અધ્યાય -૩૦ - શ્રીહરિનો યજ્ઞોપવીત સંસ્કાર.

Submitted by swaminarayanworld on Mon, 26/06/2017 - 6:08pm

અધ્યાય - ૩૦ - શ્રીહરિનો યજ્ઞોપવીત સંસ્કાર.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! હવે ધર્મદેવના મનમાં પોતાના પુત્ર શ્રીહરિનો યજ્ઞોપવીત સંસ્કાર કરવાની અતિશય ઇચ્છા થઇ, તેથી તેને લગતી સર્વે સામગ્રી દૂર દેશથી પણ ઉદાર મને સંપાદન કરવા લાગ્યા.૧

સાથે ધર્મદેવે જ્યોતિષશાસ્ત્રને જાણનારા વિપ્રને બોલાવી તેનું કાશ્મીરી કુંકુમ, પુષ્પ, વસ્ત્ર, દક્ષિણાવડે પૂજન કરી, તેની આગળ રત્ન સહિત શ્રીફળ પધરાવી પોતાના પુત્ર શ્રીહરિકૃષ્ણના ઉપનયન સંસ્કારનું મુહૂર્ત પણ પૂછવા લાગ્યા.૨

હે રાજન્ ! તે સમયે જ્યોતિષજ્ઞા વિપ્ર પોતાનું પંચાંગ જોઇ ધર્મદેવ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે ધર્મદેવ ! તમારા પુત્રના ગર્ભધારણ કર્યાના આઠમા વર્ષે એટલે કે અત્યારે વર્તમાન સમયે જ યજ્ઞોપવીત સંસ્કાર કરો. આ વર્તમાન સંવત ૧૮૪૧ ના ફાગણ સુદ દશમીના દિવસે સોમવારે પુષ્યનક્ષત્ર તેમજ મેષ લગ્નમાં હરિઇચ્છાએ મુહૂર્ત ખૂબજ સારું પ્રાપ્ત થયું છે. તેથી આ મુહૂર્ત જવા દેશો નહિ, અર્થાત્ યજ્ઞોપવીત સંસ્કાર આ મુહૂર્તમાં જ કરવો આ પ્રમાણે નક્કી કર્યું.૩

હે રાજન્ ! જ્યોતિષકારનું વચન સાંભળી ધર્મદેવે તે જ મુહૂર્તનો સ્વીકાર કર્યો. ત્યારપછી સંબંધીજનો જ્ઞાતિજનો, સુહૃદ મિત્રો અને સખાઓ ઉપર મંગળ પત્રિકાઓ સ્વયં લખી અને કેટલાકને અન્ય પાસેથી લખાવી.૪

પત્રિકા મળતાંની સાથે ઉપહારોથી ભરેલાં ગાડાં, રથ, ઘોડા, શિબિકા આદિ અનેકવિધ વાહનો ભગવાન શ્રીહરિનાં દર્શન કરવાની ઉત્કટ ઇચ્છા ધરાવતા સર્વે સંબંધીજનો પોતાના મિત્ર, પુત્ર, પત્ની અને દાસ દાસીઓની સાથે અયોધ્યાપુરીમાં ધર્મદેવના ભવનમાં પધાર્યા.૫

ધર્મદેવના અંતરમાં પુત્ર શ્રીહરિના યજ્ઞોપવીત સંસ્કાર મહોત્સવનો અનેરો ઉત્સાહ વર્તતો હતો, તેથી આંગણે આવેલાં સંબંધીજનોની મોટી મોટી સામગ્રીથી યથાયોગ્ય સંભાવના કરી, સૌને નવાં નવાં વસ્ત્રો અને આભૂષણો વિગેરે અર્પણ કરી બહુ શોભાવ્યાં, જેથી પુત્રના આ મહોત્સવમાં કોઇ ઊણપ ન લાગે.૬

તેવી જ રીતે ધર્મદેવે દૂતોને મોકલી દેશદેશાંતરમાંથી મોટા મોટા સદાચારી વિદ્વાન બ્રાહ્મણોને સન્માનપૂર્વક બોલાવ્યા. ઉત્સવમાં પધારેલા તે બ્રાહ્મણોમાં કોઇ ચાર વેદના જ્ઞાતા હતા, કોઇ પુરાણોના જાણનારા હતા, કોઇ મીમાંસા આદિ શાસ્ત્રોના જ્ઞાતા હતા, તો કોઇ કવિઓ પણ હતા.૭

દેશાન્તરમાંથી પધારેલા સૂર્ય સમાન તેજસ્વી આ સર્વે વિપ્રોએ તથા આગમ અને નિગમને જાણનારા અયોધ્યાપુરના નિવાસી વિપ્રોએ પોતાના કુળપરંપરાના આચાર્યને આગળ રાખી ગોભિલ મુનિએ રચેલા ગૃહ્યસૂત્ર અનુસાર ધર્મદેવ પાસે ગ્રહશાંતિ આદિ કર્મ કરાવ્યું, તે સમયે ધર્મદેવના ભવનમાં રાત્રિ દિવસ અનેક પ્રકારનાં વાજિંત્રોનો મંગલ ધ્વનિ થવા લાગ્યો, અને ભોળી થયેલી સુવાસિની સર્વે નારીઓ મનોહર મંગળ ગીતો ગાવા લાગી.૮-૯

હે રાજન્ ! ઉપવીત સંસ્કારના અધિકારની પ્રાપ્તિ માટે પુત્રે ત્રણ કૃચ્છ્રવ્રત કરવાં જોઇએ. તેના પ્રતિનિધિ તરીકે પિતા ધર્મદેવે તત્કાળ ત્રણ ગાયોનાં દાન કર્યાં.૧૦

તેવી જ રીતે કામચાર, કામભક્ષણ અને કામવાદ અર્થાત્ ઇચ્છાનુસાર ફરવું, ઇચ્છાનુસાર ખાવું, અને ઇચ્છાનુસાર બોલવું, આ ત્રણ બાળકના સ્વાભાવિક દોષો છે, તેની નિવૃત્તિ માટે યજ્ઞોપવીત સ્વીકારવા યોગ્ય થયેલા પુત્રે બીજાં ત્રણ કૃચ્છ્રવ્રત કરવાં જોઇએ. તેના પ્રતિનિધિ તરીકે પણ પિતા ધર્મદેવે તત્કાલ ત્રણ ગાયોનાં દાન કર્યાં.૧૧

હે રાજન્ ! યજ્ઞોપવીત સંસ્કારને આગલે દિવસે જ ધર્મદેવે માતૃપૂજન, નાંદીશ્રાદ્ધ, પુણ્યાહવાચનકર્મ અને સૂર્યાદિ ગ્રહોની શાંતિકર્મ આદિ કરાવ્યાં. તથા સારાં ભોજનથી બ્રાહ્મણોને તૃપ્ત કર્યા. આ બધાં કર્મો યજ્ઞોપવીત સંસ્કારને અંગભૂત હતાં. ત્યારપછી ધર્મદેવે દશમીના સુપ્રભાતે પોતાના ભવનની આગળના ભાગે સુસંસ્કૃત જગ્યામાં વેદિકાની રચના કરી તેમાં સમુદ્ભવ નામના અગ્નિદેવનું સ્થાપન કરી તેનું પૂજન કર્યું.૧૨-૧૩

ધર્મદેવ પોતાના સામવેદ અને કૌથમી શાખાને યોગ્ય સમસ્ત કર્મમાર્ગના જ્ઞાતા હતા. તેમજ પોતાની કુળપરંપરાગત ધર્મના જ્ઞાતા હતા. છતાં પણ દ્વિજાતિ સંસ્કારોના વિધિવિધાનને જાણનારા પોતાના આચાર્ય બ્રાહ્મણે કહેલી રીતિ મુજબ જ પોતાની શાખાને ઉચિત સમગ્ર ક્રિયાક્લાપનું અનુષ્ઠાન કર્યું. ત્યારપછી ધર્મદેવે શ્રીહરિને પ્રથમ સ્નાન કરાવ્યું, ત્યારપછી ભોજન કરાવ્યું. પછી વાણંદ પાસે મસ્તક ઉપરના શ્રીહરિના કેશ ઉતરાવી સ્નાન કરાવ્યું. અને ભક્તિમાતાએ શ્રીહરિને શણગાર્યા. ત્યારપછી ધર્મદેવે પોતાની જમણી બાજુએ શ્રીહરિને બેસાડી શાસ્ત્રોક્ત સંસ્કારવિધિ કર્યો.૧૪-૧૫

એમાં ધર્મદેવે શ્રીહરિની કેડમાં કટીસૂત્ર બાંધ્યું,કૌપીન ધારણ કરાવ્યું, અને કપાસના નવ તંતુમાંથી રચેલા ત્રણ સૂત્રવાળી શ્વેતરંગની યજ્ઞોપવીત શ્રીહરિને ધારણ કરાવી.૧૬

ત્યારપછી ''અગ્ને વ્રતપતે વ્રતં ચરિષ્યામિ'' આ મંત્રવડે આચાર્ય બ્રાહ્મણે પાંચ ઘીની આહુતિઓ આપી, નાભિ આદિ પાંચ અંગોનો સ્પર્શ કરીને કહ્યું કે આજદિનથી આરંભીને તમે પૃથ્વી પર બ્રહ્મચારી થયા છો.૧૭

પિતા ધર્મદેવે પુત્ર શ્રીહરિને કરેલ બ્રહ્મચારીના ધર્મનો ઉપદેશ :- કુળના આચાર્યે ઉપદેશ કરેલાં ચાર પ્રકારના ઉપદેશ વાક્યોને યથાર્થ રીતે શ્રીહરિને સમજાવતાં ધર્મદેવ કહેવા લાગ્યા કે, હે પુત્ર ! તમે નિત્યે પ્રાતઃકાલે અને સાયંકાલે અથવા એક માત્ર સાયંકાલે સમિધ ગ્રહણ કરો. તથા હે પુત્ર ! તમે નિત્યે ભોજન કરતાં પહેલાં અને ભોજન કર્યા પછી અપોશન વિધિ કરો, ભોજન પહેલાં ''અમૃતોપસ્તરણમસિ સ્વાહા'' અને ભોજન કર્યા પછી ''અમૃતાપિધાનમસિ સ્વાહા'' આ મંત્રોથી આચમન કરવારૂપ અપોશન વિધિ કરવો. તેમજ પ્રયત્ન પૂર્વક દિવસની નિદ્રાનો ત્યાગ કરો. અને આચાર્યની સેવા પરાયણ થાઓ.૧૮-૧૯

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! પિતા ધર્મદેવ આ પ્રમાણે કહેતા હતા ત્યારે કુમાર શ્રીહરિકૃષ્ણ હસતાં હસતાં પ્રત્યેક ઉપદેશ સામે ''બાઢમ્'' ''બાઢમ્'' અર્થાત્ હું એ પ્રમાણે જ કરીશ. એ પ્રમાણે ઉચ્ચ સ્વરે બોલતા હતા, તેથી પિતા ધર્મદેવ, માતા ભક્તિદેવી અને અન્ય સંબંધીજનો અતિશય હર્ષ પામતાં હતાં.૨૦

વિધિને જાણનારા આચાર્યે શ્રીહરિની કેડમાં મુંજના ઘાસની સૂક્ષ્મ ત્રેવડી મેખલા ધારણ કરાવી. ત્યારપછી ધર્મદેવે પોતાના ત્રણ પ્રવરને અનુસારે તે કટિમેખલામાં ત્રણ ગ્રંથીઓ પણ કરી.૨૧

ગાયત્રીમંત્રનો ઉપદેશ :- ત્યારપછી અગ્નિકુંડથી ઉત્તર ભાગમાં તેમજ ઉત્તર દિશા તરફના અગ્રભાગવાળા દર્ભના આસન ઉપર પૂર્વમુખે બેઠેલા ધર્મદેવે પશ્ચિમમુખે દર્ભના આસન ઉપર બેઠેલા પોતાના પુત્ર શ્રીહરિને બ્રાહ્મણોને આપવા યોગ્ય ગાયત્રીમંત્રનો ઉપદેશ આપ્યો. તે સમયે મહા દુંદુભિઓનો નાદ થયો, તથા અનેક પ્રકારનાં વાજિંત્રો વાગવા લાગ્યાં.રર

ચારે બાજુએ જયજયના ઘોષની સાથે બ્રાહ્મણો દ્વારા વેદમંત્રોનો પણ ઘોષ થતો હતો. અને એ ઘોષ સ્ત્રીઓના સુમધુર કંઠે ગવાતાં ગીતોના સ્વરની સાથે એકરૂપ થઇ સૌને અતિ કર્ણપ્રિય લાગતો હતો.૨૩

ગુરુ ધર્મદેવે પોતાના પુત્ર શ્રીહરિને બ્રહ્મ નામના ખાખરાના વૃક્ષમાંથી બનાવેલો મસ્તક પર્યંત લાંબો કહેવાતો પલાશદંડ 'સુશ્રવસ' ઇત્યાદિ મંત્રોના ઉચ્ચાર સાથે ધારણ કરાવ્યો. અને તેવી જ રીતે 'મિત્રસ્ય' ઇત્યાદિ મંત્રોના ઉચ્ચાર સાથે ઉત્તરીય વસ્ત્રને સ્થાને મૃગચર્મ ધારણ કરાવ્યું. ત્યારપછી સંધ્યાવંદન કર્મની શિક્ષા આપી.૨૪

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! પ્રથમ મધ્યાહ્નસંધ્યા કરવી ? કે પછી સાયં સંધ્યા કરવી ? આ બાબતનો બહુ પ્રકારનો સભાસદોમાં પરસ્પર જ્યારે વિવાદ થયો ત્યારે ધર્મદેવે શ્રીહરિને પ્રથમ મધ્યાહ્નસંધ્યા કરવાનો નિર્ણય આપ્યો. ત્યારપછી ફરી પૂર્વે કહેલી રીત અનુસારે આચાર્યે જે અન્ય ઉપદેશ વચનો કહ્યાં, તેને જ ધર્મદેવ પાલન કરવામાં અતિ ઉત્કંઠાવાળા પોતાના પુત્ર શ્રીહરિને સ્પષ્ટ વચનો વડે સમજાવવા લાગ્યા.૨૫-૨૬

પિતાનાં ઉપદેશ વચનો :- હે પુત્ર ! પાપકર્મમાં પ્રવૃત્ત કરે તેવાં વચનો સિવાયનાં બીજાં સર્વે વિદ્યાગુરુનાં વચનોમાં સદાય નિષ્ઠાથી વર્તવું. ક્રોધ ક્યારેય કરવો નહિ. મિથ્યા ભાષણનો સર્વથા ત્યાગ રાખવો. આઠે પ્રકારના સ્ત્રીના સંબંધનો સદાય ત્યાગ રાખવો.ર૭

ભગવાનના સંબંધ સિવાયની ઇતર ગ્રામ્યવાર્તા ન કરવી અને લૌકિક નાચગાન આદિ ન કરવું. વાજિંત્રો વગાડવાં સાંભળવાં નહિ. ચંદન આદિ સુગંધીમાન દ્રવ્યોથી અંગલેપન ન કરવું. તૈલથી અંગમર્દન ન કરવું. કાજળથી આંખમાં આંજણ ન આંજવું. પરસ્પર ઘસીને પગ ધોવા નહિ.ર૮

તેમજ હે પુત્ર ! પોતાના ગુરુ કે આચાર્યની આગળ ઊંચા આસન ઉપર બેસવું નહિ. દાંતને અતિ ઘસીને ધોવા નહિ. કાંસકાથી વાળ ઓળવાં નહિ. ધરતીપર લેખન કરવું નહિ. પિતૃમરણાદિ કારણ વિના મુંડન કરવું નહિ. અને મદ્યમાંસનો સ્પર્શ તો ક્યારેય કરવો નહિ. બળદ જોડેલા ગાડાં ઉપર ક્યારેય બેસવું નહિ, ચક્ષુઆદિ ઇન્દ્રિયોને પોતાના મનગમતા વિષયોમાં પ્રવૃત્ત થવા દેવી નહિ. અરીસામાં તિલક કર્યા સિવાયના કામ માટે મુખ જોવું નહિ. અન્યની નિંદા કરવાનું છોડી દેવું. પગમાં પગરખાં પહેરવાં નહિ. તથા છત્ર ધારણ કરવું નહિ.૨૯-૩૦

હે પુત્ર ! કોઇ પણ જીવપ્રાણી માત્રની હિંસા વચનથી પણ ન કરવી, પોતાની મુક્તિને માટે પણ શાસ્ત્રમાં દર્શાવેલી તીર્થને વિષે આત્મહત્યા ન કરવી, તેમજ કુસંગનો સંગ તો ક્યારેય પણ ન કરવો, ભૂમિ ઉપર કે કાંસાના પાત્રમાં ક્યારેય ભોજન ન કરવું, જુગાર ન રમવો, તાંબૂલ ન ખાવું, ભાંગ, ગાંજો, અફીણ વગેરે કેફી પીણાં ન પીવાં. લસણ અને ડુંગળી વગેરે અભક્ષ્ય વસ્તુને ખાવી નહિ. ગાય, વિપ્ર, તીર્થ, દેવતા, સાધુ, પતિવ્રતાનારી અને સત્શાસ્ત્રની નિંદા ક્યારેય પણ કરવી નહિ.૩૧-૩૨

હે પુત્ર ! કૌપીન, કટિસૂત્ર, મેખલા, યજ્ઞોપવીત, દંડ, કમંડલું, મૃગચર્મ અને ભિક્ષાપાત્ર આટલાં બ્રહ્મચારી એવા તમારે નિત્યે ધારવાં. તથા સ્નાન, સંધ્યા, ગાયત્રીનો જપ, હોમ, વૈશ્વદેવ અને સ્વાધ્યાય તથા દેવતા અને પિતૃઓનું તર્પણ તેમજ શક્તિ મુજબ વિષ્ણુનું પૂજન અને તેની નવ પ્રકારની ભક્તિ, આટલું તમારે પ્રતિદિન કરવું.૩૩-૩૪

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! પિતા ધર્મદેવે આ પ્રમાણે શ્રીહરિને સદ્બોધ આપ્યો, ત્યારે સ્વેચ્છાએ બ્રહ્મચારીના વેષને ધરનારા ભગવાન શ્રીહરિએ પણ પ્રત્યેક ઉપદેશના વચનને અંતે ''બાઢમ્'' ''બાઢમ્'' એમ બોલી તે પ્રમાણે કરવાની પ્રતિજ્ઞા કરી. ત્યારપછી બે હાથ ઊંચા કરી સૂર્યનારાયણની પ્રાર્થના કરી અને અગ્નિની પ્રદક્ષિણા કરી.૩૫

ત્યારપછી ભિક્ષા માગતા શ્રીહરિને ભક્તિમાતાએ પ્રથમ ભિક્ષા અર્પણ કરી. ત્યાર પછી સુવાસિની આદિ સંબંધીની સ્ત્રીઓએ પણ પ્રેમથી ભિક્ષા આપી, અને શ્રીહરિએ ભિક્ષામાં પ્રાપ્ત થયેલું નૈવેદ્ય આચાર્યવર્યને અર્પણ કર્યું. ત્યારપછી તેમના કહેવા પ્રમાણે પોતાને જરૂરી ભિક્ષાનો સ્વીકાર કર્યો. ત્યારે વિધિને જાણનારા ધર્મદેવે વિધિ પ્રમાણે સમગ્ર યજ્ઞોપવીત સંસ્કારનો વિધિ સમાપ્ત કર્યો.૩૬-૩૭

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ સમયે શ્રીહરિએ બ્રહ્મચારીના નિર્મળ વેષને ધારણ કર્યો હતો, તેમાં યજ્ઞોપવીત સંસ્કાર પામ્યા પછી સૂર્યની સમાન કાંતિથી શ્રીહરિ વિપ્રવર્યોની સભા મધ્યે સાક્ષાત્ મૂર્તિમાન બ્રહ્મચર્યની પેઠે શોભતા હતા.૩૮

ત્યારપછી ધર્મદેવે ઉત્સાહ અને ઉદારતા પૂર્વક પોતાના ઘેર આવેલા સર્વે બ્રાહ્મણોને ગાય, સુવર્ણમુદ્રા, વસ્ત્રો, અલંકારો તથા શ્રેષ્ઠ વાહનોનાં દાન કર્યાં. તેમજ આ પ્રસંગે પધારેલા સર્વે સંબંધીઓ શિષ્યો અને મિત્રવર્ગના સર્વે જનોએ પણ ધન, વસ્ત્ર તથા આભૂષણાદિકથી ધર્મદેવનો સત્કાર કર્યો. અને ધર્મદેવ તે સર્વેનો પણ તેવી જ રીતે સત્કાર કર્યો. આ રીતે ધર્મદેવે પોતાના ઘેર પધારેલા નગરવાસી જનો તથા દેશ દેશાન્તરમાંથી પધારેલા વિપ્રોને મોટા કોઇ મહારાજાની જેમ ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોષ્ય આ ચાર પ્રકારનાં સુંદર સ્વાદિષ્ટ રસોવાળાં ભોજનો જમાડી તૃપ્ત કર્યા. અને ખૂબ દક્ષિણાઓ આપી, વિદાય કર્યા. ત્યારપછી મહોત્સવની નિર્વિઘ્ન સફળતાથી અતિશય પ્રસન્ન થયેલા ધર્મદેવે શ્રીહરિને અર્થે સહિત સમગ્ર સામવેદનો અભ્યાસ કરાવ્યો.૩૯-૪૦

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં શ્રીહરિના ઉપનયન સંસ્કાર મહોત્સવનું વર્ણન કર્યું એ નામે ત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૦--