અધ્યાય - ૫ - અન્નકૂટોત્સવ ઉજવવાની આજ્ઞા મળતાં બન્ને બહેનોના અંતરમાં આનંદ થયો ને સર્વે બહેનો સેવામાં લાગી ગયાં.

Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 5:17pm

અધ્યાય - ૫ - અન્નકૂટોત્સવ ઉજવવાની આજ્ઞા મળતાં બન્ને બહેનોના અંતરમાં આનંદ થયો ને સર્વે બહેનો સેવામાં લાગી ગયાં.

અન્નકૂટોત્સવ ઉજવવાની આજ્ઞા મળતાં બન્ને બહેનોના અંતરમાં આનંદ થયો ને સર્વે બહેનો સેવામાં લાગી ગયાં. સ્ત્રીભક્તોની સેવા જોઈને બ્રહ્માજી શરમાયા . અન્નકુટોત્સવના દર્શન માટે સંતોને નિમંત્રણ.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ભગવાન શ્રીહરિના મુખકમળ સામે જ નેત્રોની દૃષ્ટિ અને કાનની વૃત્તિ સ્થિર કરીને દૂર ઊભેલી બન્ને બહેનો ઉત્તમરાજાના આગમન પૂર્વે જ શ્રીહરિના ઇશારાઓ ઉપરથી તેમના હૃદયગત અભિપ્રાયને જાણી ગયેલી અને દાસભાવે ભગવાન શ્રીહરિની સેવા કરવામાં જ પોતાના મનુષ્યજન્મનું સફળપણું માનતી બન્ને બહેનો હર્ષથી અતિશય આનંદિત થઇ.૧-૨

અને તેવામાં અભયપુત્ર ઉત્તમરાજા ત્યાં આવી પહોંચ્યા ને સ્ત્રીઓની સભામાં ઊભેલી પોતાની બન્ને બહેનો પ્રત્યે ભગવાન શ્રીહરિનાં વચનો જેમ હતાં તેમ કહી સંભળાવ્યાં.૩

અને છેલ્લે તમે શક્તિ અનુસાર અન્નકૂટોત્સવ ઉજવો. આવું ઉત્તમરાજાનું મુખમાંથી નીકળતું શ્રીહરિનું વચન સાંભળ્યું, ત્યારે હર્ષનો પાર ન રહ્યો, પોતાના નિર્મળ હૃદયમાં પ્રગટેલો મહા આનંદ અંતરમાં સમાઇ શક્યો નહિ તેથી અશ્રુઓ દ્વારા નેત્રો વાટે બહાર વહેવા લાગ્યો.૪

હે રાજન્ ! ત્યારપછી બન્ને બહેનો ત્યાંથી જ ભગવાન શ્રીહરિને નમસ્કાર કરી તત્કાળ પોતાના ભવનમાં આવી ચાર પ્રકારનાં પકવાન્નો જલદી તૈયાર થાય તેવા પ્રયત્નો કરવા લાગી.૫

બન્ને બહેનો પ્રથમ અતિશય સુગંધીમાન ભાતને માટે ડાંગર ખાંડવાનું કાર્ય અને સફેદ ઘઉંનો લોટ પીસાવી તૈયાર કરાવવાનું કાર્ય અનેક સ્ત્રી ભક્તજનો પાસે કરાવવા લાગી.૬

તે સમયે શ્રીહરિના ચરણોમાં તન, મન અને ધનને સમર્પણ કરી, નિષ્કપટભાવે શ્રીહરિની સેવામાં તત્પર થયેલી સ્ત્રીભક્તોને એ અવસર અંતરમાં એક નિરંતર આનંદ આપનારા અનોખા ઉત્સવ જેવો જણાતો હતો.૭

ગઢપુરના દરેક ઘરે ઘઉં આદિ ધાન્યો દળવાના કાર્યમાં રોકાયેલી સ્ત્રી ભક્તજનોના મુખેથી ભગવાન શ્રીહરિના કીર્તનોનો મંગલ ધ્વનિ રાત્રીદિવસ અખંડ સંભળાતો હતો.૮

હે રાજન્ ! રસોઇ કામમાં ચતુર એવી પવિત્ર બ્રાહ્મણ સ્ત્રીઓ લલિતાબાની આજ્ઞા પ્રમાણે મગ અને અડદના લોટમાંથી વડી, સફેદ ઝીણી સેવ અને મોટા મોટા પાપડ વગેરે બનાવવા લાગી.૯

કોઇક સ્ત્રીભક્ત જપમાળાની એકસો ને આઠની સંખ્યામાં વડીઓની નાની નાની ગોળીઓ બનાવી ખાટલા ઉપર બિછાવેલાં પવિત્ર શ્વેત વસ્ત્ર ઉપર મંત્રોચ્ચારણ સાથે પંક્તિબદ્ધ ગોઠવી તેના પર બીજી પંક્તિ કરી, એમ પોતાને નિત્યે જપવાની માળાના નિયમને પૂર્ણ કરતી હતી.૧૦

કોઇ સ્ત્રી શ્વેત ઉજ્જવળ કાંસાનાં પાત્ર ઉપર વિશાળ પાપડને વેલણથી વણતી હોય તે સમયે ભગવાનમાં એકચિત્ત થવાથી એકાએક પાપડ ઉપર સ્ફુરાયમાન થયેલા ભગવાન શ્રીહરિને જોઇને હાસ્ય કરવા લાગતી અને વેલણ તેના હાથમાં જ અધર સ્થિર રહી જતું હતું.૧૧

ધ્યાનની અતિશય દૃઢતાને કારણે જળ અને સ્થળમાં ભગવાન શ્રીહરિનું જ દર્શન કરતી કોઇ સ્ત્રીભક્તને સેવવણવાના પાટલા ઉપર અચાનક સ્ફુરાયમાન થયેલા ભગવાન શ્રીહરિનાં દર્શન કરી, ભાન ભૂલી જવાથી શ્રીહરિના અંગ ઉપર જાણે તેલમર્દન કરતી હોયને શું ? તેમ કરવા લાગતી હતી.૧૨

કોઇ સ્ત્રીભક્ત ચારણીમાં ઘઉંનો ઘણો બધો લોટ ભરીને બે હાથેથી ચાળતી હોય ને ભગવાન શ્રીહરિની લીલાનું મનમાં અનુસંધાન જોડાતાં પહેલાં શ્રીહરિએ પોતાને હસાવી હોય તેનું એકાએક સ્મરણ થઇ આવતાં વારંવાર ખડખડાટ હસવા લાગતી અને ચાળવાની ક્રિયાને ભૂલી જતી હતી.૧૩

કોઇ સ્ત્રીભક્ત ડાંગરને ખાંડવાની ઇચ્છા કરી ખાંડતાં ખાંડતાં ખાંડણીયામાં નજર કરે ને એકાએક સ્ફુરાયમાન થયેલા ભગવાન શ્રીહરિનાં દર્શન થાય ને હાથમાં ધારણ કરેલું મુસળ ઊંચુ ને ઊંચુ રહી જાય ને એમને એમ સ્થિર બેસી રહે.૧૪

હે રાજન્ ! આ પ્રમાણે અન્નકૂટની સેવા કરતી સર્વે સ્ત્રીઓ સમગ્ર પ્રકારની ક્રિયામાં પોતપોતાની ભાવનાને અનુસારે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રીહરિનાં દર્શન કરતી હોવાથી સમાધિનિષ્ઠ યોગીઓ કરતાં પણ અધિક શ્રેષ્ઠ સાબિત થઇ.૧૫

આવા અન્નકૂટોત્સવ નિમિત્તે સેવા કરવી એજ સાક્ષાત્ ભગવાન શ્રીહરિને પ્રસન્ન કરવાનું સાધન છે. એમ જાણી સર્વે સ્ત્રીભક્તો અતિશય આનંદ સાથે લલિતાબાના કહેવા પ્રમાણે કાર્યમાં તત્પર થઇને સેવા કરી રહી હતી, ત્યારે ઉત્તમરાજા પણ સેંકડો ઘી ભરેલા ઘડાઓ તથા સાકર ભરેલી પેટીઓ લાવી લાવીને હાજર કરતા હતા.૧૬

તેવી જ રીતે ઉત્તમરાજાના સેવકો પણ ઊંડાં કઢાયાં, ઝારા, મોટી કાથરોટ, મોટાં કડાયાં, મોટી છાછટો, લાંબા હાથાવાળા કળછા, ગોળિયો, માણાંઓ, મોટી મોટી માટીની કાથરોટો, ઘડાઓ, ચાવટા, હાંડલાં આદિ પાત્રો લાવી લાવીને હાજર કરતા હતા.૧૭

ઉત્તમરાજાની કુમુદા અને જશુબાઇ નામની બન્ને પત્નીઓ પણ અતિશય હર્ષપૂર્વક હળદર, મરચાં, જીરું, તજ, ધાણા, આદુ, આંબલી, મીઠું, કાળામરી, કાળાજીરુ વગેરે દળીને તૈયાર કરતી અને દહીં તથા છાશ પણ તૈયાર કરતી હતી અને રાઇને સાફ કરતી હતી.૧૮

સ્ત્રીભક્તોની સેવા જોઈને બ્રહ્માજી શરમાયા :- હે રાજન્ ! તે સમયે સધવા અને વિધવા વિપ્ર સ્ત્રીઓ વ્રત કરવાથી શરીરો કૃશ થયાં હોવા છતાં, પવિત્ર વસ્ત્રો ધારણ કરી, હાથમાં ગાગરો અને કાખમાં ઘડાઓ ધારણ કરીને ઉન્મત્તગંગામાંથી જળ ભરી લાવતી હતી.૧૯

તપશ્ચર્યા કરવાથી શરીર અતિશય કૃશ થયાં હોવા છતાં રાત્રીદિવસ ઘણો બધો પરિશ્રમ કરતી તે સર્વે સ્ત્રી ભક્તોને જોઇને 'અબળા' આવું નામાભિધાન કરનારા બ્રહ્માજી પણ શરમાઇ ગયા.૨૦

હે રાજન્ ! પોતાની બહેનો જયાબા અને લલિતાબાની પ્રેરણાથી ઉત્તમરાજા કંદોઇ તથા રસોયા બ્રાહ્મણોને પૂછીને યોગ્ય રસોડું તૈયાર કરાવી અન્ય નગરોમાંથી અનેક પ્રકારનાં શાક મંગાવ્યાં.૨૧

આ રીતે ઉત્તમરાજાના દરબારમાં એક સ્ત્રીઓનું અને બીજું પુરુષોનું એમ બે સ્વચ્છ રસોડાં તૈયાર થયાં. તેમાં પુરુષોના રસોડામાં પીપલાણા ગામના પ્રભાશંકર વિપ્ર મુખ્ય થયા અને સ્ત્રીઓના રસોડામાં જેતલપુરનાં ગંગામા મુખ્ય થયાં.૨૨

જે રસોડામાં બ્રાહ્મણ પુરુષો રસોઇ કરતા હતા ત્યાં માનજી, કૃષ્ણજી, અંબારામ, રામજી, હરજી આદિ ભક્તજનો હતા તે શાક લાવીને સુધારી આપવું, અન્ન લાવી આપવું, ઘી, તેલ લાવી ગાળીને તૈયાર કરી આપવાની પ્રતિક્ષણ સેવા કરતા હતા.૨૩

અને જ્યાં વિપ્ર સ્ત્રીઓ રસોઇ કરતી હતી, ત્યાં હીરા, રત્નવલી, રમા, ગંગા, રજની, નાથી, વિજયા, કલ્લુ આદિક ભક્તસ્ત્રીઓ શાક લાવીને સુધારી આપવું, અન્ન લાવી આપવું, ઘી, તેલ લાવી ગાળીને તૈયાર કરી આપવાની સેવામાં તત્પર રહેતી હતી.૨૪

સ્ત્રી અને પુરુષોને અતિહર્ષપૂર્વક સામગ્રી ભેળી કરવામાં તલ્લીન થયેલા જોઇ ભગવાન શ્રીહરિએ દેશદેશાંતરમાં વિચરણ કરતા સંતોને જલદી બોલાવી લાવવા માટે ઉતાવળી ગતિએ ચાલતા સંદેશાવાહક દૂતોને તે તે દિશામાં જવાનો આદેશ આપ્યો.૨૫

દૂતોએ તત્કાળ જઇ સંતોને કહ્યું કે, તમને ધનતેરસના દિવસે તમારા પ્રભુનાં દર્શન કરવા ગઢપુર આવવાનું છે. આવા પ્રકારની શ્રીહરિની આજ્ઞા છે.૨૬

અન્નકૂટોત્સવના દર્શન માટે સંતોને નિમંત્રણ :- હે રાજન્ ! આ પ્રમાણે દૂતોનાં વચન સાંભળી શ્રીહરિનાં દર્શન કરવાની અત્યંત ઉત્કંઠાવાળા સંતોએ તત્કાળ મનોમન ભગવાન શ્રીહરિને વંદન કર્યા અને તે જ ક્ષણે દુર્ગપુર પ્રત્યે જવા ચાલી નીકળ્યા.૨૭

તે સંતો પોતાનાં પુસ્તકો કે ગોદડી આદિ વસ્તુઓને જ્યાં હતી ત્યાં જ મૂકીને તેને સંભાળ્યા વિના અને જે તે ગામના કે નગરના ભક્તજનોને પૂછયા વિના ગઢપુર જવા નીકળી ગયા.૨૮

હે રાજન્ ! સર્વે સંતો માર્ગમાં જે કાંઇ અન્ન ભિક્ષામાં મળે તે જમી લેતા અને ક્યારેક ફળફૂલ મળે તે જમી લેતા અને ક્યારેક ઉપવાસ કરીને પણ ગઢપુર પ્રતિ ચાલતા રહેતા હતા.૨૯

માર્ગમાં તે તે ગામ અને નગરના સત્સંગી સ્ત્રી પુરુષો પણ શ્રીસ્વામિનારાયણ ભગવાનનાં દર્શનનો અવસર પ્રાપ્ત થયો જાણી તે જ ક્ષણે સંતોની સાથે ચાલી નીકળતા હતા.૩૦

હે રાજન્ ! તે સમયે પશ્ચિમપાંચાલ દેશના જનો ઉતાવળી ગતિએ અને સર્વે દિશાઓમાંથી ક્ષણે ક્ષણે આવતા સંતોનાં મંડળો અને દેશદેશાંતરના ભક્તોના સમૂહોને જોઇને અતિ આશ્ચર્યપૂર્વક અનેક પ્રકારના તર્ક વિતર્ક કરવા લાગ્યા કે, સાધુઓથી ભરેલી કોઇ મહા નૌકા કોઇ અન્ય દેશમાંથી આવી છે કે શું ? અથવા આ માનવ મહેરામણરૂપ મહાસમુદ્રે મર્યાદા મૂકી છે કે શું ?૩૧-૩૩

આ પ્રમાણે હકીકતને નહીં જાણતા પશ્ચિમ પાંચાલ દેશના જનોને માર્ગમાં અતિશય આશ્ચર્ય ઉપજાવતા સર્વે સંતો દુર્ગપુર પ્રત્યે આવી રહ્યા હતા.૩૪

સંતો જેમ જેમ માર્ગમાં ભગવાન શ્રીહરિના ધામ ગઢપુરની નજીક ને નજીક આવતા જતા હતા તેમ તેમ તેઓનો થાક પણ દૂર થતો હતો. અને વધુ વેગથી ચાલતા હતા, શ્રીહરિનાં દર્શનના લોભમાં તેઓને શરીરના પરિશ્રમનું પણ ભાન રહેતું ન હતું.૩૫

હે રાજન્ ! સર્વે સંતો જાણે કે, ઉતાવળી ગતિએ ચાલતા અશ્વ ઉપર આરુઢ થયેલા શ્રીહરિનાં દૃષ્ટિ આગળ દર્શન કરતા હોય તેમ માર્ગમાં ચાલતાં ચાલતાં દેહ સંબંધી સુખ-દુઃખને પણ ભૂલી જતા હતા.૩૬

આઠે દિશામાંથી આવતા સાંખ્યયોગી એવા સાધુલક્ષણે સંપન્ન સંતો અને બ્રહ્મચારીઓ ગઢપુરની આસપાસના ગામડાઓમાં આવીને રોકાયા.૩૭

એ સમયે તો દૂર દૂરના પ્રદેશોમાં વસતા તેથી જ વર્ષમાં એકાદ વાર જ પ્રતિવર્ષના પ્રબોધની ઉત્સવ પર શ્રીહરિના દર્શને આવતા સંતો તથા ગૃહસ્થ ભક્તજનો પણ આ વખતે અન્નકૂટ ઉત્સવ પર ગઢપુર આવી રહ્યા હતા.૩૮

હે રાજન્ ! પોતપોતાના મંડળે સહિત સર્વે ત્યાગી સંતો તથા સાથે આવેલા ભક્તજનોએ સહિત બારસના દિવસે ગઢપુરના આસપાસના શાખાનગરોમાં આવીને રહ્યા.૩૯

હે રાજન્ ! દુર્ગપુર સામે જ દૃષ્ટિ માંડીને બેઠેલા સર્વે સંતો ભક્તો ભગવાન શ્રીહરિના દર્શનની અતિ ઉત્કંઠા હોવા છતાં પણ ભગવાન શ્રીહરિના વચને બંધાયા હોવાથી તે શાખાનગરોમાં જ નિવાસ કરીને રહ્યા.૪૦

હે રાજન્ ! ભગવાનને વહાલા સંતોભક્તોના સમૂહોથી દુર્ગપુરનાં શાખાનગરો બારસની રાત્રીએ જાણે ઉભરાયેલા મહાસાગરની શોભાને ધારણ કરતાં હોય તેમ બહુ શોભતાં હતાં.૪૧

હૃદયમાં ભક્તિનંદન શ્રીહરિનું જ એક સ્મરણ અને તેના સંબંધી સદ્ગુણોનું સંકીર્તન કરતા સંતો ભક્તોનું મન ભગવાન શ્રીહરિનાં પ્રત્યક્ષ દર્શન કરવામાં આતુર હોવાથી તે શાખાનગરોમાં તેઓને ક્યાંય ચેન પડતું ન હતું.૪૨

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં અન્નકુટોત્સવ પર દેશદેશાંતરોમાંથી મુનિમંડળોનું શાખાનગરો સુધી આગમનનું નિરૂપણ કર્યું એ નામે પાંચમો અધ્યાય પૂર્ણ થયો. --૫--