૫. ઋષિઓના નામ તથા ઋષિઓ દ્વારા શ્રીનરનારાયણનું પૂજન

Submitted by Parth Patel on Sun, 13/06/2010 - 2:40pm

પ્રકરણમ્ ।।૫।

ચોપાઈ :

મોટા મરીચિ પર ઉપકારી, દીનજન તણા દુઃખહારી ।।

આવ્યા શુક જનમના યોગી, ગર્ગ ગૌતમ બ્રહ્મરસ ભોગી ।। ૧ ।।

આવ્યા બગદાલવજી બૂઢ, ગૌરમુખ ને જ્ઞાનના ગૂઢ ।।

આવ્યા અષ્ટાવક્ર ને આસ્તિક, શાકટાયન શૃંગી શૌનક ।। ૨ ।।

આવ્યા ઔર્વ આરુણિ આસુરી, ભરદ્વાજૠષિ ને ભાગુરી ।।

આવ્યા ૠષિ અંગિરા અગસ્ત્ય, સત્યધર્મી શુક્ર ને સંવર્ત ।। ૩ ।।

આવ્યા વસ્ત વોઢુ વિભાંડક, જરત્કારુ જૈમિનિ જાપક ।।

આવ્યા સૌભરી શાકલ્ય શક્રિ, વળી આર્ષ્ટિષેણ કહું અત્રિ ।। ૪ ।।

આવ્યા મુનિ મૈત્રૈય માંડવ્ય, જાંજળી જયંત જૈગીષવ્ય ।।

આવ્યા બૃહસ્પતિ વેદશિરા, વિશ્વામિત્ર વસિષ્ઠ સુધીરા ।। ૫ ।।

આવ્યા કવષ ક્રતુ કક્ષીવાન, યાજ્ઞવલ્ક્ય જાબાળ સુજાન ।।

ઉતથ્ય ઉપમન્યુ ને ઔર્વ, દયાળુ જે દેવલ ને રૌર્વ ।। ૬ ।।

આવ્યા વામદેવ ને વાલ્મીક, વિપુલ બ્રહ્મચર્ય વશિક ।।

પિપ્પલાદ પુલહ પુલસ્ત્ય, કચ કૃપાળુ કશ્યપ સમસ્ત ।। ૭ ।।

આવ્યા કર્દમ ને કાત્યાયન, પંચશિખ ને વૈશંપાયન ।।

આવ્યા પરઉપકારી પ્રચેતા, શંકુવર્ણ ને શંખ લિખિતા ।। ૮ ।।

આવ્યા કણાદ કરભાજન, કર્કશ કણ્વ બભ્રુ ચ્યવન ।।

પારાશર લોમશ ને હંસિ, પૈલ પાણિનિ ને ભૃગુ ૠષિ ।। ૯ ।।

આવ્યા ગાલવ ને જે માતંગ, શાંડિલ્ય શ્વેતકેતુ શરભંગ ।।

આવ્યા મેઘાતિથિ માનખંડી, બૃહદગ્નિ બૃહદશ્વ વૈતંડી ।। ૧૦ ।।

આવ્યા સુમંતુ ને શરદ્વાન, ઇંદ્ર પ્રમદ ને ઇધ્મવાન ।।

અથર્વા એકત દ્વિત ત્રિત, માંડુકેય પાઠર હારીત ।। ૧૧ ।।

ભાંડાયનિ ભાર્ગવ ભાલુકિ, શિશંપાયન પર્વત મંકિ ।।

કઠ તાંડ્ય કૌંડિન્ય કવશ, ક્ષારપાણિ પર્ણાદ સુજશ ।। ૧૨ ।।

હરિશ્મશ્રુ મુનિ અંશુમાન, શાર્કર ને શારદવાન ।।

વૈતહવ્ય વળી વાત્સ્યાયન, સાવેતસ ને સૈન્ધવાયન ।। ૧૩ ।।

સાવર્ણિ સાવર્ણ્ય ને સંવર્તુ, ભૂરિષેણ શમીક સંક્રતુ ।।

જમદગ્નિ જાતૂકર્ણ્ય જાણો, પ્રણાદ દેવરાત પ્રમાણો ।। ૧૪ ।।

અકૃતવ્રણ વળી જે યાસક, વીતહવ્ય ધ્રુવ ને ૠચીક ।।

ગૌરશિરા કૃષ્ણાત્રેય કહીએ, સ્થૂલશિરા મૌંજાયન લહીએ ।। ૧૫ ।।

નાચિકેત તૈતરિ ઉત્તંક, દાલ્ભ્ય કાળવૃક્ષીય નિઃશંક ।।

અગ્નિ વેશ્ય મુદગલ હતા, મુનિ ૠષ્યશૃંગ જગછતા ।। ૧૬ ।।

શ્વેતકેતુ ને વળી શમિક, ઇન્દ્રપ્રમિતિ કહીએ કુશિક ।।

સૌમ્ય નારદને સારસ્વત, વત્સ ને વેદશિરા સુમત ।। ૧૭ ।।

અવલંબાયન અરિજિત, આવ્યા ઔર્મિ ૠષિ આશાદિત ।।

ધારણિક ધૌમ્ય ને ધ્યાનેશ, બુધ બૌધાયન ને મૌનેશ ।। ૧૮ ।।

ગાંધર્વક ગોભિલ ગોપિત, ગવિષ્ઠિર ગોશિરા પુનિત ।।

પૂર્વાતિથ્ય ને ધ્રુવ વાછિલ, વૈતાનસ દેવ ને વૈહલ ।। ૧૯ ।।

વ્યાઘ્રપદ વળી વિષ્ણુદત્ત, દઘ્નાયસૈયજંઘ સમસ્ત ।।

દેવોદાસ દેવરાત નામ, દેવાતપ લોહિત અકામ ।। ૨૦ ।।

વૈનતેય ને નૈપુણ મળી, હારિકર્ણિ ચાંદ્રાયણ વળી ।।

હરિતકેય વળી હંસાળ, મુનિ ઉદ્દાલકજી દયાળ ।। ૨૧ ।।

એ આદિ ૠષિ સર્વે સંગે, દીઠો આશ્રમ એહ ઉમંગે ।।

પ્રથમ વિશાલા સૌએ વિલોકી, દીઠી અતિરચના અલોકી ।। ૨૨ ।।

અક્ષરધામરૂપ એહ વન, તેને જાણું કર્યું આછાદન ।।

ઘાટી છાયાએ શોભે છે ઘણી, દૈયે ઉપમા એને કે તણી ।। ૨૩ ।।

નરનારાયણ ૠષિરાય, તેને કરી રહી છે એ છાંય ।।

તેને તળે જોતાં મુનિજન, થયું નરૠષિનું દર્શન ।। ૨૪ ।।

બેઠા આસન ઉપર સુખે, રટે નારાયણ નામ મુખે ।।

વળી તેને પાસે ૠષિરાય, બેઠા નવ યોગેશ્વર ત્યાંય ।। ૨૫ ।।

તેનાં નામ સુણજયો સુબુદ્ધ, કવિ અંતરિક્ષ હરિ પ્રબુદ્ધ ।।

પિપ્પલાયન કરભાજન, આવિર્હોત્ર દ્રુમિલ પાવન ।। ૨૬ ।।

ચમસ એ નવ યોગી જેહ, જગહિતકારી મુનિ તેહ ।।

વળી કલાપ ગામના વાસી, દિઠા તનુ આદિ સુખરાશી ।। ૨૭ ।।

એવા અનેક મુનિ ત્યાં મળી, વિંટી બેઠા તે નરને મળી ।।

નર સુંદરવર તન શ્યામ, મૃગાજિન કંઠે કંજદામ ।। ૨૮ ।।

એવા નર નયણે નિરખી, મુનિ સહુ બહુ રહ્યા હરખી ।।

ત્યારે નરે દિઠા ૠષિરાય, આસનથી ઊઠી લાગ્યા પાય ।। ૨૯ ।।

પછી ૠષિ પડ્યા નરચરણે, વાધી વાલ્યપ ન જાય વરણે ।।

પછી આપ્યાં કોમળ આસન, તેહ પર બેઠા મુનિજન ।। ૩૦ ।।

કિધી પરસ્પર પૂજા વળી, પછી નરૠષિ બેઠા મળી ।।

નર કહે ૠષિ ધન્ય ધન્ય, તમે વહાલા છો નાથને મન ।। ૩૧ ।।

તમ જેવા જે સતપુરુષ, તેનું દુર્લભ મળવું દરશ ।।

મળે ત્રિલોકનું સુખ સોંઘું, પણ મળવું તમારું તે મોંઘું ।। ૩૨ ।।

તમે મળ્યે ટળે કર્મ કોટી, એથી બીજી વાત કઇ મોટી ।।

માટે શું કહીએ મહિમા ઘણો, નથી કહ્યો જાતો તમ તણો ।। ૩૩ ।।

ભલે આવ્યા તમે મુનિ સાથ, હમણાં દેશે દરશન નાથ ।।

ત્યારે નર પ્રત્યે બોલ્યા મુનીશ, ધન્ય તમે છો બ્રહ્માંડાધીશ ।। ૩૪ ।।

નાથને વહાલા છો તપેશ્વર, પ્રભુ સેવામાં છો તતપર ।।

તમે વળી નારાયણ માંઇ, કહીએ અમે ફેર નથી કાંઇ ।। ૩૫ ।।

છો તો એક ને દિસો છો દોય, તેનો ભેદ જાણે જન કોય ।।

માટે આ ભૂનાં ભાગ્ય અમિત, થઇ પ્રભુ ચરણે અંકિત ।। ૩૬ ।।

વળી પશુ પંખી વેલી વન, તેનાં પણ ભાગ્ય ધન્યધન્ય ।।

જે જે વસે છે આશ્રમ આંણે, તેનાં ભાગ્ય ન જાયે વખાણે ।। ૩૭ ।।

વળી અમે પણ ભાગ્યશાળી, જોશું નાથને નયણે નિહાળી ।।

કહે એમ તે ૠષિ ને નર, કરે પ્રશંસા તે પરસ્પર ।। ૩૮ ।।

એવે સમે નારાયણ જેહ, આવ્યા પર્ણકુટિ બાર તેહ ।।

ઉગ્ર તપવાળા અતિકાંતિ, શોભા મુખે નથી કહી જાતી ।। ૩૯ ।।

કોટિ અર્ક ઇંદુ ને અગનિ, તેથી તેજ શોભા બહુ બની ।।

કરિકર સમ કર અજાન, શોભે સારું તન શ્યામ વાન ।। ૪૦ ।।

નવા કંજ સમ નેણદોય, પૂર્ણચંદ્ર સમ મુખ સોય ।।

દીપે હસવે દંત પંગતિ, ઊરુ ચરણ કોમળ અતિ ।। ૪૧ ।।

ઝિણા પિળા ઉગે શીષકેશ, માથે મુકુટ તેનો છે હમેશ ।।

ઓપે ઉર અનુપ વિશાલ, કહીએ કેમ તે તરૂ તમાલ ।। ૪૨ ।।

શોભે કંઠ તે કંબુ ૬ સમાન, ઓપે ઉદર પિપ્પલપાન ।।

પડે ત્રણ વળ તિયાં સાર, નાભિ ઉંડી વર્તુળ આકાર ।। ૪૩ ।।

પુષ્ટતન કંચન જનોઇ, ડાબે કરે કમંડલું સોઇ ।।

દક્ષિણપાણિમાંહિ દંડ રાજે, શ્વેતાંબરે અંગછબી છાજે ।। ૪૪ ।।

એવા સુખસિંધુ શોભાખાણી, જોયું હેતે નિજજન જાણી ।।

હતા ઉદ્ધવ પોતાને સાથ, પ્રેમે કરી પધારિયા નાથ ।। ૪૫ ।।

એવા શ્યામ સુંદર સુખદેણ, નિરખી નાથને ઠરિયાં નેણ ।।

પછી રાજી થયા મુનિરાય, પ્રેમે લાગ્યા પ્રભુજીને પાય ।। ૪૬ ।।

હુવા પરવશ પામી આનંદ, થઇ કંઠે વાણી ગદગદ ।।

ચાલે ચક્ષુએ નીર ચોધારે, કરે પ્રણિપાત વારેવારે ।। ૪૭ ।।

પછી પ્રભુએ પ્રેમે બોલાવી, આપે બેઠા આસન પર આવી ।।

પછી સહુને પાસે બેસાર્યા, હેતે હેરિને તાપ નિવાર્યા ।। ૪૮ ।।

નિરખી મુનિ કરી હેત અતિ, જાણું મિટેશું પીશે મૂરતિ ।।

વળી ચાટશે જિભાએ કરી, જાણું ભેટશે ભુજાએ ભરી ।। ૪૯ ।।

એમ મુનિનું હેત અપાર, દીઠું તે આશ્રમને રહેનાર ।।

પછી પૂજા કરવાને કાજ, મુનિ લાવ્યા છે બહુ સમાજ ।। ૫૦ ।।

ષટદશ પૂજા પરકાર, તેણે પૂજિયા પ્રાણઆધાર ।।

પછી ધૂપ દીપ ને આરતિ, કરી ધૂન્ય કરી વળી સ્તુતિ ।। ૫૧ ।।

ઈતિ શ્રીમદેકાંતિક ધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્ય નિષ્કુળાનંદમુનિ

વિરચિતે ભકતચિંતામણિમધ્યે ૠષિનાં નામ કહ્યાં એ નામે પાંચમું પ્રકરણમ્ ।।।।