૫૨ પુરુષોત્તમગીતા અધ્યાય ૧રઃ નિષ્કામભક્તનાં લક્ષણ, ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ ભક્તિના ભેદો.

Submitted by swaminarayanworld on Sat, 21/05/2016 - 8:48pm

અધ્યાય-૫૨

હે વર્ણીન્દ્ર! આ લોકને વિષે બે પ્રકારના પદાર્થો છે એક તો રમણીય પદાર્થો છે, અને બીજા અરમણીય પદાર્થો છે. અને તે બે પ્રકારના પદાર્થોમાં જે રમણીય પદાર્થ છે, તે નિષ્કામ ભક્તને દુઃખરૂપ થાય છે, એટલે દુઃખરૂપ જણાય છે. અને શ્રીકૃષ્ણ ભગવાનને વિષે પ્રીતિવાળો જે એ નિષ્કામ ભક્ત તેને સારા નહિ એવા પદાર્થો તેને વિષે તો કયારેક દેહનિર્વાહને અર્થે કાંઈક સુખ જણાય છે.

પણ જે રમણીય પદાર્થ છે, તેને વિષે તો મહા દુઃખ જ જણાય છે, અને તે ભક્તને મલિયાગર ચંદન તે કાદવ જેવું જણાય છે અને સુગંધીમાન પુષ્પોના સુંદર હારો તે સર્પ જેવા જણાય છે. અને સોના-રૂપાનાં સુંદર આભૂષણ તે દૂષણ જેવાં જણાય છે તેમજ તે ભક્તને સુંદર પુષ્પની બિછાવેલ શય્યા તે બળબળતા અગ્નિ જેવી જણાય છે અને ચંદ્રમા પણ તપેલા સૂર્ય જેવો જણાય છે. અને સુંદર સુંગધીમાન અને શીતલ એવો જે વાયુ તે દાવાનળની જવાળા જેવો જણાય છે અને સુંદર સૂક્ષ્મ વસ્ત્ર તે ભાર જેવું જણાય છે, અને પોતાના સંબંધીજન તે તો નાહાર જેવા જણાય છે, અને શરીરનું જે સુંદરપણું તેતો કોઢ જેવું જણાય છે. અને સુંદર સ્વાદુ ભોજન તે તો ઝેર જેવાં જણાય છે અને તે ભક્તને મનોહર ગાવવું તે કાનને વિષે તીક્ષ્ણ બાણ જેવું લાગે છે. અને દેવતાઓની અંગનાઓની જેને ઉપમા દેવાય એવી સુંદર રૂપવાન સ્ત્રીઓ તો રાક્ષસી જેવી જણાય છે.

અને એક ભગવાન વિના બીજા કોઇ પદાર્થમાં પ્રીતિ ન હોય એવો જે ભક્તજન તેનાં આ લક્ષણ છે, તેનાથી તેને ભગવાનમાં હેત છે કે નથી તેનું પ્રમાણ કરવું. અને તે ભક્તના અંતરમાં અને બહાર પણ એક શ્રીકૃષ્ણ ભગવાન જ નિરંતર સ્ફૂરે છે. અને તે ભક્ત ક્યારેક તો સ્નેહથી તત્કાળ સ્ફૂરાયમાન થયેલા જે ભગવાન તેને જોઇને હસે છે અને ક્યારેક તો પોતાથી દૂર જતા હોય ને શું ? તેની પેઠે તેને જોઇને વિરહથી રુદન પણ કરે છે. અને ક્યારેક તો તે પ્રેમી ભક્ત આનંદથી નાચે છે અને ક્યારેક તો તેની સાથે બોલે પણ છે. તેમજ કોઇક વખતે તે ભગવાનને સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ પણ કરે છે. અને ક્યારેક તો કાંઇ પણ ન બોલતો એવો ઊભો થઇ રહે છે. અને ક્યારેક તો હે ભગવાન ! તમે મારા અપરાધ ક્ષમા કરો, એવી રીતે શ્રીહરિની પ્રાર્થના પણ કરે છે.

અને ક્યારેક તો સ્નેહે કરીને પરવશ થયેલો તે ભક્ત નિર્લજ થઇને ભગવાનનાં કીર્તનો પણ ગાય છે. અને ક્યારેક તો તે ભક્ત હે હરિ ! હે નારાયણ ! હે સ્વામિન્‌ ! હે શ્રીકૃષ્ણ ! હે ગોવિન્દ ! હે માધવ ! આદિક જે ભગવાનનાં નામો તેનું ઉચ્ચ સ્વરે ઉચ્ચારણ કરે છે, અને આ કહ્યાં જે લક્ષણો તેનાથી યુક્ત જે ભક્તજન તે પોતાના ચરણની રજે કરીને સમગ્ર જગતને પવિત્ર કરે છે. હે મુકુંદવર્ણિ ! આવી રીતનો નિષ્કામ ભક્ત પુરુષ અથવા સ્ત્રી તેઓ દેહના પ્રારબ્ધ કર્મને અંતે પોતાના દેહનો ત્યાગ કરીને માયામય જે સત્ત્વ, રજ અને તમ એ ત્રણે ગુણોનો ત્યાગ કરીને નિર્ગુણ થાય છે. અને પછી ભગવાનની ઇચ્છાએ કરીને બ્રહ્મમય દિવ્ય તનુને પામીને અને દિવ્ય વિમાન પર બેસીને પોતાને પ્રિય જે ભગવાનનું બ્રહ્મધામ તેને પામે છે. અને બીજા સર્વે ભક્તમાં મોટેરો એ ભક્ત ગોલોક ધામને વિષે અથવા અક્ષરધામને વિષે અથવા વૈકુંઠધામને વિષે સર્વે ભક્તોએ નમસ્કાર કરાયેલો સતો ભગવાનની અખંડ સેવામાં વર્તે છે.

અને હે વર્ણિન્દ્ર ! તે ધામોમાં શ્રીકૃષ્ણ ભગવાને બળાત્કારે આપ્યાં અને કાળે કરીને નાશ ન પામે એવાં અનંત દિવ્ય સુખને નિશ્ચે પામે છે. હે મુકુંદ બ્રહ્મચારી ! પૂર્વે નવ પ્રકારની ભક્તિ કહી તે ભક્તિને કરતા મુખ્ય ભક્તોનાં નામો કહું છું. વંદન ભક્તિમાં મુખ્ય ભક્ત અક્રુરજી કહેવાય છે. અને દાસ ભક્તિમાં ઉધ્ધવજી અને હનુમાનજી શ્રેષ્ઠ કહેવાય છે અને સખા ભક્તિમાં સર્વથી શ્રેષ્ઠ અર્જુન છે. અને દેહાદિક સર્વ અર્પણ કરવું તે આત્મનિવેદન ભક્તિ કહી છે તેમાં બલી રાજા મુખ્ય કહેવાય છે. આવી રીતે ભક્તિના ભેદ કહી સંભળાવ્યા. હે વર્ણિન્દ્ર ! બીજા પણ ભક્તિના ભેદ કહું તેને સાંભળો. પ્રત્યેક ભક્તિના નવ નવ ભેદો છે. તામસી, રાજસી અને સાત્વિક. અને ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ છે. તેમાં જે બીજા ભક્તની ભક્તિને જોઇને ઇર્ષ્યા લાવીને જે ભક્તિ કરે તેને ઉત્તમ તામસી ભક્તિ જાણવી.

અને દંભે કરીને ભક્તપણું દેખાડે અને અલ્પ ભક્તિ કરીને અધિક જણાવે તે ભક્તિને શાસ્ત્રો અને સંતો મધ્યમ તામસી ભક્તિ કહે છે. અને શત્રુ આદિને મારવાની આશાથી ભગવાનની ભક્તિ કરે તે કનિષ્ઠ તામસી ભક્તિ કહેવાય છે. અને મોટાં ઐશ્વર્ય પામવાની આશાથી ભગવાનની ભક્તિ કરે છે તેને ઉત્તમ રાજસી ભક્તિ કહેવાય છે અને કીર્તિને માટે જે ભક્તિ કરાય તેને મધ્યમ રાજસી ભક્તિ કહેવાય છે. અને વિષયભોગને માટે ભક્તિ કરાય તેને કનિષ્ઠ રાજસી ભક્તિ કહેવાય છે. અને મારે ભજન કરવું તે અવશ્ય છે એમ જાણીને ભક્તિ કરે છે; તે ઉત્તમ સાત્ત્વિક ભક્તિ કહેવાય છે. અને આ ભગવાનને પ્રિય છે તેટલા માટે હું ભગવાનને અર્પણ કરું એમ જાણીને જે ભક્તિ કરાય તે મધ્યમ સાત્ત્વિકી ભક્તિ કહેવાય છે. અને પોતાનાં પાપ નાશ કરવાની આશા રાખીને જે ભગવાનની ભક્તિ કરાય તે સાત્ત્વિકી કનિષ્ઠ ભક્તિ કહી છે.

હે વર્ણિન્દ્ર ! શ્રવણાદિક નવ પ્રકારની ભક્તિ તેના એકના નવ ભેદ કહેવાય છે. એવી રીતે (૮૧) એક્યાસી ભેદ કહેવાય છે તે મેં તમોને સર્વે કહી સંભળાવ્યા. અને બ્યાસીમી જે પ્રેમલક્ષણા ભક્તિ છે તેનું લક્ષણ હવે તમને કહી સંભળાવું છું. તે સાંભળીને તમો તેવી રીતે વર્તશો.

હવે જે શ્રી પૂર્ણપુરુષોત્તમ અક્ષરધામના ધામી અને સર્વના નિયંતા અને સર્વના અંતર્યામી ભગવાન પૃથ્વી ઉપર શરીર ધારણ કરે છે, તેનાં સર્વ ચરિત્રો અંતરમાં ધારણ કરે છે અને વળી સર્વ ક્રિયા કરતાં તે ભક્ત ભગવાનની મૂર્તિમાં પોતાનું મન જોડી રાખે છે. જેમ ગંગાજીની ગતિ સમુદ્રમાં રહે છે તેમ, તે ભક્તના મનની ગતિ ભગવાનમાં જ રહે છે, તેને નિર્ગુણ ભક્તિ કહે છે. અથવા તો તેને પ્રેમલક્ષણા ભક્તિ કહી છે. અને સર્વ ઇચ્છા માત્રનો ત્યાગ કરીને જે ભક્તિ કરે છે તે નિષ્કામ ભક્તિ કહી છે.અને ભક્તને તે સિધ્ધિઓ આદિક કોઇ પણ વિઘ્ન કરી શકતાં નથી, અને તે ભક્ત અખંડ ભગવાનના ચરણારવિંદમાં પોતાના મનને લીન રાખે છે. અને જે એવી ભક્તિ કરે છે, તે હરિભક્ત નિર્ગુણ કહેવાય છે, અને એકાન્તિક પણ તેને કહે છે.

અને તે નિર્ગુણ ભક્ત એમ મનમાં જાણે છે જે સુખ માત્ર ભગવાનની સેવામાં જ રહ્યું છે એમ જાણીને ભક્તિયોગ કરીને બ્રહ્મરૂપ થઇને ત્રિગુણાતીત થાય છે અને પાંચ પ્રકારની જે સાલોક્યાદિક મુક્તિનાં સુખો તેથી પણ અધિક સુખને ભગવાનની ભક્તિયોગે કરીને પામે છે. માટે બ્રહ્મરૂપ થઇને ભગવાનના ભક્ત શુક-સનકાદિક જેમ ભક્તિ કરે છે તેમ ભક્તિ કરવી.

આવી રીતે વેદ, પુરાણ તથા સત્પુરુષો વારંવાર એમ કહે છે જે, ભગવાનની ભક્તિ કર્યા વિના અલ્પ પણ સુખ મળતું નથી. જેમ કાચબાના બરડા પર વાળ નથી ઊગતા, તે કદાચ ઊગે, તેમજ વાંઝણીનો પુત્ર તે શત્રુને મારે, અને આકાશમાં બહુ પુષ્પો ખીલે અને સસલાના શિંગડાથી કૂવો ખોદે, અને ક્યારેક મૃગજળે કરીને તરસ્યા માણસો ભલે જલપાન કરે તથા સ્નાન કરે અને ભલે અંધારું સૂર્યને છુપાવે, અને ચંદ્રમાંથી ભલે અગ્નિ ઝરે અને વળી પાણી વલોવતાં ભલે ઘૃત મળે, અને ભલે રેતી પીલવાથી તેલ મળે, અને સર્પનું બાળક ભલે ગરુડજીને ડરાવે, અને કદાચ મેરુ પર્વતને કીડી ગળી જાય, અને ક્યારેક ગંગાજીના પ્રવાહને ભેડનું બચ્ચું અટકાવે.

આ ઉપર કહ્યા બનાવો બને તેવા નથી છતાં ભવિષ્યમાં કદાચ બને, પણ ભગવાનની ભક્તિથી વિમુખ જનો સુખ નથી જ પામતા. અને જે જનો ભગવાનની ભક્તિ કર્યા વિના સંસારસાગર તરવાની અંતરમાં આશા રાખે છે તે તો, હે વર્ણિન્દ્ર ! જેમ મૂર્ખ નાવનો ત્યાગ કરીને પોતાના બાહુબળે કરીને મહાસાગર તરવા ઇચ્છે તેવા જાણવા. અને ભગવાન તો મચ્છરને બ્રહ્મા કરે અને બ્રહ્માને પણ મચ્છર બનાવે છે, એમ જાણીને જે જન જગતમાં ભગવાનની ભક્તિ કરે છે તેને જ જ્ઞાની કહ્યો છે.આવી રીતે વેદ, શાસ્ત્રો અને પુરાણો તેમજ સંતો પોકારીને કહે છે. માટે સદા બીજાં સર્વ કામનો ત્યાગ કરીને પ્રગટ ભગવાનને ભજી લેવા.

અને ભગવાનની ભક્તિ કર્યાથી હે વર્ણિન્દ્ર ! મુક્તિ વગર ઇચ્છાએ ચાલી આવે છે. જેમ સ્થળમાં સર્વ જળ આવીને રહે છે પણ તે વિના કોટી ઉપાયે કોઇ જન જળ રાખવાનું કરે પણ સ્થળ વિના જળ રહી શકતું નથી, તેવી રીતે મોક્ષરૂપી સુખ તે હરિની ભક્તિ વિના રહી શકતું નથી. માટે ભગવાનના ભક્તો ભગવાનની ભક્તિનો મહિમા જાણીને અને ચતુર્ધા મુક્તિનો ત્યાગ કરીને ભાવે સહિત ભક્તિ કરે છે. હે વર્ણિન્દ્ર ! વિના પ્રયત્ને અને વિના પ્રયાસે ભગવાનની ભક્તિ કર્યાથી અવિદ્યાનો નાશ થાય છે. માટે તમારે સદાય ભક્તિ કરવી. અને મહામુક્તજનો પણ કહે છે જે, પ્રગટ ભગવાનની ભક્તિ કર્યા વિના ક્યારેય જન્મ-મૃત્યુનો કલેશ નથી ટળતો. અને સંત પુરુષના સંગ વિના ભગવાનની મોટપ ક્યારેય જીવમાં જણાતી નથી.

અને તે મોટપ જાણ્યા વિના ભગવાનનો વિશ્વાસ નથી આવતો અને વિશ્વાસ વિના ભગવાનનો ભક્ત પણ નથી થઇ શકતો. તેથી તેના હૃદયને વિષે ભક્તિ પણ પ્રવેશ નથી કરતી. જેમ ચીકાશ ઉપર જલ પ્રવેશ કરતું નથી તેમ સદ્‌ગુરુ વિના જ્ઞાન પણ થતું નથી અને જ્ઞાન વિના ભગવાનનું ભજન પણ નથી થતું, અને ભજન વિના ભગવાન પણ પ્રસન્ન થતા નથી. અને ભગવાન પ્રસન્ન થયા વિના સુખ ક્યાંથી મળે ? ન જ મળે. માટે મનમાં અતિશય ઉમંગ લાવીને સુખમાત્રનું મૂળ સત્સંગ છે એમ સદ્‌ગુરુનો વિશ્વાસ રાખીને તથા કુતર્કનો ત્યાગ કરીને ભગવાનને ભજવા. અને ભગવાનના ચરણારવિંદમાં નમસ્કાર કરીને વારંવાર વરદાન માગીએ જે, હે ભગવાન્‌ ! મને સદ્‌ગુરુનો સંગ તથા તમારી એકાન્તિકી ભક્તિ આપો. હે મુકુંદ બ્રહ્મચારી ! તમે મને પૂછ્યું હતું જે, ભક્તિના ભેદ કહો તે મેં અતિ સ્નેહે કરીને તમને સંભળાવ્યા છે.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે જે પુરુષોત્તમગીતા તેમાં નિષ્કામ ભક્તનાં લક્ષણ તથા ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ ભક્તિના ભેદો કહ્યા એ નામે બારમો અધ્યાય.૧૨ સળંગ અધ્યાય. ૫૨