વચનવિધિ કડવું - ૦૧

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 5:41pm

રાગ:- ધન્યાશ્રી

સમરો સુખદ શ્રીહરિદેવજી, જેથી પામીએ આનંદ અભેવજી
જેહ આનંદનો નાવે કેદી છેવજી, તેહ સુખ આપે હરિ તતખેવજી

ઢાળ:-

હરિ હરખી સુખ આપે, જો વર્તીએ વચનમાંય ।।
મેલી ગમતું મનતણું, રહીએ શ્યામ ગમતે સદાય ।। ર ।।

પૂરણ સુખને પામવા, રહીએ હરિઆજ્ઞા અનુસાર ।।
તે વિના મોટપ્ય નવ મળે, જન જોવું કરી વિચાર ।। ૩ ।।

ભવ બ્રહ્મા આ બ્રહ્માંડમાં, મહા મોટા કહે સહુ કોય ।।
તે મોટપ્ય શ્રીમહારાજથી, એહ સમજવું જન સોય ।। ૪ ।।

શશી સૂર્ય સમર્થ સહી, કરે સર્વે લોકે પ્રકાશ ।।
તે પ્રસન્ન કરી પરબ્રહ્મને, અંગે પામ્યા એવો ઉજાસ ।। પ ।।

શેષ સુરેશ ને શારદા, ગણપતિ ગુણના ભંડાર ।।
રામ રાજિયે હનુમાન હુવા, અતિ મોટા પરમ ઉદાર ।। ૬ ।।

ભૂત ભવિષ્ય વર્તમાનમાં, હરિ રાજીપામાં જે રહ્યા ।।
દેવ દાનવ માનવ મુનિ, તે સર્વે મોટા થયા ।। ૭ ।।

મોટું થાવાનું હોય મનમાં, તો હરિવચનમાં હમેશ રૈ’યે ।।
નિષ્કુળાનંદ કહે ન લોપિયે, વાલમનું વચન કૈયે ।। ૮ ।।