ગઢડા અંત્ય ૬ : જીવ અને મનની મિત્રતાનું

Submitted by Parth Patel on Fri, 18/02/2011 - 3:30am

ગઢડા અંત્ય ૬ : જીવ અને મનની મિત્રતાનું

સંવત્ ૧૮૮૩ ના ભાદરવા વદિ ૫ પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ સર્વ હરિભક્ત ઉપર કૃપાદૃષ્ટિ કરીને બોલતા હવા જે, “ભગવાનનો ભક્ત હોય ને ભગવાનની કથા, કીર્તન, શ્રવણાદિક જે નવધા ભકિત તેને જો હરિભક્ત ઉપર ઈર્ષ્યાએ કરીને કરે તો તે ભકિતએ કરીને ભગવાન અતિશે રાજી થતા નથી; અને ઈર્ષ્યાનો ત્‍યાગ કરીને કેવળ પોતાના કલ્‍યાણને અર્થે ભકિત કરે પણ લોકને દેખાડયા સારૂં ન કરે તો તે ભકિતએ કરીને ભગવાન પ્રસન્ન થાય છે. માટે જેને ભગવાનને રાજી કરવા હોય તેને તો લોક રીઝાવવાને અર્થે તથા કોઈકની ઈર્ષ્યાએ કરીને ભકિત ન કરવી, કેવળ પોતાના કલ્‍યાણને અર્થે જ કરવી. અને ભગવાનની ભકિત કરતાં થકાં કાંઈક પોતાને અપરાધ થઈ જાય તેનો દોષ બીજાને માથે ધરવો નહિ. અને જીવમાત્રનો તો એવો સ્‍વભાવ છે જે જ્યારે કાંઈક પોતામાં વાંક આવે ત્‍યારે એમ બોલે જે, ‘મને બીજે કોઈએ ભુલાવ્‍યો ત્‍યારે મારામાં ભુલ પડી પણ મારામાં કાંઈ વાંક નથી.’ પણ એમ કહેનારો મહામૂખર્ો છે. કેમજે, બીજો તો કોઈક કહેશે જે, ‘તું કુવામાં પડ.’ ત્‍યારે એને કહેવે કરીને શું કુવામાં પડવું ?માટે વાંક તો અવળું કરે તેનો જ છે ને બીજા ને માથે દોષ દે છે. તેમજ ઈન્‍દ્રિયો ને અંત:કરણનો વાંક કાઢવો એ પણ જીવની મૂર્ખાઈ જ છે. ને જીવ ને મન તો પરસ્‍પર અતિ મિત્ર છે. જેમ  દુધને ને પાણીને મિત્રતા છે તેમ જીવને ને મનને મિત્રતા છે. તે જ્યારે દુધને ને પાણીને ભેળા કરીને અગ્‍નિ ઉપર મુકે ત્‍યારે પાણી હોય તે દુધને તળે બેસે ને પોતે બળે પણ દુધને બળવા ન દે. ત્‍યારે દુધ પણ પાણીને ઉગારવાને સારૂં પોતે ઉભરાઈને અગ્‍નિને ઓલવી નાખે છે. એવી રીતે બેયને પરસ્‍પર મિત્રાચાર છે. તેમ જ જીવને ને મનને પરસ્‍પર મિત્રાચાર છે. તે જે વાત જીવને ન ગમતી હોય તે વાતનો ઘાટ મનમાં થાય જ નહિ. જ્યારે કાંઈક જીવને ગમતું હોય ત્‍યારે મન જીવને સમજાવે. અને જીવ જ્યારે ભગવાનનું ઘ્‍યાન કરતો હોય ત્‍યારે મન કહેશે જે, “ભગવાનની ભક્ત કોઈક બાઈ હોય તેનું પણ ભેળું ઘ્‍યાન કરવું.” પછી તેના સર્વ અંગનું ચિંતવન કરાવીને પછી જેમ બીજી સ્‍ત્રીને વિષે ખોટો ઘાટ ધડે તેમ તેને વિષે પણ ખોટો ઘાટ ધડે; ત્‍યારે જો એ ભક્તનો જીવ અતિશે નિર્મળ હોય તો તે મનનું કહ્યું ન માને. ને અતિશય દાઝ થાય તો મન એવો ફરીને કયારેય ઘાટ ધડે નહિ. અને જો એનો જીવ મલિન હોય ને પાપે યુક્ત હોય તો મનનું કહ્યું માને. ત્‍યારે વળી મન એને ભૂંડા ઘાટ કરાવી કરાવીને કલ્‍યાણના માર્ગથી પાડી નાખે. તે સારૂં કલ્‍યાણના માર્ગથી અવળી રીતે અધર્મની વાર્તાને પોતાનું મન કહે અથવા બીજો કોઈ માણસ કહે તો તેને સંધાથે જે શુદ્ધ મુમુક્ષુ હોય તેને અતિશે વૈર થઈ જાય છે. પછી પોતાનું મન અથવા બીજો માણસ તે ફરીને તેને તે વાર્તા કહેવા આવે નહિ. અને મન છે તે તો જીવનું મિત્ર જ છે, તે જીવને ન ગમે એવો ઘાટ ધડે જ નહિ. અને જ્યારે કાંઈ મનને અયોગ્‍ય ઘાટ થઈ જાય ત્‍યારે જો જીવને મન ઉપર અતિશે રીસ ચડતી હોય તો ફરીને મનમાં એવો ઘાટ થાય જ નહિ. અને જ્યારે મનને સદાય અયોગ્‍ય ઘાટ થયા કરતા હોય ત્‍યારે એને પોતાના જીવનો જ વાંક સમજવો પણ એકલા મનનો વાંક સમજવો નહિ. એવી રીતે સમજીને ભગવાનની ભકિત કરે તો તેને કોઈ વિમુખ જીવનો તથા પોતાના મનનો જે કુસંગ તે લેશ માત્ર અડી શકે નહિ, અને નિર્વેિઘ્‍ન થકો ભગવાનનું ભજન કરે.”  ઇતિ વચનામૃતમ્ ગઢડા અંત્યનું ||૬|| ૨૪૦ ||