૮. પ્રભુએ પ્રગટ થવાનું વરદાન આપ્યું તથા અસરોએ જન્મ લઇ અધર્મ ફેલાવવાનું અગાઉ આયોજન કર્યું તેનું ન

Submitted by swaminarayanworld on Sun, 03/07/2011 - 9:08pm

પૂર્વછાયો-

પછી સંભારી એ શાપને, સર્વે કરવા લાગ્યા શોક ।

પુણ્ય ભૂમિ આ પરહરી, જાવું જોશે જાણું મૃત્યુલોક ।।૧।।

પાપ પેખી પૃથ્વીતણાં, કેમ રહેશે સુખ શરીર ।

અવળે સવળું એટલું, સંગે ચાલશે નરવીર ।।૨।।

કાંઇક તેનો હર્ષ છે, કાંઇક શોક છે મન ।

દુરવાસાને દર્શને, થયું હર્ષ શોક ચિંતવન ।।૩।।

વળતા નારાયણ બોલિયા, તમે શોક મ કરો લગાર ।

ઇચ્છા અમારે એવી હતી, અવનિએ લેવા અવતાર ।।૪।।

ચોપાઇ-

મારી ઇચ્છા વિના એવી વાત, ન થાય માનજો મારા તાત ।

આવ્યા ઋષિને કરી જે રાવ, ત્યારનો મેં માંડ્યો છે ઉપાવ ।।૫।।

આવ્યા દુર્વાસા મારી ઇચ્છાએ, આવી ન પામ્યા સન્માન કાંયે ।

દીધો શાપ મેં ન વાર્યા તેને, બોલ્યા જેમ મેં બોલાવ્યા એને ।।૬।।

જાણું નિમિત્ત વિના નિરધાર, કેમ લઇએ સહુ અવતાર ।

માટે ચિંતા કરશોમાં કાંએ, શાપ થયો છે મારી ઇચ્છાએ ।।૭।।

કાંજે પૃથ્વીએ વ્યાપ્યું છે પાપ, તેણે સાધુ પામે છે સંતાપ ।

માટે પુત્ર તમારો થાઇશ, હરિનામે નિશ્ચે કહેવાઇશ ।।૮।।

મારા સાધુની રક્ષાને સારૂં, થાશે ભૂમિએ વિચરણ મારૂં ।

ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ, પ્રવર્તાવીશ ભૂમિએ અતિ ।।૯।।

માટે ચિંતા મ કરશો લગાર, લિયો દ્વિજ કુળે અવતાર ।

આપ ઇચ્છા ધારી ઉર વિષે, લિયો જન્મ જુદા જુદા દેશે ।।૧૦।।

સુણી નારાયણની એ વાણ, સહુ પાયે લાગ્યા જોડી પાણ ।

પછી આપ આપણે આશ્રમ, ગયા મુનિ ને ભક્તિ ધરમ ।।૧૧।।

પછી ભક્તિ ધરમ ઋષિ જેહ, ઉદ્ધવાદિક સરવે તેહ ।

કાળે કરી આ ભૂમિ મોઝાર, સહુ લેવા ઇચ્છ્યા અવતાર ।।૧૨।।

દેશ દેશ લેવાને જનમ, ઇચ્છ્યા જાણી વેળા એ વિષમ ।

ધર્યાં દ્વિજજાતિ માંહિ તન, કહું સાંભળજયો સહુ જન ।।૧૩।।

થઇ વાત એ બદ્રિકાશ્રમ, લેશે જન્મ ઋષિ ભક્તિ ધર્મ ।

એવું જાણી જે હતા અદેવ, તે પણ ત્યાર થયા તતખેવ ।।૧૪।।

કહે અસુર અભાગી એમ, કાઢશે એ અધર્મને કેમ ।

એવું શું આપણું પડી ભાંગશે, જે એ સર્વે અધર્મ ત્યાગશે ।।૧૫।।

નથી ગયું નખોદ આપણું, જે ચાલશે એનું બળ ઘણું ।

માટે જયાં જયાં એ લે અવતાર, ત્યાં ત્યાં તત્પર રહો તૈયાર ।।૧૬।।

એનાં સંબંધીમાં કરો પ્રવેશ, જયાં જયાં જન્મે એહ મુનીશ ।

રાખી ખટકો થાઓ હુશિયાર, પ્રવર્તાવો અધર્મ અપાર ।।૧૭।।

જિયાં તિયાં થકી એને ઝાલો, મતિ અતિશે અવળી આલો ।

કહું છું મને તો સુઝે છે એમ, કહો તમને સુઝે છે કેમ ।।૧૮।।

એવું સાંભળી બોલ્યા અસુર, જેમ કહો તેમ કરીએ જરૂર ।

મર બણવાની હોય તે બણે, પણ એને તો જોશું આપણે ।।૧૯।।

કરશું જુદા જુદા પરવેશ, દેશું દુઃખ બહુ અહોનિશ ।

એમ પરિયાણિયા એ અસુર, બોલ્યાં નરનારી કરી જોર ।।૨૦।।

એક કહે થાઉં એની માત, નિત્ય શિખવું પાપની વાત ।

એક કહે થાઉં એની માસી, નાખું મોહ ને માયાની ફાંશી ।।૨૧।।

એક કહે થાઉં એની બેન, રોઇ કળકળી કરાવું ફેન ।

એક કહે થાઉં હું દિકરી, મારી ચિંતામાં ન ભજે હરિ ।।૨૨।।

એમ બોલી અસુરની નારી, કરીએ બહુવિધ વિઘ્ન ભારી ।

ત્યારે બોલ્યા અસુર વળતા, અમે બહુ જાણુ છું ખળતા ।।૨૩।।

કહે એક થાઉં એનો બાપ, મારી કુટી ને કરાવું પાપ ।

કહે એક થાઉં એનો ભાઇ, નાખું અતિશે અધર્મમાંઇ ।।૨૪।।

કહે એક થાઉં એનો કાકો, બતાવું પાપ મારગ પાકો ।

કહે એક થાઉં એનો મામો, કરાવું અતિ અધર્મ સામો ।।૨૫।।

કહે એક થાઉં એનો બાળ, કરૂં ભક્તિ ને ધર્મનો કાળ ।

કહે એક હેતુ એનો થઇ, નિયમ એક રહેવા દિયું નહિ ।।૨૬।।

કહે એક થાઉં એનો સખો, કરે ભજન ત્યાં રચાવું ડખો ।

કહે એક થાઉં એનો સગો, કરૂં એના કલ્યાણમાં દગો ।।૨૭।।

કહે એક થાઉં એનો ગુરુ, જગે અઘ એટલાં હું કરૂં ।

કહે અવિદ્યા થાઉં હું નાર, મ જાળથી કાઢે પગ બાર ।।૨૮।।

નાનાં બાળક બહુ ઉપજાવી, દીયું હેત હું એમાં બંધાવી ।

છોરા છોરી ઝીણું ઝીણું બોલી, ખાશે એના કળેજાંને ફોલી ।।૨૯।।

એમ સહુ મળી આપણે કરશું, જેણે થાય એ જીવનું નરશું ।

એમ ખરા ખબરદાર થાઓ, આવ્યો અવસર મ ભૂલો દાવો ।।૩૦।।

એના કુટુંબમાં પ્રવેશ કરીએ, ગુરુ સંબંધીનું રૂપ ધરીએ ।

એના ઉરથી અધર્મ ન ટળે, એમ કરવું આપણે સઘળે ।।૩૧।।

એમ પરસ્પર પરિયાણ્યું, જોર અતિશે પોતાનું જાણ્યું ।

કર્યો અસુરે મનસુબો એવો, ઘટે પાપી અદેવને જેવો ।।૩૨।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્યે અસુર ઉદ્ભવ નામે આઠમું પ્રકરણમ્ ।।૮।।