ગઢડા અંત્ય ૨૧ : સોનાના દોરાનું – ધર્મમાં ભકિત સરખી ગૌરવતાનું

Submitted by Parth Patel on Fri, 18/02/2011 - 3:45am

ગઢડા અંત્ય ૨૧ : સોનાના દોરાનું – ધર્મમાં ભકિત સરખી ગૌરવતાનું

સંવત્ ૧૮૮૪ના ભાદરવા શુદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદીતકીયા નંખાવીને વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્‍ત તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે ગોપાળાનંદસ્વામીને ને શુકમુનિને પ્રશ્ર્ન ઉત્તર કરવાની આજ્ઞા કરી. પછી શુકમુનિએ ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ર્ન પુછયો જે, “ભગવાનની જે ભકિત છે તેણે કરીને જીવ ભગવાનની માયાને તરે છે ને અક્ષરધામને પામે છે. અને જે ધર્મ છે તેણે કરીને તો દેવલોકની પ્રાપ્‍તિ થાય છે ને તે પુણ્‍યને અંતે પાછો દેવલોકમાંથી તે જીવ પડી જાય છે. અને ભગવાનના જે અવતાર થાય છે તે તો જ્યારે જ્યારે ધર્મની ગ્‍લાનિ થાય છે ત્‍યારે ત્‍યારે તે ધર્મને સ્‍થાપન કરવાને અર્થે થાય છે, પણ ભકિતના સ્‍થાપનને અર્થે થતા નથી. અને જે પ્રાપ્‍તિ ભકિતવતે થાય છે તે પ્રાપ્‍તિ ધર્મે કરીને જણાતી નથી. માટે ભકિત સરખી કયે પ્રકારે ધર્મમાં મોટાઈ આવે ? એ પ્રશ્ર્ન છે.” પછી ગોપાળાનંદસ્વામીએ એ પ્રશ્ર્નનો ઉત્તર કરવા માંડયો, તે જે જે વાત કરી તેમાં ધર્મ તે ભકિતનું અંગરૂપ થઈ જાય, પણ કોઈ રીતે ભકિત સરખું ધર્મમાં ગૌરવ આવે નહિ, પછી એ વાર્તા સાંભળીને શ્રીજીમહારાજ અતિશય હસતા હવા. અને એમ  બોલ્‍યા જે, “એ પ્રશ્ર્નનો ઉત્તર ધણો કઠણ છે. માટે લ્‍યો. અમે એનો ઉત્તર કરીએ જે, એ ધર્મ તો બે પ્રકારનો છે એક નિવૃત્તિ ધર્મ છે ને બીજો પ્રવૃત્તિ ધર્મ છે. તે એ બે પ્રકારનો ધર્મ તેતો ભગવાનના સંબંધે સહિત પણ છે ને ભગવાનના સંબંધે રહિત પણ છે તેમાં ભગવાનના સંબંધે સહિત જે ધર્મ છે તે તો નારદ, સનકાદિક, શુકજી, ધ્રુવ, પ્રહ્યાદ, અંબરીષ એ આદિક જે ભક્તજન તેનો છે, અને એ ધર્મને જ ભાગવત ધર્મ કહે છે, તથા એકાંતિક ધર્મ કહે છે ને તે ધર્મ ને ભકિત તો બે નથી, એક જ છે. અને જે ધર્મ સ્‍થાપનને અર્થે ભગવાનના અવતાર થાય છે તે પણ એ જ  ધર્મના સ્‍થાપનને અર્થે થાય છે. અને કેવળ વર્ણાશ્રમના ધર્મ છે તે તો ભાગવતધર્મ થકી અતિશય ગૌણ છે, અને ભાગવત ધર્મે કરીને તો જીવ જે તે ભગવાનની માયાને તરીને પુરૂષોત્તમના ધામને પામે છે. માટે ભાગવત ધર્મ ને ભકિત એનું એક સરખું ગૌરવ છે અને પ્રાપ્‍તિ પણ એક સરખી જ છે. એવી રીતે ભકિતની ને ધર્મની સરખી મોટાઈ છે. અને કેવળ જે વર્ણાશ્રમના ધર્મ તે તો તે થકી અતિશય દુબળા છે ને તેનું ફળ પણ નાશવંત છે. અને અમારો પણ મત એ છે જે, ભગવાન તથા ભગવાનના એકાંતિક ભક્ત તે વિના કોઈ સંધાથે હેત કરીએ તો પણ થતું નથી, અને અમને એમ જણાય છે જે, જડભરત, શુકદેવ, દત્તાત્રેય, ઋષભદેવ ભગવાન, એના સરખો અમારા જીવનો ઢાળો છે.’ માટે અમને પણ વન પર્વત ને જંગલ એમાં રહેવું ગમે છે, પણ મોટાં મોટાં શહેરપાટણ હોય એમાં રહેવું ગમતું નથી એવો અમારો સહજ સ્‍વભાવ છે, તો પણ ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે લાખો માણસના ભીડામાં રહીએ છીએ તો પણ અમારે જેવું વનમાં રહીએ ને નિર્બંધ રહેવાય તેવું જ રહેવાય છે,. અને અમે પોતાને સ્વાર્થે કરીને લાખો માણસમાં નથી રહેતા, અમે તો ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે માણસના ભીડામાં રહીએ છીએ અને ભગવાનના ભક્તને અર્થે ગમે તેટલી પ્રવૃત્તિ કરવી પડે તો પણ એને અમે નિવૃત્તિ જાણીએ છીએ. અને ભગવાનનો જે ભક્ત હોય ને તે ગમે તેટલા વાંકમાં આવ્‍યો હોય તો પણ અમારે તેનો અવગુણ આવતો નથી. અમે તો એમ જાણીએ છીએ જે ભગવાનના ભક્તમાં જો કોઈક સ્વાભાવિક અલ્‍પ દોષ હોય તો પણ તે જોવા નહિ, અને એ દોષ જો પોતામાં હોય તેને ટાળ્‍યાનો ઉપાય કરવો; પણ ભગવાનના ભક્તમાં એ જાતનો દોષ હોય તોપણ એ હરિજનનો અવગુણ લેવો નહિ. અને હરિભક્તનો તો અવગુણ જ્યારે મોટા વર્તમાનમાં ચુકી જાય ત્‍યારે લેવો ને બીજા અલ્‍પ દોષ હોય તે સારૂં ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહિ, અને ભગવાનના ભક્ત હોય તેને વાદવિવાદે કરીને જીતીને રાજી થવું નહિ. એ સાથે તો હારીને જ રાજી થવું. અને જે વાદવિવાદે કરીને ભગવાનના ભક્તને જીતે છે, તે તો પંચમહાપાપના જે કરનારા તેથી પણ વધુ પાપી છે. અને અમારી આગળ જે કોઈ ભગવાનના ભક્તનું ધસાતું બોલે તે તો અમને દીઠો જ ગમે નહિ, અને જે ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તેના હાથનું તો અન્નજળ પણ ભાવે નહિ, અને દેહનો સંબંધી હોય પણ જો ભગવાનના ભક્તનો અવગુણ લે તો તે સાથે પણ અતિશય કુહેત થઈ જાય, શા માટે જે, આપણે તો આત્‍મા છીએ તે આપણે દેહ ને દેહનાં સંબંધી સાથે શા સારૂં હેત જોઈએ ? આપણે તો સત્તારૂપ રહીને ભગવાન તથા ભગવાનના   ભક્ત સંધાથે હેત કર્યું છે, પણ દેહબુદ્ધિએ કરીને હેત કર્યું નથી, ને જે સત્તારૂપ રહી નહિ શકે તેને તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્‍સરાદિક જે શત્રુ તે પીડયા વિના રહે જ નહિ. માટે જે આત્‍મસત્તારૂપ થઈને ભકિત નહિ કરતા હોય તેનું રૂપ તો આ સત્‍સંગમાં ઉધાડું થયા વિના રહે જ નહિ. શા માટે જે, આ સત્‍સંગ છે તે તો અલૌકિક છે. અને જેવા શ્વેતદ્વીપ, વૈકુંઠ, ગોલોક તેને વિષે ભગવાનના પાર્ષદ છે તે જેવા જ આ સર્વે સત્‍સંગી છે. અને અમે તો જેવા સર્વથી પર જે દિવ્‍ય અક્ષરધામ તેને વિષે ભગવાનના પાર્ષદ છે તે જેવા જો આ સત્‍સંગીને ન જાણતા હોઈએ તો અમને ભગવાન તથા ભગવાનના ભક્તના સમ છે. અને જેને જ્ઞાન, વૈરાગ્‍ય, ધર્મ ને ભકિત એ અતિશય દ્રઢ નહિ હોય તે તો અંતે જાતાં ઢીલો પડયા વિના નહિ જ રહે જેમ મીણે પાયેલ દોરો હોય ને તે શિયાળામાં ને ચોમાસામાં તો અક્કડ રહે, પણ જ્યારે ઉનાળો આવે ત્‍યારે જરૂર ઢીલો થઈ જાય, તેમ અહિંયાં હરિભક્તને સર્વે પ્રકારે સુખ રહે ને સત્‍સંગમાં પણ સન્‍માન થતું રહે તે રૂપ જે ચોમાસું ને શિયાળો તેમાં તો જ્ઞાન, વૈરાગ્‍ય, ધર્મ ને ભકિત તે સુધાં આકરાં જણાય પણ જ્યારે સત્‍સંગમાં અપમાન થાય ને દેહે કરીને દુ:ખ થાય તે રૂપ જે ઉનાળો તેમાં તો જ્ઞાન, વૈરાગ્‍ય, ધર્મ ને ભકિત તે મીણે પાયેલ દોરાની પેઠે ઢીલાં થઈ જાય તો પણ અમે તો તેનો ત્‍યાગ કરતા નથી. પણ એ જ એની મેળે મનમાં ઓશિયાળો થઈ ને સત્‍સંગમાંથી પાછો હઠી જાય છે, પછી તે સત્‍સંગી કહેવાતો હોય તો પણ તેને અંતરે સત્‍સંગ સંબંધી સુખ ન રહે. માટે સત્‍સંગ કરવો તે તો આત્‍મસત્તારૂપ થઈને અતિ દ્રઢપણે કરવો, પણ દેહ તથા દેહનાં સંબંધી તે સંધાથે હેત રહી જાય એવો સત્‍સંગ કરવો નહિ. જેમ સોનાનો દોરો કર્યો હોય તે છયે ઋતુમાં સરખો રહે પણ ઉનાળાને તાપે કરીને ઢીલો થાય નહિ, તેમ જેનો દ્રઢ સત્‍સંગ હોય તેને ગમે તેવાં દુ:ખ આવી પડે તથા ગમે તેટલું સત્‍સંગમાં અપમાન થાય પણ તેનું કોઈ રીતે સત્‍સંગમાંથી મન પાછું હઠે નહિ, એવા જે દ્રઢ સત્‍સંગી વૈષ્ણવ છે, તે જ અમારે તો સગાવહાલા છે, ને તે જ અમારી નાત છે, ને આ દેહે કરીને પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે, ને શ્રીકૃષ્ણ ભગવાનના ધામમાં પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે, એમ અમારો નિશ્વય છે. અને તમારે પણ એમ જ નિશ્વય રાખ્‍યો જોઈએ. શા માટે જે, તમે સર્વે અમારે આશ્રિત થયા છો માટે અમારે તમને હિતની વાત હોય તે કહી જોઈએ. ને મિત્ર પણ તેને જ જાણવો જે, પોતાના હિતની વાત હોય તે દુ:ખ લગાડીને પણ કહે,’ એજ મિત્રનું લક્ષણ છે તે સમજી રાખજ્યો.”  ઇતિ વચનામૃતમ્ ગઢડા અંત્યનું ||૨૧|| ૨૫૫ ||