ગઢડા મઘ્ય ૫૮ : સંપ્રદાયની પુષ્ટિનું

Submitted by Parth Patel on Thu, 17/02/2011 - 1:04am

ગઢડા મઘ્ય ૫૮ : સંપ્રદાયની પુષ્ટિનું

સંવત્ ૧૮૮૧ના શ્રાવણ શુદિ ૪ ચોથને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદીતકિયા બિછાવીને વિરાજમાન હતા, અને શ્રીજીમહારાજે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ મંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, “જે જે આચાર્ય થયા છે તેના સંપ્રદાયની પુષ્‍ટિ ઘણાક કાળ સુધી શે ઉપાયે કરીને રહે છે ?” પછી મુકતાનંદસ્વામીએ કહ્યું જે, “એક તો સંપ્રદાય સંબંધી ગ્રંથ હોય, અને બીજો શાસ્‍ત્રે કહ્યો એવો વર્ણાશ્રમનો ધર્મ હોય, અને ત્રીજી પોતાના ઇષ્‍ટદેવને વિષે અતિશે દૃઢતા હોય, એ ત્રણેને યોગે કરીને પોતાના સંપ્રદાયની પુષ્‍ટિ રહે છે. પછી શ્રીજીમહારાજે બ્રહ્માનંદ સ્વામી તથા નિત્‍યાનંદસ્વામીને પણ પુછયું ત્‍યારે એમણે પણ એવી જ રીતે કહ્યું.  પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે “લ્‍યો એ પ્રશ્ર્નનો ઉત્તર અમે કરીએ જે, સંપ્રદાયની પુષ્‍ટિ તો એમ થાય છે જે, એ સંપ્રદાયના ઇષ્‍ટદેવ હોય તેનો જે હેતુ માટે પૃથ્‍વીને વિષે જન્‍મ થયો હોય, અને જન્‍મ ધરીને તેણે જે જે ચરિત્ર કર્યાં હોય, અને જે જે આચરણ કર્યાં હોય, તે આચરણને વિષે ધર્મ પણ સહજે આવી જાય, અને તે ઇષ્‍ટદેવનો મહિમા પણ આવી જાય. માટે પોતાના ઇષ્‍ટદેવનાં જે જન્‍મથી કરીને દેહ મુકવા પર્યંત ચરિત્ર તેનું જે શાસ્ત્ર, તેણે કરીને સંપ્રદાયની પુષ્‍ટિ થાય છે. તે શાસ્ત્ર સંસ્‍કૃત હોય અથવા ભાષા હોય પણ તેજ ગ્રંથ સંપ્રદાયની પુષ્‍ટિ કરે, પણ તે વિના બીજો ગ્રંથ પોતાના સંપ્રદાયની પુષ્‍ટિ ન કરે. જેમ રામચંદ્રના ઉપાસક હોય તેને વાલ્‍મીકિ રામાયણે કરીને જ પોતાના સંપ્રદાયની પુષ્‍ટિ થાય, અને શ્રીકૃષ્ણ ભગવાનના જે ઉપાસક હોય તેને દશમસ્‍કંધ અને એકાદશસ્‍કંધ, એ બે જે ભાગવતના સ્‍કંધ તેણે કરીને જ પોતાના સંપ્રદાયની પુષ્‍ટિ થાય, પણ રામચંદ્રના ઉપાસક તથા શ્રીકૃષ્ણના ઉપાસક તેને વેદે કરીને પોતાના સંપ્રદાયની પુષ્‍ટિ ન થાય. માટે પોતાના સંપ્રદાયની રીતનું જે શાસ્ત્ર હોય તે જ પાછલે દહાડે પોતાના સંપ્રદાયને પુષ્‍ટ કરે છે.” એમ કહીને શ્રીજીમહારાજે મુકતાનંદસ્વામીને કહ્યું જે, “તમે પણ પોતાના સંપ્રદાય સંબંધી ને પોતાના ઇષ્‍ટદેવ સંબંધી જે વાણી તથા શાસ્ત્ર તે જ દેહ પર્યંત કર્યા કરજ્યો ને તમારો દેહ રહે ત્‍યાં સુધી તમને એજ આજ્ઞા છે.” પછી એ જે શ્રીજીમહારાજનું વચન તેને મુકતાનંદ સ્વામીએ અતિ આદર કરીને માથે ચડાવ્‍યું, અને શ્રીજીમહારાજને બે હાથ જોડીને નમસ્‍કાર કર્યો. ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું ||૫૮|| ૧૯૧ ||