મંત્ર (૮૧) ૐ શ્રી સત્યપ્રતિજ્ઞાય નમઃ

Submitted by swaminarayanworld on Sun, 28/02/2016 - 8:09pm

મંત્ર (૮૧) ૐ શ્રી સત્યપ્રતિજ્ઞાય નમઃ

શતાનંદસ્વામી કહે છે, હે પ્રભુ ! તમે સત્ય પ્રતિજ્ઞાવાન છો, તમે જે પ્રતિજ્ઞા લો છો તે સત્ય સિદ્ધ કરો છો. જે વાણી ઉચ્ચારો છો તેને અમલમાં મૂકો છો, તમારો એકે-એક શબ્દ તથ્યથી ભરેલો છે, સત્ય વાણી બોલો છો, જેને જેને વચન આપો છો તે વચનને પૂરું કરો છો, બોલો છો એ પ્રમાણે જ કરો છો, માનવ બોલે એક ને કરે બીજું.

માનવ બીજા આગળ એવી મોટી મોટી વાતો કરે કે, મા-બાપની સેવા કરવી જોઇએ, એનો ભાર ઉતારવો જ પડે નહિંતર લેણું રહી જાય. પૂજા પાઠ કરવાં જ જોઇએ. વહેલા સવારે ઉઠવું જ જોઇએ. આવું બોલે ખરા પણ કરે કાંઇ નહિ. માબાપ ની સામે જોવા પણ તૈયાર ન હોય. એ શું સેવા કરે ? માલ મિલક્ત લઇ લે પણ સેવા ન કરે. દર્શન કરવાની વાતો કરે પણ મંદિરનાં પગથિયાં કેટલાં છે તે તેને ખબર ન હોય. નાહી ધોઇને સીધો રસોડામાં જમવા બેસી જાય. વાતોનો જબરો, કરવાનો કાયર.

ભગવાન આવા નથી. એ જે બોલે તે પ્રમાણે કરે જ. તેથી પ્રભુ સત્ય પ્રતિજ્ઞાવાળા છે, શતરૂપા અને મનુરાજાએ તપ કર્યું, ભગવાન પ્રસન્ન થયા. ‘‘રાજન્‌, માગો તમને શું આપું ?’’

‘‘પ્રભુ ! તમારા જેવો પુત્ર આપો ?’’

તથાસ્તુ. હું પોતે તમારો દીકરો બનીને આવીશ’’

પછી બીજે જન્મે શતરૂપા કૌશલ્યા થયાં અને મનુરાજા દશરથ રાજા થયા, તેને ત્યાં ભગવાન રામ રૂપે પધાર્યા.

-: જે વાણી બોલે તે અમલમાં મૂકે :-

આ જગતના માણસો જેવા ભગવાન નથી. આપણે કહીએ હું તમારે ઘરે આવીશ, પછી મોઢું ન બતાવે. સ્વાર્થ હોયતો જાય નહિતર કોઇ ઠેકાણું નહિ. ભગવાન સત્ય પ્રતિજ્ઞાવાન છે, જે પ્રમાણે કહે તેમજ કરે, ફરી ન જાય.

પ્રભુ અમુક ભક્તને કહે, હું તમને આ દિવસે તેડવા આવીશ, તો તે દિવસે આવેજ, બોલેલું સાર્થક કરે જ. નિરર્થક જવા દેતા નથી, જેને જેને વચન દીધાં તે વચન સત્ય સિદ્ધ કર્યાં છે.

રામા અવતારે ભગવાને કહ્યું, “ચૌદ વરસ પૂરાં થશે અને હું વનમાંથી પાછો આવીશ, તો બરાબર ૧૪ વરસ થયાં, અને પ્રભુ અવધિ પ્રમાણે અયોધ્યામાં આવી ગયા. વનમાં એક દિવસ પણ વધુ ન રહ્યા. સત્ય પ્રતિજ્ઞાવાન છે તેથી.

મારા જનને અતકાળે જરૂર મારે આવવું, બિરૂદ એ બદલે નહિ, તે સર્વેજનને જાણવું.

શ્રીજીમહારાજે કહ્યું છે કે, “જે મારો થઈને રહેશે તેને હું ચોક્કસ મારા ધામમાં તેડી જતશ.’’ આ ઘોર કલિકાળમાં ભગવાન અનેક ભક્તજનને તેડવા પધાર્યા છે, ને પધારે છે. પ્રભુ સત્ય પ્રતિજ્ઞાવાન છે, બોલેલું પાળે છે, કદી ફરતા નથી. ભાભી સુવાસનીબાઈએ છપૈયામાં કહ્યું કે, “હે ઘનશ્યામ ! તમારી હસ્તરેખા જોતાં એમ લાગે છે કે તમે રાજાધિરાજ થાશો ત્યારે અમને ભૂલી જશો” ત્યારે બાલ ઘનશ્યામે કહ્યું, “ભાભી ! તમને વચન આપું છું કે, અમે રાજાધિરાજ થઈશું, ત્યારે તમને બધાને અમારી પાસે બોલાવી લઈશું, અમે તમને ભૂલી નહિ જતએ.” તો આ વાણીને પ્રભુએ સિધ્ધ કરી, ધર્મકુળને વડતાલમાં બોલાવીને ખૂબ માનપૂર્વક સાથે રાખ્યા અને છેવટે સત્સંગના વડા તરીકે આચાર્ય પદવી પણ આપી, જેને જેને વચન દીધાં છે તેને સત્ય  સિધ્ધ કર્યા છે. રાધિકાજી અને લક્ષ્મીજીને પ્રભુએ વચન દીધું કે, તમે કાઠિયાવાડમાં ગઢપુરમાં આવશો અને એભલબાપુને ત્યાં દીકરી તરીકે જન્મ ધારણ કરશો. ત્યાં અમારોને તમારો મેળાપ થશે અને જે જે લીલા કરીશું તેનાં તમને દર્શન થશે, તે વચન પ્રભુએ સત્ય કર્યું. તે બે શક્તિઓ એભલબાપુની દીકરી થયા. નામ રાખ્યું જીવુબા અને લાડુબા ભગવાન પરમ સત્ય સ્વરૂપ છે, સત્ય પ્રતિજ્ઞાવાન છે.