મહારાજ આજ વડતાલથી આવશે; સંગે લાવશે સંતસમાજ (૮)

Submitted by swaminarayanworld on Fri, 08/04/2016 - 6:07pm

રાગ ધોળ

પદ - ૧

મહારાજ આજ વડતાલથી આવશે;

સંગે લાવશે સંતસમાજ, મોહનવર પધારશે. ૧

જયા કહે લલીતાને વાતડી;

આવ્યો કાગળ દિવસ વીત્યા સાત, વાંચી ઠરી છાતડી. ૨

અક્ષર કાગળમાં ઊત્તમ ભૂપના;

કાગળ અવધિપુરી થઇ આજ, દર્શન સુખરૂપનાં. ૩

સાત દિવસે મહારાજ સંતો આવશે;

લખ્યા વડતાલથી સમાચાર જરૂર પધારશે. ૪

આવી માણકી દાદાના દરબારમાં;

નીરખી સહજાનંદ ભગવાન, શોભે અસવારમાં. ૫

પ્રેમાનંદ કહે ગઢપુરવાસી આવિયા;

લાવ્યા ભેટ સામગ્રીને હાર, વહાલાને પહેરાવિયા. ૬

 

પદ - ૨

ઉતર્યા માણકીએથી અલબેલડો;

ધર્મકુંવર ડોલરીયો દિવાન, શોભે રંગ રેલડો. ૧

રૂડો ઓરડો વાસુદેવ દેવનો;

લાવો બિછાવણા રંગરેલ,  તાલ રાખો ટેવનો. ૨

શોભે ઓસરી ઊત્તરાદા બારની,

બેઠા ગાદી  તકીયે રંગરેલ, શોભા કહું ત્યારની. ૩

લીંબ તરુ તળે સભા સંતની,

ચારે પાસે લાખું હરિભક્ત, શોભા છે અત્યંતની. ૪

શોભે દીર્ઘ સભા કોઈ ભાતની;

બોલ્યા સંત પ્રત્યે ધર્મલાલ, રસોઈ કરો ખાંતની. ૫

પ્રેમાનંદ કહે ઊત્તમ ભૂપ આવિયા;

થયો થાળ જમવાનો મહારાજ, ખબર એવી લાવીયા. ૬

 

પદ - ૩

વા’લે શીખ દીધી સભા સાથને;

ઊઠ્યા નાવા નારાયણ આપ, મળ્યા ભરી બાથને. ૧

નાવા બેઠા ડોલરિયો દરબારમાં;

નાતા નિરખે છે જે નરનાર ,તે ન રહે મન્યું મારમાં. ૨

વર્ણી મુકુંદ નવરાવે  પ્રીતશું;

ચોળે અત્તર કરી કરી પ્યાર, વા’લાને રસ રીતશું. ૩

નાહી પહેર્યું પીતાંબર જોઈ આંખડી;

ચાલ્યા જમવા સહજાનંદ શ્યામ, પે’રી ચરણે ચાખડી. ૪

બેઠા જમવા ઓરડે અલબેલડો;

છત્રીશ વ્યંજનનો ધર્યો આગે થાળ,જમે રંગરેલડો. ૫

પ્રેમાનંદ કહે બરફી ને કંસાર છે;

હરિસો હલવો મોતીચુર દળ, ભોજન સરસ સાર છે. ૬

 

પદ - ૪

સાટા પડા પતાસાં ને ચુરમા;

ગાંઠીયા કળી ફુલવડી ઘેબર, ભજીયાં વડાં ખુરમાં. ૧

રૂડાં શાક વૈતાક વાલોળ વાલને;

પરવળ કારેલાં કંકોડાં શાક, જમાડ્યા ધર્મલાલને. ૨

ટાંકો  તાંદળજો સુવા ભાજી છે;

કેરી કાચરી અથાણાં કરેલ, ગોળ કેરી ઝાઝી છે. ૩

ભાત દાળ ને કઢી અનુપ છે;

ચટણી પાપડ ફાફડા દુધ, સાકર સુખરૂપ છે. ૪

જમી ચળુ કરી બીડી લીધલી;

સંત પંક્તિ કરો  તતકાળ, આજ્ઞા એમ કીધલી. ૫

પ્રેમાનંદ કહે હરે શબ્દ કીધલા;

આવ્યા પીરસવા નારાયણ આપ, ર્મોંઇૈયા કર લીધલા. ૬

 

પદ - ૫

વારં વાર જમાડી દર્શન દીધલાં;

ફર્યા પંગત્યમાં પાંચવાર, વળતી શયન કીધલાં. ૧

પોઢી જાગ્યા રાજેન્દ્ર રળિયામણો;

મતવાલો ડોલરિયો ભૂપાળ, કાનવર કોડામણો. ૨

વરણી મુકુંદ અક્ષર ઓરડી આવિયા;

દીઠા ડોલરિયો દીવાન, સાકર જળ પાવિયા. ૩

સાંજે ઓરડે સભા કપરી શોભતી;

બેઠા ગાદી  તકીયે રંગત પાટ, મુનિમન લોભતી. ૪

એવી સભા જોઈને શત્રુ હારીયા;

કામ ક્રોધ લોભ મોહ માન, મોત વિના મારીયા. ૫

પ્રેમાનંદ કહે દેશો દેશ પુરના;

આવ્યા પૂજા કરવા હરિજન, દેશાંતર દુરના. ૬

 

પદ - ૬

હવે સાંભળજો એક વારતા;

પૂજયા નારાયણ કરી પ્યાર, છબી ઊર ધારતા. ૧

કાશ્મિર ઈંદુ ચંદન ચરચી કીધલો;

પે’રી ડગલી સોનેરી સુરવાળ, લાખેણો લાવો લીધલો. ૨

માથે પાઘ બાંધી માઘા મુલની;

ઓઢી શાલ કોટે શેલું સાર, શોભા સૂરજ  તુલ્યની. ૩

હવે કુંડળ પહેરાવો કરણમાં;

પેર્યો કંદોરો કટિલંક સાર,  તોડા જુગલ ચરણમાં. ૪

વેઢ વિટી કડાં સોના સાંકળાં;

પોંચી  ઉંતરી નંગ જડેલ, જોવા જન આકળાં. ૫

પ્રેમાનંદ કે’ પે’રાવી ફુલહારને;

પછી આરતી ઉતારી કરી પ્યાર, લહે કોણ પારને. ૬

 

પદ - ૭

એવી પૂજા કરીને પાયે લાગીયા;

આ મૂરતિ અખંડ રહેજો ઊર, એવર અમે માગીયા. ૧

હવે વસ્ત્ર ઓઢાડો સંત વા‘લને;

સર્વે ફેલ મેલાવ્યા  તત્કાળ, ઓળખાવ્યા ધર્મલાલને. ૨

ધન્ય ધન્ય સત્સંગી સાથને;

પૂજયા ધર્મકુંવર કીરતાર, મોહન સુખપાથને. ૩

ધન્ય ધન્ય ઘેલો ગઢપુર ધામને;

ધન્ય અભયપુત્ર ઊત્તમરાય, રાખ્યા ઘનશ્યામને. ૪

એવી લીલા  તેર દિવસ કીધલી;

કરે પંક્તિ જમાડે સાધુ નિત્ય, લીલા લખી લીધલી. ૫

ધન્ય પ્રેમાનંદ ગઢપુર લોકને;

રહ્યા નારાયણ કરી નિવાસ, ટાળ્યા સંશય શોકને. ૬

 

પદ - ૮

નિત્ય થાય કથા સભા ગાવણાં;

કરે કથા નિત્યાનંદ નિત્ય, પુસ્તક લઈ રળિયામણાં. ૧

ધન્ય ધન્ય નિત્યાનંદ નામને;

વાંચી રાજી કર્યા ભગવાન, ધર્મતનય શ્યામને. ૨

હાથ જોડી સત્સંગી બોલિયા;

ઘેર ચાલ્યા ફરવા મેલો સંત, દેશીક ઘણું ડોલિયા. ૩

એમ કરતાં દિવસ બહુ વિતિયા;

જાઓ ફરવા સંતો ઊર્વી આજ, અરિ  તમે જીતિયા. ૪

ચોરી આદિક નિયમ ધરાવજો;

કરી વાતો કથા દેશોદેશ, સમૈયે વહેલા આવજો. ૫

સંત ફરવા ગયા દેશ દૂરમાં;

લખી શોભા ચરિત્ર ગુણ ગાન, પ્રેમાનંદ હજુરમાં. ૬

Facebook Comments