તિરુપતી- Tirupati
તિરુપતી- Tirupati:આ સ્થાન પર્વત ઉપર છે. આ પર્વત વેંકટાચલ પર્વત કહેવાય છે. પુરાણની કથા અનુસાર ભગવાન શેષ અહીં પર્વત સ્વરુપે બિરાજે છે. તેથી આ પર્વતને શેષાચલ પણ કહે છે. આ ટેકરી એ સાક્ષાત મેરુગિરિનું જ એક શિખર છે. પણ તે અહીં કેવી રીતે આવ્યું? હજાર શિખરવાળો મેરુ પર્વત તો પૃથ્વીની ઉત્તરમાં રહ્યો છે. પૃથ્વીને ટકાવનાર એ મહાગિરિની પણ એક વખત દુર્દશા થઇ. એના પર વસેલા આદિશેષ સાથે વાયુને એક વાર ઝગડો થયો. વાયુએ શેષના નિવાસસ્થાનનું નિકંદન કાઢવા તૈયારી કરી. પુરાવેગથી તે મેરુના શિખર પર ધસ્યો. પણ શેષ પોતાની ફણાથી તેને રક્ષી રહ્યા. વાયુને લાગ્યું કે અહીં બળ નહીં ચાલે. માટે કાંઇક કળ કરવી પડશે. તેણે થાકવાનો ઢોંગ કર્યો. ‘નિરાંત થઇ’ બોલીને શેષે મેરુ પરથી ફણા ઉપાડી લીધી, અને એ ક્ષણનો લાભ લઇ વાયુએ મેરુનાં કેટલાંય શિખરો ઉડાવી દીધા. એમાનું એક ઉડતું ઉડતું અહીં આવ્યું. અને એ શિખરની સાથે સાથે શેષ પણ અહીં આવ્યા. આનાં સાત શિખર તે આદિશેષનાં સાત શિષ છે. જે શિખર પર શ્રી બાલાજી વ્યંકટેશ ભગવાન બિરાજે છે તે વ્યંકટાચલ એ પહેલું શિષ છે. એનું પૂછડું અહીંથી દૂર મલ્લિકાર્જુન નામના સ્થળે છે. આ શેષાદ્રી ઉપર પણ વિષ્ણુ તો છે જ.પણ અહીં એકલા જ છે. લક્ષ્મીજી અહીંથી દૂર એક બીજા સ્થળમાં રહ્યાં છે. વળી આ મંદિરનો ખરો મહિમા તો એ છે કે તે પરિક્ષિત રાજાએ પોતે બાંધેલું છે.
પ્રાચીન સમયમાં ભક્ત અંબરીષ અને ભક્ત પ્રહલાદ આ પર્વતને ભગવતસ્વરુપ માની દૂરથી દર્શન કરી આગળ નિકળી ગયા હતા. શ્રીરામાનુજાચાર્યજી દંડવત કરતાં કરતાં પર્વત ઉપર બાલાજીનાં દર્શન કરવા ચડ્યાં હતા. શ્રી નિલકંઠવર્ણી પણ આ સ્થાનમાં યાત્રિકોના કલ્યાણ અર્થે પધાર્યા હતા. અહીં પુષ્કરણી સરોવરના પશ્ચિમ ભાગે વારાહ ભગવાનનું મંદિર છે. આ મંદિરમાં દર્શન કરીને જ બાલાજી ભગવાનના દર્શન કરવાનો રિવાજ છે.
નકશામાં તિરુપતી જોવા માટે અહીં ક્લીક કરો
|
Date: 02/04/2014
Owner: JGPatel
Size: 3 items
|