વરતાલ ૧૫ : દૈવી આસુરી થયાના હેતુનું

Submitted by Parth Patel on Fri, 18/02/2011 - 2:48am

વરતાલ ૧૫ : દૈવી આસુરી થયાના હેતુનું

સંવત્ ૧૮૮૨ના પોષ વદિ ૧૧ એકાદશીને  દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મઘ્‍યે શ્રીલક્ષ્મીનારાયણના મંદિર આગળ લીંબડાના વૃક્ષ હેઠે મંચ ઉપર ગાદીતકિયા  બિછાવીને વિરાજમાન હતા, અને કીનખાપનો સુરવાલ ને ડગલી પહેર્યાં હતાં અને મસ્‍તક ઉપર મોટા સોનેરી છેડાનું ભારે કસુંબલ શેલું બાંઘ્‍યું હતું અને મોટા મોટા સોનેરી છેડાનું કસુંબલ શેલું ખભા ઉપર  વિરાજમાન હતું, અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ  સમસ્‍ત તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

તે સમામાં શોભારામ શાસ્‍ત્રીએ પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! દૈવી ને આસુરી એ બે પ્રકારના જીવ છે, તે અનાદિ કાળના છે કે કોઈકને યોગે કરીને થયા છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “દૈવી ને આસુરી એ બે પ્રકારના જીવ છે, તે પ્રથમ તો પ્રલય કાળે માયાને વિષે લીન થયા હતા, પછી જ્યારે જગતનો સર્ગ થાય છે ત્‍યારે તે બે પ્રકારના જીવ પોતપોતાના ભાવે યુક્ત થકા ઉપજે છે. અને કેટલાક સાધારણ જીવ છે તે તો દૈવી ને આસુરીને સંગે કરીને દૈવી ને આસુરી થાય છે અને કેટલાક દૈવી ને આસુરી જીવ છે, તે તો જેવાં જેવાં કર્મ કરતા જાય છે તેવા તેવા ભાવને પામતા જાય છે, તેમાં આસુરભાવને વિષે ને દૈવીભાવને વિષે મુખ્‍ય હેતુ તો સત્‍પુરૂષનો કોપ ને અનુગ્રહ છે, જેમ જયવિજય ભગવાનના પાર્ષદ હતા, તેણે સત્‍પુરૂષ એવા જે સનકાદિક તેનો દ્રોહ કર્યો ત્‍યારે આસુરભાવને પામી ગયા, અને પ્રહ્યાદજી દૈત્‍ય હતા તેણે નારદજીનો ઉપદેશ ગ્રહણ કર્યો તો પરમ ભાગવત સંત કહેવાયા, માટે મોટા પુરૂષનો જે ઉપર કોપ થાય તે જીવ આસુરી થઈ જાય છે, અને જે ઉપર મોટા પુરૂષ રાજી થાય તે જીવ દૈવી થઈ જાય છે, પણ બીજું દૈવી આસુરી થયાનું કારણ નથી. માટે જેને પોતાનું કલ્‍યાણ ઈચ્‍છવું હોય તેને ભગવાન ને ભગવાનના ભક્ત તેનો કોઈ રીતે દ્રોહ કરવો નહિ, અને જે રીતે ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય તેમ કરવું.” ઇતિ વચનામૃતમ્ વરતાલનું||૧૫|| ૨૧૫ ||