૧૬૨. શ્રીહરિનાં વિવિધ ચરિત્રો સભાંરતા ભકતોની મનોવ્યથાનું વણર્ન.

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 5:57pm

પૂર્વછાયો- સુણો સહુ હું શું કહું, વરણવી વારમવાર ।

નથી દિઠો નથી સાંભળ્યો, આ જેવો બીજો અવતાર ।।૧।।

અતિ સામર્થી વાવરી, હરિ ધરી મનુષ્યનું દેહ ।

આ દિન મોરે આગમે, નથી સુણી શ્રવણે તેહ ।।૨।।

અતિ અલૌકિક વારતા, લાવી દેખાડી લોકમાંઇ ।

એવું આશ્ચર્ય જોઇ જન, મગન રહે મનમાંઇ ।।૩।।

કરી કાજ મહારાજ મોટાં, ગયા પોત્યે ગોલોક ।

જન દર્શન વિના દુઃખિયાં, રહ્યાં સંભારી કરતાં શોક ।।૪।।

ચોપાઇ- સમે સમે સંભારતાં સુખ, પળે પળે પ્રકટે છે દુઃખ ।

ક્યારે સાંભરે બેઠા પલંગે, ર્ચિચ ચંદન સુંદર અંગે ।।૫।।

કંઠે હાર કપૂરના ઘણા, બાજાુ કુંડળ કપૂરતણા ।

ક્યારે સાંભરે પુષ્પની માળે, પુષ્પના તોરા ધર્યા દયાળે ।।૬।।

ક્યારે સાંભરે જરકશી જામે, બાંધી પાઘ જરકશી શ્યામે ।

ક્યારે સાંભરે મુગટ ધરેલ, રૂડે હિંડોળે બેઠા રંગરેલ ।।૭।।

ક્યારે સાંભરે નાખતા ગુલાલ, રંગે રમતા કરતા ખ્યાલ ।

ક્યારે પીચકારી લઇ હાથે, રંગ નાખતા સખાને માથે ।।૮।।

ક્યારે અશ્વપર અસવાર, એમ સાંભરે પ્રાણઆધાર ।

ક્યારે સાંભરે નદીમાં ન્હાતા, તાળી પાડી સખા સંગે ગાતા ।।૯।।

ક્યારે નીર ઉછાળતા હાથે, રંગે રમતા સખાને સાથે ।

ક્યારેક સાંભરે જમતા થાળ, દેતા પ્રસાદી દાસને દયાળ ।।૧૦।।

ક્યારેક સાંભરે પંગત્યે ફરતા, દઇ દર્શન ને મન હરતા ।

મુખમાંહિ જલેબીયો આપી, જમાડે ચરણ મસ્તકે છાપી ।।૧૧।।

ક્યારેક સાંભરે જનને મળતા, આપે છાતીમાં ચરણ વળતા ।

ક્યારેક સાંભરે કરતા વાત, સમજી સંત થાય રળિયાત ।।૧૨।।

ક્યારેક સાંભરે પૂજયા છે જને, પુષ્પહાર સુંદર ચંદને ।

ક્યારેક આરતી સ્તુતિ આગે, કરી જન પ્રેમે પાય લાગે ।।૧૩।।

ક્યારેક સાંભરે સેજમાં સુતા, ઉઠી મુખ ધોઇ મુખ લુતા ।

ક્યારેક સાંભરે કરતા દાતણ, ક્યારેક સાંભરે બેઠા આસણ ।।૧૪।।

ક્યારેક સાંભરે ન્હાતા નાથ, ચોળી તન જે નવરાવતા હાથ ।

ક્યારેક સાંભરે જીવન જમતા, તાળી પાડી જન સંગે રમતા ।।૧૫।।

ક્યારેક ચડી આવે એવા ચિત્ત, વેઢ વીંટિ કરકડાં સહિત ।

ક્યારેક સાંભરે બેઠા સુખપાલ, ક્યારેક હસ્તિએ સંગે મરાલ ।।૧૬।।

ક્યારેક સાંભરે મેડે મહારાજ, ક્યારેક કરતા વાત હેતકાજ ।

ક્યારેક રમતા સંતને સાથે, ગાતા તાળી પાડી દોય હાથે ।।૧૭।।

ક્યારેક સાંભરે બેઠા આસન, ક્યારેક સાંભરે ચંપાવતા તન ।

ક્યારેક સાંભરે ચોળતાં તેલ, ક્યારેક સાંભરે ચરણ પૂજેલ ।।૧૮।।

ક્યારેક સાંભરે તાપતા તન, નાથ હાથે કરતા વ્યંજન ।

ક્યારેક જમી જમાડતા જન, પિરસતા પોત્યે થઇ પ્રસન્ન ।।૧૯।।

ક્યારેક રથ વેલ્ય ગાડે ઘોડે, બેસી ચાલતા સખાની જોડે ।

ક્યારે આંબા આંબલી ઓટે, બેસતા હાર પહેરી બહુ કોટે ।।૨૦।।

ક્યારેક લેતા લટકેશું હાર, એમ સંભારે છે વારમવાર ।

જીયાં જીયાં વિચર્યા જીવન, તેનું કરે છે જન ચિંતવન ।।૨૧।।

જીયાં જીયાં કરી હરિએ લીળા, તે ચિંતવે છે જન થઇ ભેળા ।

જીયાં જીયાં કરીયા ઉત્સવ, તેતે જન ચિંતવે છે સર્વ ।।૨૨।।

જેજે મહારાજે કર્યાં કારજ, તેતે ચિંતવે છે નારી નરજ ।

સંભારતાં સુખ દુઃખ તને, વિસરતો નથી વિયોગ મને ।।૨૩।।

એવાં સુખ નથી આપ્યાં મહારાજ, જે વિસાર્યાં પણ વિસરે આજ ।

સંભાયેર્  સુખ નહિ દુઃખ તન, તેણે રૂદિયે રહે છે રૂદન ।।૨૪।।

બારે નથી દેખાડતા દાસ, અંતરે સદા રહે છે ઉદાસ ।

જેમ મણિ વિના મણિધર, એમ ફરે છે નારી ને નર ।।૨૫।।

જેમ ધન વિના નિરધન, એમ રહે છે કંગાલ જન ।

જેમ માબાપ વિનાનાં બાળ, કોણ કરે તેની પ્રતિપાળ ।।૨૬।।

જેમ પતિ વિનાની પતની, એમ આજ તે આવીને બની ।

જેમ નગર ગયે નરપતિ, તેને તને સુખ નહિ રતિ ।।૨૭।।

તેમ જેને વાલાનો વિયોગ, વણ રોગે તેને જાણવો રોગ ।

તેને સુખ કયાંથી શરીરે, રહે નયણાં ભરીયાં નીરે ।।૨૮।।

ગાય વિનાનું વલવલે વત્સ, જળ વિનાનું તલફે મત્સ્ય ।

તેમ જીવન વિનાના જન, રહે આલોચ રાત્ય ને દન ।।૨૯।।

જેમ પ્રાણ વિનાનું હોય પંડ, જેમ સૂર્ય વિનાનું બ્રહ્માંડ ।

જેમ  શશિ  વિનાની  રાત,  જેમ  અવનિ  વિના  વરસાત  ।।૩૦।।

એમ ઝાંખાં પડ્યાં સવેર્  જન, જાતાં એક શ્રીપ્રાણજીવન ।

કોયને તને તેજ ન રહ્યાં, ઝુરી ઝુરી સહુ ઝાંખાં થયાં ।।૩૧।।

જેમ ફળ વિનાની કદળી, જેમ તોય વિના તલા વળી ।

જેમ હંસ વિના માનસર, એમ રહ્યાં સહુ નારી નર ।।૩૨।।

જેમ વસ્તી વિનાનું નગર, જેમ મનુષ્ય વિનાનું ઘર ।

જેમ સુનું લાગે છે તે સહુ, ઘણી ઘણી વાત શું હું કહું ।।૩૩।।

જેજે સ્થળે બેસતા નાથ, સંભાર્યે હૈયું ન રહે હાથ ।

જેમ લુણ વિનાનું વ્યંજન, જેમ ઘૃત વિનાનું ભોજન ।।૩૪।।

જેમ વર વિનાની તે જાન, જેમ રસ વિનાનું છે પાન ।

તેમ નિરસ થયો સંસાર, એક જાતાં તે પ્રાણઆધાર ।।૩૫।।

કોઇને સુખ રહ્યું નહિ રતિ, પધારતાં પ્રભુ પ્રાણપતિ ।

દેહ ગેહનાં સુખ ન રહ્યાં, કહે શિયે સુખે રહ્યાં ઇયાં ।।૩૬।।

હસ્યા રમ્યાની હોંશ ન રઇ, જીવતાં ગત્ય મૃતકની થઇ ।

એવી રીત્યે તે દેહના દન, પૂરા કરે છે હરિના જન ।।૩૭।।

સાંભરે સમે સમે ઘણું સુખ, તેણે નૂર નથી કેને મુખ ।

સ્વજન સાલે સાંભરતાં એંધાણ, તેની પીડાયે પીડાયછે પ્રાણ ।।૩૮।।

વારમવાર કહેતા હેત વાત, તેતો સાલે છે દિવસ ને રાત ।

હેત દેખાડી હરિયાં મન, તે વિસરતું નથી નિશદન ।।૩૯।।

એમ સંભારી સંભારી જન, રૂદામાંહિ કરે છે રૂદન ।

સર્વે  સુખ  લઈ  ગયા  સાથ,  કેડ્યે  કરી  જનને  અનાથ  ।।૪૦।।

એવી રીત્ય જે એ જનતણી, કેટલીક હું દેખાડું ગણી ।

જેનું જાતું રહ્યું છે જીવન, એનું આશ્ચર્ય ન માનીયે મન ।।૪૧।।

કહી વાત સંક્ષેપે મેં એહ, જેમ છે તેમ ન કહેવાય તેહ ।

જેજે દિઠું મેં સાંભળ્યું કાન, તેમાંથી લખ્યું કાંઇક નિદાન ।।૪૨।।

કહેતાં  જશ  હરિના  વિસ્તારી,  થઇ  કથા  આ  સુંદર સારી ।

કહ્યાં  પ્રકટ  પ્રભુનાં  ચરિત્ર,  અતિ  પાવન  પરમ  પવિત્ર  ।।૪૩।।

સતસંગીને છે સુખનિધિ, પૂરણ સુખમય પ્રસિદ્ધિ ।

દોયલી વેળામાં ચિંતવે દાસ, થાય સુખ જાય તનત્રાસ ।।૪૪।।

એવો ગ્રંથ થયો આ અનૂપ, સત્સંગી જનને સુખરૂપ ।

કહ્યું  છે  મને  જણાણું  જેમ,  સહુ  સમજી  તે  લેજયો  એમ  ।।૪૫।।

સર્વે ચરિત્ર શ્રીહરિતણાં, કેવાય ક્યાં લગી છે અતિ ઘણાં ।

સંક્ષેપે કરી કહ્યાં સહુને, જેટલાં જાણ્યામાં આવ્યાં મુને ।।૪૬।।

હરિચરિત્ર છે અપરમપાર, એક જીભે ન થાય નિરધાર ।

બ્રહ્મસૃષ્ટિમાં  નહિ  હોય  એવા,  સાંગોપાંગ  હરિગુણ  કહેવા  ।।૪૭।।

શેષ ગણેશ શારદા જેહ, કહે છે પાર નથી પામતા તેહ ।

માટે મેં મને કર્યો વિચાર, હરિજશ છે અપરમપાર ।।૪૮।।

જેજે વાત મારા જાણ્યામાં આવી, તેતે વાત મેં સહુને સુંણાવી ।

જોઇ  શુદ્ધ  શ્રીહરિના  દાસ,  કહેતાં  કથા  થાય  છે  હુલાસ  ।।૪૯।।

જયારે શ્રોતાનું હોય શુદ્ધ મન, કહેતાં વક્તા થાય પ્રસન્ન ।

કેવાય કથા  અનુપમ  અતિ,  શ્રોતા  સુણતાં  થાય  શુદ્ધમતિ  ।।૫૦।।

એવો જાણી આ કથા સંવાદ, કહેશે સુંણશે રાખશે યાદ ।

તેતે પામશે પરમ આનંદ, સત્ય કહે એમ નિષ્કુળાનંદ ।।૫૧।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીજીમહારાજ સ્વધામ પધાર્યા તેનો વિયોગ થયો તેનું વર્ણન કર્યું એ નામે એકસો ને બાસઠમું પ્રકરણમ્ ।।૧૬૨।।