અધ્યાય -૨૫ - શ્રીહરિના સંસ્કારોની કથા.

Submitted by swaminarayanworld on Mon, 26/06/2017 - 6:03pm

અધ્યાય - ૨૫ - શ્રીહરિના સંસ્કારોની કથા.

ભૂમિ-ઉપવેસન સંસ્કાર :- સુવ્રતમુનિ કહે છે, હેરાજન્ ! જન્મથી પાંચમા મહિનામાં સંવત ૧૮૩૮ ના શ્રાવણ સુદ પુત્રદા એકાદશીને દિવસે સાતમા મુહૂર્તમાં પંદર ઘડી અને દશ પળ જેટલો સમય વ્યતિત થયો ત્યારે તુલા લગ્નમાં ધર્મદેવે પોતાના પુત્ર શ્રીહરિનો ભૂમિ ઉપવેશન સંસ્કાર કર્યો.૧

આ પ્રસંગમાં મંગળ વાજિંત્રોના ધ્વનિ સાથે વેદમંત્રોનું ઉચ્ચારણ કરવા પૂર્વક ધર્મદેવે અતિ પ્રસન્ન થઇ પૃથ્વી દેવીએ સહિત વરાહ ભગવાનનું પૂજન કર્યું.૨

કર્ણવેધ સંસ્કારઃ- ત્યારપછી ધર્મદેવ જન્મથી સાતમા મહિનામાં સંવત ૧૮૩૮ ના આસો સુદ વિજયા દશમીએ ગુરુવારને દિવસે સિદ્ધિયોગમાં કુળદેવતાઓનું પૂજન કરી કર્ણવેધ સંસ્કાર કર્યો, કાન વિંધવામાં કુશળ કારીગર એવા દરજીએ બેવડો દોરો પરોવેલી રૂપાની સોયવડે બ્રાહ્મણોદ્વારા ઉચ્ચારણ કરાયેલા વેદમંત્રોથી મંત્રિત કરેલા જમણા કાનનું પ્રથમ વેધન કર્યું અને ત્યારપછી ડાબા કાનનું વેધન કરી આયુષ્યની પુષ્ટિ કરનારો તથા શુભ સંપત્તિને વધારનારો કર્ણવેધ નામનો સંસ્કાર કર્યો.૩-૪

અન્નપ્રાશન સંસ્કાર :- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! કર્ણવેધ પહેલાં સંવત્ ૧૮૩૮ના આસો સુદ બીજના બુધવારે તુલા લગ્નમાં ધર્મદેવે પ્રથમ મંગલ સ્નાન કરાવી શ્રીહરિને અન્નપ્રાશન નામનો સંસ્કાર પણ કરાવ્યો હતો. તેમાં પ્રથમ ધર્મદેવ માતૃપૂજા કરવા પૂર્વક નાંદીશ્રાદ્ધ કર્યું, પછી અગ્નિકુંડમાં પવિત્ર અગ્નિની સ્થાપના કરી તેમાં ચરુ આદિ હૂત દ્રવ્યોનો હોમ કરી બ્રહ્મા આદિ દેવતાઓનું પૂજન કયુ.પ-૬

ત્યારપછી ધર્મદેવે મંદમંદ હાસ્યથી પ્રફુલ્લિત મુખકમળવાળા અનેક પ્રકારના અલંકારોથી સુશોભિત કરાયેલા અને પોતાની માતા ભક્તિદેવીના પ્રેમપ્યારી ગોદમાં રમણ કરતા બાળશ્રીહરિકૃષ્ણના મુખમાં પિતા ધર્મદેવે હાથમાં ધારેલી સોનાની સળીથી દહીં, ઘી અને મધથી મિશ્રિત કરેલા શુભ અન્નને અતિ સ્નેહ સાથે મૌન રહીને મૂક્યું. આ રીતે અન્નપ્રાશન સંસ્કાર પણ કરવામાં આવ્યો હતો.૭

વૃત્તિપરીક્ષાઃ- એક દિવસ ધર્મપિતાએ પુત્રની વૃત્તિપરીક્ષા કરવા માટે વિશાળ બાજોઠ ઉપર વસ્ત્ર, પાત્ર, આયુધ, સોનામહોરો અને છેલ્લે પુસ્તક એમ ક્રમશઃ પાંચ પદાર્થો શ્રીહરિની આગળ મૂક્યાં. તે મૂકેલાં પદાર્થોમાં પહેલા, બીજા, ત્રીજા અને ચોથા આ સર્વે પદાર્થોને છોડી છેલ્લે રહેલાં પુસ્તકને શ્રીહરિએ અતિ હર્ષપૂર્વક ગ્રહણ કર્યું, તેથી ધર્મદેવ અતિ આનંદને પામ્યા ને આ મારો પુત્ર ભવિષ્યમાં મોટો તત્ત્વવેત્તા થશે એમ જાણ્યું.૮

(અહીં ઉપરોક્ત સંસ્કારોની લીલાના વર્ણનમાં થયેલા આગળ-પાછળના ક્રમદોષમાં વ્યાખ્યાકાર શુકાનંદ મુનિએ સૂચીકટાહન્યાયે કોઇ દોષ નથી. તેમાં આપણે ક્રમ ગોઠવીને સમજી લેવું એમ કહ્યું છે, આ ન્યાય ભગવદ્ ગોમંડલમાંથી જાણી લેવો.)
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે માતા પિતા, ધર્મ-ભક્તિ ભગવાન શ્રીહરિકૃષ્ણનું પુત્રભાવે પાલનપોષણ કરતાં હતાં, અને ભગવાન પણ શુક્લપક્ષના ચંદ્રમાની માફક પ્રતિદિન ખૂબજ વધતા હતા. તેમજ ઉદાર અને અલૌકિક પોતાનાં બાળચરિત્રોથી પોતાનાં દર્શને આવનાર જનોના ચિત્તને હરી લેતા હતા. પુત્રભાવે પાલન પોષણ કરતાં ધર્મ-ભક્તિનું મન હમેશાં પોતાના પુત્રમાં તલ્લીન રહેતું હતું, તેમજ તેમનાં દિવસ અને રાત્રી એક ક્ષણની જેમ વ્યતીત થઇ જતાં હતાં.૯-૧૦

ભગવાન શ્રીહરિકૃષ્ણનાં દર્શન કરી તેમને વિષે જ અતિશય આસક્ત થઇ જતાં નરનારીઓના હૃદયમાં આ સંસારની વેદના ક્યારેય પણ પ્રવેશ કરવા સમર્થ થઇ શકતી ન હતી, ભગવાન શ્રીહરિકૃષ્ણને વિષે અતિશય પ્રેમને કારણે વિવશ થઇ જતા વયોવૃદ્ધ અને વિદ્વાન પુરુષો પણ પોતાની વૃદ્ધતા અને વિદ્વત્તા વિસરી જઇને બાળશ્રીહરિની સાથે રમવા લાગી જતા હતા.૧૧-૧૨

પોતાના સંબંધમાં આવનાર હરકોઇ પ્રાણીનું કલ્યાણ કરવા માટે મનુષ્યભાવે પોતાનું સાક્ષાત્ દર્શન આપનાર કલ્યાણમૂર્તિ સકલ ઐશ્વર્યે સંપન્ન એવા ભગવાન પુરુષોત્તમ શ્રીહરિકૃષ્ણ, પોતાનાં દર્શને આવનારા મનુષ્યોની વૃત્તિ પોતાના સ્વરૂપમાંજ એક જોડાઇ જાય એવા પ્રકારની બાળલીલા કરતા હતા.૧૩

હે ભૂપતિ ! બાળલીલાને કરતા ભગવાન શ્રીહરિકૃષ્ણનું સ્નેહભાવથી લાલનપાલન કરતી ગામની સર્વ સ્ત્રીઓનાં મનમાં પોતાના કે પારકા પુત્રપણાનો ભેદ જ ક્યારેય ઉદ્ભવતો ન હતો.૧૪

વૃદ્ધસ્ત્રીઓ પુત્રભાવે અને નાની સ્ત્રીઓ ભ્રાતૃભાવે રાત દિવસ રમાડતી રહેતી, તેમાં પોતાનાં ઘરનાં કામકાજ પણ ભૂલી જતી હતી, એક સખીના હાથમાંથી લઇ શ્રીહરિને બીજી સખી રમાડવા લાગતી. બીજીના હાથમાંથી લઇ ત્રીજી રમાડવા લાગતી. આ પ્રમાણે પ્રેમાનુરાગથી વારંવાર બાળ શ્રીહરિને રમાડવા ઇચ્છતી સ્ત્રીઓમાં તું નહિ હું રમાડીશ. તું ક્યારનીય રમાડે છે. હવે હું રમાડીશ. વગેરે નારીઓનો પ્રેમકલહ સદાય થતો રહેતો.૧પ-૧૬

હે રાજન્ ! ભગવાન બાળશ્રીહરિને રમાડવા આવતી અનેક નારીઓ, વારંવાર ભક્તિમાતા ના-ના કહ્યા કરતાં હોવા છતાં પણ રમાડવામાં વ્યસ્ત રહેતી હોવાથી તેમને પોતાના પુત્રને રમાડવાનો અવકાશ જ પ્રાપ્ત થતો ન હતો.૧૭

ત્યારપછી રમણીય અને અવ્યક્ત એવી બાળકને યોગ્ય મધુર કાલી કાલી વાણીને બોલતા ભગવાન શ્રીહરિને તે રમાડતી નારીઓ હે મા ! હે તાત ! એ પ્રમાણે બોલતાં શિખવતી હતી. અને ભગવાન શ્રીહરિ પણ અર્ધા અર્ધા અક્ષરોના ઉચ્ચારણથી અસ્પષ્ટ છતાં મધુર શબ્દો બોલી તેઓને ખૂબ હસાવતા હતા.૧૮-૧૯

આ રીતે શ્રીહરિ પહેલા જ વર્ષમાં બોલતાં અને ચાલતાં શીખી ગયા. આ પ્રમાણે બાળલીલાથી પોતાના સંબંધીજનોને આનંદ ઉપજાવનારા તેમજ સ્વેચ્છાએ મનુષ્યશરીરને ધારણ કરનારા ભગવાન શ્રીહરિને પ્રથમ વર્ષ વ્યતીત થયું.૨૦

રામપ્રતાપભાઈનો વિવાહઃ- સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! ધર્મદેવે પોતાના કુળને શોભે તે રીતે મોટા પુત્ર રામપ્રતાપજીનો વિવાહ પણ તે કૌશળદેશના મહારાજાની જેમ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો.ર૧

તર ગામ નિવાસી બળદેવ નામના વિપ્રે અલંકારોથી સુશોભિત પોતાની 'સુવાસિની' નામની કન્યા વિધિપૂર્વક બ્રહ્મવિવાહ કરી રામપ્રતાપજીને અર્પણ કર્યાં, અને સુશીલ સ્વભાવનાં સદ્ગુણી સુવાસિની, ધાર્મિક પતિની પ્રાપ્તિથી અતિ ખુશ થયાં અને પ્રેમપૂર્વક પતિની અનુવૃત્તિમાં રહી પતિવ્રતાધર્મનું પાલન કરવા લાગ્યાં.૨ર-૨૩

ઘનશ્યામના પ્રથમ જન્મોત્સવની ભવ્ય ઉજવણીઃ- હે રાજન્ ! ત્યારપછી હરિપ્રસાદ વિપ્રે પોતાના પુત્ર ભગવાન શ્રીહરિકૃષ્ણનો બીજા વર્ષના આરંભમાં નવમી તિથિએ પ્રથમ વાર્ષિક જન્મોત્સવ મોટા ધામધૂમથી ઉજવ્યો.ર૪

તેમાં આઠ ચિરંજીવી એવા હનુમાન, બલિ, વ્યાસ, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિભિષણ, માર્કણ્ડેય અને પરશુરામનું વિધિ પ્રમાણે પૂજન કર્યું.રપ

ત્યારપછી ધર્મદેવે હજારો ભક્તોને તથા હજારો બ્રાહ્મણોને અનેક પ્રકારનાં ઇચ્છિત મધુર ભોજન જમાડી તૃપ્ત કર્યા અને બ્રાહ્મણોને મનમાની દક્ષિણાઓ આપી રાજી કર્યા.ર૬

(અહીં હરિભક્તોને હરિજયંતિવ્રત નિત્ય કરવાનું અને બીજે દિવસે દશમના બ્રહ્મણોને જમાડવા, આવો ભાવ શુકમુનિએ જણાવ્યો છે.) બાલમૂર્તિ ભગવાન શ્રીહરિને વિષે જોતાવેંત સૌ દેહધારીઓનેબહુ જ સ્નેહ ઉત્પન્ન થતો અને તેમાં પણ ધર્મ-ભક્તિ અને રામપ્રતાપભાઇ અને સુવાસિનીભાભીને તો સૌથી વિશેષપણે સ્નેહ ઉભરાતો હતો.૨૭

ચૌલકર્મ સંસ્કારઃ- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! જન્મથી ત્રીજા વર્ષનો પ્રારંભ થતાં અતિશય વિનયી પુરુષો કરતાં પણ અધિક વિનયી અને અતિશય બુદ્ધિમાન કરતાં પણ અધિક બુદ્ધિશાળી એવા પોતાના પુત્ર ભગવાન શ્રીહરિનો ચૌલકર્મ સંસ્કાર ધર્મદેવે કરાવ્યો.૨૮

સંવત ૧૮૩૯ ના જેઠ વદ પાંચમ ને ગુરુવારે ધનિષ્ઠા નક્ષત્રમાં વૈદિક શ્રોત્રિય બ્રાહ્મણોને નિમંત્રણ આપીને ધર્મદેવે સંપૂર્ણ વિધિ મુજબ ચૌલકર્મ સંસ્કાર કરાવ્યો.ર૯

તેમાં ધર્મદેવે સૌ પ્રથમ મંગલ સ્નાન કર્યું પછી માતૃકાઓનું પૂજન કરવા પૂર્વક નાંદીશ્રાદ્ધ અને પુણ્યાહવાચન કર્મ બ્રાહ્મણો પાસે કરાવ્યું. પોતાના કુળપરંપરાના ધર્મને જાણનારા ધર્મદેવ 'સભ્ય' નામના અગ્નિનું સ્થાપન કરીને પછી સર્વપ્રકારની વિધિને જાણનારા બ્રાહ્મણોના કહેવા મુજબ 'પાત્રાસાદન' નામનું કર્મ કર્યું.૩૦-૩૧

તેમાં અગ્નિદેવની જમણી બાજુએ એકવીશ દર્ભના ત્રણ વિભાગ દ્વારા ગુંથવામાં આવેલી સાત કોળીમાંથી નિર્માણ કરાયેલ દર્ભની ત્રણ પૂળીઓ વાળીને સ્થાપન કરી અગ્નિદેવની ડાબી બાજુએ લાલ વર્ણના બળદનું છાણ તથા કુશર સ્થાલીપાક આ બન્નેનું સ્થાપન કર્યું.૩૨

હે નરાધિપ ! આ પ્રમાણે ધર્મદેવ વ્યાહૃતિ હોમ આદિ કર્મ કરીને લોહના સજાયાથી માથાના જમણી બાજુના વાળની લટ કાપી, ત્યાર પછી પોતાના ગોત્રકુળના રીતરિવાજ અનુસાર વાણંદ પાસે પોતાના પુત્રનું શિખાએ સહિત મુંડન કરાવ્યું, અને ગાયોનાં ખૂબ દાન કર્યાં.૩૩-૩૪

ત્યારપછી ખૂબ જ ઘી અને સાકર નાખી તૈયાર કરેલા સુગંધીમાન મીઠી કેરીઓના રસની સાથે પૂરી આદિનાં મધુર ભોજનો પ્રેમથી જમાડી સેંકડો બ્રાહ્મણોને તૃપ્ત કર્યા. ત્યારપછી પોતાના સંબંધીજનોને તથા છપૈયા ગામના સમસ્ત અન્ય જનોને અને બહાર ગામથી આવેલા આમંત્રિતોને પણ ખૂબજ પ્રેમથી જમાડયા.૩૫-૩૬

ભક્તિદેવી પણ આ બધા કામમાં રોકાયેલાં હોવાથી પોતાના પ્રાણપ્રિય પુત્ર ભગવાન શ્રીહરિની સંભાળ લેવાનો તે દિવસે અવકાશ પ્રાપ્ત ન થયો. તેથી હે રાજન્ ! તેણે શ્રીહરિને રમાડવા માટે કિશોર અવસ્થાવાળા બાળકોને બોલાવીને કહ્યું કે, હે બાળકો ! તમે આ ઘનશ્યામને રમાડવા માટે લઇ જાઓ. હું તમને પતાસાં આપીશ. એમ કહીને શ્રીહરિ બાળકોને સોંપી પોતે પોતાને ઘેર પધારેલાં સંબંધીની સ્ત્રીઓને જમાડવાની પ્રવૃત્તિમાં રોકાઇ ગયાં.૩૭-૩૮

ભોજન કરીને સર્વે બાળકો રમવા માટે પરમ આનંદ પામતાં શ્રીહરિને સાથે લઇ છપૈયાથી પૂર્વદિશામાં અનેક પ્રકારનાં વૃક્ષોની પંક્તિઓથી શોભતી આંબાવાડીમાં ગયા. ત્યાં ઘણાંબધાં વૃક્ષોની પંક્તિઓ નિહાળી બાળકો અતિ પ્રસન્ન થયાં અને ત્યાં રસાળ વૃક્ષોપરથી પડેલાં પાકાં મીઠાં ફળોનું ભક્ષણ કરી ખેલકૂદ કરવા લાગ્યાં. એટલામાં સૂર્યનારાયણે અસ્તાચળ તરફ જવાની તૈયારી કરી પરંતુ ક્રીડામાં મશગૂલ થયેલાં બાળકોને તેનો ખ્યાલ ન રહ્યો.૩૯

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં શ્રીહરિના ચૌલસંસ્કાર વિધિનું નિરૂપણ કર્યું એ નામે પચીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૫--