૧ર રસ્તામાં બધાને સુખડી ખવડાવી, ખાખી બાવાઓ જમ્યા નહીં તે સંતો હરિ-ભક્તોને જમાડ્યું.

Submitted by swaminarayanworld on Tue, 03/05/2016 - 7:48pm

અધ્યાય-૧૨

એક દિવસે ગામ માનકુવે શ્રીહરિ રાત દોઢ પહોર જ્યારે ગઈ ત્યારે સુતાર નાથાને ઘેર વિરાજમાન થયા હતા. તે સમયે વિપ્ર શામજીને પૂછ્યું જે, તમારે ઘેર પશુ કેટલાં છે ? ત્યારે વિપ્ર બોલ્યો જે, મારે ઘેર પશુ ઘણાં છે. એક ઊંટ પણ છે. ત્યારે શ્રીહરિ રાજી થયા અને કહ્યું જે, તમે અમારું વચન માનશો? ત્યારે વિપ્રે કહ્યું, જેમ તમો કહેશો તેમ કરીશ. ત્યારે શ્રીહરિએ આજ્ઞા કરી જે, તમારો ઊંટ પ્રભાતે તૈયાર કરીને લાવો. આપણે આધોઈ જાવું છે. તે શ્રીહરિનું વચન સાંભળીને અદોભાઈ આદિક હરિભક્તો સર્વે વિપ્ર શામજી ઉપર ગુસ્સે થયા. ત્યારે શામજીએ મનમાં વિચારીને શ્રીહરિને વિનંતી કરી જે, જેમ હું તમારું વચન માનું છું, તેમ તમે આ ગરીબનું વચન માનશો કે નહિ માનો? ત્યારે શ્રીહરિએ કહ્યું જે, માનશું. વિપ્ર કહે, ગામ આધોઈએ તમારા ભેળા ઊંટને લઈને ચાલું, પણ પાછા માનકુવે તમને તેડી લાવું, એ વચન મારું નહિ માનો તો હું આધોઈમાં બળી મરું. ત્યારે શ્રીહરિએ કહ્યું જે, બહુ સારું. પાછા આવીશું. પછી શ્રીજીમહારાજે સર્વે સત્સંગીઓને આજ્ઞા આપી જે, તમો તમારે ઘેર જાઓ અને સૂઈ રહો. એમ કહીને પછી પોતે પણ પોઢ્યા. અને વહેલા રાત્રી ચાર ઘડી રહી ત્યારે ઊઠ્યા અને મોજડીઓ પહેરી શ્રીહરિ ભુજને માર્ગે રવાના થયા.

તે સમયે સુતાર નારાયણજી પાસે હતા તે પણ શ્રીહરિની સાથે ચાલ્યા. તે વખતે હરખબાઈ તથા જાનબાઈ તે પણ સાથે ચાલ્યાં. બીજાં તો સર્વે સૂઈ રહ્યાં હતાં. પછી ગામ બહાર નીકળીને શ્રીહરિ બહુ ઉતાવળે ચાલવા લાગ્યા. અને પછવાડે નારાયણજી તથા બે બાઈઓ શ્રીહરિની પાછળ દોડી દોડીને થાકી ગયાં. તે સમયે એક મુસલમાન શાકની ગાંસડી ઉપાડીને સામો આવતો હતો. તે મહારાજને જોઈને બોલ્યો જે, આગળ ચાલ્યા જાય છે તે કોઈક મોટા પુરુષ છે. એવી રીતની શ્રીજીની ચાલ જોઈને મુસલમાનની ભાષામાં બોલ્યો. તેને સાંભળીને શ્રીહરિએ સુતાર નારાયણજીને પૂછ્યું જે, એ મુસલમાન શું બોલ્યો? ત્યારે સુતાર નારાયણજીએ કહ્યું જે, હે મહારાજ! એ મુસલમાને કહ્યું જે, આ આગળ ચાલ્યા જાય છે તે ભગવાન છે. એટલી મારી પાસે પરીક્ષા છે. પછી શ્રીહરિએ તે સાંભળીને કહ્યું જે, એ મુસલમાન ડાહ્યો દેખાય છે.

એમ કહીને ચાલ્યા તે શિવજીના ઓટા ઉપર બેઠા. ને ત્યાંથી ચાલ્યા તે દિવસ ઊગ્યો ત્યારે ડુંગર નાગથડો આવ્યો ત્યાં બેઠા. પછી પાછળથી સાધુ તથા પાળા પણ આવ્યા. ત્યારે શ્રીહરિએ કહ્યું જે, પાણી લાવો. બહિર્ભૂમિ જાવું છે. ત્યારે પાસે જે સેવક હતા તેમણે પાણીનો લોટો ભરીને આપ્યો. તેને લઈને તે ડુંગર ઉપર ચડ્યા ને ઘણી વાર સુધી તે ડુંગર ઉપર બેસી રહ્યા અને પછી હેઠા ઉતર્યા, ત્યારે હરિભક્તે ધાબડીનું આસન આપ્યું તે ઉપર બિરાજમાન થયા. પછી હાથપગ ધોયા ને તળાવમાં સ્નાન કર્યું. ત્યાં વિપ્ર શામજી ઊંટ લઈને આવ્યો ને ઠાકોર અદાભાઈ ઘોડી લઈને આવ્યા. પછી શ્રીહરિને ઠાકોર અદાભાઈએ બહુ વિનંતી કરી જે, હે મહારાજ! તમો ઘોડી ઉપર બિરાજો. ને જ્યાં તમો કહો ત્યાં સાથે આવીયે, એમ બે-ત્રણ વાર વિનંતી કરી. પછી શ્રીહરિ તો અદાભાઈના ઉપર બહુ ખીજ્યા. ને કહ્યું જે, અમે તમારા ચાકર નથી ને શિષ્ય પણ નથી, જે અમો તમારાં વચન માનીયે. ત્યારે ઠાકોર અદાભાઈને આંખમાં પાણી આવ્યાં, ને નિરાશ થઈને એક બાજુ ઊભા રહ્યા. પછી શ્રીહરિ ઊઠ્યા અને શ્વેત ધોતીયું પહેર્યું તથા ચાદર ઓઢીને ઉઘાડે મસ્તકે ચાલતાં વિપ્ર શામજીને કહ્યું જે, અમે તો ઊંટ ઉપર આગળ બેસશું. એમ બે-ત્રણ વાર કહ્યું. ત્યારે વિપ્રે કહ્યું જે, હે મહારાજ! આગળ બેસાય તેવું નથી. છતાં તે વાત શ્રીહરિએ ન માની. પછી વિપ્રે કહ્યું જે, અજાણ્યો માણસ જો આગળ બેસે તો એમને ઊંટ કરડે છે. પછી શ્રીહરિએ કહ્યું જે, તમો આગળ બેસો અને અમે વાંસે બેસશું. એમ કહીને ઊંટ ઉપર બેઠા. અને શામજીએ ઊંટને ચલાવ્યો. ત્યારે ઠાકોર અદાભાઈએ સુતાર નારાયણજીને કહ્યું જે, તમે ભેળા આવો તો આપણે કાંઈક વાત કરીએ. ને પહોંચીયે.

પછી નારાયણજીને ઘોડી ઉપર ભેળા બેસાર્યા. અને શ્રીહરિએ ઊંટને ઉતાવળો ચલાવ્યો ને કહ્યું જે, આ તો ઊંટ બહુ સારો ચાલે છે. હજી ઊંટને દોડાવો. ત્યારે વિપ્રે એકદમ ઊંટને દોડાવ્યો. ત્યારે કહ્યું જે, ભુજ સુધી એમને એમ ચાલવા દ્યો. પછી અદાભાઈ તથા નારાયણજીભાઈ બન્ને વાંસે ઘોડીને દોડાવતા દોડાવતા ભુજનગર આવ્યા. ત્યાં મહારાઓ શ્રી લખપતજીની છતરી પાસે આવીને શામજીએ શ્રીહરિની આજ્ઞાથી ઊંટને બેસાડ્યો ને શ્રીહરિ લઘુશંકા કરવા પધાર્યા. પાછા આવીને ઊભા રહ્યા ત્યારે અદાભાઈએ હાથ જોડીને વિનંતી કરી જે, હે મહારાજ! હવે ઘોડીએ બિરાજો તો સારું. એમ બે-ત્રણ વાર કહ્યું. ત્યારે શ્રીહરિ કહે અમે આધોઈ નહિ જાઈએ. અને અમારે ભુજમાં પણ નથી જાવું, અમને તો સિંધ જાવું છે. એમ કહીને સિંધને રસ્તે ચાલતા થયા. ત્યારે ઠાકોર અદાભાઈએ વિનંતી કરીને કહ્યું જે, મને શી આજ્ઞા કરો છો? ત્યારે તેમને શ્રીહરિ કહે જે, તમો અહીંથી ઉગમણા ચાલ્યા જાઓ, ત્યારે તે પગપાળા રવાના થયા. વિપ્ર શામજી પાસે ઊંટ હતો. નારાયણજી પાસે ઘોડી હતી. તે બન્ને જણા એમને એમ ઊભા થઈ રહ્યા, અને ઉદાસ થઈને રોવા લાગ્યા. પછી શ્રીહરિએ એક ખેતર ચાલીને પાછું ફરીને જોયું ત્યારે તેમને રોતા જોઈને શ્રીહરિને દયા આવી એટલે પાછા આવીને અદાભાઈને પાછા બોલાવીને ઘોડીએ સ્વાર થયા ને સુતાર નારાયણજી ઊંટ પર બેઠા.

પછી ચાલ્યા તે મહાદેવના દરવાજા પાસે સતીની છત્રી છે તે ઉપર આથમણે મુખારવિંદે ઢીંચણ બાંધીને વિરાજમાન થયા. ત્યારે અદાભાઈને શ્રીહરિએ કહ્યું જે, તમે ભૂખ્યા થયા હશો. ત્યારે અદાભાઈએ કહ્યું જે, ભૂખ નથી લાગી. છતાં પણ શ્રીહરિએ વિપ્રને પૂછ્યું જે, કાંઈ તમારી પાસે સુખડી છે? ત્યારે વિપ્રે કહ્યું જે, એક માટલી સુખડી છે. ત્યારે શ્રીહરિએ કહ્યું જે, તે અમારી પાસે લાવો, ને અદાભાઈને કહ્યું જે, સુખડી જમી લ્યો. ત્યારે તેમણે કહ્યું જે, હજી મેં દાતણ પણ કર્યું નથી, તે કેમ જમાય? ત્યારે શ્રીહરિ કહે, આપણને રાત્રીયે નથી ને દિવસ પણ નથી, કારણ કે આપણે તો આત્મારૂપ છીએ. એમ કહીને પોતે માટલીમાં હાથ નાખીને સુખડી કાઢીને ઠાકોરના મોઢામાં મેલી. પછી અદાભાઈએ નારાણજીને સાન કરી જે તમો હીરજીભાઈ સુતારને શ્રીહરિના સમાચાર આપો.

ત્યારે તેણે તત્કાળ ત્યાં જઈને કહ્યું જે, મહારાજ મહાદેવના દરવાજા આગળ છત્રીના ઓટા ઉપર વિરાજમાન છે. આવા સમાચાર સાંભળતાં વેંત જ તે બન્ને ભાઈ જમતા હતા તે જમવું પડ્યું મેલીને હાથ ધોઈ અને પાણી પીને લૂગડાં પહેરીને ઉતાવળા આવીને શ્રીહરિને દંડવત્‌ પ્રણામ કરવા લાગ્યા. ત્યારે શ્રીહરિ મુખારવિંદ આડો રૂમાલ દઈને મંદ મંદ હસવા લાગ્યા. તેને જોઈને સુંદરજી સુતાર વિનંતી કરવા લાગ્યા જે, આવા ભગવાન તો કોઈ દહાડો સાંભળ્યા નથી, જે પરબારા દર્શન દીધા વિના છાનામાના એમને એમ ચાલ્યા જાય. એવાં કામ કરવાં તે ઠીક નહિ. એમ કહીને પછી બાથ લઈને મળ્યા. અને શ્રીહરિએ કહ્યું જે, અમો તો કયાંય જાતા નથી. ત્યારે સુંદરજી સુતારે શ્રીજીમહારાજને પોતાને ઘેર પધરામણી કરાવી. પછી મહારાજે કહ્યું જે, આ કામ સર્વે નારાયણજીનાં છે. પછી સુતાર સુંદરજીએ પોતાને ઘેર થાળ કરાવ્યો ને શ્રીહરિને રૂડી રીતે જમાડ્યા. સાધુ, પાળા તથા સત્સંગીઓ તેને પણ જમાડ્યા. પછી શ્રીહરિને ઢોલિયો ઢળાવીને તે પર ગાદી તકીયા નંખાવીને વિરાજમાન કર્યા. એમ અનેકવાર સુંદરજી સુતાર તથા હીરજી સુતારને ઘેર નિરંતર રહેતા.

પછી સુતાર ભગવાનજીએ પોતાને ઘેર રસોઈ કરાવીને શ્રીજી મહારાજને સંતો તથા પાર્ષદો સહિત જમાડ્યા. એમ ભુજમાં અનેક લીલાઓ કરી છે. પછી શ્રીહરિએ ભગવાનજીને કહ્યું કે, તમારું દ્રવ્ય છે તે આસુરી છે. તે અમારે અર્થે તથા સંતોને અર્થે વાપરી નાખજો. અને મહેતા શીવરામભાઈ તથા હરજીવનભાઈ તથા લાધીબાઈ તેઓ સર્વેએ પોતાને ઘેર રસોઈ કરાવીને શ્રીહરિને વારંવાર જમાડીને આનંદ પમાડ્યા. અને શ્રીજી મહારાજ ભુજમાં જેટલા દિવસ રહેતા તેટલા દિવસ તે લાધીબાઈને ઘેર દયા કરીને નિત્ય એક વખત દર્શન દેવા પધારતા. અને જેઠી ગંગારામ પણ પોતાને ઘેર રસોઈ કરાવીને શ્રીહરિને પાર્ષદો સહિત જમાડીને અતિ પ્રસન્ન કરતા. જેઠી ખીમજી તથા ઠક્કર ઉકાભાઈ, તથા બીજા ઉકોભાઈ ઠક્કર, ઠક્કર સેજપાલ તથા કોઠારી વલ્લભજી તથા બ્રાહ્મણ નાનીબાઈ તથા ગોર ભવાનીદાસ તથા સોની ભોજો તથા સોની હરચંદ તથા સોની તેજપાલ તથા સોની ભગવાન એ સર્વે હરિભક્તો પોત પોતાને ઘેર રસોઈ કરાવીને શ્રીહરિને સંત-પાર્ષદ સહિત જમાડતા. અને તેવી જ રીતે સારસ્વત વીરજી તથા સારસ્વત અખઈ તથા રાજગોર મુળજી તથા રાજગોર વાગજી તથા બીજા વાગજી તથા રાજગોર જીવરામ તથા સુતાર રામજી તે સર્વેએ પોત પોતાને ઘેર સુંદર રસોઈઓ કરાવીને શ્રીહરિને સંત-પાર્ષદોએ સહિત જમાડીને ચંદન, પુષ્પ વગેરે ઉપચારોથી પૂજા કરીને અતિ પ્રસન્ન કરેલા છે. અને રાજગોર શંકરજીએ પણ એવી જ રીતે જમાડીને પ્રસન્ન કર્યા છે.

એક દિવસ શંકરજીએ કહ્યું જે, હે મહારાજ! સાધુને જમવા સારુ રસોઈ તૈયાર થઈ રહી છે. માટે સાધુને જમવા બોલાવો. અને આજે સાધુ જમતાં જમતાં કોઈ પાણી ન નાખે એમ આજ્ઞા કરો. ત્યારે શ્રીહરિએ સંતોને કહ્યું જે, તમે તમારો ધર્મ સાચવજો. પછી સંતો જમ્યા અને ભટ્ટ માધવજી તથા ભટ્ટ મહીદાસ તથા ભટ્ટ વિશ્વેશ્વર તથા દવે ઈશ્વર એ સર્વે હરિભક્તોએ પોતે પોતાને ઘેર રસોઈ કરાવીને સંતો તથા પાર્ષદોએ સહિત શ્રીહરિને જમાડીને પ્રસન્ન કર્યા.

અને શ્રીહરિ ભુજનગરને વિષે જયાં સુધી રહ્યા હતા ત્યાં સુધી નિત્ય હમીરસર તળાવમાં સ્નાન કરવા પધારતા. તે પાટવાડીને દરવાજે થઈને આપણા બાગનો ઉગમણો દરવાજો હતો ત્યાંથી બાગ વચ્ચેથી માર્ગ હતો ત્યાંથી ચાલીને ઓગન ઉપર થઈને દક્ષિણાદો એક વડ હતો ત્યાં નિત્ય શ્રીહરિ નાહવા પધારતા. એક દિવસે તે વડ નીચે ખાખીબાવા ઉતર્યા હતા. ત્યારે શ્રીહરિએ નાહીને તે ખાખીને પૂછ્યું જે, મહાપુરુષો! કાંઈ જમશો? ત્યારે ખાખી બોલ્યા જે, આપની ઈચ્છા. ત્યારે શ્રીહરિએ ગંગારામ આદિક સત્સંગીઓને કહ્યું જે, વીશ-પચીસ માણસ જમે તેટલી જલેબી અને સાટા દુકાનેથી લાવો તો આપણે આ ખાખીને જમાડીએ, એમ કહીને ગંગારામને ઘેર પધાર્યા. ત્યારે જેઠી ગંગારામ ને ઠક્કર ભગવાનજી એ બન્ને જણા બજારમાંથી જલેબી અને સાટા લઈ આવ્યા ને શ્રીહરિની આગળ મૂક્યા. ત્યારે તેમણે કહ્યું જે, ખાખી બાવાની પાસે લઈ ચાલો. પછી તે વડ હેઠે ગયા. જેઠી ગંગારામે શ્રીહરિને ગાલીચો પાથરી આપ્યો તે ઉપર મહારાજ વિરાજમાન થયા. અને ખાખીઓને કહ્યું જે, આવો, જમો. ત્યારે ખાખીઓએ કહ્યું જે, તમો જીવનમુક્તા છો? ને સ્વામિનારાયણ છો? ત્યારે શ્રીહરિએ કહ્યું, હા અમે જીવનમુક્તા છીએ. તે વખતે ખાખીઓએ કહ્યું જે, અમે તમારું નહિ જમીએ. ત્યારે શ્રીહરિએ કહ્યું જે, પહેલાં તમે હા કહી હતી અને હવે કેમ ના પાડો છો? ત્યારે ખાખીઓએ કહ્યું જે, પહેલાં તમને ઓળખ્યા ન હતા. અને હવે ઓળખ્યા, તે નહિ જમીએ. ત્યારે શ્રીહરિએ ગંગારામને કહ્યું, ચાલો પાછા. પછી તેઓને ઘેર પધાર્યા.

પછી શ્રીહરિએ ગંગારામને કહ્યું જે, તમે બધા જેઠી ભેળા થઈને આ પકવાન જમી જાઓ. ત્યારે તેમણે કહ્યું જે, જેઠી નથુના ઘરને આંગણે આવીને આપ વિરાજમાન થાઓ. અને અમે કુસ્તી કરીએ અને પછી જમીએ. ત્યારે શ્રીહરિએ કહ્યું જે, બહુ સારું તમો દૂધ-સાકર ને ચોખા તૈયાર કરો. પછી કુસ્તી કરો. એમ કહીને પોતે સુંદર ઢોલિયા ઉપર વિરાજમાન થયા. ને મલ્લો કુસ્તી કરવા લાગ્યા. ને કુસ્તી કરીને શ્રીહરિને સારી પેઠે પ્રસન્ન કર્યા. પછી શ્રીહરિએ કહ્યું જે, હવે દૂધ, સાકર, જલેબી વિગેરે જમો. ત્યારે તેમણે કહ્યું જે, હે મહારાજ! તમે પ્રસાદીનું કરી આપો, પછી અમે જમીએ. પછી તેને પ્રસાદી કરીને આપ્યું, ને ખૂબ સારી પેઠે જમાડ્યા. અને ત્યાંથી ઊઠીને ગંગારામને ઘેર પધાર્યા. પછી શ્રીહરિએ ભુજથી માનકુવે જવાની ઈચ્છા કરી.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે ભુજમાં શ્રીહરિને શંકરજીએ પોતાને ઘેર સંતો-પાર્ષદો સહિત જમાડ્યા અને પછી ત્યાંથી માનકૂવે પધાર્યા એ નામે બારમો અધ્યાય. ૧૨