અધ્યાય -૪૧ - રામપ્રતાપજીએ કરેલી ધર્મદેવની ઔર્ધ્વદૈહિક ક્રિયા.

Submitted by swaminarayanworld on Mon, 26/06/2017 - 6:21pm

અધ્યાય - ૪૧ - રામપ્રતાપજીએ કરેલી ધર્મદેવની ઔર્ધ્વદૈહિક ક્રિયા.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! સંવત્ ૧૮૪૮ ના જેઠવદ ચોથ ને શુક્રવારે ધર્મદેવે દેહનો ત્યાગ કર્યો. તેનો અગ્નિ સંસ્કાર કરી આવ્યા પછી બીજે દિવસે શનિવારે મોટા પુત્ર રામપ્રતાપજીએ ચિતાભસ્મ સરયુગંગામાં પધરાવી. સામવેદી હોવાથી બીજા જ દિવસે અસ્થિસંચય નામનું શ્રાદ્ધકર્મ કર્યું, પછી પ્રેતની પ્રસન્નતાને માટે કાચા માટીના પાત્રમાં દૂધ અને બીજા પાત્રમાં જળ ભરીને સાયંકાળે ખુલ્લી જગ્યામાં મૂક્યાં, રામપ્રતાપજીએ નવશ્રાદ્ધ - વિષમશ્રાદ્ધ કરીને પ્રેતને દશ પિંડોનાં દાન કર્યાં. આ શ્રાદ્ધમાં રત્નાવલ્લીમાં બતાવેલા આશિષ આદિ અઢાર પદોનો નિષેધ હોવાથી તેનું આચરણ કર્યું નહિ.૧-૩

દશમે દિવસે પિંડદાન કર્યા પછી સપિંડ - સાત પેઢીના સંબંધીજનોએ અયોધ્યાનગરીથી બહારના પ્રદેશમાં કેશ, દાઢી, મૂછ અને કાખના વાડનું મુંડન કર્યું. ત્યારે પિંડનું દાન કરનારા રામપ્રતાપજીએ સર્વે સંબંધીજનોને ભોજન કરાવ્યું. આ રીતે દશ દિવસનો વિધિ સમાપ્ત કરી દેહશુદ્ધિ કરી અગિયારમે દિવસે કરવા યોગ્ય કર્મનું આચરણ કર્યું.૪-૫

એકાદશાહકર્મમાં પ્રથમ પટરાણીઓએ સહિત ભગવાન શ્રીકૃષ્ણનું મહાપૂજન કરી વૈષ્ણવશ્રાદ્ધ કર્યું તથા વિષ્ણુજેના દેવતા છે તેવા કૃત્ય ચિંતામણિમાં કહેલા સામવેદના મંત્રોથી વિષ્ણુભગવાનનું તર્પણ કર્યું.૬

હે રાજન્ ! રામપ્રતાપજીએ વિષ્ણુ, શિવ, યમ, ચંદ્ર, અગ્નિ, કવ્ય, મૃત્યુ, રૂદ્ર, પુરુષ અને પ્રેત આ વિષ્ણુગણનાં અગિયાર શ્રાદ્ધ તથા બ્રહ્મા, વિષ્ણુ, રૂદ્ર, યમ અને પ્રેત આ પાંચ દેવતાઓનાં પાંચ શ્રાદ્ધ, એમ કુલ્લ મળીને સોળ શ્રાદ્ધ કર્યાં.૭

પછી વૃષોત્સર્ગ કર્યો અર્થાત્ પિતૃતોષણ માટે આંખલો છૂટો મૂકવા રૂપ વિધિ કર્યો. પછી મહૈકોદિષ્ટ શ્રાદ્ધ અર્થાત્ સોળમાંથી પહેલું શ્રાદ્ધ કર્યું, અને વિષ્ણુનું પૂજન કરી અન્નની સાથે કંઠમાં સૂત્ર વીંટેલા તેમજ જળથી ભરેલા ઘડાનું યથાયોગ્ય બ્રાહ્મણોને દાન કર્યું.૮

હે રાજન્ ! ત્યારપછી રામપ્રતાપજીએ અગિયારમા દિવસે કરવામાં આવતા કર્મવિધિ પ્રમાણે દક્ષિણામાં ઓશીકું, ગાદલું, ઓછાડ આદિના ઉપકરણોએ સહિત શય્યાનું બ્રાહ્મણોને દાન કર્યું. તથા આસન, પગરખાં, છત્ર, મુદ્રિકા, કમંડલું, ભોજન, ભોજનપાત્ર અને વસ્ત્ર આ આઠ તથા અન્ય તેર પ્રકારનાં પદોનું દક્ષિણાએ સહિત બ્રાહ્મણોને દાન કર્યું. તેમ જ ગાય, રથ, અશ્વ અને મહિષી આદિકનાં દાન કર્યાં. એક તંત્રની આવૃત્તિથી સોળ પ્રકારનાં શ્રાદ્ધોનું અનુષ્ઠાન એક જ અગિયારમા દિવસમાં કર્યું.૯-૧૦

રામપ્રતાપભાઇએ તે સોળ શ્રાદ્ધોમાં પ્રથમ માસિકશ્રાદ્ધ કર્યું. પછી ઉનમાસિક, દ્વિમાસિક, ત્રણ પખવાડીયામાં કરવામાં આવતું ત્રિપાક્ષિકશ્રાદ્ધ એમ મહિને મહિને આવતાં ત્રિમાસિક, ચારમાસિક, પંચમાસિક, ઊનછમાસિક, છમાસિક, સપ્તમાસિક, અષ્ટમાસિક, નવમાસિક, દશમાસિક, એકાદશમાસિક, અને બારમાસિક શ્રાદ્ધ એકસાથે કર્યાં. અને અંતિમ ઉનાબ્દિક અર્થાત્ અર્ધવાર્ષિક શ્રાધ્ધકર્યું. આપ્રમાણે સોળ પ્રકારનાં શ્રાદ્ધ કર્યાં.૧૧-૧૪

તેમાં પોતાના જ્ઞાતિજનોને તથા બીજા બ્રાહ્મણોને ભોજન કરાવ્યાં અને બારમા દિવસે સપિંડીકરણ શ્રાદ્ધ રામપ્રતાપભાઇએ કર્યું. તે શ્રાદ્ધમાં પિંડનું સંયોજન કર્યું, પછી નિઃશ્વાસધેનુ અને મોક્ષધેનુનું બ્રાહ્મણોને દાન આપી તે સામવેદી વિપ્રો પાસે વામદેવ્ય નામના સામવેદનું ગાન કરાવ્યું, તે દિવસે પોતાના જ્ઞાતિજનોને અને બીજા હજારે હજાર બ્રાહ્મણોને ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોષ્ય આ ચાર પ્રકારનાં ઉત્તમ ભોજનથી તૃપ્ત કર્યા.૧૫-૧૭

હે રાજન્ ! રામપ્રતાપભાઇએ તેરમાના દિવસે ષોડસોપચારોથી વિષ્ણુભગવાનનું પૂજન કરી શ્રવણ આદિ તેર દેવતાઓનું પૂજન કર્યું, અને બહુપ્રકારનાં દાન આપી પાથેય નામનું વૈષ્ણવશ્રાદ્ધ કર્યું. ત્યાર પછી સ્નાન કરીને ધોયેલાં વસ્ત્રો પરિધાન કરી ગણપતિજીનું પૂજન કરી સ્વસ્તિક વાચન કર્મ કર્યું. તે સમયે ધર્મદેવના અયોધ્યાવાસી સેંકડો શિષ્યોએ તથા સગાસંબંધી તથા હેતુસંતોષીજનોએ રામપ્રતાપભાઇને બહુ પ્રકારનું ધન અને નૂતન વસ્ત્રોની ભેટ ધરી. અને રામપ્રતાપભાઇએ તે દિવસે હજારે હજાર બ્રાહ્મણોને આગંતુક અન્ય હજારો જનોને તથા આવેલા સમગ્ર અતિથિ, અન્નાર્થી સર્વેને ખૂબજ ભાવથી જમાડયા.૧૮-૨૧

આ રીતે ધર્મદેવના ઔર્ધ્વદેહિક કર્મમાં મુખ્ય કલ્પથી દરેક વિધિ કર્યો. ઘણું બધું ધન છૂટે હાથે વાપર્યું, છતાં પણ શ્રીહરિના સાંનિધ્યને કારણે ધનમાં કોઇ પણ પ્રકારની ખામી આવી નહિ.૨૨

હે રાજન્ ! પોતાના નંદરામ આદિ પુત્રો અને સુવાસિની પત્નીની તથા અનુજ ઇચ્છારામની સાથે રામપ્રતાપભાઇ પિતા ધર્મદેવ પાસેથી ભાગવતી દીક્ષામાં પ્રાપ્ત કરેલા ભગવાન શ્રીકૃષ્ણના બન્ને અષ્ટાક્ષર મંત્રોનો નિરંતર જપ કરતા હતા. હે રાજન્ ! હવે ઘર છોડી વનમાં જવા ઇચ્છતા ભગવાન શ્રીહરિની ઇચ્છાથી બન્ને ભાઇઓને પોતાના સહોદર શ્રીહરિને વિષે જે ભગવાનપણાનું જ્ઞાન હતું તેની વિસ્મૃતિ થઇ.૨૩-૨૪

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે અક્ષર, કાળ, માયા, આદિ સર્વના નિયંતા ભગવાન શ્રીહરિએ પિતા ધર્મદેવના ઔર્ધ્વદેહિક કર્મના અનુષ્ઠાનથી નાસ્તિકોએ ખંડન કરેલા વૈદિક કર્મકાંડના માર્ગનું આ પૃથ્વી પર ફરી ખૂબજ સારી રીતે પ્રવર્તન કર્યું.૨૫

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં ધર્મદેવના ઔર્ધ્વદેહિક ક્રિયાવિધિનું નિરૂપણ કર્યું એ નામે એકતાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૧--