ગઢડા મઘ્ય ૫૯ : પરમ કલ્યાણનું

Submitted by Parth Patel on Thu, 17/02/2011 - 1:05am

ગઢડા મઘ્ય ૫૯ : પરમ કલ્યાણનું

સંવત્ ૧૮૮૧ના શ્રાવણ શુદિ ૧૨ દ્વાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની ઓસરીએ ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા, અને શ્રીજીમહારાજે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “ચાર વેદ, પુરાણ, ઇતિહાસ, એ સર્વેમાં એજ વાર્તા છે જે, ‘ભગવાન ને ભગવાનના સંત એ જ કલ્‍યાણકારી છે.’ અને ભગવાનના જે સાધુ છે તે તો ભવ બ્રહ્માદિક દેવ થકી પણ અધિક છે. તે ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્‍તિ થઇ ત્‍યારે એ જીવને એથી ઉપરાંત બીજું કોઇ કલ્‍યાણ નથી, એજ પરમ કલ્‍યાણ છે. અને ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્‍યવાળાને મળે છે પણ થોડા પુણ્‍યવાળાને મળતી નથી.માટે ભગવાનના સંત સાથે તો એવું હેત રાખવું,જેવું હેત સ્‍ત્રી ઉપર છે, કે પુત્ર ઉપર છે, કે માબાપ કે ભાઇ ઉપર છે, તેવું હેત રાખવું; તો એ હેતે કરીને જીવ કૃતાર્થ થઇ જાય છે. અને પોતાનાં જે સ્‍ત્રી-પુત્રાદિક હોય તે તો કુપાત્ર હોય ને કુલક્ષણવાળાં હોય, તો પણ કોઇ રીતે તેનો અવગુણ એ જીવને આવતો નથી, અને જે ભગવાનના ભક્ત હોય તે તો સર્વે રૂડે ગુણે કરીને યુક્ત હોય, પણ જો તેણે લગારેક કઠણ વચન કહ્યું હોય તો તેની આંટી જીવે ત્‍યાં સુધી મુકે નહિ. એવી જેની વૃત્તિ છે તેને તો જેવું પોતાનાં સંબંધી ઉપર હેત છે તેવું તે ભગવાનના ભક્ત ઉપર કહેવાય જ નહિ. ત્‍યારે એનું કલ્‍યાણ પણ થાય નહિ. અને સંતનો મહિમા તો પ્રથમ કહ્યો એવો મોટો છે. તે સંતની ને ભગવાનની પ્રાપ્‍તિ થઇ છે. તો પણ કોઇકને એમ ડગમગાટ રહે છે જે ‘મારૂં કલ્‍યાણ થશે કે નહિ થાય ?’ તેનું શું કારણ છે ? તો એ જીવને પૂર્વજન્‍મને વિષે ભગવાન કે ભગવાનના સંતની પ્રાપ્‍તિ થઇ નથી, ને તેમની સેવા પણ તેણે કરી નથી, એને તો આ જન્‍મમાં જ નવો આદર છે; તે આગલા જન્‍મમાં ફળશે. અને જેને પૂર્વ જન્‍મમાં ભગવાનની કે ભગવાનના ભક્તની પ્રાપ્‍તિ થઇ હશે. તથા તેમની સેવા કરી હશે, તેને તો આ જન્‍મમાં ભગવાન કે ભગવાનના ભક્તમાંથી હેત મટે જ નહિ,અને નિશ્વયમાં પણ ડગમગાટ થાય નહિ. અને કામ, ક્રોધ, લોભ સંબંધી ઘાટ તો કદાચિત્ રહે પણ ભગવાનનો નિશ્વય તો કોઇ રીતે મટે નહિ, તે કોઇકને વચને કરીને ન મટે એમાં શું કહેવું ? એને તો જો પોતાનું મન ડગમગાટ કરાવે તો પણ ડગમગાટ થાય નહિ. અને તેની દઢતા તો જેવી નાથ ભક્તની છે, કે જેવી ૨વિષ્ણુદાસની હતી, કે જેવી હિમરાજશાહની હતી, કે જેવી ૪કાશીદાસને છે, કે જેવી ૫ભાલચંદ્ર શેઠની હતી, કે જેવી ૬દામોદરને છે, એવી દઢતા હોય ત્‍યારે જાણવું જે આ પૂર્વ જન્‍મનો ભગવાનનો ભક્ત છે.” ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું ||૫૯|| ૧૯૨ ||