક્તજનોને પોતાના સાંનિધ્યનો આનંદ આપી, આ પૃથ્વી પર ખૂબજ યશ વિસ્તાર્યો, ને કેટલાક સમય સુધી વડતાલપુરમાં નિવાસ કરીને રહ્યા.૧૭

હે રાજન્ ! ભગવાન શ્રીહરિ વડતાલમાં જેટલા દિવસ રહ્યા તેટલા દિવસ ભક્તજનોને પ્રતિદિન અધિક સ્નેહ વધતો જ રહ્યો.૧૮

અને સંતો, ભક્તો માટે રસોઇ પણ પ્રતિદિન નવીન તેમજ સ્વાદિષ્ટ થતી રહેતી.૧૯

અને શ્રીહરિ સભામાં ક્યારેક વર્ણાશ્રમને ઉચિત વેદવિહિત ધર્મોનું ભક્તિએ સહિત પ્રતિપાદન કરતા.૨૦

કોઇ દિવસ જ્ઞાનનું, કોઇ દિવસ વૈરાગ્યનાં લક્ષણોનું પ્રતિપાદન કરતા, કોઇ દિવસ પ્રેમે સહિત નવધા ભક્તિનું નિરૂપણ કરતા.૨૧

કોઇક દિવસ રાજનીતિ સમજાવતા, કોઇ દિવસ દાનધર્મની અને મોક્ષધર્મની વાતો કરતા. કોઇ દિવસ સ્ત્રીના ધર્મની અને ક્યારેક સબીજ સાંખ્યજ્ઞાનની વાતો કરતા. ક્યારેક યોગજ્ઞાનની વાતો કરતા, કોઇક દિવસ પંચરાત્ર શાસ્ત્રની વાતો અને કોઇ દિવસ પરમહંસોના ધર્મનું નિરૂપણ કરતા.૨૨-૨૩

ક્યારેક પાપના પ્રાયશ્ચિત વિધિનું નિરૂપણ કરતા. ક્યારેક આપત્કાળના ધર્મો સમજાવતા.૨૪

શ્રીહરિ સ્વયં પૂર્ણકામ હોવા છતાં વર્ણાશ્રમોચિત ધર્મનું સદાય પાલન કરતા.૨૫

સ્વયં ઇશ્વર હોવા છતાં લોકશિક્ષાને માટે સમયે સમયે યથાયોગ્ય વ્રત ઉપવાસાદિકનું પણ પાલન કરતા.૨૬

ચૈત્ર માસના પહેલે દિવસે બ્રહ્માએ જગતની સૃષ્ટિ સર્જી છે. એમ બ્રહ્મપુરાણમાં કહેલું હોવાથી નૂતન વર્ષના પ્રારંભને દિવસે (ચૈત્રસુદ એકમ) જગત સ્રષ્ટા બ્રહ્માજીના રૂપમાં શ્રીવાસુદેવ ભગવાનનું શ્રીહરિએ પૂજન કરાવ્યું.૨૭

મનુ આદિ મુખ્ય તિથિઓમાં ચૈત્રસુદ ત્રીજની તિથિ આવતી હોવાથી શ્રીહરિએ તે દિવસે પણ ગાયનું દાન, સુવર્ણનું દાન તથા બ્રાહ્મણોનું સંતર્પણ પણ કરાવ્યું.૨૮

ચૈત્રસુદ ત્રીજના દિવસે શાસ્ત્રવિધિ અનુસાર ભગવાન શ્રીમત્સ્યનારાયણનો પૂજા મહોત્સવ પણ સારી રીતે ઉજવ્યો, હે રાજન્ ! ત્યારપછી ભગવાન શ્રીહરિ ઇચ્છારામભાઇના ઘેર ભોજન કરી, દુર્ગપુર જવા તત્પર થયા.૨૫-૨૯

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં વડતાલ ફૂલદોલોત્સવ પ્રસંગે નરનારીઓને સમાધિનું સુખ તથા ઉત્સવો ઉજવ્યાનાં ચરિત્રોનું નિરૂપણ કર્યું, એ નામે ત્રેસઠમો અધ્યાય પૂર્ણ થયો. --૬૩--