જોને વિચારી તારા જીવમાં હો પ્રાણીયા, ભૂલી ગયો ભગવાન રે (૪)

Submitted by swaminarayanworld on Fri, 08/04/2016 - 5:30pm

રાગ - રાજીયો

પદ - ૧

જોને વિચારી  તારા જીવમાં હો પ્રાણીયા, ભૂલી ગયો ભગવાન રે;

ઘર ધંધે ઘેર્યો, કેડે આવે છે  તારે કાળ અતિ કોપતો. ટેક.

ખાધા ખેલ્યામાં ખોયું બાળપણું હો પ્રા૦ જોબન આવ્યું થયો જુવાન રે. ઘર૦

રોળ્યો કરે છે દિનરાતમાં હો પ્રા૦ પાપ કર્યામાં અતિ  પ્રીત રે. ઘર૦

અંગે બુઢાપણ આવ્યું હો પ્રા૦ નિરલજ થઈને ફરે નિત રે. ઘર૦

સંગત કરે ન કેદી સંતની હો પ્રા૦ હરિ ભજયામાં નહિ હેત રે. ઘર૦

અંતે લેવાને જમ આવશે હો પ્રા૦ દેવાનંદ કહે હજી ચેતરે. ઘર૦

 

પદ - ૨

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથરે

મરવાને ટાણે; પ્રભુ વિના કોણ મુકાવે જમ મારથી. ટેક.

કંઠ રૂંધાશે કફજાળથી હો જા૦ કાળા જમ કકર દેખાયરે. મર૦

નવસેનવાણું  તુટે નાડિયું હો જા૦ બોતેર કોઠામાં લાગે લાયરે. મર૦

રોમ કોટિ વીછીતણી વેદના હો જા૦ હૈડું હાલકલોલ થાયરે. મર૦

આંખ્યું ઊઘાડે અતિ વેદના હો જા૦ શેષ કોટિથી ન કેવાયરે. મર૦

દુઃખ પામીને  તજયો દેહને હો જા૦દેવાનંદ કહે કરે કોણ સહાયરે. મ૦

 

પદ - ૩

રોતાં કુટુંબી રહ્યાં રાતમાં હો પાપીયા, ધામ ધરા ને ધન માલ રે

કોઈ સાથે નાવે; મેલીને પાડો જમપુરની વાટે જાય છે. ટેક.

કર્મ કર્યાં  તે આડાં આવશે હો પા૦ હરિ ભજયા વિના બેહાલરે. કો૦

ભેળું ન લીધું ભાતું પુણ્યનું હો પા૦ ભૂખ  તરસની પીડા થાયરે. કો૦

જીવ માર્યા  તેઆડા આવશે હો પા૦  તારું કાપીને  તન ખાયરે. કો૦

લોઢાની નારી ઊની લાલકરી હો પા૦ બાથ ભરાવી દેવે મારરે. કો૦

આંખ્યુંમાં ઊનાગજ નાખશે હો પા૦ નીરખી દેવાનંદકે’ પરનારરે. કો૦

 

પદ - ૪

મેલ્યા વિસારી ઘનશ્યામને હો મૂરખા; દુઃખનો ન આવે હવે પાર રે

સંતોના દ્રોહી; પડવાનું પાપે કરી  તારે કુંભીપાકમાં. ટેક.

આગળ વૈતરણીનદી આવશે હો મૂ૦ માથે મુદગળના લાગે મારરે. સં૦

દીધાં નથી  તે ગૌદાનને હો મૂ૦ કોણ ઉતારે સામે  તીરરે. સં૦

કઠણ કોલુમાં કાયા પીલશેહો મૂ૦ છોતા સરીખું થાય શરીરરે. સં૦

ઊભોધર્મની આગળ રાખશે હો મૂ૦ માગે રતી રતીના જવાબરે. સં૦

કુટુંબ સારુ કર્યાં પુણ્ય પાપને હો મૂ૦ એકલો દેવાનંદકે ભોગવ આપરે.સં.

Facebook Comments