અમદાવાદ ૮ : સાધુએ ક્રોધ, માન જેવી વૃત્તિઓનો ત્યાગ કરવા વિશે અનેપ્રણામ, પ્રાર્થના આદિક થકી એ વૃત્ત

Submitted by swaminarayanworld on Sun, 17/01/2016 - 2:52pm

અમદાવાદ ૮ : સાધુએ ક્રોધ, માન જેવી વૃત્તિઓનો ત્યાગ કરવા વિશે અનેપ્રણામ, પ્રાર્થના આદિક થકી એ વૃત્તિનું પ્રાયશ્ચિત કરવા વિશે.

સંવત્‌ ૧૮૮૨ના ફાગણ વદિ ૮ અષ્ટમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રીનરનારાયણના મંદિરથી ઉત્તર દિશે ધર્મશાળાને વિષે સાધુને જમાડતા હતા, ને સુંદર શ્વેત રૂમાલ મસ્તક ઉપર બાંધ્યો હતો, ને શ્વેત ખેસ પહેર્યો હતો, ને ડાબા ખભા ઉપર ખેસ નાખીને કેડ બાંધી હતી, ને કંઠને વિષે ગુલાબનો મોટો હાર વિરાજમાન હતો.

ને પછી પંક્તિમાં લાડુ ફેરવતાં ફેરવતાં શ્રીજીમહારાજે સર્વે સાધુને એમ વાર્તા કરી જે, સાધુને સર્વે પ્રકારે ક્રોધ જીતવો. તે ક્રોધ કેવો છે તો જપ, તપ, જ્ઞાન એ આદિક સર્વે શુભગુણને નાશ કરે એવો છે, ને હવે જે નિમિત્ત ક્રોધ ઉપજે છે તે નિમિત્તને કહીએ છીએ જે સાધુને માહોમાંહી પ્રશ્ન ઉત્તર કરતાં ક્રોધ ઉપજે, તથા વાદવિવાદ કરતાં ક્રોધ ઉપજે, તથા કોઇ પદાર્થ લેવા દેવામાં ક્રોધ ઉપજે, તથા કોઈકને શિક્ષા કરતા હોઈએ ને ક્રોધ ઉપજે, તથા પોતાની શુશ્રુષાને વિષે રહેતો હોય જે સાધુ તેને પક્ષપાતે કરીને ક્રોધ ઉપજે, તથા અપમાને કરીને ક્રોધ ઉપજે, તથા ઈર્ષ્યાએ કરીને ક્રોધ ઉપજે, તથા આસન કરવાને વિષે ક્રોધ ઉપજે, તથા ભગવાનની

પ્રસાદી વહેંચવાને વિષે ન્યૂનાધિકપણું કરે ને ક્રોધ ઉપજે, એ પ્રકારે ક્રોધ ઉપજ્યાનાં નિમિત્ત ઘણાંક છે. માટે તે ક્રોધ જો મોટા સાધુને ઉપજે અથવા નાના સાધુને ઉપજે, તો જેની ઉપર ક્રોધ ઉપજે તેને સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કરવો, અને ગદગદ હૃદયે થઈને દીનતાએ કરીને નિષ્કપટપણે કરીને રૂડાંરૂડાં વચન બોલીને તેને પ્રસન્ન કરવો એમ અમારી આજ્ઞા છે. અને જો કોઈક સાધુ ઉપર દ્રોહ બુદ્ધિનો સંકલ્પ થાય તો નિષ્કપટ થઈને પોતાને મુખે તે સંકલ્પ કહેવો જે, હે મહારાજ ! આ રીતનો ભૂંડો સંકલ્પ તમારી ઉપર થયો ને તે સંકલ્પનો જે દોષ તેની નિવૃત્તિને અર્થે હાથ જોડીને તેની પ્રાર્થના કરવી. અને જો સાધુને ગૃહસ્થ હરિભક્ત ઉપર ક્રોધ ઉપજે તો તે સાધુ ગૃહસ્થની વચને કરીને પ્રાર્થના કરે અને બેઠે થકે નમસ્કાર કરે પણ સાષ્ટાંગ દંડવત્‌  ન કરે અને જે સાંખ્યયોગી બાઈયો છે તેમને પણ જો પરસ્પર ક્રોધ ઉપજે, તથા કર્મયોગી સ્ત્રીયુંને વિષે ક્રોધ ઉપજે તો વચને કરીને પ્રાર્થના કરવી ને બેઠે થકે નમસ્કાર કરવો. અને સાંખ્યયોગી પુરૂષ તથા સાધુ તેમની તો એકજ રીત છે. અને જેની ઉપર ક્રોધ ઉપજે તેને આપણા સ્વામી જે શ્રીનરનારાયણ તેનો ભક્ત જાણીને તત્કાળ માન મુકીને નમસ્કાર કરવો ને પ્રાર્થના કરવી પણ દેહ દૃષ્ટિ ન રાખવી જે હું મોટો છું ને ઉત્તમ છું. ને આતો મોટો નથી ને નાનો છે, એવી રીતે દેહદ્રષ્ટિ ન કરવી, ને આપણા ઈષ્ટદેવ જે શ્રીનરનારાયણ તે પણ ક્રોધ તથા માન નથી રાખતા, માટે તે શ્રીનરનારાયણના આશ્રિત એવા જે ઉદ્ધવ સંપ્રદાયના આપણ સર્વે તેમણે ક્રોધ તથા માન તેનો સર્વપ્રકારે ત્યાગ કરવો અને આ જે અમે ક્રોધનું પ્રાયશ્ચિત કહ્યું છે તેને જે કરશે તેને ઉપર શ્રીનરનારાયણ પ્રસન્ન થશે, ને તેનું અંતઃકરણ શુદ્ધ થશે ને તેના કામ, ક્રોધ, માન, લોભ, મદ, મત્સર તે સર્વે નાશ પામી જશે, અને ક્રોધ ઉપજ્યો ને જે આ પ્રાયશ્ચિત નહિ કરે તેને સર્પ તુલ્ય જાણવો પણ તેને ભગવાનનો ભક્ત જાણવો નહિ.” એવી રીતે શ્રીજીમહારાજે વાર્તા કરી તેને સાંભળીને સાધુ તથા સર્વ હરિભક્ત પુરૂષ ને સ્ત્રીઓ પરમ આનંદ પામતાં હવાં.”

ઇતિ વચનામૃતમ્ અમદાવાદનું   ।।૮।। ૨૨૮ ।।

Saturday, 31st March, 1826

નોંધ – આ વચનામૃતનો સમાવેશ વડતાલ દેશની આવૃતિમાં નથી.