અધ્યાય - ૨૫ - સત્સંગી સ્ત્રી-પુરુષોમાં સ્પર્શાસ્પર્શનો શ્રીહરિએ કહેલો વિવેક.

Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 5:39pm

અધ્યાય - ૨૫ - સત્સંગી સ્ત્રી-પુરુષોમાં સ્પર્શાસ્પર્શનો શ્રીહરિએ કહેલો વિવેક.

સત્સંગી સ્ત્રી-પુરુષોમાં સ્પર્શાસ્પર્શનો શ્રીહરિએ કહેલો વિવેક.

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! કાર્તિક સુદ ચોથની રાત્રીએ સંધ્યા આરતી પછી સભાને વિષે ઊંચા સિંહાસન ઉપર વિરાજમાન ભગવાન શ્રીહરિએ પોતાના ભક્ત એવા સ્ત્રી પુરુષોને સ્પર્શને કારણે ઉત્પન્ન થતા દોષો થકી રક્ષા કરવા સ્વયં કૃપા કરી કહેવા લાગ્યા.૧

હે ગૃહસ્થ ભક્તજનો ! હે ત્યાગી સંતો ! તથા બ્રહ્મચારીઓ ! તમે મારું વચન સાંભળો. તમે મારે શરણે આવ્યા છો, તેથી તમારું સૌનું હિત થાય તેવાં વચન હું તમને સંભળાવું છું.૨

હે ભક્તજનો ! આલોકમાં બે પ્રકારની સ્ત્રીઓ છે. તેની મધ્યે એક ધર્મસર્ગથી ઉત્પન્ન થયેલી પતિવ્રતા, સતી, સાધ્વી એવા નામથી પ્રસિદ્ધ છે અને નિરંતર પવિત્ર જીવન જીવે છે. અને બીજી છે તે અધર્મસર્ગથી ઉત્પન્ન થયેલી છે તે કૃત્યા, પાપીણી, પુંશ્ચલી, કુલટા આદિક નામથી પ્રસિદ્ધ હોય છે. તે સદાય અપવિત્ર જીવન જીવનારી હોય છે.૩

આ બન્ને પ્રકારની સ્ત્રીઓની મધ્યે પહેલી પતિવ્રતા નારી છે તે પોતાના સમીપ સંબંધ વિનાના ઇતર પુરુષોનો સ્પર્શ જો આપત્કાળ વિના થઇ જાય તો જેમ દેહાભિમાની મનુષ્યો કાળાનાગથી ભય પામે તેમ ભય પામે.૪-૫

અને જો ક્યારેક સંબંધી વિનાનો પુરુષ પોતાનો સ્પર્શ કરે તો તે પતિવ્રતા નારી જેમ વાનરીના કે પ્રજ્જવલિત અગ્નિના સ્પર્શથી પીડા પામે તેમ અત્યંત અંતરમાં પીડા પામે છે.૬

હે ભક્તજનો ! બીજા પ્રકારની જે કૃત્યા જેવી સ્ત્રી છે તે કોઇ પુરુષનો પોતાને સ્પર્શ થાય કે પોતાનો કોઇ પુરુષને સ્પર્શ થાય છતાં તેને અંતરમાં કોઇ પણ પ્રકારનો સંતાપ થતો નથી. તેમજ માર્ગમાં આવતે જાતે અન્ય પુરુષનો સ્પર્શ થતો હોય તેમાં તેને કોઇ ભય હોતો નથી.૭

હે ભક્તજનો ! આ રીતે જેમ સ્ત્રીઓ બે પ્રકારની છે, તેમ પુરુષો પણ બે પ્રકારના હોય છે. તેમાં એક ધર્મવંશ સાથે ઉત્પન્ન થયેલા અને પુણ્યશાળી હોય છે. જ્યારે બીજા પ્રકારના પુરુષો અધર્મવંશ સાથે ઉત્પન્ન થયેલા પાપી પુરુષો હોય છે, તેમાં પહેલા પ્રકારના પુરુષો એક પત્નીવ્રતવાળા હોય છે, પરસ્ત્રીના સ્પર્શથી થતાં પાપથી તે ભય પામતા હોય છે. અને બીજા પ્રકારના પુરુષો કુલટા સ્ત્રી જેવા ભડવા હોય છે, પરસ્ત્રી સ્પર્શમાં તેને કોઇ શંકા જ હોતી નથી.૮-૯

હે ભક્તજનો ! સ્ત્રી તેમજ પુરુષને પરસ્પર જાણે કે અજાણે સ્પર્શ થઇ જાય તો તે સ્પર્શદોષ પાપરૂપ છે, અને દુઃખદ પણ છે.૧૦

તેથી આ લોકમાં સર્વ સ્ત્રીપુરુષોનું હિત કરનારો આ સ્પર્શાસ્પર્શનો વિવેક હું તમને યથાર્થ નિરૂપણ કરીને કહું છું.૧૧

વિધવા સ્ત્રીનું શરીર સર્વ અમંગળ વસ્તુઓમાં પણ અમંગળરૂપ છે અને અપવિત્રમાં પણ અપવિત્ર છે. આ રીતે પુરાણોમાં બહુ પ્રકારે કહ્યું છે.૧૨

તેથી આપણા ઉદ્ધવસંપ્રદાયમાં રહેલા ગૃહસ્થ પુરુષોએ વિધવા સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો. તેમજ વિધવા સ્ત્રીઓએ પણ પુરુષમાત્રનો સ્પર્શ ન કરવો.૧૩

અજાણતાં વિધવા સ્ત્રીનો સ્પર્શ થઇ જાય તો પુરુષે વસ્ત્રે સહિત સ્નાન કરવું, તેમજ વિધવા સ્ત્રીએ પણ અજાણતાં કોઇ પુરુષનો સ્પર્શ થઇ જાય તો વસ્ત્રે સહિત સ્નાન કરવું. પરંતુ જો જાણી જોઇને સ્પર્શ કર્યો હોય તો બન્ને એ સ્નાન કર્યા પછી એક એક ઉપવાસ કરવો.-૧૪

હે ભક્તજનો ! વિધવા નારી જો જાણી જોઇને કામભાવનાથી કોઇ પુરુષનો સ્પર્શ કરે તો તે દોષની નિવૃત્તિ માટે શાસ્ત્રોમાં બે પ્રકારનું પ્રાયશ્ચિત કહેલું છે.૧૫

તેમાં કોઇ એકાંત સ્થળમાં વિધવા સ્ત્રીએ કામભાવથી પુરુષનો માત્ર સ્પર્શ કર્યો હોય તો તેને બે દિવસ પર્યંત ઉપવાસ કરવા. તેમજ તેણે કરેલા સ્પર્શને ઇતર મનુષ્યો જો જોઇ જાય કે જાણી જાય તો વિધવાએ ચાંદ્રાયણ વ્રત કરવું. અને પુરુષે બે ઉપવાસ કરવા.૧૬

હે ભક્તજનો ! મારાં આ વચનનો અનાદર કરીને જે સ્ત્રી કાયાકલેશના ભયથી મેં કહેલું પ્રાયશ્ચિત નહિ કરે તો તે નારી મહા આપત્તિને પામશે.૧૭

આલોકમાં અપકીર્તિ પામી, મૃત્યુપછી યમયાતના ભોગવી, પાણી વિનાના જંગલમાં દશહજાર વર્ષ પર્યંત પિશાચણી થશે અને ભૂખના દુઃખથી અત્યંત પીડા પામશે.૧૮

હે ભક્તજનો ! તેમજ જે ગૃહસ્થ પુરુષો જાણી જોઇને કામભાવથી કોઇ પણ વિધવા નારીનો સ્પર્શ કરે તો તે દોષની નિવૃત્તિ માટે પૂર્વોક્ત બે પ્રકારનાં પ્રાયશ્ચિત કરવાં.૧૯

તેમાં એકાંતમાં કામભાવથી જો પુરુષે વિધવા સ્ત્રીનો સ્પર્શ કર્યો હોય તો તે પુરુષે બે ઉપવાસ કરવા, અને વિધવા સ્ત્રીએ કામભાવ ન હોવાથી એક ઉપવાસ કરવો. તેમજ જે પુરુષે કરેલા સ્પર્શને જો ઇતર મનુષ્યો જાણી જાય તો પુરુષે યથાશાસ્ત્ર ચાંદ્રાયણ વ્રત કરવું અને વિધવાએ બે ઉપવાસ કરવા.૨૦

હે ભક્તજનો ! આ મારાં વચનનો અનાદર કરી કુબુદ્ધિમાન ગૃહસ્થ પુરુષ જો મેં કહેલું પ્રાયશ્ચિત નહિ કરે તો તેની આલોકમાં અપકીર્તિ થશે અને મરીને યમયાતના ભોગવશે.૨૧

ત્યારપછી તે પુરુષ દશહજાર વર્ષ પર્યંત પાણી વિનાના ઘોર જંગલમાં પિશાચ થઇને ભટકશે અને ભૂખની પીડાથી અતિશય વ્યાકુળ થશે. તેમજ તેને વિષ્ટા, રક્ત, મૂત્ર અને માંસનું ભક્ષણ કરી જીવવું પડશે.૨૨

હે ભક્તજનો ! પતિના અવસાન પછી વિધવા નારીએ અષ્ટપ્રકારના પુરુષત્યાગનું બ્રહ્મચર્યવ્રત પાળવાનો તેનો મુખ્ય ધર્મ થઇ જાય છે. તે સમયે પુરુષનો સ્પર્શ એ બ્રહ્મચર્યવ્રતનો ભંગ છે. તેથી જ પૂર્વે કહ્યો તેટલો મોટો દોષ લાગે છે.૨૩

તેમજ પુરુષે વિધવાનો સ્પર્શ કરી તેના બ્રહ્મચર્ય વ્રતનો ભંગ કરાવ્યો હોવાથી તે પુરુષને પણ વિધવાના સ્પર્શમાં બહુ જ મોટો દોષ કહ્યો છે.૨૪

જેવી રીતે સધવા નારીને પોતાના પતિ સિવાયના પુરુષની સાથે વ્યભિચારકર્મ કરે ને જેટલો દોષ લાગે છે, તેટલો જ દોષ વિધવા નારીને માત્ર કામભાવે પુરુષનો સ્પર્શ કરવાથી લાગે છે.૨૫

હે ભક્તજનો ! જેવી રીતે ગૃહસ્થ પુરુષને પોતાની સ્ત્રી સિવાયની સ્ત્રી સાથે વ્યભિચાર કરે ને જેટલો દોષ લાગે તેટલો જ દોષ જાણીને કામભાવે વિધવાનો માત્ર સ્પર્શ કર્યો હોય તેમાં લાગે છે. તેમાં કોઇ સંશય નથી.૨૬

વળી જેવી રીતે ગૃહસ્થ પુરુષને પરસ્ત્રી સાથે વ્યભિચાર કરવામાં જેટલો દોષ છે તેટલો જ દોષ બ્રહ્મચારી, વાનપ્રસ્થ, સંન્યાસી અને ત્યાગી સાધુપુરુષને કેવળ વિધવા કે કુમારી સ્ત્રીનો જાણી જોઇને સ્પર્શ કરવા માત્રથી લાગે છે.૨૭

હે ભક્તજનો ! પતિના મૃત્યુ પછી વિધવા સ્ત્રીએ અષ્ટપ્રકારે પુરષના ત્યાગરૂપ બ્રહ્મચર્યનું પાલન કરવું, તે શાસ્ત્ર સંમત વાત છે. તેથી બ્રહ્મચારી આદિ પુરુષો જેવી રીતે સ્ત્રીઓના સ્પર્શથી ભય પામે છે, તેવી જ રીતે વિધવા સ્ત્રીઓએ પણ પુરુષના સ્પર્શથી ભય પામવું. ૨૮

સત્શાસ્ત્રના શ્રવણ નિમિત્તે કરવામાં આવતા દાનના પ્રસંગમાં, તેમજ તીર્થ સ્નાનના નિમિત્તે કરવામાં આવતા વિધિના પ્રસંગમાં કે કોઇ અવશ્યનું કામ પડે અથવા બ્રાહ્મણોના પૂજનના પ્રસંગમાં તથા બહુજન ભેળા થયા હોય તથા સભાના પ્રસંગમાં જો વિધવા સ્ત્રીને પુરુષનો સ્પર્શ થઇ જાય તો તે દોષરૂપ નથી.૨૯

પરંતુ જો એકાંતસ્થળમાં બ્રાહ્મણને દાન આપે કે પૂજન કરે તો ભગવાનની ભક્ત એવી વિધવા સ્ત્રીએ તથા તે બ્રાહ્મણે શુદ્ધિ માટે ચાંદ્રાયણ વ્રત કરવું.૩૦

અને રોગાદિ આપત્કાળમાં નાડી તપાસવા આદિકના પ્રસંગમાં વૈદ્યનો સ્પર્શ થાય અને મુંડન કરાવતી વેળા વાણંદનો સ્પર્શ થાય, તે સમયે ઇતર સ્ત્રી કે પુરુષ સાથે હોય તો દોષ નથી. પરંતુ જો કોઇ હાજર ન હોય તો બન્ને વ્યક્તિએ કાર્ય પૂર્ણ થયા પછી એક ઉપવાસ કરવો.૩૧

હે ભક્તજનો ! આ અગત્યના સ્પર્શમાં કે બીજો કોઇ ઉપાય ન હોય ત્યારે સમીપ સંબંધવાળા સ્ત્રી પુરુષોનો પરસ્પર સ્પર્શ થાય, ત્યારે આવા સ્પર્શમાં વ્યવહારના કામની સિદ્ધિમાટે તે જરૂરી હોતાં,બન્નેને દોષ લાગતો નથી.૩૨

હવે તે સમીપ સંબંધવાળા સ્ત્રી પુરુષો કોને જાણવા ? તે કહું છું. પિતા, ભાઇ, કાકા, ભાઇના પુત્રો, તેમજ પોતાના નાના, મામા, મામાના પુત્રો, મામાના પુત્રોના પુત્રો, તેમની દીકરીઓના પુત્રો, માસો તથા માસાના પુત્રો, ફુવા કે ફુવાના પુત્રો, ગુરુ અને ગુરુપુત્ર, માતાને અન્ન આપી જીવાડનારો દાતા કે દાતાનો પુત્ર, સસરા, સસરાના ભાઇઓ, પોતાના પતિના મોટાભાઇ જેઠ, નાનાભાઇ દીયર તથા બન્નેના પુત્રો, પોતાની દીકરીના પુત્રો તેમજ પોત્રા અને પરપોત્રા આદિ સર્વે સમીપ સંબંધવાળા પુરુષો કહેલા છે. તે જો સ્વયં ધાર્મિક હોય અને બીજાની ધર્મરક્ષા કરવા સજાગ હોય તો સર્વેના સ્પર્શમાં કોઇ દોષ નથી.૩૩-૩૬

હે ભક્તજનો ! મૂલ્ય આપી કોઇ વસ્તુ ખરીદવી કે વહેંચવી હોય તો તેવા પ્રસંગમાં તથા જળમાં ડૂબી જવા આદિકના ભય ઉત્પન્ન થવાના પ્રસંગમાં,કે અગ્નિથી ઘર, દેહ આદિ બળવાના પ્રસંગમાં, માથા ઉપર ભારો ચડાવવા આદિકમાં કોઇની મદદ લેવા આદિ પ્રસંગમાં સમીપ સંબંધ વિનાના પુરુષનો સ્પર્શ થાય તો તે દોષકારક નથી.૩૭

તેમજ ગૃહસ્થ પુરુષોને વિધવાની માફક જ ક્રય-વિક્રયાદિના પ્રસંગમાં પોતાની સમીપ સંબંધ વિનાની વિધવા સ્ત્રીના સ્પર્શમાં દોષ લાગતો નથી.૩૮

કોઇ કાર્ય પ્રસંગે ગામાન્તરે જવાના સમયે કાળો સર્પ આડો ઉતરવા કરતાં પણ વિધવા સ્ત્રીનું મુખ દેખાય તો તે અતિ અમંગળકારી છે.૩૯

છતાં જવાનું પ્રયાણ કરે તો માત્ર કાર્યની હાનિ થાય તેટલું ફળ છે એમ નહિ, પોતાનું કે પુત્ર પત્નિનું મૃત્યુ પણ થઇ શકે છે, તેમાં સંશય નથી. અથવા તો ધનનો નાશ થાય, અગ્નિ કે જળનો ભય ઉત્પન્ન થાય અર્થાત્ કોઇને કોઇ અવશ્ય થાય છે.૪૦

હે ભક્તજનો ! તેથી વિધવાના મુખદર્શનના દોષને શાંત કરવા માટે શાસ્ત્રવેત્તાઓએ તત્કાળ હરિસ્મરણ કરવા રૂપ પ્રાયશ્ચિત કહેલું છે.૪૧

વિધવા સ્ત્રીઓના આશીર્વાદ પણ કાળા સર્પના ઝેર સમાન જાણવા એટલા જ માટે સર્વે પુરુષોએ રાક્ષસીની જેમ વિધવા સ્ત્રીઓથી ભય પામવું.૪૨

તેમજ પોતાની માતા, અપરમાતા, બહેન કે દીકરી જો વિધવા હોય તો તેમની સાથે પણ યુવાવસ્થાવાળા પુરુષોએ આપત્કાળના પ્રસંગ વિના કદાપિ એકાંતસ્થળમાં ન રહેવું.૪૩

હે ભક્તજનો ! અજાણતાં જો એકાંત સ્થળમાં નિવાસ થાય તો બન્ને એ પ્રયત્નપૂર્વક એક એક ઉપવાસ કરવો.૪૪

તેમાં પણ એકાંતમાં પરસ્પર કામભાવે માત્ર સ્પર્શ થઇ જાય તો તે દોષની નિવૃત્તિને માટે બન્નેએ ચાંદ્રાયણ વ્રત કરવું.૪૫

વળી ક્યારેય પણ એકલા યુવાન પુરુષે પોતાના સમીપ સંબંધવાળી એકલી વિધવા નારી સાથે માર્ગમાં ચાલવું નહિ.૪૬

અને જો સંબંધવાળી એકલી વિધવા સ્ત્રી સાથે અસાવધાનીના કારણે યુવાન પુરુષ માર્ગમાં ચાલે તો તે યુવાન હરિભક્ત અને વિધવા નારી બન્નેએ પોતાના પાપની શુદ્ધિને માટે એક રાત્રી દિવસ ઉપવાસ કરવો.૪૭

હે ભક્તજનો ! યુવાન સ્ત્રી પુરુષો માટે પરસ્પરનો પ્રસંગ શાસ્ત્રની દૃષ્ટિએ સર્વથા નિષેદ્ધ છે.૪૮

પિતા, પુત્ર, ભાઇ વગેરે સંબંધીજનોએ વિધવા નારીઓનું સ્વતંત્ર આવવા જવાની પ્રવૃત્તિથી સદાય રક્ષણ કરવું.૪૯

તે કેવી રીતે ? તો કહું છું કે, બહુજન સમાજ ભેળો થયો હોય, ઉત્સવના પ્રસંગ હોય, તીર્થમાં જવું હોય, વિવાહમાં, મનુષ્યોના સંઘ સાથે માર્ગે ચાલતાં, કહેવા માત્રના સાધુના સહવાસના આદિના પ્રસંગમાં તથા વાંઢા પુરુષના સહવાસના પ્રસંગથી સંબંધી પુરુષોએ યુવાન વિધવાઓનું રક્ષણ સર્વ પ્રકારે કરવું.૫૦

કારણ કે અતિ કામી પુરુષો, હિંસક પુરુષો, રાક્ષસો, અસુરો અને યક્ષો સ્ત્રી અને દ્રવ્યની પ્રાપ્તિ માટે આવા પ્રસંગોમાં નિત્યે આંટા મારતા હોય છે. તેને ઉત્સવાદિકના દર્શનનું તાન હોતું નથી. પરંતુ સ્ત્રીઓને પટાવવાનું જ તાન હોય છે, તેથી પાપભીરુ ગૃહસ્થ પુરુષોએ પોતાની સંબંધી સધવા-વિધવા સ્ત્રીઓની પ્રયત્ન પૂર્વક રક્ષા કરવી.૫૧-૫૨

હે ભક્તજનો ! ધર્મનિષ્ઠ બુદ્ધિમાન ગૃહસ્થ પુરુષોએ જો સ્ત્રીઓ સરળ સ્વભાવની હોય તો સ્નેહના વચનોથી તેને સમજાવીને રોકવી. પરંતુ જો ઉધ્ધત હોય તો પૈસાના મિષથી લલચાવીને રોકવી. અને જો અતિ ઉધ્ધત હોય તો ભેદના વચનોથી ધમકાવીને રોકવી,૫૩

પરંતુ લાકડી આદિકનો માર કે નાક, કાન આદિકના અંગ છેદનું કાર્ય કરવું નહિ. અને ખડ્ગ આદિક શસ્ત્રથી ઘાત પણ કરવી નહીં. અને તે સ્ત્રી આત્મહત્યા કરે તેવી મર્મભેદ વાણી પણ ઉચ્ચારવી નહિ.૫૪

હે ભક્તજનો ! આ પૃથ્વી પર પોતાના તેમજ પારકાના ધર્મની સર્વપ્રકારે રક્ષા કરવાનું સામર્થ્ય રાજા તેમજ દીક્ષાપ્રદ ગુરુઓમાં પિતા ભાઇ આદિ કરતાં અધિકપણે રહેલું હોય છે.૫૫

તેથી રાજાએ પોતાની પ્રજાને અને ગુરુઓએ પોતાના શિષ્યોને યથાયોગ્ય શિક્ષણ આપવું ને પુરુષોના સ્પર્શ થકી વિધવા સ્ત્રીઓના ધર્મનું પ્રયત્નપૂર્વક રક્ષણ કરવું.૫૬

જે રાજા અને ગુરુનાં વચન પ્રમાણે પ્રજા અને શિષ્યો ધર્મનું રક્ષણ ન કરે તો તે બન્નેએ કરેલાં પાપના ભાગીદાર રાજા અને ગુરુઓ થાય છે.તેથી મર્યા પછી તેને નરકને વિષે પાપનો ભાગ ભોગવવો પડે છે. તે રાજા અને ગુરુઓના પિતૃઓ સ્વર્ગમાં ગયા હોય છતાં યથાયોગ્ય શિક્ષણ ન આપવાના પાપે કરીને પિતૃઓને પણ નરકમાં નાખે છે, તેમાં કોઇ સંશય નથી.૫૮

હે ભક્તજનો ! મેં કહેલી આ મર્યાદાનું પૂર્વે ગુરુ રામાનંદ સ્વામીએ સ્થાપન કરેલું છે. આ મર્યાદાનું જે કોઇ ઉલ્લંઘન કરે તેને ઉદ્ધવસંપ્રદાય થકી બહાર જાણવા.૫૯

તેમજ સધવા, વિધવા સ્ત્રીઓ અને પુરુષો આ મેં કહેલી ધર્મમર્યાદાનું ઉલ્લંઘન કરીને પોતાની ઇચ્છામાં આવે તેમ વર્તશે તો આ પૃથ્વી ઉપર કલંકિત થઇ બહુજ અપકીર્તિને પામશે.૬૦

મિથ્યા કલંકોના ભોગી બનશે અને મૃત્યુ પછી બહુ પ્રકારના નરકોની યાતના ભોગવશે, તેમાં કોઇ સંશય નથી. તમારો ઇષ્ટદેવ હું નીલકંઠ આ સત્ય વચનો કહું છું, મારાં આ વચનો તમારા આલોક તથા પરલોકને માટે સુખદાયક છે. તેથી સર્વે ભલા થઇને સ્વીકાર કરજો.૬૧

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! પરમેશ્વર શ્રીહરિનાં આવાં અમૃતવચનો સાંભળી સભામાં બેઠેલા સાત્વિક બુદ્ધિવાળા સર્વે ભક્તજનો ખૂબજ આનંદ પામ્યા અને બે હાથ જોડી શ્રીહરિને પ્રણામ કરી તમે જેમ કહ્યું તે રીતે જ અમે સૌ વર્તશું. એમ કહીને તેમનાં વચનો મસ્તક ઉપર ચડાવ્યાં.૬૨

હે રાજન્ ! જે સ્ત્રીપુરુષો શ્રીહરિએ કહેલાં આ સ્પર્શાસ્પર્શ વિવેકનાં અમૃતસમાન વચનોનો પાઠ કરશે, વાંચન કરશે અને સાંભળશે તે આલોકમાં મોટી કીર્તિએ સહિત ધનધાન્યાદિ સમૃદ્ધિને પામશે, અને દેહને અંતે ભગવાન શ્રીહરિના અક્ષરધામને પામશે.૬૩

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં પ્રબોધીનીના ઉત્સવ દરમ્યાન રાત્રીની સભામાં શ્રીહરિએ સ્પર્શાસ્પર્શના વિવેકનું નિરૂપણ કર્યું એ નામે પચીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૫--