અધ્યાય - ૨૨ - ગઢપુરનું વર્ણન અને અભયરાજાનો પવિત્ર પરિવાર.

Submitted by swaminarayanworld on Thu, 06/07/2017 - 9:50am

અધ્યાય - ૨૨ - ગઢપુરનું વર્ણન અને અભયરાજાનો પવિત્ર પરિવાર.

ગઢપુરનું વર્ણન અને અભયરાજાનો પવિત્ર પરિવાર.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! પશ્ચિમ પાંચાલ દેશમાં મનુષ્યોને પાવન કરનારી નિર્મળ જળવાળી ઉન્મત્તગંગા નામની પ્રખ્યાત નદી વહે છે. આ ગંગામાં અચ્યુત ભગવાન શ્રીહરિ મુનિ મંડળોની સાથે અનંતવાર જળક્રીડા કરેલી હોઇ આ નદીનું જળ માનવીઓનાં બ્રહ્મહત્યાદિ મહાપાપોને ધોનારું છે.૧-૨

હે રાજન્ ! આવી આ પાવનકારી ઉન્મત્તગંગાને કિનારે દુર્ગપુર નામનું નગર આવેલું છે. એ નગરમાં ચારે વર્ણના જનો નિવાસ કરીને રહે છે. પૂર્વે આ નગર દ્વારિકાપુરીનું શાખાનગર તરીકે પ્રસિદ્ધ હતું. કારણ કે દ્વારિકેશ ભગવાન શ્રીકૃષ્ણ વાસુદેવ અહીં વિહાર કરવા પધારતા.૩-૪

હે રાજન્ ! આવાં ઉત્તમ પવિત્ર નગરમાં ભગવાનના પરમ ભક્ત અભયરાજા રહેતા હતા. તે ક્ષત્રિયધર્મનું યથાર્થ પાલન કરતા અને સ્વભાવે શૂરવીર હતા. તેમજ શ્રીમદ્ભાગવતની કથાનું હમેશાં આદરથી શ્રવણ કરતા રહેતા.૫

તે અભયરાજા, કારિયાણીના નાગેશ રાજા અને પૂર્ણાદેવી થકી જન્મેલી પુત્રી સુરપ્રભાદેવી સાથે પરણ્યા હતા.૬

તેમજ બોટાદના રણગામી નામના રાજાની પુત્રી સોમાદેવીની સાથે તેણે બીજાં લગ્ન પણ કર્યાં હતાં.૭

આવી રીતે અભયરાજાને બે પત્નીઓ હતાં અને બન્ને પતિવ્રતાના ધર્મમાં નિષ્ઠાવાળાં હતાં. તેમાં જે સુરપ્રભા નામનાં મોટાં પત્ની હતાં તેને ચાર કન્યાઓ હતી. તેમાં પહેલાં જયાબા, બીજાં લલીતાબા, ત્રીજા પાંચાલી, અને ચોથા નાનુબા હતાં.૮-૯

અને બીજાં પત્ની સોમાદેવીને એક ઉત્તમ નામે ગુણવાન પુત્ર હતો. તે સ્વભાવે શાંત, સુશીલ અને મૃદુભાષી હતા અને પ્રહ્લાદજી જેવા સદ્બુદ્ધિમાન હતા.૧૦

હે રાજન્ ! તે અભયરાજાની ચાર પુત્રીઓમાં મોટી બે પુત્રીઓને બાળપણથી જ વિધવાપણું પ્રાપ્ત થતાં તે પિતાને જ ઘેર નિવાસ કરીને રહેતાં હતાં. વિષયોથી અત્યંત વૈરાગ્ય પામી નૈષ્ઠિક બ્રહ્મચર્યવ્રતનું પાલન કરતાં તે બન્ને ચાંદ્રાયણ આદિ તપપરાયણ અને સ્વધર્મપરાયણ જીવન જીવી ભગવાનનું ભજન કરતાં હતાં.૧૧-૧૨

તે અભયરાજાને સોમાબા નામે એક બહેન હતાં અને ગાલવ નામે તેમના સાળા કે જે નાની પત્ની સોમાદેવીના ભાઇ હતા. આ રીતે અભયરાજાનો સમસ્ત પરિવાર ગઢપુરમાં રહી ધાર્મિક જીવન જીવતો અને ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ પરાયણ રહેતો હતો.૧૩

હે રાજન્ ! અભયરાજા ઉપરોક્ત પોતાના સમસ્ત પરિવારની સાથે પ્રતિદિન નિયમપૂર્વક શ્રીમદ્ ભાગવતપુરાણની કથાનું પરમ આદરથી શ્રવણ કરતા હતા.૧૪

દિવસે પુરાણીના મુખેથી સાંભળેલી ભાગવતની કથાને અભયરાજા રાત્રીએ દરબારમાં ભેળાં થયેલાં પોતાનાં સંબંધીજનોની આગળ ફરી કહી સંભળાવતા અને તેનું પોતાના ચિત્તમાં વારંવાર ચિંતવન પણ કરતા રહેતા.૧૫

તેણે સમગ્ર શ્રીમદ્ભાગવતને સાંભળ્યા પછી વક્તા વિપ્રને બહુ દક્ષિણાઓ આપી ફરી તેમની પાસેથી આખું ભાગવત અતિ પ્રેમથી સાંભળ્યું. આ પ્રમાણે સાત વખત શ્રીમદ્ ભાગવતપુરાણની કથાનું શ્રવણ કર્યું.૧૬

હે રાજન્ ! અભયરાજા જ્યારે કથાનું શ્રવણ કરતા ત્યારે નવમા સ્કંધના
यदा यदा हि धर्मस्य क्षयो वृद्धिश्च पाप्मनः । तदा तु भगवानीश आत्मानं सृजते हरिः ।।
શ્લોકના પદનો અર્થ પોતાના મનમાં વિચારતા કે, પૃથ્વી પર જ્યારે જ્યારે અધર્મની વૃદ્ધિ થાય અને ધર્મનો ક્ષય થાય ત્યારે ભગવાન શ્રીવાસુદેવ નક્કી અવતાર ધારણ કરે છે.૧૭-૧૮

તો અત્યારે પૃથ્વી પર સર્વત્ર મનુષ્યોમાં અધર્મવૃદ્ધિ પામેલો દેખાય છે. એથી આ સમય જરૂર ભગવાનને પ્રગટ થવાનો છે. આ પ્રમાણે અભયરાજા પોતાના મનમાં જાણતા હતા.૧૯

હે રાજન્ ! સર્વે પદાર્થોમાંથી વૈરાગ્ય પામેલા તે અભયરાજાને મનમાં પ્રતિદિન આવા જ વિચારો આવ્યા કરતા.૨૦

એક સમયે શ્રાવણવદી એકાદશીની તિથિએ અભયરાજાએ મોટા ઉપચારોથી વિધિપૂર્વક ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરી, એકાદશીના વ્રતવિધિમાં કહેલા નિયમોનું યથાર્થ પાલન કરવાની સાથે મહાપૂજાને અંતે ભગવાન શ્રીકૃષ્ણના ગુણ ચરિત્રોવાળાં અનેક પદોનું સંકીર્તન કર્યું.૨૧-૨૨

અને બપોર પછીના સમયે આદરપૂર્વક શ્રીમદ્ભગવદ્ ગીતાનું શ્રવણ કર્યું. કથાને અંતે સ્વયં સંબંધીજનો આગળ ભગવદ્ વાર્તા કહેવા લાગ્યા.૨૩

હે સંબંધીજનો ! હું મારા મનમાં રહેલા વિચારો તમારી આગળ રજૂ કરું છું. તમે સર્વે સાવધાન થઇને સાંભળો. આ લોકમાં સર્વે મનુષ્યોનું આત્યંતિક કલ્યાણ કેવળ એક ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિથી જ થાય છે.૨૪

તેમાં પણ જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યક્ષપણે વિરાજતા હોય ને તેની મનુષ્ય જો ભક્તિ કરે તો તત્કાળ ફળને આપનારી થાય છે. પરંતુ અર્ચા સ્વરૂપને વિષે કરવામાં આવતી ભક્તિ બહુ કાળે ફળે છે.૨૫

જે પુરુષોએ પ્રત્યક્ષ ભગવાન શ્રીકૃષ્ણનું દર્શન કર્યું છે અને શક્તિને અનુસારે સેવાપૂજા કરી છે. તે ધન્ય થયા છે અને ભગવાનના ધામની પ્રાપ્તિરૂપ પરમશ્રેષ્ઠ ગતિ પણ પામ્યા છે.૨૬

હે સંબંધીજનો ! આ પૃથ્વી પર જ્યારે ભગવાન શ્રીકૃષ્ણનો પ્રાદુર્ભાવ થાય ત્યારે જ ભગવાનની પ્રગટ ભક્તિ થઇ શકે, પરંતુ અત્યારે તે ભક્તિ મનુષ્યો માટે દુર્લભ છે. ભગવાન પ્રાદુર્ભાવ પામે તો જ પ્રગટ ભક્તિ શક્ય બને તેમ છે. અને ભગવાન શ્રીકૃષ્ણનાં પ્રગટ થવાનાં કારણો પણ પૃથ્વીપર અધર્મની વૃદ્ધિ અને ધર્મનો ક્ષય થાય, તે જ શાસ્ત્રોમાં કહેલાં છે. આ સંદર્ભમાં ભગવાન શ્રીકૃષ્ણનાં વચનો જ પ્રમાણભૂત છે તે તમને સંભળાવું છું.૨૭-૨૮

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, હે ભરતકુળમાં ઉત્પન્ન થયેલા અર્જુન ! આ પૃથ્વી પર જ્યારે જ્યારે વેદોક્ત ધર્મમર્યાદાની હાનિ થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે હું અવતાર ધારણ કરું છું. અને ધર્મશીલ મારા એકાંતિક ભક્ત એવા સંતજનોના રક્ષણને માટે અને અધર્મીના વિનાશને માટે તથા વૈદિક ધર્મના સ્થાપન માટે હું યુગયુગને વિષે પ્રગટ થાઉં છું.૨૯-૩૦

હે સંબંધીજનો ! પૂર્વે જ્યારે કલિયુગનો પ્રારંભ થયો ત્યારે અધર્મ અત્યંત વૃદ્ધિ પામ્યો તે સમયે ભગવાન શ્રીકૃષ્ણ વસુદેવ અને દેવકી થકી પ્રગટ થયા અને અધર્મનો આશ્રય કરનારા હજારો અસુરોનો વિનાશ કરી પૃથ્વીપર વર્ણાશ્રમ ધર્મને સારી રીતે સ્થાપન કર્યો હતો.૩૧-૩૨

ભગવાન શ્રીકૃષ્ણના તિરોધાન પછી પરીક્ષિત, સહદેવ, રિપુંજય આદિ ચંદ્રવંશી રાજાઓએ શ્રીકૃષ્ણ ભગવાને સ્થાપેલી ધર્મમર્યાદાનું રક્ષણ કર્યું.૩૩

તથા બૃહદ્રણ, સુમિત્ર આદિ સૂર્યવંશી રાજાઓએ પણ પોતપોતાની શક્તિ અનુસાર ભગવાને સ્થાપેલી મર્યાદાનું રક્ષણ કર્યું.૩૪

હે સંબંધીજનો ! ત્યારપછી કાળે કરીને ક્ષીણ થયેલી તે ધર્મ મર્યાદાનું વિક્રમાદિત્ય તથા શાલિવાહન રાજાએ યથાર્થપણે રક્ષણ કર્યું.૩૫

પછી શ્રીશંકરાચાર્યે નાસ્તિક એવા બૌધો ઉપર વિજય મેળવી આ ધરતી પર પોતાના પ્રતાપથી ધર્મ મર્યાદાનું પુનઃ સ્થાપન કર્યું.૩૬

ત્યારપછી અતિસમર્થ એવા આચાર્યો શ્રી વિષ્ણુસ્વામી, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય અને નિમ્બાર્કાચાર્યે ધર્મ મર્યાદાઓનું ખૂબજ પાલન પોષણ કર્યું.૩૭

ત્યારપછી શ્રીવલ્લભાચાર્યે પોતાના પુત્ર ગોસ્વામી વિઠ્ઠલનાથજીની સાથે આ પૃથ્વી પર શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિનું પ્રવર્તન કરવાની સાથે સાથે ધર્મમર્યાદાનું પણ પાલન પોષણ કર્યું.૩૮

હે સંબંધીજનો ! તેઓના આલોકમાંથી અંતર્ધાન થયા પછી આ સમયમાં બહુજ બળવાન થયેલો અધર્મ સહિત કલિયુગ ગૃહસ્થો, ત્યાગીઓ અને રાજાઓમાં પ્રવેશ કરીને બહુ પ્રસરેલો દેખાય છે.૩૯

મનુષ્યોના ધર્મમાં વર્ણસંકરતા પેદા થઇ ગઇ છે. બ્રાહ્મણાદિ ઉત્તમ મનુષ્યો પણ મોટાભાગે અધર્મમાં રુચિ રાખનારા થયા છે.૪૦

બહુધા તો શૂદ્રજનો ત્રણવર્ણના દ્વિજો જેવા આચારવાળા થયા છે. અને દ્વિજો શૂદ્ર જેવા આચારવાળા થયા છે. ત્યાગી, વૈરાગી અને સંન્યાસીઓ તો ગૃહસ્થ જેવા થયા છે. અને ગૃહસ્થો તો રાંકની જેમ સ્ત્રી ન મળતાં ત્યાગી જેવા થઇ ફરે છે.૪૧

સ્ત્રીઓ પતિવ્રતાના ધર્મનો ત્યાગ કરી વ્યભિચાર પરાયણ થઇ છે. સારા સારા મનુષ્યો પણ હિંસા, માંસભક્ષણ અને મદિરાનું પાન કરતા થયા છે.૪૨

હે બંધુજનો ! મનુષ્યો ભક્તિ કરે છે તથા તપ, યોગ અને ધર્મનું પાલન કરે છે તે કેવળ સ્ત્રીનો ઉપભોગ પ્રાપ્ત થાય, રસાસ્વાદે કરીને દેહનું પોષણ થાય અને ધનની પ્રાપ્તિ થાય તે માટે જ માત્ર દંભથી કરે છે.૪૩

વળી વિધવા સ્ત્રીઓ પણ લાજ છોડી પર પુરુષ સાથે હાસ્ય વિનોદ અને વ્યભિચાર પણ કરે છે. વળી રસાસ્વાદમાં લોલુપતા અને અંગો દેખાય તેવાં ઝીણાં વસ્ત્રો અને આભૂષણો ધારી શરીરપર ઘણા પ્રકારના અંગરાગ પણ કરે છે.૪૪

આ પ્રમાણે આ ભૂમિ ઉપર ભગવાનના સાચા ભક્તોથી જોઇ ન શકાય તેવી અધર્મ અને કલિયુગની બહુધા પ્રવૃત્તિઓ ચારે તરફ થતી જોવા મળે છે.૪૫

તે કારણથી ધર્મરક્ષાનું નિયમ લેનારા ભગવાન શ્રીકૃષ્ણના પ્રાદુર્ભાવનો શાસ્ત્રે જણાવેલો સમય અત્યારે આવ્યો હોય એવું જણાય છે.૪૬

શાસ્ત્રોનાં વચનો પ્રમાણભૂત હોવાથી મારું મન કહે છે કે અધર્મનાં મૂળ ઉખેડવામાં તત્પર ભગવાન કોઇના કોઇ સ્થળે જરૂરથી પ્રગટ થયા હોવા જોઇએ.૪૭

આ પ્રગટ થયેલા ભગવાન શ્રીકૃષ્ણ આપણને પોતાના જાણી અધર્મ અને પાખંડથી આપણું રક્ષણ કરે અને કૃપા કરીને પોતાનું દર્શન આપે તો કેટલું સારું થાય ?.૪૮

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! અભયરાજા આ પ્રમાણે જ્યાં પોતાના પરિવાર સાથે વાતો કરી રહ્યા છે ત્યાં તે જ ક્ષણે કારિયાણીના ખટવાંગ રાજર્ષિ તેમના રાજદરબારમાં પધાર્યા. તે સમયે અભયરાજા તત્કાળ ઊભા થઇ વયોવૃદ્ધ અને પોતાના પરમ મિત્ર અને તેથી જ પોતાનું સદાય હિતકરનારા તે ખટવાંગ રાજર્ષિનું યથાયોગ્ય આતિથ્ય સત્કાર કરી સન્માન કર્યું.૪૯

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં ભક્તિ પરાયણ અભય પરિવારમાં ભગવાનના પ્રાદુર્ભાવ સમયની ગોષ્ટી થઇ ને ખટવાંગ રાજા ત્યાં પધાર્યા એ નામે બાવીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૨--