૧. કવિ શ્રી નિષ્કુળાનંદસ્વામીએ કરેલ પ્રગટ પ્રભુનું મંગલાચરણ.

Submitted by Dharmesh Patel on Tue, 26/01/2010 - 1:28pm

।। શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્ ।।

શ્રી નિષ્કુળાનંદસ્વામી વિરચિત

ભકતચિંતામણિ

ભકતચિન્તામણિરયં ભૂયાત્કાંક્ષિતસિદ્ધયે ।

યસ્ય ભક્તિતરઙ્ગેષુ રમતે હંસમણ્ડલી ।।

 પ્રકરણમ્ ।।૧।।

રાગ - સામેરી

મંગળમૂર્તિ મહાપ્રભુ, શ્રીસહજાનંદ સુખરૂપ ।।

ભકિતધર્મસુત શ્રીહરિ, સમરું સદાય અનુપ ।। ૧ ।।

પરમદયાળુ છો તમે, શ્રીકૃષ્ણ સર્વાધીશ ।।

પ્રથમ તમને પ્રણમું, નામું વારમવાર હું શીષ ।। ૨ ।।

અતિસુંદર ગોલોક મધ્યે, અક્ષર એવું જેનું નામ છે ।।

કોટિ સૂર્ય ચન્દ્ર અગ્નિ સમ, પ્રકાશક દિવ્ય ધામ છે ।। ૩ ।।

અતિ શ્વેત સચ્ચિદાનન્દ, બ્રહ્મપુર અમૃત અપાર ।।

પરમ પદ આનન્દ બ્રહ્મ, ચિદાકાશ કહે નિર્ધાર ।। ૪ ।।

એવા અક્ષરધામમાં તમે, રહો છો કૃષ્ણ કૃપાળ ।।

પુરુષોત્તમ વાસુદેવ નારાયણ, પરમાત્મા પરમ દયાળ ।। ૫ ।।

પરબ્રહ્મ બ્રહ્મ પરમેશ્વર, વિષ્ણુ ઇશ્વર વેદ કહે વળી ।।

એહ આદિ અનંત નામે, સુંદર મૂર્તિ શ્યામળી ।। ૬ ।।

ક્ષર અક્ષર પર સર્વજ્ઞ છો, સર્વકર્તા નિયંતા અંતર્યામી ।।

સર્વ કારણના કારણ નિર્ગુણ, સ્વયંપ્રકાશ સહુના સ્વામી ।। ૭ ।।

સ્વતંત્ર બ્રહ્મરૂપ સદા, મુકત અનંત કોટિ ઉપાસે મળી ।।

અનંત કોટિ બ્રહ્માંડની કરો, ઉત્પત્તિ સ્થિતિ ને લય વળી ।। ૮ ।।

પ્રકૃતિ પુરુષ કાળ પ્રધાન, મહત્તત્ત્વાદિક શકિત ઘણી ।।

તેના પ્રેરક અનંતકોટિ, બ્રહ્માંડના તમે ધણી ।। ૯ ।।

એવા શ્રીકૃષ્ણ કિશોરમૂર્તિ, કોટિ કંદર્પ દર્પ હરો ।।

આપ ઇચ્છાએ અવતરી, યુગોયુગ જનનાં કારજ કરો ।। ૧૦ ।।

પ્રથમ મૂર્તિ ધર્મથી, પ્રકટ્યા પૂરણકામ ।।

નરનારાયણ નાથજી, તમે રહ્યા બદ્રિકા ધામ ।। ૧૧ ।।

ત્યાર પછી વસુદેવ દેવકીથી, પ્રગટ્યા મથુરામાંય ।।

અનંત અસુર સંહારવા, કરવા નિજસેવકની સાય ।। ૧૨ ।।

ત્યારપછી વળી જગમાં, અધર્મ વાધ્યો અપાર ।।

ભકિત ધર્મને પીડવા, અસુરે લીધા અવતાર ।। ૧૩ ।।

સત્ય વાત ઉત્થાપવા, આપવા ઉપદેશ અવળા ।।

એવા પાપી પ્રકટ થયા, ઘરોઘર ગુરુ સઘળા ।। ૧૪ ।।

ભકિત ધર્મ ભય પામિયાં, રહ્યું નહિ રહેવા કોઇ ઠામ ।।

ત્યારે તમે પ્રગટિયા, કોસલ દેશમાં ઘનશ્યામ ।। ૧૫ ।।

નરનાટ્યક ધરી નાથજી, વિચરો વસુધામાંય ।।

અજ્ઞાની જે અભાગિયા, તે એ મર્મ ન સમઝે કાંય ।। ૧૬ ।।

સમર્થ છો તમે શ્રીહરિ, સર્વોપરિ સર્વાધાર ।।

મનુષ્યતન મહા જ્ઞાનઘન, જન મન જીતનહાર ।। ૧૭ ।।

મહાધીર ગંભીર ગરવા, દયાસિંધુ દોષરહિત ।।

કરૂણાનિધિ કૃપાળુ કોમળ, શુભ શાંતિગુણે સહિત ।। ૧૮ ।।

ઉદાર પરઉપકારી અતિ, વળી સર્વના સુખધામ ।।

દીનબંધુ દયાળુ દલના, પરમાર્થી પૂરણકામ ।। ૧૯ ।।

જે જન તમને આશર્યા, હર્યા તેના ત્રિવિધ તાપ ।।

કાળ કર્મ માયાથી મુકાવી, આપિયું સુખ અમાપ ।। ૨૦ ।।

પીડે નહિ પંચવિષય તેને, જે શરણ તમારું આવી ગ્રહે ।।

કામ ક્રોધ લોભ મોહાદિ, અધર્મ ઉરમાં નવ રહે ।। ૨૧ ।।

શૂન્યવાદી ને શુષ્કજ્ઞાની, નાસ્તિક કુંડ વામી વળી ।।

એહના મતરૂપ અંધારૂં, તે તમારે તેજે ગયું ટળી ।। ૨૨ ।।

ઇશ અજ અમરાદિ આપે, યોગી મન જીતે નહિ ।।

તેહ તમારા પ્રતાપથી, નિજજન મન જીત્યા કહિ ।। ૨૩ ।।

એવા સમર્થ શ્યામ તમે, બહુનામી બળ પ્રબળ છો ।।

નરનાટ્યક જનમનરંજન, અજ્ઞાનીને અકળ છો ।। ૨૪ ।।

નરતન માટે નાથજી, સ્વામી રામાનંદ સેવિયા ।।

મહામંત્ર ત્યાં પામી પોતે, સદગુરુના શિષ્ય થયા ।। ૨૫ ।।

સહજાનંદ આનંદકંદ, જગવંદ જેહનું નામ છે ।।

સમરતાં અઘઓઘ નાશે, સંતને સુખધામ છે ।। ૨૬ ।।

એવા નામને પામી આપે, અકળ આ અવનિ ફરો ।।

દેઇ દર્શન જનને, અનેક જીવનાં અઘ હરો ।। ૨૭ ।।

એવા સમર્થ સ્વપ્રભુ, શ્રીહરિ શુદ્ધ બુદ્ધિ દીજીએ ।।

નિજદાસ જાણી દીનબંધુ, કૃપાળુ કૃપા કિજિએ ।। ૨૮ ।।

તવ ચરિત્ર ગાવા ચિત્તમાં, ઉમંગ રહે છે અતિ ।।

શબ્દ સર્વે થાય સવળા, આપજયો એવી મતિ ।। ૨૯ ।।

વળી સાચા સંતને હું, લળીલળી લાગું પાય ।।

કરો કૃપા ગ્રંથ કરતાં, વિઘન કોઇ ન થાય ।। ૩૦ ।।

હરિજન મન મગન થઇ, એવી આપજયો આશિષ ।।

શ્રીહરિના ગુણ ગાતાં સુણતાં, હર્ષ વાધે હંમેશ ।। ૩૧ ।।

સર્વે મળી સહાય કરજયો, મન ધારજયો મેર્ય અતિ ।।

પ્રકરણ સર્વે એમ સૂઝે, જેમ અર્કમાં અણું ગતિ ।। ૩૨ ।।

સંસ્કૃત પ્રાકૃત શબ્દે, ગ્રંથ કવિએ બહુ કર્યા ।।

મનરંજન૧૦ બુદ્ધિમંજન,૧૧ એવી રીતે અતિ ઓચર્યા ।। ૩૩ ।।

ગદ્ય પદ્ય ને છંદ છપય, સાંભળતાં બુદ્ધિ ગળે ।।

એવું જાણી આદર કરતાં, મન પોં’ચે નહિ પાછું વળે ।। ૩૪ ।।

તેને તે હિંમત દીજીએ, લીજીયે હાથ હવે ગ્રહી ।।

આદર કરું આ ગ્રંથનો, પ્રતાપ તમારો લહી ।। ૩૫ ।।

તમારા પ્રતાપ થકી, પાંગળો૧૨ પર્વત ચડે ।।

તમારા પ્રતાપ થકી, અંધને આંખ્યો જડે ।। ૩૬ ।।

તમારા પ્રતાપ થકી, મૂકો૧૩ મુખે વેદ ભણે ।।

તમારા પ્રતાપ થકી, રંક તે રાજા બણે ।। ૩૭ ।।

એવો પ્રતાપ ઉર ધરી, આદરું છું આ ગ્રંથને ।।

વિઘ્ન કોઇ વ્યાપે નહિ, સમરતાં સમર્થને ।। ૩૮ ।।

હરિકથા હવે આદરું, સદમતિ શ્રોતા જે સાંભળે ।।

શ્રવણે સુણતાં સુખ ઉપજે, તાપ તનના તે ટળે ।। ૩૯ ।।

ભવ દુઃખહારી સુખકારી, સારી કથા આ અનુપ છે ।।

પ્રકટ ઉપાસી જનને, સાંભળતાં સુખરૂપ છે ।। ૪૦ ।।

ઈતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્ય નિષ્કુળાનંદ - મુનિ વિરચિતે ભકતચિંતામણિ મધ્યે મગંળાચરણ કર્યું એ નામે પ્રથમ પ્રકરણમ્ ।।૧।।

 

------------------------------------------------------------------------------

૧.કામદેવ. ૨.પૃથ્વી ઉપર. ૩.દિવ્ય ચૈતન્યમૂર્તિ. ૪.અતિ મોટા. ૫.શૂન્ય સિવાય કાંઇ નહિ માનનાર બૌદ્ધો. ૬.કેવળ જ્ઞાનથી નિરાકાર બહ્મ્રને પામવા ઇચ્છતા અદ્વૈતીઓ. ૯.કૂડાપંથી. ૮.મદ્ય, માસં , મૈથુન , મત્સ્ય અને મુદ્રાનું સેવન કરનાર વામમાર્ગી. ૯.સૂર્ય. ૧૦.મનને આનંદ આપનાર. ૧૧.બુદ્ધિને શુદ્ધ કરનાર. ૧૨.લંગડો. ૧૩.મુંગો