૮૩. સંતો સાથે મહારાજે આદરજમાં જઇ અન્નકટૂ ઉત્સવ કર્યો, ત્યાં થી વડનગર, વિસનગર, મેઉં, અમદાવાદ વગેરે ગ

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 4:14pm

ચોપાઇ-

રહ્યા ગઢડે ચાતુરમાસ, પછી એમ બોલ્યા અવિનાશ ।

કોઇ નર આપે અન્ન ધન, કોઇ વસુધા વારિ વસન ।।૧।।

કોઇ આપે ગજ બાજ ગાય, બીજાં બહુ દાન જે કહેવાય ।

સવેર્દાનમાં અધિક જેહ, સહુ મળી વળી શોધો તેહ ।।૨।।

વળતા બોલિયા સંત સુજાણ, સાંભળો મારા જીવનપ્રાણ ।

અભયદાન અધિક સહુથી, એની બરોબર બીજું નથી ।।૩।।

તેતો દાન તમથી દેવાય, તમને નિરખે તે નિર્ભય થાય ।

એવી સાંભળી સંતની વાત, વાલો કહે ચાલો ગુજરાત ।।૪।।

પછી કાઠીયે સજયાં કેકાણ, માંડ્યાં ઘણમુલે ઘોડે પલાણ ।

હાંહાં કરતાં ગુજરધર આવ્યા, કર્જીસણ જઇ સંત બોલાવ્યા ।।૫।।

દિન દોય રહ્યા એહ ઠામ, પછી વાલો આવ્યા વડુગામ ।

પુર બહાર ઉતરિયા નાથ, સર્વે સંત હતા પોતા સાથ ।।૬।।

કીધા પ્રશ્ન ઉત્તર પ્રસંગ, બોલ્યા જેનાં જેવાં હતાં અંગ ।

ત્યાંથી ચાલિયા સુંદરશ્યામ, આવ્યા ઓળેથી આદ્રેજ ગામ ।।૭।।

તિયાં અન્નકોટ ઉત્સવ કરી, આપી સુખ ચાલ્યા ત્યાંથી હરિ ।

ભક્ત એક રહે કોલવડે, તેહ ગામે ઉતરીયા વડે ।।૮।।

તેને ઘેર જમ્યા જઇ નાથ, આપ્યા મુનિને મોદક હાથ ।

કરે લીળા જન મનભાવે, ત્યાંથી અલબેલો આવ્યા ઉનાવે ।।૯।।

તિયાં ભક્ત રૂડો રામદાસ, તેને ઘેર ગયા અવિનાશ ।

નરનારી અપાર હરખ્યાં, થયાં રાજી નાથજી નિરખ્યા ।।૧૦।।

ધૂપ દીપ ઉતારી આરતી, જુગતે જમાડ્યા પ્રાણપતિ ।

બીજી બહુ રીત્યે કરી રસોઇ, જમ્યા નાથ હાથે સંત સોઇ ।।૧૧।।

જમ્યા જન હુવો જેજેકાર, રહિ રાત્ય ત્યાં ચાલ્યા મોરાર ।

એક ગામ નામે છે નાદરી, તિયાં પધારીયા પોતે હરિ ।।૧૨।।

ત્યાં સુંદર કરાવ્યોતો થાળ, જમ્યા સખા સહિત દયાળ ।

ત્યાંથી માણસે આવ્યા મહારાજ, આવ્યા બહુ લોક દર્શન કાજ ।।૧૩।।

સહુ જનતણે મન ભાવ્યા, રાજા સહિત સામૈયે આવ્યા ।

પ્રભુ ઉતરીયા પુરબાર, કરે દર્શન સહુ નરનાર ।।૧૪।।

સુંદર મૂરતિ સહુને ભાવે, પ્રેમે પુષ્પના હાર પહેરાવે ।

દિયે દર્શન દીનદયાળ, તિયાં કરાવ્યા ભોજન થાળ ।।૧૫।।

જમ્યા જીવન ને સખા સાથ, પછી ત્યાંથી પધારિયા નાથ ।

આવે મારગમાં ગામ ઘણાં, કરે દર્શન લોક તે તણાં ।।૧૬।।

પછી વાલ્યમો આવ્યા વિહાર, તિયાં રજની રહ્યા મોરાર ।

વાલે વેદનો ભેદ દેખાડ્યો, હિંસા અહિંસા સંશય ઉખાડ્યો ।।૧૭।।

પછી ત્યાંથી પધારિયા શ્યામ, આવ્યા ગિરિધર ગેરીતે ગામ ।

તિયાં ભક્ત વસે ભાવસાર, અતિ નિર્મળ દલે ઉદાર ।।૧૮।।

તેણે પવિત્ર પાક કરાવી, આપ્યા મોદક મુનિને આવી ।

કંઇક જમ્યા ત્યાં જગ આધાર, પછી ઘોડે થયા અસવાર ।।૧૯।।

ત્યાંથી આવ્યા બામણવે નાથ, કરી રસોઇ પોતાને હાથ ।

સખા સહિત જમાડીયા સંત, પછી પોતે જમ્યા ભગવંત ।।૨૦।।

રહી રાત્ય નાથ ત્યાંથી ચાલ્યા, ચાલ્યા અશ્વ રહે નહિ ઝાલ્યા ।

વાજમાં વડનગર આવ્યા, ભાવે સુબો તે સામૈયું લાવ્યા ।।૨૧।।

વાજાં વાજતા ગામમાં ગયા, નરનારીને દર્શન થયાં ।

બાળ જોબન ને વૃધ્ધ જેહ, નિર્ખિ થાય કૃતારથ તેહ ।।૨૨।।

ચાલ્યા શહેર મધ્યે સુખકારી, દેવા દર્શન સહુને મોરારી ।

આવી ઉતર્યા સરોવરપાળ, કરાવ્યાં ભોજન ત્યાં રસાળ ।।૨૩।।

તિયાં ભાવે જમ્યા ભગવંત, પછી જમાડિયા સર્વે સંત ।

તિયાં રહ્યા નિશા એક નાથ, પછી ચાલ્યા શ્યામ સખા સાથ ।।૨૪।।

ત્યાંથી આવ્યા વિસનગ્ર વળી, આવ્યા લોક સામૈયે સહુ મળી ।

ગાતાંવાતાં પધરાવ્યા ઘેર, કરી સેવા સુંદર સારી પેર ।।૨૫।।

બહુ જનને દર્શન દીધાં, જને જોઇ સુફળ દ્રગ કીધાં ।

પછી પધાર્યા જનને ભોવન, ભાવે કરાવ્યાં તેણે ભોજન ।।૨૬।।

પછી સરવે સંત બોલાવ્યા, પિરસ્યા પોતે મોદક મનભાવ્યા ।

પછી શહેર સર્વે માંહિ ફર્યા, બહુ જીવ કૃતારથ કર્યા ।।૨૭।।

પછી પધાર્યા શિવને મંદ્ર, દિધાં દર્શન સુખસમુદ્ર ।

મોટે મોટે જોડ્યા આવી હાથ, અમે છીએ જો તમારા નાથ ।।૨૮।।

સર્વે જાણે એમ મનમાંય, સ્વામી વિના સુખ નથી ક્યાંય ।

કરી દર્શન પ્રસન્ન થાય, અતિ હૈયામાં હર્ષ ન માય ।।૨૯।।

ત્યાંથી ચાલ્યા પછી અલબેલો, દેતા દર્શન છેલછબિલો ।

વાટે આવિયું એક તળાવ, તેમાં નાહ્યા મનોહરમાવ ।।૩૦।।

ત્યાંથી શ્યામળિયો સજજ થઇ, આવ્યા ગિરધારી ગામ વસઇ ।

આપે જમી જમાડિયા દાસ, પછી ત્યાંથી ચાલ્યા અવિનાશ ।।૩૧।।

મેઉમાંહિ ભક્ત ભાવસાર, નામ ભૂષણ પ્રેમી અપાર ।

તેને ઘેર પધારિયા નાથ, સર્વે સંત હતા હરિસાથ ।।૩૨।।

અતિ હેતે સનમુખ આવી, કરી પૂજા ઘેરે પધરાવી ।

સુંદર ભોજને કરાવ્યો થાળ, ઘણે હેતે જમાડ્યા દયાળ ।।૩૩।।

મુનિકાજે માલપુવા કીધા, હરિહાથે પીરસવા દીધા ।

જેમજેમ જમે બહુ સંત, તેમ ભૂષણ રાજી અત્યંત ।।૩૪।।

શ્યામ સારા શોભે મુનિમાંય, આવ્યા દર્શને બહુ લોક ત્યાંય ।

દઇ દર્શન દાનની મોજ, પછી નાથ આવ્યા લાંગણોજ ।।૩૫।।

ત્યાં હરિજનનું હેત જોઇ, તેને ભુવન જમ્યા રસોઇ ।

ત્યાંથી આવ્યા ડાંગરવે દયાળ, સંગે સમૂહ મુનિ મરાળ ।।૩૬।।

એમ સતસંગમાંહિ ફર્યા, કૈક જીવને નિહાલ કર્યા ।

જેજે વાટમાં આવે છે ગામ, તેતે જનનાં સારે છે કામ ।।૩૭।।

આવ્યા અડાલજ એહ ફેરે, રહી રાત્ય પધાર્યા મોટેરે ।

નાહ્યા સાબરમતીમાં નાથ, સવેર્સખા નાહ્યા હરિસાથ ।।૩૮।।

પછી શ્રીનગરે આવ્યા શ્યામ, રહ્યા નાથ રાત્ય એહ ઠામ ।

ત્યાંથી જેતલપુર પધાર્યા, જનને મન મોદ વધાર્યા ।।૩૯।।

તિયાં રહ્યા કાંઇક કૃપાળુ, પછી ચાલિયા દીન દયાળુ ।

વાટે મોડિને તસ્કર માન, આવ્યા વૈરાટે શ્રીભગવાન ।।૪૦।।

તિયાં સંતને શિખજ દીધી, પિપળી જાવા આગન્યા કીધી ।

તિયાં ભક્ત રહે દાદોભાઇ, કરવા ઉત્સવ છે મનમાંઇ ।।૪૧।।

રહેજયો રાખે તિયાં લગી તમે, એને કહ્યુંતું આવશું અમે ।

તેતો અમથી નહિ જવાય, કહેજયો રાજી રહેજયો મનમાંય ।।૪૨।।

એમ કહીને ચાલિયા નાથ, સખા સાંખ્યયોગી લઇ સાથ ।

હરિ હાલતાં જન દુઃખાણાં, અતિ હેતમાં હૈયાં ભરાણાં ।।૪૩।।

પોતે ગયા ગઢડે મહારાજ, કરી અનેક જીવનાં કાજ ।

દર્શન સ્પર્શ કર્યા જેજે જને, તે ન જાય કૃતાંત ભવને ।।૪૪।।

એવું આવ્યા અભયદાન દઇ, જે સમાન બીજું દાન નઇ ।

એવો કર્યો મોટો ઉપકાર, જેમાં અનેક જનનો ઉધ્ધાર ।।૪૫।।

કર્યા પાવન દર્શને જન, ર્કાિતકવદી તે બીજને દન ।

તેદી ફરી હરિ ગુજરાત, કરી લીળા કહી તેની વાત ।।૪૬।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીનારાયણચરિત્રે આદ્રેજે અન્નકોટનો ઉત્સવ કર્યો એ નામે ત્રિયાશિમું પ્રકરણમ્ ।।૮૩।।