કર પ્રભુ સંગાથે દૃઢ પ્રીતડી રે, મરી જાવું મેલીને ધનમાલ (૪)

Submitted by swaminarayanworld on Wed, 06/04/2016 - 1:26pm

રાગ - ગરબી

પદ - ૧

કર પ્રભુ સંગાથે દૃઢ  પ્રીતડી રે, મરી જાવું મેલીને ધનમાલ;

અંતકાળે સગું નહિ કોઈનું રે. ટેક.

સંસ્કારે સંબંધી સર્વે મળ્યાં રે, એ છે જુઠી માયા કેરી જાળ. અં૦

મારું મારું કરીને ધન મેળવ્યું રે,  તેમાં  તારું નથી  તલભાર. અં૦

સુખ સ્વપ્ના જેવું છે સંસારનું રે,  તેને જાતાં ન લાગે વાર. અં૦

માટે સેવ તું સાચા સંતને રે,  તારા ટળશે ત્રિવિધિના તાપ. અં૦

અતિ મોટા પુરુષને આશરે રે, બળે પૂર્વ જનમનાં પાપ. અં૦

એવું સમજીને ભજ ભગવાનને રે, સુખકારી સદા ઘનશ્યામ. અં૦

દેવાનંદનો વહાલો દુઃખ કાપશે રે, મનવાંછિત પૂરણ કામ. અં૦

 

પદ - ૨

મળ્યો મનુષ્યનો દેહ ચિંતામણીરે,  તારા અંગમાં છે રોગ અસાધ્ય;

નથી લેતો નારાયણ નામને રે - ટેક.

માથે જન્મમરણ મોટું દુઃખછે રે,તારા અંતરમાં હરિને આરાધ્ય. નથી૦

ઘણું સૂઝે છે કામ સંસારનું રે, કરે સગાંનું બહુ સન્માન. નથી૦

હેત કરતો નથી હરિદાસમાં રે, હૈયા ફુટ્યાં  તું લુણહરામ. નથી૦

પરનારી સંગાથે કરી પ્રીતડી રે, તારો એળે ગયો અવતાર. નથી૦

બહુનામીની બીક નથી રાખતો રે, ખરે ખાંતે મરીશ ખુવાર. નથી૦

અતિ કઠણવેળા છે અંતકાળની રે, પછી થાશે  તને પસ્તાવ. નથી૦

દેવાનંદની શીખામણ માનજેરે,  તારા અંતરમાં કરીને ઊછાવ. નથી૦

 

પદ - ૩

તારા મનમાં જાણે મરવું નથી રે, એવો નિશ્ચે કર્યો નિર્ધાર;

તેમાં ભૂલી ગયો ભગવાનને રે. ટેક.

ધનદોલત  નારીને ઘણા દિકરારે, ખેતીવાડી ઘોડી ને ઘરબાર.  તેમાં૦

મેડી મંદિર ઝરૂખાને માળિયાંરે, સુખદાયક સોનેરી સેજ.  તેમાં૦

ગાદીતકીયાને ગાલમસુરિયાં રે, અતિ આડ્ય કરે છે એજ.  તેમાં૦

નીચું કાંધ કરીને નમતો નથી રે, એવું સાધુ સંગાથે અભિમાન.  તેમાં૦

મરમાળી મોહનજીની મૂરતિરે,  તેની સાથે ન લાગેલ  તાન.  તેમાં૦

પાપ અનેક જન્મનાં આવી મળ્યાંરે,  તારી મતિ મલિન થઈ મંદ.  તેમાં૦

દેવાનંદના વહાલાને વિસરી ગયોરે,  તારે ગળે પડ્યો જમફંદ.  તેમાં૦

 

પદ - ૪

તારે માથે નગારાં વાગે મોતનાં રે, નથી એક ઘડીનો નિરધાર;

તોય જાણ્યા નહિ જગદીશને રે. ટેક.

મોટા મેલીને રાજ મરી ગયા રે, જોને જાતા ન લાગે વાર.  તોય૦

તારું જોબન ગયું જખ મારતું રે, માથે કાળા મટી ગયા કેશ.  તોય૦

અંતકાળે લેવાને જમ આવીયા રે,  તેનો ભારી ભયંકર વેશ.  તોય૦

રોમકોટી વીંછીતણી વેદના રે, દુઃખ પામ્યો  તું દૈવના ચોર.  તોય૦

સગાં સ્વાર્થી મળ્યાં સહુ લુંટવા રે , કેનું જરા ન ચાલે જોર.  તોય૦

જીભ ટુંકીપડી ને તુટી નાડીઓ રે, થયું દેહ  તજયાનું  તત્કાળ.  તોય૦

દેવાનંદકહે ન જાણ્યા મારા નાથને રે, મળ્યો માણસનો દેહ વિશાળ તો૦

Facebook Comments