ગઢડા અંત્ય ૨૮ : ભગવાનના માર્ગમાંથી પડયાનું

Submitted by Parth Patel on Fri, 18/02/2011 - 3:50am

ગઢડા અંત્ય ૨૮ : ભગવાનના માર્ગમાંથી પડયાનું

સંવત્ ૧૮૮૫ના કાર્તિક વદિ પડવાને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “ભગવાનની ભકિતમાંથી બે પ્રકારે જીવ પડે છે. એક તો શુષ્કવેદાંતના ગ્રન્‍થને સાંભળીને બીજા આકારને ખોટા કરે તેમ શ્રીકૃષ્ણાદિક જે ભગવાનના આકાર તેને પણ ખોટા કરે એ શુષ્કવેદાંતિને અતિ અજ્ઞાની જાણવા અને બીજો જે એમ સમજતો હોય જે, ભગવાનને ભજીએ તો ગોલોક ને વૈકુંઠલોકમાં સ્ત્રીભોગ, ખાન પાન આદિક જે પંચવિષયનાં સુખ તેને પામીએ. પછી તે સુખની આસકિતએ કરીને ભગવાનને પણ ભુલી જાય ને મૂળગો કુબુદ્ધિવાળો થઈને એમ સમજે જે, એ સુખ ન હોય તો એ ધામમાં રાધિકા, લક્ષ્મી આદિક સ્‍ત્રીઓ ભેળે ભગવાન પણ રમે છે માટે એ સુખ પણ ખરૂં છે. પણ ભગવાનને પૂર્ણકામ ને આત્‍મારામ ન સમજે અને એવી જે ભગવાનની ક્રિયાઓ છે તે તો પોતાના ભક્તના સુખને અર્થે છે તે સારૂં જ્ઞાનવૈરાગ્‍યે સહિત ભગવાનની ભકિત કરવી. અને એ ભગવાનના સ્‍વરૂપને જેણે એમ જાણ્‍યું હોય જે, સર્વે સુખમય મૂર્તિ તો એ ભગવાન જ છે, ને બીજે પંચવિષયમાં જે સુખ તે તો એ ભગવાનના સુખતો કિંચિત્ લેશ છે. એમ ભગવાનને માહાત્‍મ્‍યે સહિત જે સમજ્યો હોય તે કોઈ પદાર્થમાં બંધાય જ નહિ, અને એ ભગવાનના ધામના સુખ આગળ બીજા લોકનાં જે સુખ તે તો નરક જેવાં છે, એમ મોક્ષધર્મમાં કહ્યું છે. આવી રીતે ભગવાનના ભક્તને સમજવું અને એમ ન સમજે તો એ બેય પ્રકારે કરીને ભગવાનમાંથી પડી જાય છે.”

પછી શ્રીજીમહારાજને સુરાખાચરે પ્રશ્ર્ન પુછયો જે, “ભગવાનને તથા સંતને જેવા છે તેવા નિશ્વયપણે જાણીને પણ કોઈનું અંતર પાછું પડી જાય છે તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજે ઉત્તરકર્યો જે, એણે ભગવાનનો નિશ્વય કર્યો હતો ત્‍યારે જ એમાં કાચપ રહી ગઈ છે તે શું ? તો કોઈકને સ્વાદે કરીને સારૂં સારૂં ખાવા જોઈતું હોય ને તેને ભગવાન તથા સંત તે ખોદે ત્‍યારે તેનું અંતર પાછું પડી જાય તથા કામનો ઘાટ રહી ગયો હોય ને તેને ખોદે, તથા લોભ રહ્યો હોય ને તે લોભને મુકાવે ને કહે જે આ તારૂં ધન, માલ, ખેતર, વાડી તે કોઈકને આપી દે ત્‍યારે તે વચન પાળે નહિ. તેણે કરીને પાછો પડી જાય, તથા માન હોય ને તે માનને સંત તથા ભગવાન ખોદે ને અપમાન કરે ત્‍યારે તેણે કરીને  પણ પાછો પડી જાય છે. એવી રીતે નિશ્વય હોય ને જે જે પોતામાં અવગુણ રહી ગયો હોય તેણે કરીને પાછો પડી જાય છે. અને જેણે નિશ્વય કર્યો હોય તે સમયમાં જ એ અવગુણ ટાળીને કર્યો હોય તો તે પાછો પડે નહિ અને એ અવગુણ હમણાં પણ જેમાં જેમાં હશે તે જો વિચારીને પોતાના અંતર સામું જુવે તો જણાઈ આવે જે, ‘આવી રીતને અંગે હું કાચો છું તે જો મને પાળ્‍યાનું કહેશે તો હું વિમુખ થઈ જઈશ, એમ યથાર્થ જાણે.”

પછી બ્રહ્માનંદસ્વામી તથા શુકમુનિ તથા સુરાખાચર એ ત્રણને શ્રીજી મહારાજે પુછયું જે, “તમે જેણે કરીને પાછા પડી જાઓ એવો તમારામાં કયો અવગુણ છે ?” ત્‍યારે એ ત્રણે કહ્યું જે, “હે મહારાજ ! માનરૂપ દોષ છે, માટે કોઈક બરોબરીયા સંત અપમાન કરે તો કાંઈક મુંઝવણ થાય” પછી શ્રીજીમહારાજબોલ્‍યા જે, અમે પુછીએ છીએ જે, “દ્યુપતય એવ તે યયુરન્‍તમનન્‍તતયા” એવી રીતે માહાત્‍મ્‍યે સહિત ભગવાનને જાણ્‍યા હોય ને એવા જે ભગવાન તેના જે સંત તે સાથે માન, ઈર્ષ્યા, ક્રોધ કેમ થાય ? અને જો થાય છે તો જાણ્‍યામાં ફેર છે, કેમ જે ગર્વનર સાહેબને જાણ્‍યો છે જે સમગ્ર પૃથ્‍વીનો પાદશાહ છે ને બળિયો છે ને જો તેનો એક ગરીબ સરખો હમેલિયો આવ્‍યો હોય તો તેનો હુકમ મોટો રાજા હોય તે પણ માને, ને તે જેમ કહે તેમ દોર્યો દોરાય. શા માટે જે, તે રાજાએ એમ જાણ્‍યું છે જે, બળિયો જે ગર્વનર સાહેબ તેનો એ હમેલિયો છે. અને જેથી, જે બળિયો તેની આગળ માન રહે નહિ. તેમ જેણે ભગવાનને સમગ્ર ઐશ્વર્ય સમૃદ્ધિના ધણી જાણ્‍યા હોય તો તેને સંતની આગળ માન કેમ રહે ? પછી બ્રહ્માનંદસ્વામીએ કહ્યું જે, “હે મહારાજ! તમે ઠીક કહો છો. જો એમ માહાત્‍મ્‍યે સહિત ભગવાનને જાણ્‍યા હોય તો માન, ઈર્ષ્યા, ક્રોધ તે સંતની આગળ થાય જ નહિ.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જુવોને ઉદ્ધવજી કેવા મોટા હતા ને કેવા ડાહ્યા હતા પણ જો ભગવાનની મોટાઈને જાણતા હતા તો તે ભગવાનને વિષે હેતવાળી જે વ્રજની ગોપીયો તેના ચરણની રજને પામ્‍યાને સારું વનવેલીનો અવતાર માગ્‍યો, તે કહ્યું છે જે-

“આસામહોચરણરેણુજુષામહં સ્‍યાં વૃન્‍દાવને કિમપિ ગુલ્‍મલતૌષધીનામ્ |

યા દુસ્‍ત્‍યજં સ્‍વજનમાર્યપથં ચ હિત્‍વા ભેજુર્મુકુન્‍દપદવીં શ્રુતિભિર્વિમૃગ્‍યામ્ |”

તથા બ્રહ્માએ પણ કહ્યું છે જે-

“અહો ભાગ્‍યમહો ભાગ્‍યં નંદગોપવ્રજૌકસામ્ | યન્‍મિત્રં પરમાનંદં પૂર્ણં બ્રહ્મ સનાતનમ્ ||”

એવી રીતે બ્રહ્મા પણ ભગવાનનું માહાત્‍મ્‍ય જાણતા હતા. તો એવી રીતે બોલ્‍યા તે માટે જો ભગવાનની ને સંતની એવી રીતે મોટાઈ જાણતો હોય તો માન, ઈર્ષ્યા, ક્રોધ, રહે જ નહિ ને તેને આગળ દાસાનુદાસ થઈને વર્તે ને ગમે તેટલું અપમાન કરે તો પણ તેના સંગને  મૂકીને છેટે જવાને ઈચ્‍છે જ નહિ. અને એમ મનમાં થાય નહિ જે, “હવે તો કયાં સુધી ખમીએ. આપણ તો આપણે ઘેર બેઠા થકા જ ભજન કરીશું. તે માટે એમ માહાત્‍મ્‍ય સમજે તો માન ટળે.” એવી રીતે વાર્તા કરી.

અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી જે, “ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈ કર્મયોગે કરીને શૂળીએ ચઢાવ્‍યો ને તે સમયમાં અમે પણ તેની પાસે ઉભા હોઈએ, પણ તે ભક્તના હૃદયમાં એમ ઘાટ ન થાય જે ‘આ ભગવાન મને શૂળીના કષ્‍ટ થકી મુકાવે તો ઠીક.’ એવી રીતે પોતાના દેહના સુખનો સંકલ્‍પ ન થાય ને જે કષ્‍ટ પડે તેને ભોગવી લે એવો જે નિષ્કામ ભક્ત તેની ઉપર ભગવાનની બહુ પ્રસન્નતા થાય છે.”

અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી જે, “ભગવાન સંબંધી સુખને કોણ પામે છે તો તે કહીએ છીએ જે, જેમ માછલું હોય તેને જળ છે તે જીવનરૂપ છે. તે જળનો યોગ જ્યાં સુધી હોય ત્‍યાં સુધી તે જળમાં માછલું ચાલે, હાલે, ક્રીડા કરે ને જળનો વિયોગ થાય ત્‍યારે તેની ચંચળતા ટળી જાય ને મરી જાય. તેમ જેને પંચવિષયે કરીને જીવનપણું જ્યાં સુધી મનાયું છે ને તેણે કરીને સુખ માન્‍યું છે ને તેનો વિયોગ થાય ત્‍યારે મુવા જેવો થઈ જાય છે એવો જે હોય તે ભગવાનના સુખને કયારેય પણ પામે નહિ. અને પંચવિષયે કરીને જેને જીવન-પણું ટળી ગયું છે તે જ ભગવાનના સુખને અનુભવે છે ને ભોગવે છે એવાને જ ભગવાનના સુખની પ્રાપ્‍તિ થાય છે.” ઇતિ વચનામૃતમ્ ગઢડા અંત્યનું ||૨૮|| ૨૬૨||