૩. અયોધ્યામાં મલ્લોને મહાત કર્યા, ભક્તિમાતાને ઉપદેશ, તમે નો મંદવાડ ને અંતર્ધાન થવું, ઘનશ્યામ નીલકંઠ વેશે ઘર છોડી ચાલી નીકળ્યા, ઉત્તર દીશે વર્ણિવેશે ચાલ્યા, મક્તનાથ, પુલહાશ્રમમાં તપ, ગોપાલયોગી પાસે રહ્યા, ત્યાંથી ફરતા લોજમાં આવ્યા.

Submitted by swaminarayanworld on Tue, 03/05/2016 - 3:14pm

અધ્યાય-૩

 

શ્રી ઘનશ્યામની બાળલીલાનું સવિસ્તૃત વર્ણન સંસ્કૃત ગ્રંથો સત્સંગિભૂષણ તથા હરિકૃષ્ણલીલામૃત, હરિદિગ્વિજય, સત્સંગિજીવન તથા પ્રાકૃત ગ્રંથો જેવા કે બાળચરિત્ર, ઘનશ્યામલીલામૃતસાગર, ભક્તચિંતામણી વિગેરે ગ્રંથોમાં આપેલ છે. જીજ્ઞાસુ જનોએ તેમાંથી જાણી લેવું. શ્રીજી મહારાજનું ઘનશ્યામ એવું નામ પણ છે. તેમનાં માતાપિતાએ તે હુલામણનું નામ હરિકૃષ્ણના નામને મળતું આપ્યું છે. શ્રીજી મહારાજના મોટાભાઈ રામપ્રતાપજી શ્રીહરિથી અઢારેક વર્ષ મોટા હતા અને શ્રીજી મહારાજથી ત્રણ-ચાર વર્ષ નાના એક બીજા ભાઈ પણ હતા. તેમનું નામ ઈચ્છારામ હતું, આ બન્ને ભાઈઓએ શ્રીહરિએ બાલ્યાવસ્થામાં જે જે લીલાઓ કરી છે તેમાં સંપૂર્ણ ભાગ લીધો હતો. તેનું વર્ણન પણ ઉપરોક્ત ગ્રંથોમાં સવિસ્તર આપેલ છે.

કાલિદત્ત અસુર વગેરેના ઉપદ્રવો છપૈયામાં બહુ જ થવા લાગ્યા, ત્યારે હરિપ્રસાદજી તે અસુરોપદ્રવના કારણે છપૈયા ગામનો ત્યાગ કરીને સપરિવાર અયોધ્યા ગયા. અને ત્યાં બરહટા શાખાનગરમાં રહેવા લાગ્યા. શ્રીઘનશ્યામ મહારાજ જયારે પાંચ વર્ષના થયા ત્યારે હરિપ્રસાદજીએ પોતાના પુત્રને વિદ્યાભ્યાસ શરૂ કરાવ્યો. થોડા સમયમાં શ્રીહરિ બધી વિદ્યાઓને ભણી ગયા અને આઠમે વર્ષે ધર્મદેવે ઘણી જ ધામધૂમથી શ્રીહરિને યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યો. ત્યાર પછી શ્રીઘનશ્યામ મહારાજ નૈષ્ઠિક બ્રહ્મચારીના ધર્મોનું પાલન કરતા થકા વેદાધ્યયન કરવા લાગ્યા. ઘનશ્યામ મહારાજ સવારમાં વહેલા સ્નાનાદિક ક્રિયાથી પરવારી માતાપિતાને પગે લાગીને દેવમંદિરમાં દર્શન કરવા જતા. માર્ગમાં આંબલીઓનું ઝુંડ હતું. તે નીચે મલ્લોનો અખાડો હતો. અને આખો દિવસ તે મલ્લો ત્યાં પડ્યા રહેતા. ઘનશ્યામ મહારાજ દરરોજ અહીંથી પસાર થતા. મલ્લોને તે રુચ્યું નહિ, અને તેઓએ ઘનશ્યામ મહારાજને ત્યાંથી પસાર થવાની મનાઈ કરી. હનુમાનજીની જગ્યામાં હરિદાસ નામના એક વૈરાગી હતા. તેને મહારાજની મૂર્તિ જોઈને મહારાજની સંગાથે ઘણું હેત થયું હતું. ઘનશ્યામ મહારાજે તેની આગળ મલ્લોની વાત કરી જે, અમારે આ હનુમાનગઢીના હનુમાનજીનાં દર્શન કરવાની નિયમ છે. તેમનાં દર્શન કરીને જ જમવું; પણ દર્શન કર્યા વગર ન જમવું, અને મલ્લો અહીં આવવાની મનાઈ કરે છે. પણ અમો તો આવ્યા વગર રહીશું નહિ. માટે મલ્લોને તમો સમજાવો. તેથી તે હરિદાસ ઘનશ્યામ મહારાજની સાથે મલ્લો પાસે ગયો, અને મલ્લોને સમજાવ્યા ત્યારે તે મલ્લોએ કહ્યું જે, “એ બાળક અહીંથી પસાર થાય છે ત્યારે છાતી કાઢીને અમારી સામે ખભાને થાપી મારીને ચાલે છે, એટલે અમો તેમને એમ કરવાની મનાઇ કરીએ છીએ. આમ વાતચીત થતાં ઘનશ્યામ મહારાજે કહ્યું જે, ‘‘તમારામાં મોટોમાં મોટો મલ્લ હોય તેને મારી સામે ઊભો કરો. અમે તેની સાથે કુસ્તી કરશું અને કુસ્તી કરતાં જો અમો હારી જઇશું તો અહીંથી પસાર નહિં થઇએ, અને જીતશું તો પસાર થઇશું અને ઊભા પણ રહીશું અને ખભાને થાપી પણ મારશું. ત્યારે મલ્લોએ કહ્યું જે, ‘‘જો અમારી સામે આવીને તમો ખભાને થાપી મારશો તો અમે તમોને મારશું ને ત્યારે તમો રોશો, તે આ સર્વે મનુષ્યો જોશે.’’ ત્યારે ઘનશ્યામજીએ કહ્યું જે, અમે તો કાંઇ રોઇએ તેવા નથી. ને તમે બધા રોશો ને તમોને મારી સાથે લડવાની હિંમત હોય તો આવો લડિયે, આ મનુષ્યો સર્વે ઊભાં છે, તે સાથે શાહેદો છે. તમારામાં જે બળિયો અને મોટો હોય તે અમારી સાથે લડે. ને જો તે મલ્લ અમને મારે તો આ સર્વે શાહેદો છે તે એ મલ્લને કંઇ પણ ન કહે અને જો એ મલ્લને અમે પાડીયે તો અમને પણ તેઓ કાંઇ પણ ન કહે. પછી મલ્લોએ કહ્યું જે, આ ઘનશ્યામજી બોલ્યા તે અમારે માન્ય છે અને આ સર્વ મનુષ્ય સાંભળે છે. ત્યારે જે શાહેદો હતા તેમણે કહ્યું જે, એ ઠીક વાત છે, હવે ભલે મલ્લકુસ્તી કરો. પછી જે સહુથી બળિયો મલ્લ હતો તે ઘનશ્યામ મહારાજની સાથે કુસ્તી કરવા આવ્યો, તે ઘનશ્યામજીએ તે મલ્લને અઢી ઘડી સુધી રમાડ્યો, પછીથી કેસરી સિંહ જેમ મોટા હસ્તીને મારી નાખે તેમ મલ્લને મરણતુલ્ય કરી નાખ્યો એટલે બીજા મલ્લો ઘનશ્યામ મહારાજને મારવા સારુ તૈયાર થયા અને કહેવા લાગ્યા જે, અમારા મલ્લને મરણતુલ્ય કરી દીધો, માટે અમો હવે ઘનશ્યામજીને મારશું. ત્યારે જે શાહેદી મનુષ્યો હતાં તેમણે કહ્યું જે, છેટે ઊભા રહો, કારણકે અમો બધાને શાહેદી રાખ્યા છે. તો હવે ઘનશ્યામજીને કોણ મારનાર છે ? કોઇ પણ મારી શકશો નહી. હવે વધુ કંઇ બોલશો તો, જુઠા પડશો. પછી ઘનશ્યામ મહારાજ બોલ્યા જે, જો મલ્લોને હજુ લડવું હોય તો અમો તૈયાર ઊભા છીએ, એક એક મલ્લ આવીને ભલે મારી સાથે લડે. ત્યારે મલ્લો તૈયાર થયા. તે સમયે જે મનુષ્ય શાહેદી હતા તે કહેવા લાગ્યા જે, તમારો જે બળિયામાં બળિયો મલ્લ હતો તેને તો ઘનશ્યામજીએ લીલામાત્રમાં મરણતુલ્ય કરી દીધો અને વળી તમો લડવા તૈયાર થયા છો તે શું મરનારા થયા છો ? કારણકે ઘનશ્યામજી અતિ બળિયા છે. માટે લડશો તો તમારી પણ પ્રથમ મલ્લના જેવી દશા થશે. માટે તમો જીવવાને ઇચ્છતા હો તો, મરણતુલ્ય થઇ ગયેલા તે મલ્લને લઇને ઘેર ચાલ્યા જાઓ. આવું સાંભળીને બધા મલ્લો પોતાને ઘેર ભાગી ગયા. ત્યાર પછી જે મનુષ્યો શાહેદી હતાં તે તથા બીજાં મનુષ્યો જે જોવા ઊભાં હતાં તે સર્વે પરસ્પર કહેવા લાગ્યાં જે, મલ્લયુધ્ધ તો ઘણાં જોયાં છે, પણ આજે ઘનશ્યામજીએ જે મલ્લયુધ્ધ કર્યું તે તો પરમ આશ્ચર્યકારી છે. આઠ વર્ષના ઘનશ્યામજીએ પાંત્રીસ વર્ષના વજ્રકાય યુવાન યોધ્ધાને રમતમાત્રમાં મરણતુલ્ય કરી દીધો. માટે આ ઘનશ્યામજી બીજા મનુષ્ય જેવા મનુષ્યબાલ નથી, પરંતુ એ તો ચમત્કારી મૂર્તિ છે. જેમ અગિયાર વર્ષના શ્રીકૃષ્ણ ભગવાને ચાણુરાદિક મલ્લોને તથા કુવલયાપીડ હસ્તીને, તેમજ કંસ આદિકોને મારી નાખ્યા હતા, તેના જેવું આ ઘનશ્યામજીનું પરાક્રમ છે, તે જોતાં આ ઘનશ્યામજી ભગવાન છે. એમ બોલીને તે સર્વેએ ઘનશ્યામ મહારાજને વિષે ભગવાનપણાનો નિશ્ચય કર્યો. ઘનશ્યામ મહારાજ જ્યારે ઘેર ગયા ત્યારે ધર્મદેવે પૂછ્યું જે, આજ મોડા કેમ આવ્યા ? ત્યારે ઘનશ્યામ મહારાજે પોતાની સાથે મલ્લોનું યુધ્ધ થયું હતું તે વાત સવિસ્તાર કહી સંભળાવી. ત્યારે ધર્મદેવ બોલ્યા જે, હે પુત્ર ! તમો નાના છો અને મોટા મોટા મલ્લો સાથે યુધ્ધ કરવા જાઓ છો, તે સારું નથી કરતા, કેમ જે તમોને એમ કરતાં કંઇક થાય તો તેને સાંભળીને અમને બહુ દુઃખ થાય. માટે હવેથી તેમ ન કરશો. ત્યારે ઘનશ્યામજી બોલ્યા જે, નાના મોટાનો કંઇ મેળ નથી, અને જેમ ભગવાને ધાર્યું હોય તેમ થાય. એમ કહીને પછી પોતાના પિતા તથા ભાઇની સાથે બેસીને જમવા લાગ્યા. જમી લીધા પછી શ્રીઘનશ્યામ મહારાજે માતા તથા પિતાને હેત ભર્યા શબ્દોથી શાંત પમાડ્યાં.

પછી ઘનશ્યામ મહારાજ દરરોજ પોતાના પિતાની સાથે બેસીને પિતા પાસેથી વેદ, શાસ્ત્ર, પુરાણ અને ઇતિહાસ, ધર્મશાસ્ત્ર વગેરે ગ્રંથોનું શ્રવણ કરવા લાગ્યા. તેમજ તેમનું અધ્યયન પણ યથાર્થ રીતે કર્યું. પછીથી એ સર્વ ગ્રંથોનું જે રહસ્ય (સિધ્ધાંત) તેને યથાર્થ જાણીને તે સર્વનો સાર, પોતાની અતર્ક્ય-બુધ્ધિથી કાઢ્યો. તેમાં શ્રીમદ્‌ ભાગવત પુરાણમાંથી તો પંચમસ્કંધ અને દશમસ્કંધ રૂપ સાર કાઢ્યો. તથા સ્કંદ પુરાણ થકી વાસુદેવમાહાત્મ્ય નામનો સાર કાઢ્યો. તેમજ સમગ્ર ધર્મશાસ્ત્રોમાંથી યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ એ સાર કાઢ્યો. તથા ઇતિહાસ જે મહાભારત તે થકી તો વિદુરનીતિ અને શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા તથા વિષ્ણુ સહસ્રનામ, એ સાર કાઢ્યો, અને તે ચાર સારનો ગુટકો લખાવીને, પોતા પાસે રાખ્યો. તેનું નિત્ય યથાવકાશે પોતે વાંચન કરતા. પછીથી શ્રી ઘનશ્યામ મહારાજને જન્મથી આરંભી અગિયાર વર્ષ જ્યારે થયાં, ત્યારે તેમનાં માતુશ્રી ભક્તિદેવીને તાવની કસર જણાણી. ઉપચારો કરતાં પણ આરામ ન થયો ત્યારે શ્રીહરિએ પોતાનાં માતુશ્રીને ચાર વર્ણ અને ચાર આશ્રમોના ધર્મોનું રહસ્ય સમજાવ્યું તેમજ આત્માના સ્વરૂપનું અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન પણ યથાર્થ રીતે વર્ણન કરીને સંભળાવ્યું તથા વૈરાગ્ય ઉત્પન્ન થવાનું કારણ આ લોકમાં પ્રાણીઓને કેટલાં દુઃખો જીવતાં થાય છે, તેમજ મર્યા પછી યમપુરીમાં પણ પ્રાણીઓને કેટલાં દુઃખો ભોગવવાં પડે છે, એ વિગેરેનું વર્ણન કરી રૂડી રીતે વૈરાગ્યનું સ્વરૂપ સમજાવ્યું. અને ભગવાનની નવ પ્રકારની ભક્તિનું પણ સારી રીતે નિરુપણ કરીને પ્રેમલક્ષણા ભક્તિનું સ્વરૂપ સમજાવ્યું. ત્યારપછી ધર્માદિક ત્રણ અંગે સહિત અને માહાત્મ્ય જ્ઞાને યુક્ત એવી જે ભગવાનની ભક્તિ, તે એકાંતિક ધર્મ કહેવાય છે, અને તે એકાંતિક ધર્મ ચોસઠ લક્ષણે યુક્ત એવા સંતો થકી અથવા ભગવાન થકી પ્રાપ્ત થાય છે, એમ કહીને સંતોનાં ચોસઠ લક્ષણો કહ્યાં, અને સંતોનુંમાહાત્મ્ય કહ્યું. અને એવા સંતોના સમાગમ કરવાથી મનુષ્યોને ચારે પ્રકારના પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે, એમ સમજાવીને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપીને સમાધિ કરાવી. અને સમાધિમાં પોતાનું અલૌકિક દિવ્ય દર્શન કરાવ્યું. પછીથી ભક્તિદેવી આ લોકમાંથી નિર્વાસનિક થયાં. અને પુત્રરૂપ ભગવાનમાં પોતાની વૃત્તિ જોડીને આ ભૌતિક શરીરનો ત્યાગ કરી દિવ્ય દેહે શ્રીહરિની સેવામાં રહ્યાં, અને દુર્વાસાના શાપથી સર્વ પ્રકારે મુક્ત થયાં. પછીથી કેટલાક માસ વીત્યા બાદ, ધર્મદેવને પણ તાવની કસર થઇ. ધીમે ધીમે તાવની કસર વધવા લાગી, ઉપચારો કરવા છતાં આરામ ન થયો. છેવટે ધર્મદેવનું શરીર બહુ જીર્ણ થયું, પોતાના પુત્રોને બોલાવીને શ્રીમદ્‌ ભાગવતની સપ્તાહ પારાયણના શ્રવણની ઇચ્છા દર્શાવી. ઇચ્છા મુજબ ભાગવતના સપ્તાહ પારાયણની ગોઠવણી થઇ. ધર્મદેવે સપ્તાહ પારાયણ પૂર્ણ રીતે સાંભળી. દિવસે કથા સાંભળતા અને રાત્રે ઉપશમમાં રહેતા. છેવટે પોતાના પુત્ર રામપ્રતાપજી અને ઇચ્છારામજીને બોલાવીને કહ્યું જે, ‘મેં તમોને જે શ્રીકૃષ્ણ ભગવાનનો મંત્ર કહ્યો છે, તથા આપણે જે રાધાકૃષ્ણદેવ ભગવાનની મૂર્તિનું પૂજન કરીએ છીએ તે જ ભગવાન આ મારા પુત્ર અને તમારા બન્નેના ભાઇ જે ઘનશ્યામ તે જ છે, એમ જાણજો. પછી ઘનશ્યામ મહારાજને પાસે બોલાવીને કહ્યું જે, તમો ઉદાસ ન થશો, અને જો ઉદાસ થાઓ તો, રામાનંદ સ્વામી પાસે જજો.’ આવી ભલામણ કરી. પછી શ્રી ઘનશ્યામ મહારાજે પોતાના સ્વરૂપનું દિવ્ય જ્ઞાન આપ્યું. ધર્મદેવે પણ પોતાના પુત્રરૂપ ભગવાનમાં વૃત્તિ જોડીને પોતાના ભૌતિક શરીરનો ત્યાગ કર્યો અને દિવ્ય દેહથી ભગવાનની સેવામાં રહ્યા. અને દુર્વાસાના શાપથી સર્વ પ્રકારે મુક્ત થયા. ત્યારપછી થોડો સમય વીત્યા બાદ શ્રીહરિ પોતાના સંબંધીઓને પૂછ્યા સિવાય નિત્ય સ્નાન કરવાના મિષથી પોતાના ઘરનો ત્યાગ કરી તીવ્ર વૈરાગ્યથી યુક્ત થકા, પોતે એકલા જ ઉત્તર દિશા તરફ તપ કરવા સારુ ચાલતા થયા. તે સમયે શ્રીહરિએ કટી પ્રદેશ પર બહિર્વાસે સહિત એક કૌપીન ધાર્યું હતું. અને કંઠને વિષે તુલસીનાં કાષ્ઠની બેવડી કંઠી ધારણ કરી હતી, લલાટમાં ચાંદલે સહિત ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરેલું હતું. તેમજ મસ્તક પર જટા ધારણ કરી હતી. વળી કેડને વિષે મુંજની મેખલાને ધારી હતી. હસ્તકમલને વિષે જપ કરવાની માળા, કમંડલુ અને ભિક્ષાપાત્ર તથા જલગરણું-એટલાં વાનાં ધારણ કર્યાં હતાં. અને શાલિગ્રામ ને બાલમુકુંદનો બટવો આ બે વસ્તુને ગળાને વિષે ધારણ કરેલ હતી. અને ચાર સારનો જે ગુટકો હતો તેને તો ખભાને વિષે ધારણ કરેલ હતો. આવા વેષને ધારી રહેલા નીલકંઠવર્ણી સરયૂ નદીને ઉતરીને ઉત્તર દિશા પ્રતિ ચાલ્યા.

આ પ્રમાણે તપશ્ચર્યા નિમિત્તે મહાવનમાં શ્રી નીલકંઠવર્ણી વિચરવા લાગ્યા. ચાલતાં ચાલતાં કેટલાક દિવસે હિમાલયની તળેટીમાં આવ્યા. ત્યાં એક ગામની પાદરે થોડે છેટે શ્રીહરિ બેઠા હતા તે સમયે તળાવમાં પાણી ભરવા માટે કેટલીક સ્ત્રીઓ આવી. શ્રીહરિને જોઇને તે બધી સ્ત્રીઓનાં મન શ્રીહરિની મૂર્તિમાં આકર્ષાઇ ગયાં. આશ્ચર્યને પામેલી સ્ત્રીઓએ શ્રીહરિને ઉદ્દેશીને અનેક તર્કો કર્યા. શ્રીહરિને વિનંતિ કરી જે, ગામમાં પધારો. ત્યારે શ્રીહરિ કંઇ ન બોલતાં ત્યાંથી ચાલી નીકળ્યા.

ચાલતાં ચાલતાં એક મોટું વન આવ્યું. તે વનમાંથી ચાલીને કેટલેક દિવસે હિમાલય પર્વતમાં આવ્યા. તે પર્વતને વિષે ચાલતાં ચાલતાં કેટલાક દિવસે મુક્તનાથ નામે વિષ્ણુભગવાનનું મંદિર હતું ત્યાં પુલહાશ્રમમાં (સપ્તર્ષિઓમાંના એક પુલહ નામના ઋષિનો આશ્રમ) આવીને તીવ્ર તપ કરવા લાગ્યા, અને તે તપે કરીને સૂર્યનારાયણને પ્રસન્ન કર્યા. ત્યાં કેટલાક માસ રહીને ત્યાંથી પાછા દક્ષિણ દિશા તરફ ચાલ્યા અને હિમાલયની તળેટીમાં ચાલતાં એક મોટું ઘોર વન આવ્યું તે વનમાં ચાર માસ સુધી રહ્યા. પછી શ્રીનીલકંઠવર્ણી એવા નામને ધારણ કરનારા શ્રીહરિએ તે વનમાં વડના વૃક્ષ નીચે બેઠેલા એક ગોપાળયોગી નામના તપસ્વીને જોયા. નીલકંઠવર્ણી તેમની પાસે આવ્યા, તેમણે શ્રીહરિનો સત્કાર કર્યો. શ્રીહરિ પછી તેમની પાસે રહીને અષ્ટાંગ યોગ શીખ્યા અને ત્યાં બાર માસ સુધી રહ્યા. શ્રીહરિએ તે યોગીને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપીને અક્ષરધામમાં મોકલ્યા. ત્યાંથી પોતે ઉત્તર દિશા તરફ ચાલ્યા તે આદિવરાહ નામના તીર્થક્ષેત્રમાં ગયા. ત્યાં આદિવરાહનાં દર્શન કરીને ચાલ્યા તે બંગાળ દેશમાં સિરપુર નામના શહેરમાં પધાર્યા. ત્યાંનો રાજા સિધ્ધવલ્લભ બહુજ ધાર્મિક હતો. તેમની પ્રાર્થનાથી શ્રી નીલકંઠવર્ણી તે સિરપુરમાં ચાતુર્માસ પર્યંત રહ્યા. તે શહેરમાં કાલી તથા ભૈરવના ઉપાસકો ઘણા હતા. તે સર્વેને સિધ્ધપણાનું ઘણુંજ અભિમાન હતું. શ્રીહરિએ તેમને પોતાનો ભારે પ્રતાપ બતાવીને તેમના મદને નષ્ટ કર્યો અને પોતાના સેવક બનેલા ગોપાલદાસ નામના સાધુની તે અસુરોના ત્રાસથી રક્ષા કરી. તે શહેરમાં વેદ, શાસ્ત્ર અને પુરાણના ભણેલા એક તૈલંગ દેશનો વિપ્ર શ્યામ વર્ણવાળો થઇ ગયો હતો, તે શ્રી નીલકંઠવર્ણીને શરણે આવ્યો જેથી શ્રીહરિએ તેને મંત્ર આપીને તત્કાળ ગૌરવર્ણવાળો કરી દીધો. તે જોઇને તે રાજા તથા સિધ્ધો બધા આશ્ચર્ય પામી ગયા અને તે બધા શ્રીહરિના આશ્રિત થયા. શ્રી હરિ ત્યાંથી તે સિધ્ધો સહિત ચાલ્યા તે કામાક્ષી દેવીના સમીપે એક ગામ હતું ત્યાં આવ્યા. તે ગામમાં પિબૈક નામે કોઇ એક બ્રાહ્મણ મહાકાળીનો ઉપાસક હતો, તે કોઇ બ્રાહ્મણ અથવા સાધુ તીર્થવાસી આવે તેને અભિચારે કરીને પોતાનો શિષ્ય બનાવતો. આ પિબૈક વાડીમાં સિધ્ધોને આવેલા સાંભળીને ત્યાં આવ્યો. તેણે શ્રીહરિ ઉપર પોતાનું મંત્રબળ વાપર્યું ખરું, પણ તેમાં તેનું કંઇ પણ વળ્યું નહિં. છેવટે તે વિપ્ર શ્રીહરિનો આશ્રિત બન્યો. શ્રીહરિ ત્યાંથી ચાલીને નવલખા પર્વતે ગયા. ત્યાં નવ લાખ સિધ્ધોનાં સ્થાન હતાં. અને નવ લાખ અગ્નિના કુંડો હતા, તથા નવ લાખ ટાઢા અને ગરમ પાણીના કુંડો હતા, તેમાં પાણી સજીવન રહેતું હતું, તેને જોઇને શ્રી નીલકંઠ બ્રહ્મચારી બહુજ રાજી થયા, અને ત્યાં રહેલા નવ લાખ સિધ્ધોને દર્શન આપીને, ત્યાંથી ચાલ્યા તે બાલવા કુંડ નામે જે તીર્થ ત્યાં પહોંચ્યા. ત્યાં વાયુ, અગ્નિ અને જળનો સમૂહ નીકળતો હતો, તેને જોઇને ત્યાંથી ચાલીને ગંગા સાગરના સંગમે ગયા. ત્યાં સ્નાન કરીને, સમુદ્રની ખાડીને હોડીથી ઓળંગીને, કપિલાશ્રમ ગયા. ત્યાં કપિલમુનિનાં દર્શન કરતા થકા, એક માસ સુધી રહ્યા. પછી ત્યાંથી જગન્નાથપુરી ગયા. ત્યાં કેટલાક માસ સુધી રહીને પૃથ્વીના ભારરૂપ એવા અસુરોને પરસ્પર યુધ્ધ કરાવીને તેમનો નાશ કર્યો. પછી શ્રીનીલકંઠ બ્રહ્મચારી ત્યાંથી દક્ષિણ દિશામાં ચાલ્યા. તે મહાવનમાં ગયા અને ત્યાંથી માનસપુર ગયા. તે પુરનો સત્રધર્મા નામે રાજા હતો. તે શ્રીહરિનો આશ્રિત થયો. તે રાજા દ્વારા બે હજાર અસુરોનો નાશ કરાવી ત્યાંથી શ્રીહરિ આદિકૂર્મ નામે જે તીર્થસ્થળ છે ત્યાં ગયા. ત્યાં સરોવરના તટ પર આદિકૂર્મ ભગવાનનું મંદિર છે તેમાં બિરાજી રહેલા આદિકૂર્મ ભગવાનનાં દર્શન કરીને ચાલ્યા તે સપ્ત ગોદાવરી નામનું તીર્થ છે ત્યાં ગયા. ત્યાં સ્નાન કરીને ચાલ્યા તે, વેંકટાદ્રિ પ્રત્યે ગયા. વેંકટાદ્રિ પર શ્રી વેંકટેશ્વર ભગવાનનાં દર્શન કરીને ત્યાંથી શિવકાંચી અને વિષ્ણુકાંચી ગયા. ત્યાં રહેલા ભગવાનનાં દર્શન કરીને ત્યાંથી શ્રીરંગ ક્ષેત્રમાં ગયા. ત્યાં બે માસ સુધી રહ્યા. અને ત્યાં વૈષ્ણવો સાથે સંવાદ કર્યો, અને તેમનામાં કેટલોક દુરાચાર હતો, તેનો ત્યાગ કરાવ્યો. પછી શ્રીહરિ ત્યાંથી સેતુબંધ રામેશ્વર ગયા. અને ત્યાં સમુદ્રમાં સ્નાન કરી હંમેશાં રામેશ્વર મહાદેવનાં દર્શન કરતા થકા બે માસ સુધી રહ્યા. ત્યાંથી ચાલ્યા તે સુંદરરાજ ગયા. ત્યાં સુંદરરાજ નામના વિષ્ણુનાં દર્શન કરી ત્યાંથી પ્રયાણ કર્યું, તે માર્ગમાં એક ઘોર વન આવ્યું. ત્યાં પાંચ દિવસ સુધી અન્ન-જલને પામ્યા નહિ. છઠ્ઠે દિવસે મધ્યાહન સમયે એક કૂપ આવ્યો, તેમાંથી કમંડલુએ કરીને જલને કાઢીને સ્નાન કર્યું. ત્યાર પછી વડના વૃક્ષની નીચે બેસીને નિત્યવિધિ કરવા લાગ્યા. પ્રથમ સંધ્યાવંદન કરી, ત્યારપછી શાલિગ્રામની સેવા કરવામાં તત્પર થયા. શાલિગ્રામને એક પાત્રમાં મૂકીને કમંડલુની ધારે કરીને સ્નાન કરાવ્યું, ને જેટલું પાણી રેડ્યું, તે બધું પાણી શાલિગ્રામ પી ગયા. એમ કરતાં પાંચ સાત કમંડલુ રેડ્યાં. અને ચંદનાદિકથી પૂજા કરી. પછી શ્રીહરિએ વિચાર કર્યો જે, શાલિગ્રામને આટલી તરસ હતી તો ભૂખ પણ હશે, પરંતુ આપણી પાસે નૈવેદ્ય ધરાવવા માટે કંઇ પણ નથી. એમ વિચાર કરે છે તેટલામાં કાપડીના વેષે મહાદેવજી અને પાર્વતી પોઠીયા પર બેસીને ત્યાં આવ્યાં. અને શ્રી નીલકંઠ બ્રહ્મચારીને આવી રીતે પૂજા કરતા જોઇને તેમને સાથવો તથા મીઠું આપ્યું. શ્રીહરિએ સાથવો અને મીઠું જળમાં ચોળીને પછીથી તેનું શાલિગ્રામને નૈવેદ્ય ધરાવ્યું, ત્યાર પછી પોતે જમ્યા. પછી ત્યાંથી ચાલ્યા તે ભૂતપુરી ગયા અને ત્યાં શ્રી રામાનુજાચાર્યની પ્રતિમા હતી તેનું દર્શન કરીને ત્યાંથી કુમારીકા ક્ષેત્રમાં ગયા અને ત્યાંથી પદ્મનાભ ગયા અને ત્યાંથી જનાર્દન ગયા અને ત્યાંથી આદિકેશવ ગયા. ત્યાં આદિકેશવ નામના વિષ્ણુનું દર્શન કરીને મલયાચલ નામના કુલગિરિ પર ગયા. ત્યાં સાક્ષીગોપાલ નામે શ્રી વિષ્ણુ તેનાં દર્શન કર્યાં અને ત્યાં પાંચ દિવસ સુધી રહ્યા. પછી ત્યાંથી શ્રીહરિ પંઢરપુર પધાર્યા, ત્યાં વિઠ્ઠલનાથ ભગવાનનાં દર્શન કર્યાં. અને ત્યાં બે માસ સુધી રહ્યા. પછીથી તે વિઠ્ઠલનાથજી ભગવાનને ભેટીને ચાલ્યા તે દંડકારણ્ય ગયા, તે દંડકારણ્યની પ્રદક્ષિણા કરીને નાસિક આવ્યા, ને ત્યાં ત્ર્યંબકેશ્વર મહાવેદનાં દર્શન કરીને ચાલ્યા તે તાપી નદીના કિનારે આવ્યા. ત્યાંથી ચાલ્યા તે નર્મદા નદીને ઉતરીને, તથા સાબરમતી નદીને ઉતરીને ભાલદેશને ઓળંગીને ભીમનાથ આવ્યા. ત્યાં ભીમનાથ મહાદેવનાં દર્શન કરીને ત્યાંથી ગોપનાથ આવ્યા. ત્યાં ગોપનાથ મહાદેવનાં દર્શન કરીને પંચતીર્થી કરતા થકા, માંગરોળ નામના બંદર પર આવ્યા.

એવી રીતે શ્રીહરિ જે જે તીર્થોમાં ગયા ત્યાં ત્યાં અધર્મનો ઉચ્છેદ કરીને એકાંતિક ધર્મનું સ્થાપન કર્યું. અને તીર્થને વિષે રહેતા મનુષ્યોને દર્શન આપીને તથા તેમની સેવા સ્વીકારીને સંસારના બંધનથી મૂકાવ્યા. ત્યારપછી શ્રીહરિ માંગરોળથી પ્રયાણ કરીને સંવત્‌ ૧૮૫૬ (અઢારસો છપ્પન)ના શ્રાવણ વદ ૬ (છઠ્ઠ)ના દિવસે સંગવ કાળે લોજ નામના પુરમાં પધાર્યા.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રી પુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે ધર્મદેવે અયોધ્યામાં નિવાસ કર્યો તથા શ્રી નીલકંઠ બ્રહ્મચારી વનવિચરણ કરીને લોજપુર પધાર્યા એ નામે ત્રીજો અધ્યાય. ૩