વચનવિધિ કડવું - ૧૪

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 6:04pm

વળી એક વચન વિરોધીની વાતજી, સતી પતિવ્રતા સીતા સાક્ષાતજી
આપે ઇન્દરા જગે જાનકી વિખ્યાતજી, તેણે પણ કરી આજ્ઞાની ઘાતજી

ઘાત થઈ તેની વાત કહું, જાનકી બોલિયાં એમ ।।
લછમન તમારા ભાઈની ભીડ્યે, જાઓ બેસી રહ્યા કો’ કેમ ।। ર ।।

ત્યારે રામાનુજ કહે રામને, નથી લોપનાર ત્રિલોકમાં ।।
વચન માની મગન રહો, શીદ રહો છો શોકમાં ।। ૩ ।।

ત્યારે વૈદેહીએ વચનનાં, લછમનને લગાડ્યાં બાણ ।।
તું જાણે રામ મર્યે વરે મુજને, તે ન વરું તજીશ હું પ્રાણ ।। ૪ ।।

ત્યારે રામાનુજે હૃદે ધારિયું, ઇન્દરા તોયે પણ સ્ત્રી ખરી ।।
પછી રામની આણ્ય આપી ચાલિયા, કેડે લંકેશ વેષ આવ્યો ધરી ।। પ ।।

સંન્યાસીરૂપે કહ્યું સીતાને, આપ્ય ભિક્ષા મને આદર કરી ।।
છૂટી ભિક્ષા હું છોડીને ચાલીશ, નૈ’તો આપ્ય આણ્યથી બાર નીસરી ।। ૬ ।।

આજ્ઞા લોપી શ્રીરામની, ભિક્ષા આપવા નીસરી બા’ર ।।
તર્ત રાવણ તેડી ચાલિયો, પછી પામિયા દુઃખ અપાર ।। ૭ ।।

વિપત્તિ પડી વિયોગ થયો, રહ્યાં રામજીથી વળી દૂર ।।
નિષ્કુળાનંદ કહે વચન લોપતાં, આવે દુઃખ જાણજો જરૂર ।। ૮ ।।