અધ્યાય -૧૬ - ધર્મદેવે રામાનંદ સ્વામીને ગુરુ તરીકે સ્વીકાર્યા અને મંત્રદીક્ષા ગ્રહણ કરી.

Submitted by swaminarayanworld on Sat, 24/06/2017 - 4:31pm

અધ્યાય -૧૬ - ધર્મદેવે રામાનંદ સ્વામીને ગુરુ તરીકે સ્વીકાર્યા અને મંત્રદીક્ષા ગ્રહણ કરી.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! એક વખત રાત્રીને વિષે ધર્મદેવ શ્રીરામાનંદ સ્વામીની ચરણચંપી કરી રહ્યા હતા. ત્યારે તેમની ઇંદ્રિયોની વૃત્તિ અંતર સન્મુખ થઇ ને સ્વપ્ન થયું, તે સ્વપ્નમાં તેજના મંડળને મધ્યે બિરાજતા ભગવાન શ્રીકૃષ્ણનાં પ્રત્યક્ષ દર્શન થયાં.૧

પરમ આશ્ચર્યકારી મૂર્તિ એવા ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શન થયાં તેને ધર્મદેવ શ્રીરામાનંદ સ્વામીની કૃપાનું ફળ માનવા લાગ્યા અને તેમને જ એક પોતાના ગુરુ તરીકે સ્વીકારવાનો નિશ્ચય કર્યો.૨

હે રાજન્ ! ત્યારપછી ધર્મદેવ પોતાના પત્ની ભક્તિદેવીની સાથે સર્વભાવે રામાનંદ સ્વામીનું શરણું સ્વીકારી તેમના થકી ભાગવતી દીક્ષા ગ્રહણ કરી.૩

અને રામાનંદ સ્વામીએ પણ ધર્મદેવને ખરા મુમુક્ષુ જાણી તુલસીના કાષ્ઠની બેવડી કંઠી ધારણ કરાવી તેમને ભગવાન શ્રીકૃષ્ણના બે અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ કર્યો.૪

તેમાં પહેલા મંત્રમાં પ્રથમ 'શ્રીકૃષ્ણ' અને પછી 'ત્વમ્' પદ અને પછી 'ગતિઃ' પદ અને છેલ્લે 'મમ' એ રીતના બે મકારવાળું પદ જેમાં આવેલું છે એવા વૈષ્ણવધર્મની સિધ્ધિ કરાવનાર એવા પ્રથમ અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ કર્યો. અને ત્યારપછી બીજો અષ્ટાક્ષરમંત્ર કે જેને વિષે 'બ્રહ્માહં' એ પદ પ્રથમ છે અને તે પછી 'દા' પદ જેના છેડે છે એવું 'શ્રીકૃષ્ણ' પદ આવે છે તે પછી 'સોશ્ચસ્મિ' એવું પદ જેના અંતભાગમાં આવેલું છે એવા આ સમગ્ર મનોરથોને પૂર્ણ કરનાર આવા બીજા મહામંત્રનો પણ ધર્મદેવને રામાનંદ સ્વામીએ ઉપદેશ કર્યો.૫-૬

તેમાં પ્રથમ મંત્ર છે તે શરણાગતિમંત્ર છે અને તે સામાન્ય દીક્ષા માટે છે. અને બીજો મંત્ર છે તે મહામંત્ર કહેવાય છે અને તે મહાદીક્ષાના અધિકારી મનુષ્યોને ઉપદેશ આપવા માટેનો મંત્ર છે એમ, હે ધર્મદેવ ! તમે જાણો. (સામાન્ય દીક્ષા અને મહાદીક્ષાનું વિવેચન ચોથા પ્રકરણમાંથી સ્પષ્ટ જાણી લેવું.૭ )

ગુરુએ ઉપદેશેલો ભાગવતધર્મઃ- બે મંત્રોનો ઉપદેશ આપ્યા પછી શ્રી રામાનંદ સ્વામીએ ધર્મદેવને મુમુક્ષુજનોને પાલન કરવા યોગ્ય ભાગવતધર્મનો ઉપદેશ આપવા લાગ્યા, જે ધર્મનું પાલન કરવાથી મનુષ્ય આલોક તથા પરલોકમાં પૂજ્ય બને છે.૮

હે ધર્મદેવ ! આપણા આ ઉદ્ધવસંપ્રદાયમાં રહેલા પુરુષો અને સ્ત્રીઓના નિયમો હું તમને કહું છું, તે તમે સાંભળો.૯

શ્રીકૃષ્ણ ભગવાનની સામાન્ય કે મહાદીક્ષાને પામેલા મારા આશ્રિત ભક્તજનોએ દેવતા અને પિતૃના યજ્ઞાને અર્થે પણ કોઇ જીવપ્રાણી માત્રની હિંસા ક્યારેય કરવી નહિ.૧૦

હે વિપ્ર ! અગિયાર પ્રકારનું મદ્ય અને ત્રણ પ્રકારની સુરાનું આપત્કાળને વિષે પણ પાન કરવું નહિ, તથા સુરા અને મદ્ય-માંસ મિક્ષિત ઔષધનું પણ સેવન કરવું નહિ.૧૧

અને વળી હે વિપ્રેન્દ્ર ! યજ્ઞાની પ્રસાદીભૂત હોય તો પણ માંસ ક્યારેય ખાવું નહિ. અને ધર્મને અર્થે પણ ક્યારેય ચોરીનું કર્મ કરવું નહિ.૧૨

હે ધર્મ ! સર્વે વર્ણના પુરુષોએ દેવ, બ્રાહ્મણ અને અગ્નિની સાક્ષીએ પરણેલી સ્ત્રી સિવાયની પરસ્ત્રીનું ગમન ક્યારેય કરવું નહિ. તેમજ સર્વે સ્ત્રીઓએ મહા આપત્કાળમાં પણ જારપુરુષોનો સંગ ક્યારેય ન કરવો.૧૩

હે ધર્મદેવ ! ગૃહસ્થાશ્રમથી ઇતર આશ્રમમાં રહેલા બ્રહ્મચારી, ત્યાગી કોઇ પણ પુરુષોએ અષ્ટપ્રકારે સ્ત્રીઓનો ત્યાગ રાખવો. આ સનાતન મર્યાદા છે.૧૪

અને ગૃહસ્થાશ્રમી પુરુષોએ પણ પોતાના સમીપ સંબંધ વિનાની વિધવા સ્ત્રીઓનો જાણીને સ્પર્શ ન કરવો. અને વિધવા સ્ત્રીઓએ પણ પુરુષનો જાણીને સ્પર્શ ન કરવો. તેવીજ રીતે સધવા નારીએ પણ સાધુપુરુષોનો જાણીને સ્પર્શ ન કરવો.૧૫

તેમજ જાણી જોઇને તીર્થને વિષે પણ ક્યારેય આત્મઘાત ન કરવો. તથા સદ્ધર્મની મર્યાદા તોડનારા પુરુષથકી ભગવાન શ્રીકૃષ્ણની કથા વાર્તા મહિમા વિચારીને પણ સાંભળવી નહિ.૧૬

તેમજ ભગવાનના પ્રસાદીભૂત અન્નના માહાત્મ્યે કરીને પણ પોતાના વર્ણાશ્રમ ધર્મથી ભ્રષ્ટ થવાય તેવું ભોજન લેવારૂપ કર્મ ક્યારેય પણ કરવું નહિ.૧૭

પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઇના ઉપર મિથ્યાપવાદનું આરોપણ કરવું નહિ. તથા પાપી તથા વ્યસની જનોનો સંગ કરવો નહિ, તેમજ તપસ્વી હોય પણ ક્રોધે યુક્ત હોય, શ્રીકૃષ્ણ ભગવાનના ભક્ત હોય પણ કામે યુક્ત હોય, સ્વધર્મનિષ્ઠ હોય પણ જો ભગવાનનો ભક્ત ન હોય, ત્યાગી હોય પણ જો લોભે યુક્ત હોય, ગુરુ હોય અને પોતાના શિષ્ય સમુદાયને શાસ્ત્રની મર્યાદામાં વર્તાવતા ન હોય, આ છ પ્રકારના મનુષ્યોનો સંગ સન્મતિને નાશ કરનાર છે. માટે મુમુક્ષુ ભક્તજનોએ અસત્પુરુષના સંગની માફક જ આ છ પુરુષોના સંગનો પોતાના કલ્યાણને ઇચ્છતા એવા પુરુષે ત્યાગ કરવો.૧૮-૨૧

દેવતા, તીર્થ, વેદ, ગાય, બ્રાહ્મણ, સાધુ અને ધાર્મિક પુરુષની નિન્દા ક્યારેય પણ કરવી નહિ. અને જે શાસ્ત્રને વિષે ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય સાકાર સ્વરૂપનું ખંડન કરવામાં આવ્યું હોય તેવાં શાસ્ત્રોને ક્યારેય માનવાં નહિ અને સાંભળવાં પણ નહિ.૨૨-૨૩

આયુધ, ઝેર અને પક્ષી તથા માછલાંને પકડવાની જાળ વગેરે હિંસામૂલક સાધનો કોઇને દાનમાં કે વેચાતાં આપવાં નહિ, કારણ કે આ સાધનોથી હિંસા થાય છે.૨૪

બ્રહ્મચર્ય આશ્રમમાં રહેનાર બ્રાહ્મણે ક્યારેય આયુધ ધારણ કરવાં નહિ, તેમજ જે વસ્તુથી જીવની હિંસા સંભવિત હોય તેવી વસ્તુનું ધારણ ક્યારેય કરવું નહિ.૨૫

પ્રતિદિન પ્રાતઃસ્નાન કરી ભગવાન શ્રીકૃષ્ણની પ્રસાદીભૂત ચંદન અથવા ગોપીચંદનથી પુરુષોએ ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું. અને તિલકની મધ્યે ચંદન અથવા ગોપીચંદનનો ગોળ ચાંદલો કરવો, અથવા રાધા લક્ષ્મીના પ્રસાદીનું કુંકુમ તેનાથી પણ ગોળ ચાંદલો કરવો.૨૬-૨

સધવા નારીએ ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરતાં બાકી રહેલ પ્રસાદીભૂત ચંદનથી પ્રતિદિન પોતાના હૃદયમાં ચાંદલો કરવો. તથા રાધાજીની પૂજા કરતાં બાકી રહેલ પ્રસાદીભૂત કુંકુમથી લલાટને મધ્યે ગોળ ચાંદલો કરવો.૨૮-૨૯

અને વિધવા નારીઓએ રાધાકૃષ્ણની પૂજા કરતાં બાકી રહેલા પ્રસાદીના કુંકુમ અને ચંદનનું મિશ્રણ કરી કંઠમાં નાનો એવો ચાંદલો કરવો.૩૦ આ પ્રમાણે પોતપોતાના નિયમ મુજબ તિલક અને ચાંદલો કરી સૌએ પોતાના અધિકાર મુજબ સંધ્યાવંદન આદિ નિત્યકર્મની સમાપ્તિ કરી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શ્રીરાધાકૃષ્ણનું પૂજન કરવું.૩૧

પૂજન કર્યા પછી શ્રીમદ્ ભાગવતને વિષે વર્ણવેલ રાસલીલાના પાંચ અધ્યાયોનું પ્રતિદિન અધ્યયન કરવું.૩૨

પ્રતિદિન સમગ્ર રાસ પંચાધ્યાયીનો પાઠ કરવા અસમર્થ પુરુષે તેના એક અંતિમ અધ્યાયનો દરરોજ પાઠ કરવો, તેમ કરવાથી પણ સંપૂર્ણ રાસલીલાના પાઠનું ફળ પ્રાપ્ત થાય છે.૩૩

પોતપોતાની શક્તિ અનુસાર ભગવાન શ્રીકૃષ્ણના અષ્ટાક્ષરમંત્રનો નિયમ અને ભક્તિપૂર્વક નિત્યે રાત્રી દિવસ જપ કરવો.૩૪

આ ઉદ્ધવસંપ્રદાયની સામાન્ય કે મહા ભાગવતી દીક્ષાને પામ્યા હોય એવા અમારા સમગ્ર આશ્રિતજનોએ 'શ્રીકૃષ્ણ' એવા ત્રણ અક્ષરના મંત્રનો જપ સર્વકાળે કર્યા કરવો. અને સર્વકાળે તે મંત્રનું સ્મરણ પણ કર્યા કરવું.૩૫

વળી દીક્ષા પામેલા સર્વેએ પોતાના કંઠને વિષે સુખેથી ફરતી રહે તેવી તુલસીના કાષ્ઠમાંથી બનાવેલી સૂક્ષ્મ પારાવાળી ભગવાનના ચરણમાં પ્રસાદીભૂત કરેલી શુભ બેવડી કંઠી જેમ યજ્ઞોપવિત અખંડ ધારણ કરવાની હોય છે તેમ નિત્યે ધારણ કરવી.૩૬

દ્વિજાતિ ત્રણ વર્ણના જનોએ તુલસીની કંઠી જો ન મળે તો ચંદનના કાષ્ઠમાંથી બનાવેલી બેવડી કંઠી ધારણ કરવી. તેમજ શૂદ્ર વર્ણના મનુષ્યે સદાયને માટે ચંદનના કાષ્ઠમાંથી બનાવેલી બેવડી કંઠી ધારણ કરવી.૩૭

સર્વે સ્ત્રી, પુરુષોએ હમેશાં ભગવાન શ્રીકૃષ્ણના ચરણની પ્રસાદી કરાવીને જ સર્વે પ્રકારની કંઠી કંઠને વિષે ધારણ કરી રાખવી.૩૮

આ કહેલા સમસ્ત ધર્મોનું પાલન કરનાર સ્ત્રી અને પુરુષોએ નિરંતર નવ પ્રકારની ભક્તિદ્વારા ભગવાન શ્રીકૃષ્ણનું ભજન સેવન કર્યા કરવું. આ ઉદ્ધવ સંપ્રદાયની રીત છે.૩૯

રામાનંદ સ્વામીએ ધર્મદેવને દીક્ષા આપવાનો આપેલો અધિકારઃ- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ભક્તિદેવીની સાથે ધર્મદેવને અહિંસાદિક સર્વ પ્રકારના ધર્મનો ઉપદેશ આપીને ગુરુ રામાનંદ સ્વામીએ બન્ને અષ્ટાક્ષરમંત્રના પુરશ્ચરણનો સમગ્ર વિધિ કહ્યો છે.૪૦

આ રીતે સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય આદિ અંગે સહિત રાધિકાના પતિ એવા શ્રીકૃષ્ણ ભગવાનની અનન્ય ભક્તિ કરવાનો બન્નેને ઉપદેશ આપીને રામાનંદ સ્વામી આગળ કહેવા લાગ્યા૪૧

હે વિપ્રવર્ય ! તમે ધન્ય છો. કારણ કે આત્યંતિક કલ્યાણ માટે તમે પ્રયત્ન કરો છો. તમારી અંદર દેહધારીઓને પણ દુર્લભ એવા અપાર સદ્ગુણો રહેલા છે.૪૨

હે સદ્બુદ્ધિવાળા ધર્મદેવ ! મારા શિષ્ય સમુદાયમાં તમે આજથી મુખ્ય છો અને સર્વેના સન્માનનીય થશો, કારણ કે આપણા ઉદ્ધવ સંપ્રદાયને વિષે ગુણોથી જ મોટાઇ માનેલી છે.૪૩

તમે હવે આ તમારાં પત્ની ભક્તિદેવીની સાથે ઘેર જાઓ, ત્યાં હમેશાં અષ્ટાક્ષર મહામંત્રનો માળાવડે જપ કરજો અને શરણે આવેલા મુમુક્ષુઓને તેના અધિકાર અનુસાર આ બન્ને મંત્રનો યથાયોગ્ય ઉપદેશ કરજો.૪૪

હે નિષ્પાપ ધર્મદેવ ! ત્રણે વર્ણના પુરુષોને તથા સત્શૂદ્ર પુરુષોને વિધિ પ્રમાણે પહેલા અષ્ટાક્ષરમંત્રનો ધર્મની સાથે ઉપદેશ કરજો.૪૫

અને ત્યાર પછી પહેલા મંત્રનો જપ કરી, તે મનુષ્ય જ્યારે ઉત્તમ અધિકારને પ્રાપ્ત કરે ત્યારે વિધિ પ્રમાણે બીજા મહામંત્રનો ઉપદેશ કરજો.૪૬

હે ધર્મદેવ ! તમે પણ સંકટના સમયમાં વિધિ પ્રમાણે આ બીજા મહામંત્રનું પુરશ્ચરણ કરજો. કારણ કે સર્વપ્રકારની મનોવાંચ્છિત સિદ્ધિને આપનારા સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાન આ મંત્રના દેવતા છે.૪૭

અને વળી જીવ, ઇશ્વર અને માયાના સ્વરૂપને યથાર્થ જાણવા માટે શ્રીરામાનુજાચાર્યે રચેલા ગ્રંથોનો આદરપૂર્વક અભ્યાસ કરજો.૪૮

કારણ કે જીવ, ઇશ્વર અને માયા આદિના જ્ઞાનાંશના નિર્ણયમાં જેવી રામાનુજાચાર્યની નિપુણતા છે તેવી અન્ય આચાર્યોમાં નથી, તેથી તેમના શ્રીભાષ્યાદિ ગ્રંથો અમે માન્ય કર્યા છે.૪૯

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ગુરુ રામાનંદ સ્વામી આ પ્રમાણે કહીને પછી સ્નેહાળ શિષ્ય ધર્મદેવને ઉદ્ધવસંપ્રદાયના સમસ્ત રહસ્યની સર્વે વાત તત્ત્વપૂર્વક યથાર્થ કહી સંભળાવી.૫૦

ત્યારપછી ઉદ્ધવાવતાર શ્રીરામાનંદ સ્વામીએ ધર્મદેવને પોતાને ઘેર જવાની આજ્ઞા આપી. તેઓ દ્વારિકા તરફ રવાના થયા અને ધર્મદેવ પણ પોતાના ઘર તરફ રવાના થયા.૫૧

હે રાજન્ ! સમર્થ સદ્ગુરુની પ્રાપ્તિથી પરમાનંદ પામેલા ધર્મદેવ પત્ની ભક્તિદેવી અને પુત્ર રામપ્રતાપની સાથે પોતાના ઘેર છપૈયા આવ્યા અને ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરવા લાગ્યા.૫૨

પોતાને સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ આ ત્રણ દેહથી જુદો અને આખા શરીરમાં જ્ઞાનશક્તિથી નખથી શિખા પર્યંત વ્યાપીને રહેલો અખંડ અવિનાશી એવો હું આત્મા, તે ભગવાન શ્રીકૃષ્ણનો સેવક છું. આ પ્રમાણે માની ભજન કરવા લાગ્યા.૫૩

જીવ, ઇશ્વર, કાળ, માયા તેમજ પ્રધાનપુરુષ તથા પ્રકૃતિપુરુષના નિયંતા સર્વેશ્વર શ્રીકૃષ્ણ ભગવાન છે આ પ્રમાણે નિશ્ચય કરીને ધર્મદેવ આ જગતને નાશવંત માનવા લાગ્યા.૫૪

તેમજ હે રાજન્ ! ગુરુ રામાનંદ સ્વામીની આજ્ઞા પ્રમાણે ધર્મદેવ રામાનુજાચાર્યે રચેલા ગીતાભાષ્ય આદિ ગ્રંથોનો આદર પૂર્વક પાઠ કરવા લાગ્યા અને પોતાના શિષ્યોને ભણાવવા લાગ્યા.૫૫

હે રાજન્ ! ભગવાન શ્રીકૃષ્ણનું ભજન કરતા ધર્મદેવની પોતાના ધર્મ પાલનમાં અતિદૃઢ નિષ્ઠા આદિ અનંત સદ્ગુણોને જોઇને દૈવી જીવાત્માઓ ''આ સાક્ષાત્ સ્વયં ધર્મપ્રજાપતિ જ ધર્મદેવરૂપે અવતર્યા છે'' એમ માનવા લાગ્યા.૫૬

અને તે દૈવી જીવોએ પોતાના ગુરુના લક્ષણે રહિત એવા અસુર ગુરુઓનો ત્યાગ કરી પોતાના આત્યંતિક કલ્યાણને માટે ધર્મદેવનો ગુરુપણે આશ્રય કરવા લાગ્યા.૫૭

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! પોતાના અસુરગુરુઓનો ત્યાગ કરી ધર્મદેવનો આશ્રય કર્યો છતાં તે દૈવી જીવોને પોતાના પૂર્વના ગુરુઓને વિષે 'ગુરુ' શબ્દની બુદ્ધિ નાશ પામી નહિ પણ ગુરુ શબ્દના જુદા અર્થથી સ્થિર રહી ગઇ. કારણ કે દંભથી પ્રાપ્ત કરેલા અનેક પ્રકારના રસાસ્વાદથી તેમનાં શરીર ખૂબજ પુષ્ટ અને ભારે થયાં હોવાથી તેમાં ગુરુપણું એટલે કે ભારેપણું જેમનું તેમજ રહ્યું હતું, અર્થાત્ ધર્મદેવનો સમાગમ કરી જેમના અંતરમાં સત્ય, અસત્યનો વિવેક ઉદય થયો હતો તેવા દૈવીજીવો સારી રીતે સમજતા હતા કે આપણા જુના ગુરુઓ માત્ર શરીરથી જ ગુરુ છે બાકી ગુરુનાં લક્ષણ તેમાં એક પણ નથી.૫૮


આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં ધર્મદેવે ગુરુ રામાનંદ સ્વામીના આશ્રય કર્યાનું નિરૂપણ કર્યું એ નામે સોળમો અધ્યાય પૂર્ણ થયો. --૧૬--