અધ્યાય -૩૫ - ભક્તિના અંગભૂત વૈરાગ્યનું નિરૂપણ.

Submitted by swaminarayanworld on Mon, 26/06/2017 - 6:15pm

અધ્યાય - ૩૫ - ભક્તિના અંગભૂત વૈરાગ્યનું નિરૂપણ.

શ્રીહરિ કહે છે, યથાયોગ્ય સર્વને માન આપનાર હે મા ! હવે હું તમને વૈરાગ્યનું સ્વરૂપ કહું છું, ભગવાન વિના બીજે ક્યાંય પ્રીતિ ન રાખવી તેને વૈરાગ્ય કહેવામાં આવે છે.૧

હે મા ! પોતાના શરીરમાં અરુચિ, ઘર, પશુ, વાહન, શય્યા, ક્ષેત્ર આદિ ઉપભોગનાં પદાર્થોમાં અરુચિ તથા વિવિધ શબ્દાદિ પંચવિષયોના ભોગમાં અરુચિ તથા મહા કિંમતી વસ્ત્રો અને આભૂષણાદિ પદાર્થોમાં તથા રાજ્ય વૈભવના સુખોમાં અરુચિ, તેમજ યજ્ઞા, દાન આદિ પુણ્યથી પ્રાપ્ત થતા સ્વર્ગાદિ લોકમાં કે સ્વર્ગ જેવાં સુખ જ્યાં પ્રાપ્ત થાય છે એવા પૃથ્વી પરના સ્થાનોમાં પણ પ્રાપ્ત થતાં સમગ્ર રમણીય વિષયોના ભોગ સંબંધી સુખમાં સર્વ પ્રકારે અરુચિ વર્તવી તેનું નામ ''વૈરાગ્ય'' છે.ર-૪

વૈરાગ્ય ઉત્પત્તિનાં કારણો :- માતા પ્રેમવતી કહે છે, હે કૃષ્ણ ! મુમુક્ષુ જીવોને તમે કહ્યો એવો વૈરાગ્ય શું સાધન કરવાથી ઉત્પન્ન થાય છે ? તમે સર્વે રહસ્યને જાણનારા સર્વજ્ઞા છો તેથી મને જેમ છે તેમ યથાર્થ સમજાવો.૫

ભગવાન શ્રીહરિ કહે છે, હે મા ! પ્રધાનપુરુષથી લઇ કીટ પર્યંત સમસ્ત લોક અને ભોગના નાશવંતપણાના જ્ઞાનનો ઉદય થાય તો વૈરાગ્ય જન્મે છે. હે મા ! ચાર પ્રકારના પ્રલયનો વિચાર કરવાથી જ્ઞાનનો ઉદય થાય છે. તે ચાર પ્રકારમાં એક નિત્ય પ્રલય, બીજો વૈરાજપુરુષના દિવસને અંતે ત્રિલોકીના નાશભૂત નિમિત્ત પ્રલય, ત્રીજો પ્રધાનપુરુષ અને તેના મહદાદિ તત્ત્વોના કાર્યનો મૂળપ્રકૃતિમાં લય થઇ જવા રૂપ પ્રાકૃત પ્રલય અને ચોથો મૂળપ્રકૃતિ મૂળપુરુષ અને તેના કાળનો પણ ભગવાનની ઇચ્છાથી ભગવાનના ધામરૂપ અક્ષરબ્રહ્મતેજમાં તિરોધાન થઇ જવારૂપ આત્યંતિક પ્રલય. આવી રીતે ચાર પ્રકારના પ્રલય કહેલા છે.૬-૭

હે મા ! આ ચારપ્રકારના પ્રલયમાં બળવાન કાળના વેગથી પ્રકૃતિના કાર્યભૂત અખિલ બ્રહ્માંડનો તેમજ બ્રહ્માથી લઇ સર્વે સ્થાવર ચરાચર જગતના સમસ્ત લોક અને ભોગનો નિશ્ચય વિનાશ થાય છે. કાંઇ બચવા પામતું નથી, આ પ્રમાણે જે નાશવંતપણાનો વિચાર કરે છે, તેના અંતરમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે.૮-૯

હે મા ! દેહધારીઓનાં અનંત પ્રકારનાં દુઃખોનું અવલોકન કરવાથી પણ અંતરમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, અને એ સર્વે દુઃખો વ્યક્તિના સમસ્ત પાપકર્મના ફળરૂપે જ પ્રાપ્ત થાય છે, અને તે સર્વે જીવોની પાપકર્મમાં પ્રવૃત્તિ પણ માત્ર શિશ્ન અને ઉદર તૃપ્તિમાં પ્રવૃત્ત અસત્પુરુષોના સંગથી થાય છે. પછી એ પાપકર્મો જીવાત્માઓને અતિ દુઃખ આપનારાં થાય છે, કારણ કે અસત્પુરુષના પ્રસંગથી મનુષ્યની સદ્બુદ્ધિ નાશ પામે છે, સદ્બુદ્ધિના નાશથી ધર્મમાં રુચિ નાશ પામે છે. તેનાથી જ્ઞાનાદિ સદ્ગુણોનો વિનાશ થાય છે, અને શરીરમાં અહંબુદ્ધિ વધે છે, તેમજ શરીરના સંબંધીમાં મમતા વધે છે, ત્યારપછી જીવને શરીર અને શરીરના સંબંધીમાં અત્યંત આસક્તિ ઉત્પન્ન થાય છે. હે મા ! આ રીતે જીવને શરીર, સ્ત્રી, પુત્ર, ધન વિગેરેમાં અહંતા અને મમતાને લીધે અતિ આસક્તિ થવાથી તે સર્વેને માટે અનેક પ્રકારનાં પાપકર્મો કરવા લાગે છે.૧૦-૧૪

પાપનું મૂળ સગા-સંબંધીમાં આસક્તિ :- હે મા ! દંભ, કપટ, શઠતા અને મિથ્યાભિમાન-પરાયણ એ પાપી પુરુષો અન્યની થાપણ પણ છેતરીને હરી લે છે. તેમજ વિશ્વાસી વ્યક્તિની ઘાત કરે છે તેવી જ રીતે હિંસક અને ચોર એવા એ પાપી પુરુષો બીજા ઉપર મિથ્યાપવાદનું આરોપણ કરી તેઓને હેરાન પરેશાન કરી તેનું ધન આદિ હરિને અનીતિથી પોતાના કુટુંબનું ભરણપોષણ કરે છે. તેમજ તે પાપી પુરુષો પોતાની સ્ત્રી, બહેન, પુત્રી આદિક પાસે વેશ્યાવૃત્તિ કરાવવા આદિ શાસ્ત્ર નિષેધ જે તે પ્રકારનાં પાપકર્મથી જ્યાં ત્યાંથી ધન ભેળું કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે.૧૫-૧૭

હે મા ! નિરંકુશ થયેલા તે પાપી પુરુષો પોતાના કુટુંબના ભરણ પોષણ કરવાની આસક્તિનાં લીધે પોતાના વેદોક્ત વર્ણાશ્રમ ધર્મનો ત્યાગ કરી પાખંડ ધર્મ અને પાખંડ વેષને ધારણ કરે છે.૧૮

તથા ભગવાનની ભક્તિથી વિમુખ અને માની તથા સ્તબ્ધ એવા એ પાપી પુરુષો ગાય, બ્રાહ્મણ, સાધુ, વેદ, તીર્થ અને દેવતાઓનો દ્રોહ કરે છે.૧૯

માંસનું ભક્ષણ કરે છે, સુરા અને મદ્યનું પાન કરે છે, કામભાવથી પરસ્ત્રીઓમાં અને વિધવા સ્ત્રીઓમાં આસક્ત થાય છે.ર૦

નિર્લજ્જ અને મદથી ઉદ્ધત થયેલા એ પાપી પુરુષો વારંવાર ન પીવા યોગ્ય વસ્તુનું પાન કરે છે, ન ખાવા યોગ્ય વસ્તુનું ભક્ષણ કરે છે તેમજ ન બોલવા યોગ્ય શબ્દોને બોલે છે.૨૧

પાપકર્મોનું ફળ યમયાતના :- હે સતી ! હે મા ! પૃથ્વી પર આ પ્રમાણે દુષ્ટકર્મ કરનારા મનુષ્યો અંતકાળે અતિશય મોટા દુઃખને પામે છે. તે સમયે તે પાપી પુરુષોને યમપુરીમાં લઇ જવા માટે અતિ નિર્દય, ભયંકર વક્રમુખવાળા, હાથમાં પાશ ધારણ કરેલા તેમજ દૃષ્ટિમાત્રથી પાપીને ત્રાસ ઉપજાવનારા યમદૂતો આવે છે, તેમને જોવામાત્રથી તે પાપી જીવાત્માઓનાં શરીરની નાડીઓનાં બંધનો તૂટી જાય છે, અને ભયભીત થયેલા તે પાપીઓનાં શરીર કંપવા લાગે છે, અને અત્યંત વિહ્વળ થઇ જાય છે.૨૨-૨૪

હે મા ! તે સમયે યમના દૂતો તે પાપી જીવાત્માઓને સ્થૂળ શરીરના સંસ્કારોની ભાવના જ્યાં અત્યંત પ્રગાઢ થઇ ગઇ છે એવા સૂક્ષ્મ શરીરમાં બાંધે છે. પછી સૂક્ષ્મ શરીરની સાથે તે પાપી જીવને અત્યંત દુઃખ ભરેલા લાંબા માર્ગથી યમપુરીમાં લઇ જાય છે.ક્રૂર યમના દૂતો માર્ગમાં પાપીજીવોની પીઠમાં ચાબૂકો અને લોખંડના દંડોથી માર મારે છે, ત્યારે અનાથ તે પાપીજીવો ઉચ્ચે સ્વરે રુદન કરે છે. પરંતુ ત્યાં કોઇ સાંભળનારું હોતું નથી. તેવી જ રીતે તે પાપીઓ સૂર્ય અને દાવાગ્નિથી અત્યંત ધગેલી રેતીવાળા તથા ખૂબ કાંટાવાળા માર્ગમાં ચાલવા અસમર્થ થાય છે ત્યારે યમના દૂતો ક્રૂર રીતે તેઓને અતિશય મારીને આગળને આગળ ચલાવે છે, તે સમયે અસહ્ય મારના દુઃખથી બેભાન થઇ પૃથ્વી પર પડી જાય છે,૨૫-૨૭

ત્યારે યમદૂતો ફરી તેઓને હથોડાના માર મારી બેઠા કરે છે અને વચ્ચે કોઇ પણ પ્રકારનો વિસામો કરાવ્યા વિના ઉતાવળી ગતિથી ચલાવે છે.૨૮

જેવી રીતે અહીં મનુષ્યલોકમાં રાજ્યના સૈનિકો કોઇ ચોર આદિ ગુનેગારોને રાજસદનમાં લઇ જાય છે, તેમ યમકિંકરો પાપી જીવોને અતિ દુઃખ આપતા આપતા યમપુરીમાં લઇ જાય છે.૨૯

ત્યાં રહેલા ધર્મરાજા સ્વયં અને તેના લેખક ચિત્રગુપ્ત પણ આ પાપી જીવાત્માઓએ મન, કર્મ અને વચનથી કરેલાં પાપોને જાણતા હોય છે.૩૦

તેથી મુક્તિના સાધનભૂત માનવશરીરને વ્યર્થ ગુમાવનારા તે પાપી જીવો ઉપર યમરાજા ક્રોધમયદૃષ્ટિથી જુવે છે, અને પોતાના દૂતો પાસે તે પાપીજીવોને અનેક નરકોની અતિ યાતનાઓ અપાવે છે.૩૧

મુખ્ય નર્કના કુંડોનાં નામ :- હે મા ! પાપકર્મ કરનારા જીવોને ભોગવવા યોગ્ય સો એ સો અને હજારે હજાર દારુણ નરકના કુંડો યમપુરીમાં રહેલા છે. તે કુંડોમાં પાપી જીવો તીવ્ર વેદનાને પામે છે. તેમાંથી કેટલાક મુખ્ય નરકકુંડોનાં નામ તમને કહું છું. હે મા ! તે તમે સાંભળો, તામિસ્ર, અંધતામિસ્ર, મહારૌરવ, રૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અસિપત્રવન, અંધકૂપ, શૂકરાશય, સન્દંશ, કૃમિભોજન, તપ્તસૂર્મિ, વૈતરણી, શાલ્મલિ, વજ્રકંટક, પ્રાણરોધ, પૂયોદ, સારમેયાદન, લાલાભક્ષ, વૈશસન, અયઃપાન, અવીચિકા, ક્ષારકર્દમ એ આદિ મુખ્ય કુંડો છે અને બીજા અન્ય કુંડો છે તે કુંડોમાં પાપ કર્મ કરનારા પાપી જીવાત્માઓ આક્રંદ કરતા કરતા નરકની પીડાઓને ભોગવે છે.૩૨-૩૭

જેવું પાપ તેવું નરક :- હે મા ! પાપીઓને જોઇને અતિશય ક્રોધાયમાન થયેલા યમરાજા પાપીજીવોને દુઃખ દેવામાં તત્પર પોતાના દૂતો દ્વારા જેવું જેનું પાપ તેવા પ્રકારના નરકમાં નખાવે છે.૩૮

યમના દૂતો પાપી જીવોનાં શરીરના અંગોને કુહાડાથી કાપી કાપી વજ્ર જેવા દાંતથી પોતે ખાય છે અને તે પાપીઓને પણ ખવડાવે છે.૩૯

વળી તે પાપીઓને પ્રદીપ્ત અગ્નિમાં બાળે છે, અને તપાવેલા તેલમાં નાખી રાંધે છે, તથા સર્પ, વીંછી, ગીધ અને કૂતરાઓ પાસે ખવડાવે છે.૪૦

તે પાપીઓના જીવતા શરીરમાં આંતરડાઓ ખેંચી કાઢે છે. તેમ છતાં તે પાપીઓનું કર્મ ભોગવવાને આધીન હોવાથી મૃત્યુ થતું નથી.૪૧

હે મા ! જેવી રીતે પાપીજનોએ આલોકમાં જેને જેને જે જે રીતે માર્યા હોય તે તે જીવાત્માઓ દ્વારા જ તે તે રીતે મુદ્ગરધારી ક્રૂર યમનાદૂતો તે તે પાપીઓને મરાવે છે. ક્યારેક હાથીઓના પગ નીચે કચડાવે છે, ક્યારેક પર્વત ઉપરથી નીચે ફેંકે છે, ક્યારેક વિષ ભરેલા અગ્નિના ધૂમાડામાં રુંધે છે, ક્યારેક ખારા કાદવવાળા જળમાં ડૂબાડી રુંધે છે.૪૨-૪૩

હે મા ! વળી તે યમદૂતો વ્યભિચારી આદિ પાપીજીવોને અગ્નિથી તપાવેલ લોહની પ્રતિમાની સાથે આલિંગન કરાવે છે, અને તેની આંખોમાં અતિ તીક્ષ્ણ લોખંડના સળીયાઓ ભોંકે છે, તેના કાનમાં ઉકળતા સીસાનો રસ રેડે છે. તથા ખૂબ જ વિષ્ટા, મૂત્ર, વીર્ય અને પક્વરુધિરનું પાન કરાવે છે. ક્રૂર યમનાદૂતો પાપીજીવોની પ્રથમ ચામડીને ચીરી પછી લાંબા સોયાવડે સીવે છે. તથા ચિચોડામાં શેરડીની જેમ પીલે છે.૪૪-૪૬

પુનઃ પુનઃ ભવભટકણ :- હે મા ! આ પ્રમાણે પાપી જીવો બહુ પ્રકારની યમયાતના ભોગવે છે. ત્યાર પછી જરાયુજ, અંડજ, ઉદ્ભિજ, અને સ્વેદજ આ ચાર પ્રકારની ખાણમાં એકવીસ એકવીસ લાખવાર જન્મે છે, એમ ચોર્યાસીલાખ યોનિમાં ભટકે છે. અરે ! ! ! તેમાં ગર્ભવાસનું તો મહાદુઃખ છે, જન્મનું તો તેનાથી અધિક દારુણ દુઃખ છે. આ પ્રમાણે જન્મી અનેક પ્રકારની વ્યાધિઓની પીડા, વૃદ્ધાશ્રમની પીડા, અને મૃત્યુની પીડા એ જીવાત્માઓ વારંવાર પામે છે.૪૭-૪૮

હે મા ! આ પ્રમાણે મનુષ્યો પોતપોતાના કર્મને અનુસારે આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક આ ત્રણ પ્રકારનાં દુઃખોને પામે છે. અને રડતાં રડતાં ભોગવે છે, આ પ્રમાણે જીવાત્માઓ યુગોના યુગો સુધી અતિશય દુઃખમય એ ચોર્યાસીની યોનીઓમાં વારંવાર ભટક્યા કરે છે.૪૯-૫૦

પાપીજીવોને કોઇ સુકૃતવશાત્ હરિ ઇચ્છાએ ભવબંધનમાંથી મુક્તિના એકમાત્ર સાધનરૂપ આ મનુષ્ય શરીર પ્રાપ્ત થાય છે. હે જનનિ ! આવા દુર્લભ મનુષ્ય શરીરને પામી જે મનુષ્યો સત્સંગ કરે છે અને ભગવાની નવધા ભક્તિ કરે છે, તે મનુષ્યો આલોકમાં ઇચ્છિત ભુક્તિ અને મૃત્યુ પછી ઇચ્છિત મુક્તિને નિશ્ચય પામે છે.૫૧-૫૨

હે મા ! આવું દુર્લભ માનવ શરીર પામ્યા પછી જે કુબુદ્ધિવાળા જનો કુસંગના યોગથી ભગવાનની ભક્તિથી વિમુખ થઇ સ્ત્રી આદિક પદાર્થોમાં આસક્ત થઇ બંધાય છે, તે ફરી પૂર્વની માફક જ વારંવાર યમયાતનાના દુઃખને પામે છે. આ રીતે પાપીજનો શરીરને અંતે યમદૂતોના હાથમાં આવી નરકના અપાર દુઃખોને ભોગવી ફરી ફરી ચોર્યાસીલાખ યોનિમાં ભટક્યા કરે છે.૫૩-૫૪ હે મા ! આ લોકમાં આ પ્રમાણે મનુષ્યોનાં દુઃખો તરફ જે જનો વારંવાર દૃષ્ટિપાત કરે છે. તેના અંતરમાં ચોક્કસ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. અને પછી ઉત્પન્ન થયેલો વૈરાગ્ય સત્સંગના માધ્યમથી વૃદ્ધિ પામે છે, ત્યારપછી હે સતી, મા ! કુસંગથી ભય પામેલા વૈરાગ્યવાન પુરુષો જ્યાં કોઇ દુઃખ નથી, જ્યાં કોઇ ભય નથી અને સદાય નિરતિશય આનંદ ને આનંદ જ રહેલો છે એવા પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણનો આશ્રય કરે છે.૫૫-૫૬

હે મા ! વૈરાગ્યહીન પુરુષોને દુઃખનો કોઇ અંત નથી અને સુખ ક્યારેય પ્રાપ્ત થયું નથી. તથા વૈરાગ્ય વિના મનુષ્યોને ભગવાનની ભક્તિની તત્કાળ સિદ્ધિ થતી નથી, પરંતુ જે પુરુષોને માયિક પદાર્થમાંથી વૈરાગ્ય થયો હોય તેને જ ભગવાન શ્રીકૃષ્ણને વિષે અનુરાગ વૃદ્ધિ પામે છે, અને હે જનની ! તેનાથી જ આત્યંતિક મુક્તિ પ્રાપ્ત થાય છે.૫૭-૫૮

હે જન્મદાત્રી મા ! આ પ્રમાણે ઉત્પત્તિના કારણે સહિત વૈરાગ્યનું સ્વરૂપ મેં તમને કહ્યું. હવે તમને હું ભવપાશના બંધનમાંથી મુક્ત થવાની ઇચ્છા ધરાવતા જનોને ઇચ્છિત સુખને આપનારી ભક્તિનું સ્વરૂપ સમજાવું છું.૫૯

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં હરિગીતાના ચોથા અધ્યાયમાં વૈરાગ્યના સ્વરૂપનું નિરૂપણ કર્યું એ નામે પાંત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૫--