૧૧૬. હાલાર તથા કચ્છ દેશના હરિભકતનાં નામ.

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 4:59pm

પૂર્વછાયો-

હવે ભક્ત હાલારના, વળી કહું કચ્છ સમેત ।

શુધ્ધ મને જે સાંભળે, તેને થાય હરિમાં હેત ।।૧।।

મીઠાબોલા ને મોબતી, હૈયે હેત અપરમપાર ।

પ્રીત પ્રગટ પ્રભુશું, કરૂં તેનાં નામ ઉચ્ચાર ।।૨।।

ચોપાઇ-

ભક્ત ગુણવંતા છે ગોંડલે, ભજે પ્રભુ મન નિરમળે ।

પુરપતિ ક્ષત્રિ હઠીભાઇ, કરી હરિ ભજીને ભલાઇ ।।૩।।

ક્ષત્રિ ભક્ત ડોસોભાઇ કહીએ, એહ આદિ બીજા બહુ લહીએ ।

જીવરામ પ્રાગજી સુતાર, ભક્ત જોધો એ જાતિ ઉદાર ।।૪।।

વિપ્ર જેઠો મીઠો ને ભાઇજી, ભક્ત શેઠ રૂડો રાઘવજી ।

કડિયા રતનો અજો નારાયણ, હરભમ હરિપરાયણ ।।૫।।

વાઘો વાલો કડવો કુંભાર, અર્જણ દેવશી લખો ઉદાર ।

નાથો વાલો લુહાર જેરામ, સઇ ગગો નારાયણ નામ ।।૬।।

આંબો કાનો જન જણસાળી, શેખ જીવણ યવન વળી ।

એહ આદિ છે જન અપાર, રહે ગોંડલ ગામ મોઝાર ।।૭।।

ભક્ત ભાટિયો હીરો છે નામ, હરિજન દ્વિજ પ્રજારામ ।

એક વેરાગી તુલસીદાસ, એહ આદિનો મોવૈયે વાસ ।।૮।।

નથુજી ઉદોજી જેઠીભાઇ, રૂડા ભક્ત કહીએ ક્ષત્રિમાંઇ ।

ભક્ત હરજી ઝીણો કુંભાર, વિપ્ર ગણેશ લાલો ઉદાર ।।૯।।

એહ આદિ જે જન કહેવાય, વસે ગામ નાગડકામાંય ।

દેવો ઓઝો કણબી કરમશી, ભજે હરિ વેરીગામ વશી ।।૧૦।।

ક્ષત્રિ ભક્ત ડેરીયે માનજી, વડારે વોરો વાલો જનજી ।

કાજુ ભક્ત કાલાવડમાંઇ, ખતરી તે જાદવજીભાઇ ।।૧૧।।

અતિ ઉદાર હેતુ હોંશિલો, જેનો ભાઇ કેશવજી વાલો ।

ક્ષત્રિ ભક્ત ખિરસરામાંઇ, લાખોજી ને હરિજન બાઇ ।।૧૨।।

કણબી શવદાસ રૂપાંબાઇ, ક્ષત્રિ લાખોજી રહે વડામાંઇ ।

હડમતિયે ભગો વણિક, સુખપુરે દમો ભકત એક ।।૧૩।।

ક્ષત્રિભક્ત કાયોજી લૈયાળે, વૈશ્ય રતનો જીવો ઇટાળે ।

હરજી વીરજી ભક્ત સુતાર, જન રામજી હીરો કુંભાર ।।૧૪।।

ક્ષત્રિભક્ત કાંથડજી વળી, એહ આદિ રહે વણથળી ।

હરિજન સોની રાઘવજી, લીધા પુંજે ભગવાન ભજી ।।૧૫।।

ભક્ત એક છે લાધો સુતાર, વસે વણથળી મોટી મોઝાર ।

ક્ષત્રિભક્ત રૂડા જગુભાઇ, ઘરે હરિજન નાનીબાઇ ।।૧૬।।

હરિભક્ત રૂપાળીબા નામ, એહ આદિ ભક્ત મેડીગામ ।

મોડા ગામમાંઇ મોટા ભક્ત, ક્ષત્રિ રણમલજી વિરક્ત ।।૧૭।।

દાજી મોનજી ને બાપુભાઇ, ભક્ત ફલજી સુજાંજીબાઇ ।

જલો રાવળ રૂપાળીબાઇ, એહ આદિ ભક્ત મોડામાંઇ ।।૧૮।।

ભક્ત મેઘો નારાયણ નાનજી, મુળજી વિરજી ને રામજી ।

વસતો લાધો સુતાર લહીએ, હરિભક્ત લાડુબાઇ કહીએ ।।૧૯।।

ફલજી મનુજી હરિજન, ક્ષત્રિ કુળે એ ભક્ત પાવન ।

સોની ગોવો અજોભાઇ કહીએ, એહ આદિ છે ભક્ત અલૈયે ।।૨૦।।

ક્ષત્રિભાઇજી રાઘોજી દાજી, વિપ્ર ભક્ત વાલો જાદવજી ।

લાલ રામ વૈશ્ય હરિજન, વસે શેખપાટમાં પાવન ।।૨૧।।

કડિયો ભક્ત ઉકો ઓઘો જાણો, જીવો જેરામ ડાયો પ્રમાણો ।

એહ આદિ જે ભક્ત સુંદર, ભજે હરિ રહે નવેનગર ।।૨૨।।

લાલો કુંભાર અરજણ સઇ, ભજે પ્રભુ જોડીયામાં રઇ ।

ભલા ભક્ત છે ભાદરે ગામ, સુતાર વસતો ભાઇ રામ ।।૨૩।।

વસરામ માવજી રણછોડ, નારાયણ રાજો જન જોડ ।

ગંગાદાસ ને શવજીભાઇ, હરિજન એક હરિબાઇ ।।૨૪।।

એહ આદિ છે ભક્ત સુતાર, દેવો ડોસો કણબી ઉદાર ।

દ્વિજ મુળજી સુંદરજીભાઇ, ક્ષત્રિ કાનજી ને નથુનાઇ ।।૨૫।।

એહ આદિ જે ભક્ત અપાર, વસે ગામ ભાદરા મોઝાર ।

હીરો ડુંગર ભક્ત સુતાર, ક્ષત્રિ રવો કેસિયા મોઝાર ।।૨૬।।

હરિજન પ્રેમજી વણિક, ધ્રોળ મધ્યે એ ભક્ત છે એક ।

ભક્ત નાયો કાનજી ઉદાર, વેલો ગોવો માંડણ કુંભાર ।।૨૭।।

જેરામ ને એક રાજબાઇ, શા દેવશી ધુળકોટમાંઇ ।

ભક્ત કણબી લખમીદાસ, ગર રણમલ ઘુનડે વાસ ।।૨૮।।

આમરણ્યમાં આણંદિબાઇ, જેની પ્રીત અતિ પ્રભુમાંઇ ।

દ્વિજ ભક્ત ગોવિંદજી ભેલે, ભક્ત વજો બોરિચો રહે બેલે ।।૨૯।।

ક્ષત્રિ ભક્ત છે બેચરભાઇ, આસો ભાઇજી બગથલામાંઇ ।

કણબી ગણેશ ને માનુબાઇ, પ્રેમીભક્ત પિપળિયામાંઇ ।।૩૦।।

વાગડ દેશમાં વાંઢિયું ગામ, તિયાં ભક્ત બ્રાહ્મણ પાંચો નામ ।

લાધો રામો ભરવાડ જોડ્ય, લુવાર રણમલ ચિતરોડ્ય ।।૩૧।।

ભક્ત ઠક્કર કચરો નામ, પદ્મસિ આદિ આધુઇ ગામ ।

રામજી ત્રિકમ વસરામ, ભક્ત લુવાણા ચોબારી ગામ ।।૩૨।।

બાઇ એક મોટાં હરિભક્ત, જેને જુઠું થઇ ગયું જક્ત ।

ભક્ત મનજી દેવો લુવાણા, કંથકોટે એ ભક્ત કહેવાણા ।।૩૩।।

ભક્ત વાઘો ને પાંચે ઠક્કરે, ભજયા હરિ ગામ મનફરે ।

ઠક્કર રામદાસ ને કચરો, ભક્ત મુળજી શા વાઘો ખરો ।।૩૪।।

જેઠો જેરામ કર્મણ લુવાર, એહાદિ ભચાઉ મોઝાર ।

ક્ષત્રિભક્ત લાધોભાઇ કહીએ, અદોભાઇ કલ્યાણજી લહીએ ।।૩૫।।

રામસિંહ રાયધણ જેહ, જેતમાલ આદિ જન તેહ ।

મોટાં ભક્ત એક માનબાઇ, જેને પ્રીત અતિ પ્રભુમાંઇ ।।૩૬।।

બાઇ બાઇજી કરણીબાઇ, ભક્ત એક મેઘરાજભાઇ ।

એહાદિ જન કહીએ અપાર, ભક્ત રહે ધમડકા મોઝાર ।।૩૭।।

હરિભક્ત સુતાર વશરામ, એહાદિ જન દુધઇ ગામ ।

વિપ્ર ભક્ત જેઠો કેશવજી, સતસંગી સુતાર રવજી ।।૩૮।।

ભક્ત ઠક્કર કેશવજી નામ, એહાદિ રહે ચાંદરાણી ગામ ।

માવજી મુળજી ને વાલજી, ભાણિરે ખોખરે હરિ ભજી ।।૩૯।।

દ્વિજ ભક્ત કચરો છગન, રૂડાં રાજબાઇ હરિજન ।

ભક્ત જેઠી ખીમજી સંઘજી, વસે અંજારમાંઇ વાલજી ।।૪૦।।

ભક્ત ઉકોશા આદિ કહેવાય, વસે તેતો ગામ તુણામાંઇ ।

દ્વિજ પુંજો દેવેશ્વર કહીએ, સુતાર પુરૂષોત્તમ લહીએ ।।૪૧।।

એહ આદિ જે જન કહેવાય, વસે ગામ તે મુંદરામાંય ।

ક્ષત્રિ ભક્ત એક મંકુબાઇ, રહે કાલાઘોઘા ગામમાંઇ ।।૪૨।।

ભક્ત શેઠ રતનજી નામ, એહાદિ જન જરફરે ગામ ।

ભક્ત સુતાર છે મેઘોભાઇ, હરિજન માતા મેઘબાઇ ।।૪૩।।

દેવશી ટોપણાદિ ખતરી, હરિ ભજી ગયા ભવ તરી ।

ભક્ત લુવાર છે વશરામ, સોની લાલો રાઘવજી નામ ।।૪૪।।

શા સુંદરજી ચાંપશીભાઇ, એહાદિ જન માંડવીમાંઇ ।

મેપો થોભણ ભક્ત સુતાર, કાનુબાઇ ને જીવો ઉદાર ।।૪૫।।

કુળે સહિત ભક્ત પાવન, વસે ડોણ્ય ગામે હરિજન ।

હરિભક્ત દામજી સોનાર, વસે ગોધરા ગામ મોઝાર ।।૪૬।।

દ્વિજ મુળજી ને દયારામ, એહાદિ જન કોટડી ગામ ।

ભક્ત સુતાર ભીમજી રવજી, હરિજન તે હરભમજી ।।૪૭।।

ભક્ત બાઇ જેઠી અજુ નામે, વસે તે કાળાતળાવ ગામે ।

ઘણેણીયે ભક્ત છે રવજી, થયો સુતાર પાર હરિ ભજી ।।૪૮।।

નેતરામાં શવજી સુતાર, કર્યો સતસંગ સમઝી સાર ।

નોંઘો નાગજી ભક્ત માવજી, ડોસો ગોપો સુતાર સંઘજી ।।૪૯।।

પ્રેમી પ્રેમબાઇ માનબાઇ, મોટા ભક્ત એ સુતાર માંઇ ।

સેજપાલ શાપત રામલ, એહાદિ ભક્ત તેરે અવલ ।।૫૦।।

ભણસારી જેઠો દામોદર, કણબી કેશવ કમો ઠક્કર ।

એહ આદિ ભક્ત બીજા કૈયે, ભજી હરિ રહે ગામ ધુફિયે ।।૫૧।।

શેઠ હંસરાજ હરિજન, ભક્ત ફુલજી જાતિ યવન ।

ભક્ત ભણશાળી હમીર નામ, એહ આદિ ભક્ત રુવે ગામ ।।૫૨।।

હરિજન બાઇ દેવું નામ, વસે સુતાર વથોણ ગામ ।

ક્ષત્રિ ભક્ત કાકોભાઇ કહીએ, એહાદિ જન મંજલે લહીએ ।।૫૩।।

ભક્ત સુતાર છે પુંજોભાઇ, સઇ પુંજો દેશલપુર માંઇ ।

કણબી ભક્ત લાધા આદિ ખરા, વસે જન ગામ સામતરા ।।૫૪।।

દ્વિજ નાગજી પ્રાગજી મલુ, સામજી ને કેશવજી ભલુ ।

નાથો તેજશી સુતાર શ્યામ, કણબી પ્રેમ લખુ વશરામ ।।૫૫।।

ક્ષત્રિ અદોભાઇ કમોદાસ, ભક્ત મોટા માનકુવે વાસ ।

કણબી ભક્ત છે માવજીભાઇ, એહ આદિ નારાયણપુરમાંઇ ।।૫૬।।

કૃષ્ણ રતનો કણબી કહીએ, બહુ ભક્ત બળદીએ લહીએ ।

ક્ષત્રિ સદાબાઇ હરિજન, દ્વિજ લાલજી જગજીવન ।।૫૭।।

કણબિ ભક્ત વશરામ નામ, એહ આદિ જન કેરે ગામ ।

કણબી હરિજન વાલબાઇ, ભજે હરિ મેઘપુરમાંઇ ।।૫૮।।

સારા સતસંગી સરલીમાંઇ, મોટા ભક્ત છે મનજીભાઇ ।

આસો વીરજી રામું રતન, કણબી રામપુરે હરિજન ।।૫૯।।

કણબી ભક્ત છે કચરો નામ, ભજે હરિ રહે દૈસરે ગામ ।

હરજી કાનજી રામ સુતાર, ડોસો ભક્ત ધીણોઇ મોઝાર ।।૬૦।।

ભક્ત સુતાર બાઇ લખમી, પુનડીયે પીતાંબર પ્રેમી ।

માવજી લખધીર સુતાર, માલબાઇ ગજોડ મોઝાર ।।૬૧।।

રામજી ને કુરજી સુતાર, ક્ષત્રિ રાસોજી ભક્ત ઉદાર ।

એક હરિજન જીજીબાઇ, એહાદિ જન બંદરામાંઇ ।।૬૨।।

ભલા ભક્ત કહીએ ભુજમાંઇ, સારા સતસંગી બાઇ ભાઇ ।

ભક્ત નાગર ગણપતરામ, હરિરામ વલ્લભજી નામ ।।૬૩।।

દ્વિજ નરસઇ સુત ભાણજી, લક્ષ્મી દોયે લીધા હરિ ભજી ।

હરિજન છે લેરખીબાઇ, પ્રીત્ય નવીન પ્રભુજીમાંઇ ।।૬૪।।

સૂર્યપ્રભા જેઠી ને ભવાની, એહાદિ ભક્ત બ્રાહ્મણ નાની ।

નાગજી સુત હીરજી સુતાર, સુંદરજી સનેહિ અપાર ।।૬૫।।

ધનજી હરજી જીવરામ, રાઘવજી રણછોડ નામ ।

કુરજી આદિ કહીએ સુતાર, પુંજી અમર પ્રેમી અપાર ।।૬૬।।

સેજું જમનાં ને હરબાઇ, મોટાં ભક્ત એ સુતારમાંઇ ।

સોનીમાં સતસંગી ગોમતી, મોટી મુલીની ભલી ભગતી ।।૬૭।।

મેતા નથુ સુત શિવરામ, હરજીવન બેન લાધી નામ ।

મહામુક્ત દશા એ સહુની, ભક્ત ભોજા આદિ બહુ સોની ।।૬૮।।

ઠક્કર ઉકા બે અલૈયો કહીએ, હરિભક્ત વલ્લભજી લહીએ ।

ભગવાનજી મનજી ભક્ત, રામદાસ ને મુરાર મુક્ત ।।૬૯।।

રતનશી ડોસો હરિજન, ગંગાબાઇ લુવાણા પાવન ।

ભક્ત જીવરામ લીલાધર, મુળજી આદિજન રાજગર ।।૭૦।।

ધન્ય ધન્ય જેઠી ગંગારામ, ભક્ત શિરોમણિ નિષકામ ।

સુત સામજી મુળજીભાઇ, એહ આદિ જન જેઠીમાંઇ ।।૭૧।।

ક્ષત્રિ ભક્ત એક ડોસાભાઇ, હરિજન બીજાં દેવબાઇ ।

ભક્ત રામજી અભુ કલ્યાણ, એહ આદિ જણસાળી જણ ।।૭૨।।

એહાદિ જન બીજાં અપાર, રહે ભુજનગર મોઝાર ।

સતસંગે રંગે રાતાં રહે, મુખે સ્વામિનારાયણ કહે ।।૭૩।।

પૂર્વછાયો-

ધન્ય ધન્ય એ હરિજનને, જેનાં પુણ્ય તણો નહિ પાર ।

આણી હેત અતિ ઉરમાં, ભજે નારાયણ નરનાર ।।૭૪।।

અતિ દઢાવ અંતરમાં, નહિ કામ ક્રોધ લોભ મોહ ।

શોધ્યે ન મળે એક જે, એવા સતસંગીનો સમોહ ।।૭૫।।

સુણી નામ એહ શ્રવણે, જે મનન કરશે મન ।

સકળ કારજ સિઝશે, વળી થાશે પરમ પાવન ।।૭૬।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે હાલારદેશ તથા કચ્છ દેશના હરિજનનાં નામ કહ્યાં એ નામે એકસો ને સોળમું પ્રકરણમ્ ।।૧૧૬।।