અધ્યાય - ૫૪ - પૂર્વ તથા ઉત્તર દિશાના ભક્તોએ શ્રીહરિનું પૂજન કર્યું.

Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 6:10pm

અધ્યાય - ૫૪ - પૂર્વ તથા ઉત્તર દિશાના ભક્તોએ શ્રીહરિનું પૂજન કર્યું.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! પછી શરીરમાં અતિશય બળવાન, પ્રૌઢ શરીરવાળા, દીર્ઘ નેત્રોવાળા, પૂર્વ અને ઉત્તર દિશાના ભક્તજનો શ્રીહરિની આગળ પૂજા કરવા આવ્યા.૧

એણે અમૂલ્ય વસ્ત્રો, પુષ્પના હારો, હજારો મોતીઓની માળાઓ ધારણ કરાવી શ્રીહરિની પૂજા કરી.૨

તે દેશની નારીઓ પણ મહાબળવાળી અને પ્રૌઢ શરીરવાળી સાકરના થાળ મૂકીને શ્રીહરિની પૂજા કરી.૩

ઉપહારો અર્પણ કરી પરત જતા તે પૂર્વ ઉત્તર દિશાના ભક્તજનોને ભગવાન શ્રીહરિએ પોતાના કંઠમાંથી પુષ્પોના હાર ઉતારી હર્ષપૂર્વક અર્પણ કર્યા.૪

તેઓએ અર્પણ કરેલા સાકરના ઢગલા મોટા શીખરની સમાન શોભતા હતા.૫

દક્ષિણદિશાના ભક્તોની પૂજા :- ત્યારપછી ગોળાકાર બાંધેલી પાઘડીઓથી શોભતા દક્ષિણ દિશાના ભક્તજનો તથા કેડ સાથે દૃઢ કછોટા બાંધી રાખતી ને વીજળીના જેવી ચપળ તેમની નારીઓ પણ શ્રીહરિની પૂજા કરવા આવી.૬

ષોડશોપચારોથી વિધિપૂર્વક શ્રીહરિનું પૂજન કર્યું. તેની પૂજા કરવાની ચતુરાઇ જોઇ શ્રીહરિ ખૂબજ આનંદ પામ્યા.૭

તેઆએે પૂજામાં સફેદ, પીળાં તથા લાલ રંગનાં વસ્ત્રો પરિધાન કરાવ્યાં ને કીંમતિ આભૂષણો પણ ધારણ કરાવ્યાં.૮

શ્રીહરિના હાથમાં સુવર્ણનાં કડાં, પગમાં સાંકડાં, આંગળીઓમાં રત્ન જડીત સુવર્ણની વીંટીઓ, બન્ને ભૂજાઓમાં બાજુબંધ, કંઠમાં મોતીઓની માળાઓ ધારણ કરાવી, મસ્તક ઉપર સૂર્યની કાંતિ સમાન ચળકતો દિવ્ય મુગટ, કાનમાં હીરાની પંક્તિથી પ્રકાશતાં કુંડળો, લલાટમાં મોતીઓની દામણી, કેડમાં રત્નજડીત સુવર્ણની મેખલા ધારણ કરાવી ને શ્રીહરિની આગળ અનેક ઉપહારોની ભેટ મૂકી.૯-૧૨

ત્યારપછી દક્ષિણી ભક્તો અનેક પ્રકારના પેંડા તથા બરફી, કેળાં, લીલીદ્રાક્ષ, શેરડીના સાંઠા વગેરે નૈવેદ્ય અર્પણ કર્યું, ને ગીત વાજિંત્રપૂર્વક શ્રીહરિની મહાઆરતી ઉતારી, પુષ્પાંજલી અર્પણ કરી સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી ત્યાંથી વિદાય થયા.૧૩-૧૪

ત્યારે ભગવાન શ્રીહરિએ તેઓને હર્ષપૂર્વક પ્રસાદીનાં ફળો અર્પણ કર્યાં, અને કંઠમાં હારો ધારણ કર્યા હતા તે સંતોને વહેંચી દીધા.૧૫

પછી શ્રીહરિ પરિશ્રમ દૂર કરવા સિંહાસન ઉપરથી ઉભા થયા ત્યારે મોટો જયજયકારનો ધ્વનિ થવા લાગ્યો.૧૬

શ્રીહરિ ચારેકોર ભક્તજનોને નિહાળવા લાગ્યા. તે સમયે શ્રીહરિએ દેદીપ્યમાન સુવર્ણનો મુગટ ધારણ કર્યો હતો. અને પૂર્ણિમાના ચંદ્રની સમાન મુખારવિંદ શોભી રહ્યું હતું. અનેક પ્રકારના અલંકારોથી શોભી રહેલાં અંગોથી અતિશય મનોહર જણાતા હતા, બન્ને હસ્તને કેડ ઉપર ધારણ કર્યા હતા. કંઠથી આરંભીને ચરણ સુધી પુષ્પો તથા મોતીઓના હારથી શ્રીહરિ અતિશય મનોહર જણાતા હતા.૧૭

પશ્ચિમદિશાના ભક્તોની પૂજા :- હે રાજન્ ! તેટલામાં મસ્તક ઉપર મોટી પાઘડી બાંધેલા પશ્ચિમ દિશાના ભક્તજનો પૂજા કરવા આવ્યા. તેમાં સૌ પ્રથમ સનતસુજાતમાં કહેલા બારગુણોએ યુક્ત અને શ્રીહરિને અતિશય વહાલા બ્રાહ્મણો પૂજા કરવા આવ્યા.૧૮

પછી અસ્ત્ર શસ્ત્રની વિદ્યામાં નિપુણ અને શ્રીહરિને વિષે દૃઢ નિશ્ચયવાળા ક્ષત્રિય ભક્તો પૂજા કરવા આવ્યા, ત્યારે શ્રીહરિ સિંહાસન ઉપર બેસી પશ્ચિમ દિશાના ભક્તોની પૂજાનો સ્વીકાર કર્યો.૧૯

દક્ષિણ દિશાના ભક્તોની જેમ પૂજાવિધિને જાણતા ન હોવા છતાં તેઓની જેમ વિધિપૂર્વક પૂજા કરવાનો આરંભ કર્યો તેને જોઇ શ્રીહરિ તથા સંતો ખૂબજ હસવા લાગ્યા.૨૦

અને પૂજન કરનારા ભક્તોએ મહાવસ્ત્રો તથા આભૂષણો અર્પણ કર્યાં તથા અનેક પ્રકારના ઉપહારો અર્પણ કરી શ્રીહરિને નમસ્કાર કરી ત્યાંથી વિદાય થયા.૨૧

પછી તે દેશનીહજારો સ્ત્રીઓ પણ મનને ગમે તેવી મધુરવાણીથી સંતોષ પમાડતી શ્રીહરિની પૂજા કરવા આવી.૨૨

શ્રીહરિમાં ગાઢ સ્નેહવાળી, તપથી કૃશ શરીરવાળી, આતિથ્ય કરવામાં કુશળ અને જીતેન્દ્રિય એવી તે સ્ત્રીઓ ખજૂર, ખારેક, સોપારી, નાળિયેર વગેરે પદાર્થો ભરેલાં સુંદર પાત્રો હાથમાં ધારણ કરી શ્રીહરિની સમીપે આવી પૂજન કરવા લાગી.૨૩-૨૪

તેમાં કેટલીક સ્ત્રીઓ શ્વેત પતાસાંના મોટા થાળ ભરીને લાવી હતી. કોઇ પેંડાના, કોઇ રૂપામુદ્રાઓના, કોઇ સાકરના અને કોઇ સ્ત્રીઓ બરફીના મોટા થાળ ધારણ કરી શ્રીહરિની પૂજા કરવા આવી, પૂજા કરીને તેમની આગળ સર્વે ઉપહારો હર્ષથી અર્પણ કર્યા.૨૫-૨૬

આ પ્રમાણે પ્રેમથી પોતાની શક્તિ અનુસારે શ્રીહરિનું પૂજન કર્યું, ધનથી દુર્બળ હતા તેમણે જે કાંઇ પત્ર, પુષ્પ, ફળ વગેરે અર્પણ કરી શ્રીહરિનું પૂજન કર્યું, ત્યારે તેમના અંતરના ભાવને જાણતા અને ભાવનાના ભૂખ્યા શ્રીહરિએ તે સર્વેનો આદરથી સ્વીકાર કર્યો.૨૭-૨૮

કારણ કે રાંક કે ધનવાન કે રાજા સર્વે શ્રીહરિને ભક્તપણાના નાતે એક સરખા છે. તેથી તે ભક્તાએ પ્રેમથી અર્પણ કરેલાં પત્ર, પુષ્પ,ફળ,જળ જે કાંઇ હોય, તેમનો પ્રેમથી સ્વીકાર કરે છે.૨૯-૩૦

ત્યાર પછી સંતોને પણ પોતાની પૂજા કરવાનો અતિ ઉત્સાહ છે તેમ જાણી તેમનો મનોરથ પૂર્ણ કરવા સંતોને પણ પૂજા કરવાની આજ્ઞા આપી.૩૧

તેથી તપોધન સંતો શ્રીહરિને નમસ્કાર કરી પત્ર, પુષ્પ, ફળ આદિ જે કાંઇ ઉપચારો પ્રાપ્ત થયેલા તેનાથી ભગવાન શ્રીહરિની પૂજા કરી.૩૨

આ પ્રમાણે ભક્તજનોના કલ્પવૃક્ષ સમાન શ્રીહરિએ વડતાલમાં સર્વે ભક્તજનોના મનોરથ પૂર્ણ કર્યા.૩૩

હે રાજન્ ! ભગવાન શ્રીહરિની આગળ ચારે તરફ આભૂષણો, સુંદર વસ્ત્રો, પુષ્પના હારો, ફળ વગેરે ઉપહારો આદિના અનેક પર્વતો રચાયા.૩૪

તેની મધ્યે દિવ્ય સિંહાસન ઉપર વિરાજમાન શ્રીહરિ જેમ મેરુ પર્વતની ટોંચ ઉપર ચંદ્રમા શોભે તેમ શોભવા લાગ્યા.૩૫

ત્યારે જગતપતિ ભગવાન શ્રીહરિ કિંમતી વસ્ત્રો અને આભૂષણો તેજ સમયે સભામાં બેઠેલા સ્વધર્મનિષ્ઠ બ્રાહ્મણોને દાનમાં અર્પણ કરી દીધાં.૩૬

બંદીજન આદિક યાચક તથા દરિદ્રજનોને તેમજ બહોળા કુટુમ્બવાળા અને નિર્ધન જનોને વિશેષપણે કરીને ધન અર્પણ કર્યું.૩૭

વરસતો મેઘ જેમ મોટી જળ ધારાથી વરસે તેમ પ્રસન્ન થયેલા ભગવાન શ્રીહરિ પાત્ર અપાત્ર જોયા વિના ગૃહસ્થોને પણ ખૂબ ધન અને દ્રવ્ય દાનમાં આપ્યું.૩૮

વસ્તુ માત્રનું દાન આપીને પણ ગર્વ કર્યા વિના મનુષ્યથી કદાપિ ન થઇ શકે તેવું ચરિત્ર કરી સર્વે સભાજનોને અતિશય વિસ્મય પમાડયા.૩૯

હે રાજન્ ! દાન કરવાના સ્વભાવવાળા અતિ ઉદારભાવે વર્તતા અને સર્વ કરતાં અધિક ઐશ્વર્યશાળી એવા શ્રીહરિની પાસે પોતે ધારણ કરેલાં વસ્ત્ર સિવાય કોઇ પણ જાતની વસ્તુ બાકી રાખી નહિ. પરંતુ સર્વસ્વનું દાન કરી દીધું.૪૦

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં વડતાલ ફૂલડોલોત્સવ પ્રસંગે ભક્તજનોએ ભગવાન શ્રીહરિની પૂજા કરી અને શ્રીહરિએ સર્વસ્વનું દાન કર્યું, એ નામે ચોપનમો અધ્યાય પૂર્ણ થયો. --૫૪--