ગઢડા અંત્ય ૨૨ : સખી – સખાના ભાવનું

Submitted by Parth Patel on Fri, 18/02/2011 - 3:46am

ગઢડા અંત્ય ૨૨ : સખી – સખાના ભાવનું

સંવત્ ૧૮૮૪ના ભાદરવા વદિ ૪ ચોથને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પાઘને વિષે ધોળા પુષ્પના તોરા ઝુકી રહ્યા હતા. અને કંઠને વિષે ધોળા પુષ્પના હાર વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા  ભરાઈને બેઠી હતી. ને પરમહંસ દૂકડ સરોદા લઈને પોતાની આગળ વિષ્ણુપદ ગાવતા હતા. તે સમયમાં શ્રીજીમહારાજ અંતરસન્‍મુખ દ્રષ્‍ટિ કરીને વિરાજમાન હતા.

પછી શ્રીજીમહારાજ એમ બોલ્‍યા જે, “જેવું પ્રેમલક્ષણા ભકિતએ યુક્ત આ કીર્તનને વિષે હરિજનનું અંગ કહ્યું છે એવું તો ઝીણાભાઈનું અંગ છે. તથા પર્વતભાઈ ને મૂળજી એનાં પણ એવાં અંગ હતાં, માટે અમે અંતરસન્‍મુખ દ્રષ્‍ટિ કરીને વિચારતા હતા અને બીજા પણ સત્‍સંગમાં એવા અંગવાળા હશે. અને જેને પ્રેમલક્ષણા ભકિતનું અંગ આવે તેને પંચવિષયને વિષે પ્રીતિ ટળી જાય છે અને આત્‍મનિષ્‍ઠા રાખ્‍યા વિનાની જ રહે છે.”

પછી મુકતાનંદ સ્વામીએ પુછયું જે, “નરસિંહ મહેતો તો સખાભાવે શ્રીકૃષ્ણભગવાનને ભજતા ને કેટલાક નારદાદિક ભગવાનના ભક્ત છે તે તો દાસભાવે કરીને ભગવાનને ભજે છે, એ બે પ્રકારના ભક્તમાં કેની ભકિત શ્રેષ્‍ઠ જાણવી ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “નરસિંહ મહેતો, ગોપીયો ને નારદ સનકાદિક, એમની ભકિતમાં બે પ્રકાર નથી. એ તો એક પ્રકાર જ છે, અને દેહ તો પુરૂષનો ને સ્‍ત્રીનો બેય માયિક છે ને નાશવંત છે અને ભજનનો કરનારો જે જીવાત્‍મા તે પુરૂષ પણ નથી ને સ્‍ત્રી પણ નથી. એ તો સત્તામાત્ર ચેતન છે. તે દેહને મુકીને ભગવાનના ધામમાં જાયછે ત્‍યારે જેવી ભગવાનની મરજી હોય તેવો તેનો આકારબંધાય છે અથવા એ ભક્તને જેવો સેવાનો અવકાશ આવે તેવો આકાર ધરીને ભગવાનની સેવા કરે છે અને જે ભગવાનનો ભક્ત હોય  તેને જેમ ભગવાનમાં પ્રીતિ હોય તેમ જ જો ધન, સ્‍ત્રી આદિક પદાર્થમાં પ્રીતિ થઈ જાય તો એ ભગવાનનો દ્રઢ ભક્ત કહેવાય નહિ, અને પરમેશ્વરનો ભક્ત થઈને ભકિત કરતાં થકાં જે પાપ કરે છે ને સત્‍સંગમાં જ કુવાસના બાંધે છે તે પાપ તો એને વજ્રલેપ થાય છે. અને કુસંગમાં જઈને પરસ્‍ત્રીનો સંગ કરે તે થકી પણ સત્‍સંગમાં ભગવાનના ભક્ત ઉપર કુદૃષ્ટિએ જોવાયું હોય તો તેનું વધુ પાપ છે. માટે જેને ભગવાનમાં દ્રઢ પ્રીતિ કરવી હોય તેને તો કોઈ જાતનું પાપ પોતાની બુદ્ધિમાં રહેવા દેવું નહિ, શા માટે જે, સત્‍સંગી હરિજન છે તે તો જેવાં પોતાનાં મા, બેન કે દીકરી હોય તેવાં છે. અને આ સંસારને વિષે અતિશય જે પાપી હોય તે પોતાના ગોત્રની સ્‍ત્રીઓને વિષે કુદૃષ્ટિ રાખે છે. માટે જે હરિજનને વિષે કુદૃષ્ટિ રાખે તે અતિશય પાપી છે, ને તેનો કોઈ કાળે છુટકો થાય નહિ. માટે જેને રસિક ભક્ત થવું હોય તેને આવી જાતનું પાપ તેનો ત્‍યાગ કરીને પછી રસિક ભક્ત થવું અને સર્વ પાપમાંથી મોટું પાપ એ છે જે ભગવાન ને ભગવાનના ભક્તને વિષે દોષબુદ્ધિ થાય ને તે દોષબુદ્ધિએ કરીને ભગવાન ને ભગવાનના ભક્ત સંધાથે વૈર બંધાઈ જાય માટે કોટી ગૌહત્‍યા કરી હોય તથા મદ્ય માંસનું ભક્ષણ કર્યું હોય તથા અસંખ્‍ય ગુરૂ સ્‍ત્રીનો સંગ કર્યો હોય તે એ પાપ થકી તો કોઈ કાળે છુટકો થાય પણ ભગવાન ને ભગવાનના ભક્તનો જે દ્રોહી તેનો તો કોઈ કાળે એ પાપ થકી છુટકો ન થાય. અને તે પુરૂષ હોય તો રાક્ષસ થઈ જાય ને સ્‍ત્રી હોય તો રાક્ષસી થઈ જાય. પછી તે કોઈ જન્‍મમાં અસુર મટીને ભગવાનનો ભક્ત થતો નથી. અને જેણે ભગવાનના ભક્તનો દ્રોહ આદર્યો હોય ને પરિપકવ દ્રોહબુદ્ધિ થઈ હોય તેની તો કોઈ યોગે કરીને દ્રોહબુદ્ધિ ટળે નહિ. અને દ્રોહ કર્યાની સાધન દશામાં હોય ને એમ જાણે જે, ભગવાન ને ભગવાનના ભક્તનો મેં દ્રોહ કર્યો એ મોટું પાપ કર્યું માટે હું તો અતિશય નીચ છું, અને ભગવાન ને ભગવાનના ભક્ત તે તો બહુ મોટા છે, એવી રીતે જે ભગવાનનો ને ભગવાનના ભક્તનો ગુણ લે અને પોતાને વિષે દોષ જુએ તો ગમે તેવાં મોટાં પાપ કર્યાં હોય તો પણ તે નાશ પામે છે. અને ભગવાન પોતાના ભક્તના દ્રોહના કરનારા ઉપર જેવા કુરાજી થાય છે ને દુ:ખાય છે તેવા કોઈ પાપે કરીને દુ:ખાતા નથી અને જ્યારે વૈકુંઠલોકમાં જયવિજયે સનકાદિકનું અપમાન કર્યું ત્‍યારે ભગવાન તત્‍કાળ સનકાદિક પાસે આવ્‍યા ને સનકાદિક પ્રત્‍યે એમ બોલ્‍યાજે, તમારા જેવા સાધુ છે તેનો જે દ્રોહ કરે તે તો મારા શત્રુ છે. માટે તમે જયવિજયને શાપ દીધો એ બહુ સારૂં કર્યું, અને તમારા જેવા ભગવદીય બ્રાહ્મણ તેનો તો મારો હાથ દ્રોહ કરે તો તે હાથને પણ હું કાપી નાખું તો બીજાની શી વાત કહેવી ? એવી રીતે વૈકુંઠનાથ ભગવાન સનકાદિક પ્રત્‍યે બોલ્‍યા ને જયવિજય હતા તે ભગવદીયના અપરાધરૂપી જે પાપ તેણે કરીને દૈત્‍ય થયા. એવી રીતે જેણે ભગવાનના ભક્તનો દ્રોહ કર્યોછે તે સર્વે મોટી પદવીમાંથી પડી ગયા છે. તે વાત શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. માટે જેણે પોતાનું રૂડું ઈચ્‍છવું તેણે ભગવાનના ભક્તનો દ્રોહ કરવો નહિ, ને જો જાણે અજાણે કાંઈક દ્રોહ થઈ ગયો હોય તો પગે લાગી સ્‍તુતિ કરીને જેમ તે રાજી થાય તેમ કરવું.” ઇતિ વચનામૃતમ્ ગઢડા અંત્યનું ||૨૨|| ૨૫૬ ||