૧૮. માર્કંડેયમુનિએ કરેલું શ્રીહરિનું નામકરણ, કાન વિંધાવવા, પ્રથમ વાર અન્ન જમાડવું વગેરે સંસ્કાર

Submitted by swaminarayanworld on Mon, 04/07/2011 - 8:20pm

પૂર્વછાયો-

ત્યાર પછીની વારતા, સહુ સાંભળો થઇ સાવધાન ।

હરિ ઇચ્છાએ ત્યાં આવિયા, માર્કંડેય ગુણવાન ।।૧।।

ત્રિકાળદર્શી ને તત્ત્વવેત્તા, બ્રહ્મચારીનો છે વેષ ।

ધર્મને ઘેર આવિયા, સંગે લઇને બહુ શિષ્ય ।।૨।।

ધર્મે બહુ આદર દઇ, પૂજા કરી બહુ પેર ।

બ્રહ્મચારી ભલે આવિયા, કર્યું પવિત્ર મારૂં ઘર ।।૩।।

ક્યાંથી આવીયા તમે કોણ છો, અને શું છે તમારૂં નામ ।

શું ભણ્યા છો શાસ્ત્ર સ્વામી, પુછુંછું કરભામ ।।૪।।

ચોપાઇ-

ત્યારે ઋષિ કહે સુણો વચનરે, આવું છું કર્તાં તીર્થ અટનરે ।

માર્કંડેય મારૂં નામ જાણ રે, ભણ્યા છીએ વેદ ને પુરાણ રે ।।૫।।

જાણું રૂડી રીતે જયોતિષને રે, તે ભણાવું છું હું આ શિષ્યને રે ।

ત્યારે ધર્મ રાજી બહુ થયા રે, ભલે આવ્યા પ્રભુ કરી દયા રે ।।૬।।

મારા બાળકનું નામ દીજે રે, બહુ કાળ અમ ઘેર રહીજે રે ।

તમે જયોતિષ જાણો છો ઘણું રે, કેવું ભાગ્ય આ બાળક તણું રે ।।૭।।

જુવો જન્મ દિવસ રૂડી પેર રે, મુહૂર્ત લગ્ન ને જન્માક્ષર રે ।

ઘડી પળ વેળા એની ર્વિત રે, પાડો નામ એનું મહામતિ રે ।।૮।।

પછી ટીપણામાં જોઇ એહ રે, કરી જન્મકુંડળી તેહ રે ।

જોયું જયોતિષ વિદ્યાને વિષે રે, જાણ્યું આતો મોટા છે અતિશે રે ।।૯।।

પછી ધીરે રહી બોલ્યા વાણ્ય રે, તમે સાંભળો ધર્મ સુજાણ રે ।

અતિ બુદ્ધિવાન એહ થાશે રે, માટે મોટા સહુથી કહેવાશે રે ।।૧૦।।

વળી કર્કના ચંદ્રમાં આવે રે, તેનું નામ હરિ એવું કાવે રે ।

એક તમે બીજા જે આશરશે રે, તેની આપદા સર્વે હરશે રે ।।૧૧।।

માટે હરિ એવું એનું નામ રે, સૌને સમરતાં સુખધામ રે ।

વળી ચૈત્રમાં જન્મ થાય રે, તેને શ્રીકૃષ્ણ પણ કહેવાય રે ।।૧૨।।

સારૂં સુંદર તન છે શ્યામ રે, માટે એનું કહીએ કૃષ્ણ નામ રે ।

મૂર્તિ જોઇને જનનાં મન રે, તાણી લેશે તે માટે એ કૃષ્ણ રે ।।૧૩।।

વળી બેઉ નામ મળી એક રે, કહેશે જન જે કરે વિવેક રે ।

ત્યારે ત્રીજું નામ હરિકૃષ્ણ રે, સમરતાં જન મન પ્રસન્ન રે ।।૧૪।।

તપ ત્યાગ યોગ ધર્મ જ્ઞાન રે, એવા એ પંચગુણ નિદાન રે ।

તેણે શિવજી જેવા એ થાશે રે, માટે નિલકંઠ કહેવાશે રે ।।૧૫।।

એમ ગુણ કર્મે કરી નામ રે, કહેશે બહુ પુરૂષ ને વામ રે ।

વળી મને જણાય છે જેહ રે, સુણો ધર્મ હું કહું છું તેહ રે ।।૧૬।।

થાશે પૃથુસમ શ્રોતાવાન રે, ભક્તિ ક્ષમા અંબરીષ સમાન રે ।

જનકના જેવું નિજ જ્ઞાન રે, ત્યાગ વૈરાગ્ય શુક સમાન રે ।।૧૭।।

હરિદાસ હનુમાન જેવા રે, એક ઇષ્ટનિષ્ઠ ઉમા એવા રે ।

સદાગ્રહ કૃષ્ણ વિષે જેહ રે, થાશે પ્રહ્લાદ સરિખા તેહ રે ।।૧૮।।

માયા ને માયાનું કારજ રે, એથી અજાણ્યું નહિ રહે રજ રે ।

આત્મદર્શીમાં જાણવા એવા રે, કર્દમસુત કપિલજી જેવા રે ।।૧૯।।

દોષ તજીને ગુણને ગ્રેવા રે, તેમાં તો દત્તાત્રેય સમ કેવા રે ।

અધર્મસર્ગ થકી તે મન રે, બીશે જેમ યુધિષ્ઠિર રાજન રે ।।૨૦।।

દયાળુ ને વળી દાતાપણું રે, થાશે રંતિદેવ થકી ઘણું રે ।

જીવને દેવા પ્રભુનું જ્ઞાન રે, તેમાં નારદ સમ નિદાન રે ।।૨૧।।

પ્રભુમાંહિ દોષ ન પરઠે રે, તેતો જાણે જાનકીની પેઠે રે ।

સ્વતંત્રપણું લક્ષ્મીના જેવું રે, જે શ્રીકૃષ્ણના સ્વરૂપમાં રહેવું રે ।।૨૨।।

હરિ હરિજન દ્રોહી માથે રે, વર્તે લક્ષ્મણસમ તે સાથે રે ।

થાશે સૌ જીવને સુખકારી રે, જેમ પુત્ર ને પાળે મેતારી રે ।।૨૩।।

હરિ આજ્ઞામાં રહેવાને આપ રે, થાશે ભરતજી જેવા નિષ્પાપ રે ।

પ્રભુ પદરજ માહાત્મ્ય લેવા રે, થાશે ભક્ત અક્રૂરજી જેવા રે ।।૨૪।।

પ્રભુને વાલા જન જે કૈયે રે, તેમાં દ્રૌપદી સમાન લૈયે રે ।

અંતઃશત્રુ જીતવા સમર્થ રે, જાણું પ્રકટ્યા બીજા પાર્થ રે ।।૨૫।।

પ્રશ્ન ઉત્તર કરવા અતિ રે, જાણું આવ્યા આપે બૃહસ્પતિ રે ।

ધીરજવાનમાં ધીરજવાન રે, થાશે બળી રાજાને સમાન રે ।।૨૬।।

અસુરને મોહ ઉપજાવા રે, થાશે વામનજી સમ આવા રે ।

કરશે ધર્મની રક્ષા તે ઘણી રે, જુવો એંધાણી તમે તેહતણી રે ।।૨૭।।

હાથે છે પદ્માંકુશનાં ચિહ્ન રે, મુખ દેખી લાજે કોટિ મીન રે ।

ઊર્ધ્વરેખા અષ્ટકોણ ધ્વજ રે, સ્વસ્તિક અંકુશ વળી અંબુજ રે ।।૨૮।।

જવ જાંબુ વજ્ર દેખ્યાં દ્રગ રે, તેણે શોભે છે દક્ષિણ પગ રે ।

મત્સ્ય ત્રિકોણ કળશ ને વ્યોમ રે, ધેનુપદ ધનુષ ને સોમ રે ।।૨૯।।

સાતે ચિહ્ન શોભે વામચરણ રે, માટે આતો છે અશરણશરણ રે ।

દેશે બહુ જીવને અભયદાન રે, કરશે મોટા મોટા સનમાન રે ।।૩૦।।

બહુ જીવને આજ્ઞામાંય રે, વર્તાવશે સતયુગ ન્યાય રે ।

નાના પ્રકારનાં જેહ દુઃખ રે, ટાળી તમારાં કરશે સુખ રે ।।૩૧।।

જેમ વિષ્ણુ વિબુધ સહાય રે, કરે છે મહા કષ્ટને માંય રે ।

તેમ કરશે તમારી સાર રે, એવા એમાં ગુણ છે અપાર રે ।।૩૨।।

બીજા બહુ મોટા ગુણ એમાં રે, શુભગુણની થાશે એ સીમા રે ।

એવાં માર્કંડેયનાં વેણ રે, સુણ્યાં ધર્મે અતિ સુખદેણ રે ।।૩૩।।

પછી વસ્ત્ર ઘરેણાં ને ધન રે, આપ્યાં વિવિધ ભાત્યનાં અન્ન રે ।

થયા માર્કંડેય પ્રસન્ન રે, રહ્યા તિયાં પછી દોય દિન રે ।।૩૪।।

પછી દઇ આશિષ મુનિરાયરે, ગયા શિષ્ય સહિત પ્રયાગ માંયરે ।

પછી ભક્તિ ધર્મ રાજી થઇ રે, સુતને હુલાવે નામ લઇ રે ।।૩૫।।

એમ કરતાં ચાર માસ વિત્યા રે, બેઠો પાંચમો માસ પુનિતા રે ।

ત્યારે રૂડે દિવસે દંપતિ રે, મહી બેસાર્યા સુખમૂરતિ રે ।।૩૬।।

વારાહે સહિત વસુંધરા રે, પૂજી પ્રીતે તેડાવી વિપરા રે ।

કર્યો મોટો ઉત્સવ તે દિન રે, જમાડિયા બહુ વિપ્રજન રે ।।૩૭।।

માંગલિક વાજાં વજડાવી રે, કરી વધાઇ તે મનભાવી રે ।

પછી સપ્ત માસે દિન સારે રે, આવી પૂર્ણાતિથિ ગુરુવારે રે ।।૩૮।।

તે દિ પુત્રના વિંધાવ્યા કર્ણ રે, ભૂષણ પેરાવ્યાં સારાં સુવર્ણ રે ।

પછી આસો વદી બીજ દન રે, કરાવ્યાં અન્નબોટણાં અન્ન રે ।।૩૯।।

કર્યો ઉત્સવ જમાડ્યા જન રે, કરાવ્યાં બ્રાહ્મણને ભોજન રે ।

પછી શાસ્ત્ર મહોર સમસેર રે, ત્રણ મુક્યાં આગળ તે વેર રે ।।૪૦।।

પછી મહોર ખડગ મેલી નાથ રે, મુક્યો પુસ્તક ઉપર હાથ રે ।

હતી રૂચી પોતાને જે માંઇ રે, તેહ વિના ગમ્યું નહિ કાંઇ રે ।।૪૧।।

પછી માતાએ ખોળામાં તેડી રે, લીધી બકી હૃદામાંહિ ભીડી રે ।

પછી ધવરાવ્યા કરી પ્રીત્યે રે, કરે હેત નવું નિત્ય નિત્યે રે ।।૪૨।।

પછી પ્રતિદિન તે દયાળ રે, વધે નિત્ય ચંદ્ર જેમ બાળ રે ।

કરે બાળ ચરિત્ર અપાર રે, જોઇ મોહી રહે નરનાર રે ।।૪૩।।

માત તાતને લાગે છે પ્યારા રે, નથી મુકતાં નિમિષ ન્યારા રે ।

એમ જાય આનંદમાં દન રે, સુત નિરખી હરખે મન રે ।।૪૪।।

કરે નરનારી જે દર્શન રે, તેના હેતમાં હરાય મન રે ।

વૃદ્ધ કોવિદ ને વિદ્યાવાન રે, દેખી નાથ ભુલે નિજ જ્ઞાન રે ।।૪૫।।

કરે ભાવતાં ચરિત્ર નાથ રે, તેણે પોંચે નહિ હાથોહાથ રે ।

માત તાત ને ભગિની ભાઇ રે, કાકો મામો જેને જે સગાઇ રે ।।૪૬।।

રાખે હેત હરિસાથે સહુ રે, બીજાને પણ વહાલા છે બહુ રે ।

નરનારીને પ્યારા છે નાથ રે, નથી આવતા માતાને હાથ રે ।।૪૭।।

પછી કાંઇક માંડ્યું બોલવા રે, બોલે તોતળા મુખથી લવા રે ।

જેમ જેમ બોલે કાલું કાલું રે, તેતો લાગે માતાજીને વાલું રે ।।૪૮।।

પછી સુંદરી સર્વે સિયાણી રે, શીખવે સારી વાલાને વાણી રે ।

વળી રૂડી રીતેશું રમાડે રે, પય શર્કરા પાક જમાડે રે ।।૪૯।।

પેંડા પતાસાં ને પકવાન રે, ભાવે જન જમાડે ભગવાન રે ।

હળવે હળવે હિંડવા કાજ રે, શીખવે નારી શીખે મહારાજ રે ।।૫૦।।

પડે લડથડે પગલાં ભરે રે, અહિં આગ્ય ઝાલતાં ન ડરે રે ।

એમ બાળચરિત્ર મહારાજ રે, કરે હેત નિજજન કાજ રે ।।૫૧।।

રિંખે રડે પડે પેટવડે રે, અતિ દાખડે ઉંમરો ચડે રે ।

ખાય ગોટીલાં ગડથલાં ઘણાં રે, કરે ચરિત્ર બાળક તણાં રે ।।૫૨।।

ચાલે ગોઠણભર ઘરમાંઇ રે, દેઇ ટેક આપે ઉભા થાય રે ।

એવા અસમર્થ દેખે સહુ રે, પણ ધીર ગંભીર છે બહુ રે ।।૫૩।।

ભૂખ દુઃખ ને ભયે ન ભડકે રે, દેવ અદેવથી ન થડકે રે ।

ભૂત પ્રેત ને દનુજ દૈત્ય રે, રાક્ષસ રાક્ષસી યક્ષ સહિત રે ।।૫૪।।

તેનો ભય નથી મનમાંય રે, એવા અચળ પર્વત પ્રાય રે ।

બીજા શુભ ગુણ બહુ સારા રે, તેણે લાગે છે સહુને પ્યારા રે ।।૫૫।।

રૂવે નહિ રાજી સદા રમે રે, તેમ તેમ સહુને તે ગમે રે ।

મીઠું મીઠું બોલે મુખે ઘણું રે, લાગે સૌ જનને સોયામણું રે ।।૫૬।।

પય સાકર પિયે ન પિયે રે, અણ ઇચ્છાએ ભોજન લિયે રે ।

અશન વસન ભૂષણ સેજ રે, પોતા કારણે ન ઇચ્છે એજ રે ।।૫૭।।

શીત ઉષ્ણ મશક ને દંશ રે, કચવાય નહિ કોઇ મશ રે ।

એવા સુશીલ જોઇને સહુ રે, માને આશ્ચર્ય મનમાં બહુ રે ।।૫૮।।

કહે આતો મોટા કોઇ અતિ રે, એમ કહે દેખીને દંપતિ રે ।

એમ કર્તાં વર્ષ એક થયું રે, તેનું ચરિત્ર સહુને કહ્યું રે ।।૫૯।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે હરિબાળલીલા એ નામે અઢારમું પ્રકરણમ્ ।।૧૮।।